બન્ને બા પાસેથી હું કેટલું પામી હતી! (પ્રકરણ : 34) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા

પ્રકરણ : 34

એક દુઃખદ ઘટનાની ઝીણી ફાંસ મનમાં ઊંડે ઊતરી ગઈ છે, જેની પીડાનાં લબકારા આજે પણ મને વિચલિત કરી મૂકે છે.

બાનું રાજકોટનું ઘર `નવદુર્ગા’. બાએ જાતે જ બંધાવેલું. ઉજ્જડ વનવગડાનો પ્લોટ હતો એ સમયે. બાએ ભરતડકે ઊભાં રહી પૈસા પૈસાની ઈંટ જોડી, જિંદગીનું પહેલું જ ઘર ઢળતી ઉંમરે બાંધ્યું.

બા સ્વયં બનાવેલા બંગલાની પોર્ચમાં… ચોપગી દીકરી સાથે

કૉન્ટ્રેક્ટર અને કડિયા સાથે મળીને આપસૂઝથી સરસ સગવડવાળું સાદુંસીધું ઘર. રસ્તાનો છેલ્લો પ્લોટ એટલે ભરપૂર હવાઉજાસ. ગોળ ફરતું મોટું કમ્પાઉન્ડ. ભાઈબહેનો માટે માતાપિતાના વહાલનું એ વટવૃક્ષ. અમે સહુ અમારાં બાળકો સાથે વૅકેશનમાં ત્યાં કુટુંબમેળો કરતા. ઘર અમને વાત્સલ્યથી આશ્લેષમાં લેતું.

બહેનોની ત્રિપુટી

ત્યાં જવાનું મને સદાય ખેંચાણ. બા અને મોટી બહેનનાં અંગત કામ મારે કરવાનાં હોય, સાથે પપ્પાનાં પુસ્તકોનાં કામ પણ સંભાળવાના. બાએ ધીમે ધીમે વિસ્મૃતિનાં પ્રદેશમાં પગ મૂક્યો હતો એટલે પણ જવાનું વધુ મન થાય.

બાની સ્મૃતિનાં અંધારખંડમાં ક્યારેક વીજળી ઝબૂકી જતી ત્યારે પપ્પા સાથે ગાળેલા સમયનો એકાદ ટુકડો ઝળાંહળાં થઈ જતો. હવે બાની પોતાની અલગ નીજી દુનિયા હતી. શાંતિથી સૂતા સૂતા શૂન્યાવકાશમાં એ તાકી રહેતી. મહેન્દ્ર બીમાર હતા ત્યારે પણ મને આગ્રહ કરી બા પાસે મોકલતા. એમના ગયા પછી તો હું અવારનવાર ત્યાં પહોંચી જતી.

બાની સાથે જ બિંદુબહેન રહેતાં હતાં એટલે બાની દેખભાળની ચિંતા ન હતી. મોટી બહેનનો પુત્ર મારા પછી કુટુંબનું પ્રથમ સંતાન. એટલો સહુનો વહાલો! સગાંવહાલાં તો અમારે ખાસ હતા નહીં એટલે કુટુંબમાં નાનાં બાળકો અમે જોયેલાં નહીં.

લગ્ન પછી મોટી બહેનને પપ્પા ભણાવતા હતા. એટલે એને પપ્પામમ્મીએ સાથે રાખ્યો, કાન્તની કવિતા ગાતા હિંચોળ્યો. મારા લગ્ન પછી અમે એને સાથે રાખ્યો, મારા ત્રીજા સંતાનની જેમ મહેન્દ્રએ ભણાવ્યો. સહુનો અઢળક પ્રેમ ઢોળાય એની પર.

પસંદગીનાં લગ્ન કરી એ રાજકોટ સ્થાયી થયો. પણ ઘર નહીં, નોકરીનાં કોઈ ઠેકાણાં નહીં. કંઈ નહીં, આપણું `નવદુર્ગા’ તો છે ને! ત્યાં બે ફ્લૅટમાં ઘર. બાની બાજુનો ફ્લૅટ મોટો અને બા એ તરફ એકલા. બાએ એમને સાથે રાખ્યા. નિરાંતે એમણે વર્ષો સુધી બાનું ઘર અને ઘરવખરી મફત વાપર્યા.

