ગઝલઃ ‘ઊડી ગઈ ઝાકળ બનીને’ – તાજા કલામને સલામ (૮) ~ કાવ્યનો આસ્વાદ ~ કવયિત્રી: ભારતી વોરા ‘સ્વરા’ ~ આસ્વાદઃ સપના વિજાપુરા

ગઝલઃ ‘ઊડી ગઈ ઝાકળ બનીને’

ભીંતમાંથી જાત એવી નીકળી પીપળ બનીને,
ભીતરેથી આહ એવી કાંપતી કૂંપળ બનીને.

શ્વાસના સંબંધ એવા, વાંસળીને ફૂંક જેવા,
ફેફસાંથી ફૂંક એવી નીકળી મંગળ બનીને.

આપ્તજન તો દૂરથી દેખાય કડવા લીમડા સમ,
ગોદડી એ હૂંફની ઓઢાડતા શીતળ બનીને.

ઠામ, કપડાં ને તગારા, ગોઠવી ઘરમાં જગા કર,
ને પછી શ્વાસો ય અથડાયા કરે ભોગળ બનીને.

સાગરેથી વાત ઊડી આસમાને પહોંચી ગઇ છે,
કાન ભંભેર્યા હવાએ તો પડ્યા વાદળ બનીને.

પ્રેમની ભાષા ન વાંચો સાવ લાગો છો અભણ કે,
સ્નેહની વાતો ‘સ્વરા’ ઊડી ગઈ ઝાકળ બનીને

~ કવયિત્રી: ભારતી વોરા ‘સ્વરા’
~ આસ્વાદઃ સપના વિજાપુરા

કવયિત્રી ભારતી વોરા ‘સ્વરા’ એક સંવેદનશીલ હૃદય ધરાવે છે. સુરતનિવાસી અને બાળકોની પ્રિય એવી શિક્ષિકા છે. બાળકોને લખવા માટે પ્રોત્સાહન આપે છે. બાળકોને ગીત લખવાનું માર્ગદર્શન આપ્યું અને વિજ્ઞાનના વિષય પર ગીત લખાવી તેમાંથી સુંદર ગીતો પસંદ કરી એની એક નાનકડી પુસ્તિકા પ્રકાશિત કરી જેનું નામ આપ્યું “ચુંબક નાનું ભલેને હું”. ગદ્ય અને પદ્ય બંને લખે છે. આવો એમની આ ગઝલનો આસ્વાદ કરીએ.

ભીંતમાંથી જાત એવી નીકળી પીપળ બનીને,
ભીતરેથી આહ એવી કાંપતી કૂંપળ બનીને.

માણસ જેવો છે તેવો ક્યાં દેખાય છે. માણસની અંદર એક બીજો માણસ હંમેશા જીવતો રહે છે. પણ એ છૂપાયેલો માણસ ક્યારેક તો બહાર આવી જાય છે. હૃદયમાં છૂપાવી રાખેલા ભાવ ક્યારેક બહાર ડોકિયાં કરી દે છે. કોઈ નો સુંવાળો સ્પર્શ કે કોઈની પ્રેમથી ભરેલી વાણી તમારા હૃદયની લાગણીને કોરીને પીપળની માફક બહાર લાવી દે છે, ત્યારે શું થાય છે? ભીતરેથી આહ નીકળી જાય છે, અને એ આહ કૂંપળ બનીને કંપી ઉઠે છે. હૃદયમાંથી લાગણીના પૂર ઉમટી આવે છે. આપણી અંદર છૂપાયેલી જાત પીપળ બનીને ઊગી નીકળે છે.

શ્વાસના સંબંધ એવા, વાંસળીને ફૂંક જેવા,
ફેફસાંથી ફૂંક એવી નીકળી મંગળ બનીને.

વાંસળીને ફૂંક મારો તો મધુર સંગીત ઉત્પન્ન થાય. એમજ શ્વાસના સંબંધ એવા મીઠા કે જાણે વાંસળીના ફૂંક જેવા ફેફસામાંથી દરેક ફૂંક એવી નીકળવી જોઈએ જેથી સર્વનું મંગળ થાય! સર્વનું ભલું થવું જોઈએ! દરેક શ્વાસે જિંદગીકા વાંસળી જેવી મીઠાશ પાથરતા રહેવી જોઈએ! મીઠાં બોલ એવાં નીકળે કે પ્રેમ અને પ્રેમ જ સર્વત્ર છવાઈ જાય! કોઈ સંવેદનશીલ કવયિત્રીને આવો વિચાર કરી શકે!

આપ્તજન તો દૂરથી દેખાય કડવા લીમડા સમ,
ગોદડી એ હૂંફની ઓઢાડતા શીતળ બનીને.

ત્રીજા શેરમાં પણ કવયિત્રી ફરી આત્મજનની વાત કરે છે. ભલે એ લોકો કડવા બોલ બોલે, પણ એ લોકો જ હૂંફની ગોદડી બનીને શીતળતા આપશે. પોતાના હોય તે આપણું ભલું જ ઇચ્છતા હોય છે. એ ભલું થવા માટે ક્યારેક કડવી ભાષામાં મીઠી સલાહ આપતાં હોય છે. લીમડાની સરખામણી એટલાં માટે કરવામાં આવી હશે કે કડવા લીમડાની છાયા શીતળ હોય છે. કડવી સલાહ ક્યારેક આપણને મોટી મુસીબતમાંથી બચાવી લેતી હોય છે.