મહેન્દ્રનું અવસાન થયું અને તરત જ બિંદુબહેનનો એક રાત્રે ગભરાટભર્યો કૉલ… દીકરાએ કોર્ટ નોટિસ આપી છે, હું આ ઘરમાં રહું છું, એમાં મારો ભાગ કહેવાય, મને આપી દો.

હું તો આઘાતથી ઊભી જ વહેરાઈ ગઈ! મહેન્દ્ર મારા કુટુંબની ઢાલ, એમની શેહ આંખની શરમ. પણ એ ચાલી જતાં જ વિષધરે ટોપલીમાંથી બહાર નીકળી ફેણ માંડી.

હું ફાળભરી રાજકોટ દોડી. બા પથારીવશ. મોટીબહેન અને બનેવી સિનિયર સિટીઝન અને બનેવી હવે દૃષ્ટિહીન. અમે સહુ અમારા સંસારમાં વ્યસ્ત. એટલે બંગલો તો આંકડે મધ! એ માટે કોઈ પણ હદ સુધી એ લોકો જઈ રહ્યા હતા.

હાથમાં નોટિસ લઈ હું રાજકોટ કોર્ટના ચોગાનમાં મૂંઝાતી ઊભી હતી કે એક યુવા મહિલા વકીલે સામેથી આવી મારા હાથમાંથી નોટિસ લઈ લીધી, વર્ષાબહેન ચિંતા ન કરો. તમારો આ કેસ આજથી મારો. નવાઈ પામી મેં પૂછ્યું, તમે કોણ? હું ભાવના કમલેશ જોષીપુરા.

મને યાદ આવ્યું. મને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો ત્યારે રાજકોટના આ પ્રથમ મહિલા મેયરે રાજકોટમાં મારા સન્માનનો સરસ કાર્યક્રમ કર્યો હતો અને કવયિત્રી સંમેલન યોજ્યું હતું.

ભાવનાબહેને રાજકોટ મ્યુનીસીપલ કો. તરફથી કરેલું સન્માન

એમણે સામે ચાલી મારી ઉપાધિ વહોરી લીધી, કોઈ અપેક્ષા કે ઉપકારભાવ વિના.

આ કેસની બહુ લાંબી અત્યંત પીડાદાયક કથા છે. એક વિષધરને કેટલી કોથળી હોઈ શકે! વાતમાં એટલો કાદવકીચડ છે કે એને ઢાંકણ ઢાંકી દેવું જ બહેતર.

એ છ મહિના દરમ્યાન હું અને ભાવનાબહેન ગાઢ મિત્રો બની ગયા.

ભાવના જોષીપુરા સાથે

પોતીકા અને પારકાની વ્યાખ્યા કરવી કેટલી અઘરી છે! ભાવનાબહેન નીડર વકીલ અને ભાંગ્યાનાં ભેરુ. સ્ત્રીઓ સાથે થતી સ્થૂળ સૂક્ષ્મ હિંસા સામે આ નાગરાણી ક્ષત્રિયાણી બની લડે, સાથે સાથે સેવાકામની અનેક પ્રવૃત્તિઓ. કઈ કોર્ટકથા સુખદ હોય છે! દુર્યોધન અને દુઃશાસન યુદ્ધના મેદાનમાં નહીં પણ હવે કોર્ટમાં લડે છે.

થોડા મહિનામાં મેં કોર્ટના ચક્કર કાપતાં અનેક દુઃખદાયક કેસ જોયા, સાંભળ્યા. ક્યારેક તો કોર્ટના એવા ચુકાદાઓ સાંભળતી, એવાં દૃશ્યો જોતી કે રાત્રે ઊંઘ વેરણ થઈ જતી.

અમારો પણ એવો જ ચુકાદો આવ્યો જે મને સ્વીકાર્ય ન હોય તો હવે અમદાવાદની કોર્ટ યુદ્ધનું મેદાન. સામો પક્ષ છેક છેલ્લી પાટલીથી પણ પાછળ તૈયાર બેઠો હતો! પાંચ જ મિનિટમાં ફોન પર `નવદુર્ગા’ વેચી દીધું. પૈસા લઈ હરખાતાં એ લોકો નીકળ્યા. એટલું જ નહીં, ઘડીભર મારી પીઠ ફરી તો ટ્રકમાં બાનાં ઘરનો બધો જ સામાન પણ ઉઠાવી ગયા, દીવાલની ખીલી સુધ્ધાં! બાનું ઘર ફરી લૂંટાયું.