ઠામ, કપડાં ને તગારા, ગોઠવી ઘરમાં જગા કર,
ને પછી શ્વાસો ય અથડાયા કરે ભોગળ બનીને.

આ શેરમાં માણસની ઊભી કરેલી વ્યસ્તતા વિશે વાત કરેલી છે.આજકાલ માનવ મનમાં કેટલીય ગડમથલ,કેટલાય વિચાર જે જરૂરી તેમજ બિનજરૂરી પણ હોય છે. પોતાના મનને સાંભળવાનો અવકાશ મળતો નથી. જેમ ઘરમાં બધી વસ્તુઓ અવ્યવસ્થિત હોય તો પગ મૂકવાની જગ્યા ન રહે.જો વસ્તુઓને વ્યવસ્થિત ગોઠવી હોય તો નાનામાં નાનો અવાજ સંભળાવા કે વસ્તુઓ માણવાનો અવકાશ રહે. અહીં સૂક્ષ્મ રીતે અસ્તવ્યસ્ત વિચારોને ગોઠવી જો જગ્યા કરવામાં આવે તો પોતાના શ્વાસ પણ ભોગળ સ્વરૂપે અથડાતાં હોય એટલે કે શ્વાસના ટકોરા પણ સંભળાય. એટલે કે શ્વાસ રૂપી આત્માનો અવાજ જીલી શકીએ.

સાગરેથી વાત ઊડી આસમાને પહોંચી ગઇ છે,
કાન ભંભેર્યા હવાએ તો પડ્યા વાદળ બનીને.

કવયિત્રી ભારતીબેન વિજ્ઞાનના નિયમને દર્શાવતો એક શેર બનાવ્યો છે કે સાગરમાંથી પાણી વરાળ થઈને આસમાન પર જાય અને એ વરાળનું પાણી વાદળ બની ફરી જમીન પર વરસે! પણ કવિની ભાષામાં સરસ રીતે સમજાવ્યું કે સાગરેથી વાત ઊડી આસમાન પર પહોંચી ગઈ! અફવાનું પણ એવું છે. એક મોઢેથી બીજાને મોઢે વાત ફેલાતી જાય અને કોઈ નવી વાત બની બહાર આવે! હવાએ કાન ભંભેર્યા તો વાદળ બનીને વરસ્યા!માનવ પણ આવી અણગમતી અફવાઓથી ગેરસમજ ઊભી કરે છે અને સંબંધમાં તિરાડ પડે છે!

પ્રેમની ભાષા ન વાંચો સાવ લાગો છો અભણ કે,
સ્નેહની વાતો સ્વરા’ ઊડી ગઈ ઝાકળ બનીને.

આંખોથી બયાં થાય તે પ્રેમ છે પણ પ્રેમની ભાષા સમજી કેટલાં શકે છે? વળી પ્રેમને શબ્દથી બયાં કરવો પડે તો પ્રેમનું મૂલ્ય ઘટી જાય છે. કિતાબે તો બહુત સી પઢી હોગી તુમને , મગર કોઈ ચહેરા ભી તુમને પઢા હૈ ?

પ્રેમની ભાષા વાંચી ના શકે એ અભણ જ લાગે છે. ઘણી કોશિશ કરવા છતાં જો પ્રેમી દિલની વાત સમજી ના શકે તો સ્નેહની વાતો ઝાકળ બનીને ઊડી જાય છે. ઘણાં પ્રેમના કિસ્સા પ્રેમની ભાષા ના સમજવાને કારણે અધૂરાં રહી જતા હોય છે. કબીર કહે છે એમ ‘ પોથી પઢ પઢ જગ મૂઆ પંડિત ભયા ના કોઈ, ઢાઈ આખર પ્રેમકા પઢે સૌ પંડિત હોય ! કવયિત્રી ભારતીબેન વોરા ખૂબ ચિંતનશીલ ગઝલ આપે છે !

***

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

4 Comments

  1. ખુબ સુંદર ગઝલ સાથે એટલો જ સુંદર રસાસ્વાદ.

  2. સાદ્યંત સુંદર ગઝલ અને એટલો જ સરસ રસાસ્વાદ.
    શેર ૧,૪ અને પાંચ થોડા વધુ ગમી ગયા.

  3. ભારતીબેન સિહોર તાલુકાનું ઘરેણું છે.
    અમરગઢ પ્રા.શાળામાં એમની શૈક્ષણિક સફર અદભુત છે.
    સાથે સાહિત્યનો જીવ એટલે બાળકોને મોજ પડી એટલો આંનદ ઉત્સાહ કવિતા ગીત અને ઇત્તર પ્રવૃત્તિ દ્વારા આપે છે.

    સ્વરાના તખલ્લુસથી ગઝલ લખવાની શરૂઆત કરીને પાપા પગલી પાડી રહ્યા છે. ઉત્તમ ગઝલ દ્વારા સાહિત્યમાં એમનું પ્રદાન માતબર ગણાય એટલું લખતા રહે.
    શુભેચ્છા 🙏