`નવદુર્ગા’ ખાલી કરી સોંપ્યું ત્યારે અમે ભાઈબહેનો વલોવાઈ ગયાં. એ માત્ર નિર્જીવ ઘર નહોતું. સ્વયં પિતાનું છત્ર. બાનો વાત્સલ્યભર્યો ખોળો. બા તો વિસ્મૃતિનાં પ્રદેશમાં વસતી હતી, છતાં એ સમજી, એને બહાર લઈ જતાં એણે બારસાખ પકડી ચીસ પાડી હતી.

એ ચીસ મને આરપાર વીંધી ગઈ, આજેય એ ચીસ ભૂલી નથી. જીવનભર બાએ ગામઠામ બદલ્યા, ઘર માંડ્યા, સમેટ્યા, ઝૂંટવાયા. અંતે જાતે જ બાંધેલા ઘરમાં ઠરીઠામ થઈ અને સ્વજનોએ જ ફરીથી લૂંટ્યું. સંસારનો કુત્સિત ચહેરો જીવનમાં પહેલી વાર મેં જોયો. ઘણીવાર પીડાનો ગઠ્ઠો કાળની ભઠ્ઠીમાં નાંખી તપાવો તોય ઓગળતો નથી. બહુ મથું છું, હજી જેમનો તેમ છે.

ક્ષમા વીરસ્ય ભૂષણમ્. ના હું વીર નથી. હું આ જગતનાં અસંખ્ય સાધારણ મનુષ્યની જેમ એક સામાન્ય, સીધીસાદી સ્ત્રી છું. જ્ઞાની નથી પણ એક વાત જાણું છું આ જગતમાં બધા અપરાધ ક્ષમાને પાત્ર નથી હોતા.

બાનું ઘર ન બચાવી શકી એનો રંજ મને આજેય ડંખે છે. ક્ષમસ્વ બા.
* * *
મારી બે બા. મારી બા અને મહેન્દ્રના બા. ઇચ્છાબા. મારી બાની વાત માંડીને કરું અને બીજી બાની વાત ન કરું તો મારી જીવનકથામાં એક રંગ ખૂટે અને એમને અન્યાય થાય.

વર્ષોનાં પડળ વળી ગયા છે છતાં લખી રહી છું ત્યારે ઘણાં દૃશ્યો-વાતો એવા યથાતથ તાદૃશ્ય થાય છે કે લાગે આ બધું શું હમણાં જ બન્યું હતું! એ સમયે જે પ્રશ્નોએ મને તાવી હોય તેને ઊલટસૂલટ કરીને જોતાં આજે મને એનું જુદું જ રૂપ દેખાય છે. સમય કેવો જાદુગર છે!

લખું તો છું પણ મનમાં અવઢવ છે. અંગત જીવનની ગઠરીની ગાંઠ શે છોડવી! વ્હાય? વ્હોટ ફોર? એવું પણ બને છે કે તમારી લખેલી વાતને સંદર્ભ વિના વચ્ચેથી જ કોઈ એને ટાંકી દઈને તમને ક્ષોભભરી સ્થિતિમાં મૂકી દે.

તો ન લખું! સમજું છું, હું મને ટાળી રહી છું. ઘરની બારી બંધ હોય તો હાશ તમે સુરક્ષિત. પણ ખોલો તો આવતાંજતાં કોઈ ડોકિયું કરે તો કરે પણ સાથે ન્યાય તોળવાની ધૃષ્ટતાયે કરે. તોય મને ટપારું છું, હું ન લખીને એમને અન્યાય નથી કરતી!

ભલે. તો એમ. લખું મારી બીજી બા માટે. અમે એકમેકને કદી મળ્યા જ નહોતા, એ પહેલાં જ અમારા સંબંધમાં મોટી તિરાડ પડી ગઈ હતી. બા એ સમયની (હજી આજના સમયની પણ) ઘણી સ્ત્રીઓની જેમ થોડું ભણી, નાના ગામમાંથી મુંબઈમાં, સમૃદ્ધ, સંયુક્ત પરિવારમાં લગ્ન કરીને આવ્યાં હતાં.

ઘરમાં ત્રાજવે તોળાતા જરઝવેરાત… જૂહુ પર બંગલો… પતિ અમૃતલાલ અડાલજાએ પરિવારથી અને અટકથી પણ અલગ થઈને પોતાનો બિઝનેસ ધીખતો કર્યો હતો. ઑટોમોબાઇલ સ્પેરપાર્ટ્સની બબ્બે દુકાનો હતી. પણ વિશ્વયુદ્ધ, કૉલોનિયલ રૂલમાં ઍક્સપોર્ટ-ઇમ્પોર્ટનાં જાતજાતનાં કાયદાની ભીંસ, સ્વાતંત્ર્ય ચળવળની ઊથલપાથલ અને મુંબઈમાં ફાટી નીકળતાં હિંસક હુલ્લડોમાં બધું હોમાઈ ગયું.

પછી મુંબઈનાં મધ્યમવર્ગીય લત્તામાં એક નાના ઘરમાં રહેવાનું થયું. પણ મહેન્દ્રનાં પિતાનાં મનમાં કડવાશનો છાંટોય નહીં. શાંત સેવાભાવી સ્વભાવ અને આધ્યાત્મિકતાનો પાસ. કબીરભક્ત. હરિ કરે સો હોય. એક શાળામાં શિક્ષક પછીથી પ્રિન્સીપાલ. વિદ્યાર્થીઓમાં તેમનું ખૂબ માન. અડધો જ પગાર ઘરે આવે, બાકીનામાંથી ગરીબ વિદ્યાર્થીઓની ફી ભરાય. બાને માટે એ કેટલા મુશ્કેલ સંજોગો હશે! એમાં નાનાં સંતાનો અને પતિનું અકાળે અવસાન. બધી તરફથી સંજોગોની ભીંસ.

મોટો પુત્ર મહેન્દ્ર તો હજી ફર્સ્ટ યરમાં. એણે તૂટતા ઘરને ટેકો કર્યો. સવારે કૉલેજ, બપોરે ટૅક્સ્ટાઇલ મિલમાં ટાઇપીસ્ટની નોકરી. જે પગાર મળે બાનાં હાથમાં. મહેન્દ્રએ નાના ભાઈબહેનને ભણાવ્યાં, લગ્ન કરાવ્યાં. બી.એ. પછી એલએલબી કરતાં નોકરીમાં ઉપર ચડતા ગયા. હવે ઘરમાં બે જ માતા અને પુત્ર.

બાને મહેન્દ્ર શ્વાસ અને પ્રાણ. એમની તીવ્ર ઇચ્છા હવે પુત્ર જ્ઞાતિની જ ગૃહકાર્ય કુશળ કન્યા સાથે લગ્ન કરે. પણ મહેન્દ્રની સ્પષ્ટ નામરજી. રામકૃષ્ણ પરમહંસ આરાધ્યદેવ અને દક્ષિણેશ્વર પરમધામ.

બા અને હું અમે સાવ જ સામસામા છેડાની બે વ્યક્તિઓ. બા હજી પણ એમનાં જ સમયમાં જીવતાં હતાં. જ્યારે હું સ્વતંત્ર વાતાવરણમાં ઉછરેલી, ભણેલી, નાટકોમાં કામ કરતી, રેડિયો પર નોકરી કરતી. બા કૂકિંગ ક્વિન અને માસ્ટર શેફ. અને મારી રાંધણકળા માટે ન બોલ્યામાં અઢળક ગુણ. હું પરજ્ઞાતિની અને લગ્નની ના પાડતો પુત્ર પોતે જ લગ્ન માટે હવે તૈયાર! બાની સોય ઝાટકીને મારા માટે ના. ના. ના.

વર્ષો પછી મને સમજાયું હતું કે બાનો શું વાંક! મને ન સ્વીકારવાનાં એમની પાસે પૂરતાં કારણો હતાં.

અમે સાદાઈથી લગ્ન કર્યાં. આમ પણ એ સમયે ઘણાંખરાં લગ્નો સાદાઈથી થતાં, બુફે ડિનર, મહેંદી, સંગીત, બ્રાઇડલ ટ્રુઝો વિષે કન્યાઓ બિલકુલ અજ્ઞાની. ત્યારે લગ્ન હજી ધીખતો ધંધો ન હતો. મહેન્દ્ર તો પહેરેલ કપડે ઘરમાંથી નીકળી ગયા હતા, હવે રહેવું ક્યાં?

લગ્નનાં બે દિવસ પહેલાં લીવલાઇસન્સનાં (અધધ) ભાડા પેટે અમને એક રૂમ + રસોડુંનું ઘર મળ્યું. મહેન્દ્રનો અડધો પગાર તો ભાડા પેટે. થોડી નોટોને સથવારે આખા મહિનાની દડમજલ કરવાની. મા-દીકરાને અબોલા.

હું મારા માતાપિતાનાં સદાય પ્રસન્ન દામ્પત્યની અને સખ્યની સાક્ષી. એમણે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો પણ એમનાં જીવનરસની છલોછલ કટોરીમાં કડવાશનું એક ટીપુંય નહીં. મારી બા તો કસોટીઓનાં સોયનાં નાકામાંથી અનેકવાર નીકળી હતી, સ્વસ્થતાથી.

હું રક્ષિત કોચલામાંથી સંસારની પગથી પર હજી પગ મૂકી રહી હતી. કદાચ મારામાં બાનાં એ સંસ્કાર હશે. કદી મહેન્દ્રનાં બા સાથે કે સામે લડી નથી. મનમાં ઊગી ગયેલું કે ગમેતેમ એ મા છે, એકલા રહે છે. મહેન્દ્રના નાનાભાઈ પત્ની સાથે અલગ રહે પણ બાનું ધ્યાન રાખે.

મહેન્દ્રને કહ્યા વિના હું બા પાસે જાઉં, અમે બે ચૂપચાપ બેસી રહીએ, અમારી વચ્ચે વાતનો વિષય ક્યાં હતો! કોઈવાર બાનું મન એટલું કડવું થઈ જાય કે મારી ખબર લઈ નાંખે. લાંબી કથાનો ટૂંક સાર એ કે હું ઉદાસ થઈ જાઉં, ઘરે પહોંચી ઉદાસી સંતાડું પછી ભૂલી જાઉં.

મારા લગ્ન પછી તરત પપ્પાનું અવસાન, બા હવે રાજકોટ, ઈલા પણ મુંબઈમાં દૂર, ભાઈ અમદાવાદ. ફોન તો હતા નહીં. એક રૂમમાં મન લાગે નહીં. બધું ઉભડક લાગે. ગૃહિણી થવું સહેલું નથી.

સમય વીત્યો, માધવીનો જન્મ થયો. સંસારમાં થોડી ઠરી. હવે હું પણ મા હતી, બાને સમજી શકતી હતી. મહેન્દ્રને સમજાવી, થોડા દિવસ ઘરે લઈ આવી. માદીકરો થોડી વાતો કરતા થયા ત્યારે મને ખૂબ આનંદ થયો. બાને તો બે પુત્રોમાં માધવી પહેલું સંતાન એટલે રાજી થતા.

બાને એકવાર હૉસ્પિટલમાં દાખલ કર્યાં હતાં. હું જાણું ત્યાંનો કોળિયો એમને થોડો ગળે ઊતરે! હું ત્યારે `સુધા’માં કામ કરું. રસોઈ, બાળકોની સ્કૂલ, ઑફિસ હું બંબાવાળાની જેમ દોડાદોડ કરું.

એક કામ મેં જાતે જ માથે લઈ લીધેલું. બાનું ટિફિન લઈ વૉર્ડમાં દાખલ થાઉં કે બાનાં ચહેરા પર આછું સ્મિત. મારો થાક ઊતરી જાય. મારી દેરાણી હર્ષિદા મારી મિત્ર અને પાર્ટનર ઇન ક્રાઇમ.

બા પાસે હવે સમય નથી, એવું ડૉક્ટરે અમને કહેલું. હૉસ્પિટલમાં બહારનું ખાવાનું ન લઈ જઈ શકાય. એટલે અમે લીલા નાળિયેરનું પાણી કાઢી, મીઠાઈની દુકાનેથી રબડી વગેરે ખરીદી એમાં ભરીને લઈ જઈએ. રૂમ બંધ કરી બાને ટેસથી ખવડાવીએ. પણ બા તો સાજાસમા થઈ ઘરે ગયાં. મને થયું મારા પ્રત્યે કદાચ થોડા કૂણા પડ્યાં હતાં પણ કડક આવરણ તો અકબંધ.

પછી બા સાચ્ચે જ બીમાર પડ્યાં. મારા ઘર નજીકની હૉસ્પિટલમાં અમે દાખલ કર્યાં. હું આવનજાવન કરું, એમની સુવિધાઓનો ખ્યાલ રાખું. એ ખાસ બોલે નહીં, સૂતા સૂતા મને જોયા કરે.

એક બપોરે ગઈ, મને તાકી રહેલી આંખોમાંથી મૃત્યુ મને તાકી રહેલું જોઈ હું છળી ગઈ. મોબાઇલ તો હતા નહીં, પુત્રોને કેવી રીતે કહું! હું એમનો હાથ પકડીને બેસી રહી, માથે હાથ ફેરવતી રહી. અમે એકમેકને જોઈ રહ્યા. જીવનભર એમને સંતાનો, સગાંવહાલાં અને જ્ઞાતિજનો બધાંનો ખૂબ મોહ હતો, કોઈ પણ મનુષ્યને હોય એમ.

પણ અંતિમ ક્ષણે અમે બે જ. મને ટગરટગર તાકી રહેલી આંખો. મૃત્યુનો મારો આ પહેલો જ મોંમેળાપ. બુઝાતા દીવાની જ્યોત ઝગી ઊઠે એમ ક્ષીણ સ્વરે કહ્યું… તમને મેં ઓળખ્યા… નહીં… તમે… મને ફરી મળજો

એમનો હાથ મારા હાથમાંથી સરી ગયો. હંસલો મોતીચારો ચણવા ઊડી ગયો. એ ક્ષણે એમના ચહેરા પર પીડાની, દુઃખની એક પણ રેખા ન હતી. શું છુટ્ટા પડવું એટલે મળવું!

બન્ને બા પાસેથી હું કેટલું પામી હતી! મારી બાએ મુસીબતો સામે હસતે મુખે ટટ્ટાર ઊભાં રહેતા શીખવ્યું.

મારી બીજી બા, એમના સમયની પરંપરાનું સંતાન. વાડમાં બંધાયેલા. છતાં અંતિમ ક્ષણે પોતાનાથી થયેલી ચૂકનો સ્વીકાર કરી, સ્વયં આત્મજ્યોતિ ચેતાવી મૃત્યુને મંગલમય કર્યું એ કેટલી મોટી વાત હતી!

હા બા, આપણે મળીશું. જરૂર મળીશું. સમયની પેલે પાર. સરહદ વિનાનાં એક ઉજાસભર્યા પ્રદેશમાં.
* * *
મહેન્દ્રની વિદાય પછી સમયનો એક લાંબો વેરાન પટ નજર સામે ફેલાતો જતો હતો. ઘરમાં હું એકમેવ. મારે નજીકનાં ખાસ સ્વજનો ન હતા, મહેન્દ્ર પણ એનાં સ્વજનોથી થોડો દૂર. સાવ અંતર્મુખી.

એકદંડિયા મહેલની અટારીએથી હું દૂર સુધી તાકી રહું છું. ઢળતી બપોરનાં લંબાતા પડછાયા ધીમે ધીમે અંધકારમાં ઓગળે છે પછી છે નિરવ શાંતિ. પથ્થર જેવી સઘન.

ઘર પાછળનો બાગ પણ સંધ્યા પછી બાળકોની કિલકારીથી ગુંજતો નથી. પંખીઓ માળામાં જંપી જાય છે. સાંજે વૉક લઈ પાછાં ફરતાં લેચકીથી બારણું ખોલી ઘરમાં પ્રવેશી બારણું બંધ કરું જાણે સેફ ડિપૉઝિટ વૉલ્ટ!

ઓકે. સો વ્હોટ! વિખરાયેલી જાત સમેટી લઈ હું મારામાં પાછી ફરું છું. સમયનાં ઉજ્જડ વેરાન પટને જળ, વાયુ તેજથી નવસાધ્ય કરું છું. હવે ત્યાં હરિયાળા તૃણાંકર લહેરાતાં જોઈ મન પ્રસન્ન થઈ જાય છે.

મારા ઘર પાસેનો પ્રિય બગીચો

આ મારી, મારા માટે રચેલી દુનિયા છે, જ્યાં હું મારી સાથે રહું છું. ટુ બી વીથ યોરસેલ્ફ. એ જીવનનું કેવું મોટું વરદાન છે!

મહેન્દ્રએ મને આપેલી સુંદર અંતિમ ભેટ.

શરીર અને મન વર્ષોથી ટેવાયેલા છે વહેલા ઉઠવા માટે એટલે ઊઠી જવાય છે. મસ્ત મસાલેદાર ચા અને અખબારો. યુ ટ્યૂબ પર ગુંજતા ગમતાં ગીતો. કોઈ આવવાજવાનું નથી, કોઈ માટે કશું કરવાનું નથી. નવું નવું લખવાનું વિચારતી હોઉં છું. ઘણીવાર તો એક નવલકથા લખતી હોઉં ત્યારે સમાંતર મનમાં બીજી ઉતાવળી ઊભી હોય છે.

જીવનનું કેન્દ્ર હું અને મારું લેખન. મેં તો સહજ ભાવે વર્ષો પહેલાં કલમ હાથમાં પકડી હતી. હવે કલમ, પ્રિય સખીની જેમ મારી આંગળી પકડી મને નવા પ્રદેશોમાં લઈ જાય છે. અમે બન્ને આશ્ચર્યચકિત જોઈ રહીએ છીએ.

પહેલાં દસકે દસકે બદલાતો સમાજનો ચહેરો સતત પરિવર્તન પામતો રહે છે. સમય શા માટે પાછળ રહે! એ પણ કશાકની હોડમાં ઊતર્યો હોય એમ એકશ્વાસે દોડતો રહે છે. કાંચળી ઉતારી નવા ક્લેવર ધારણ કરતો રોજ નિત્યનૂતન સ્વરૂપે પ્રગટે છે. જાણે રંગભૂમિ પર જુદા જુદા પાત્ર ભજવતો કુશળ નટ! એ સાથે લોકોની માનસિકતા, વિચારધારા, સંજોગો, લાઇફસ્ટાઇલ પણ બદલાતી રહે છે. અનેક નવી નવી શોધ સુવિધાઓ અને સમસ્યાઓ લઈને આવે છે એ બધાની મનુષ્યજીવન પર ઊંડી અસર પડે છે.

સર્જકે પણ સમાજ સાથે એક વેવલેન્થ પર રહેવાનું છે પરંતુ એ ફોટોગ્રાફર નથી, ચિત્રકાર છે. એ જે જુએ છે, ફીલ કરે છે તેને યથાતથ ક્લિક નથી કરવાનું પણ ચિત્રકાર તરીકે એમાં પોતાની કલ્પનાનાં રંગો પણ પૂરવાના છે. મૂળનાં રંગો અને કલ્પનાનાં રંગો એકમેક સાથે મળીને સંવાદિતા સર્જે એ રીતે.

ફોટોગ્રાફરનો કૅમેરા નિષ્પલક આંખ છે. `ધ મેકિંગ ઑફ લિટરેચર’માં વિવેચક આર. એ. સ્કોટજેમ્સ લેખક થવા ચાર વાત જરૂરી હોવાને લખે છે, ત્રણ વાત તો વ્યાવહારિક છે પણ ચોથી વાત માટે લખે છે, Nor will all the Qualities, I have hither to given my historian avail him unless he has what is generally meant by a good heart and be capable of feeling.

આમ પણ સહૃદયતા અને સંવેદના તો કોઈ પણ કલાનો આત્મા છે ને!

હું નવા નવા વિષયોની ખોજમાં રહું છું. ઘર અને સંસારનાં પ્રેમબંધનથી મુક્ત. ઘર લોક કરો ઔર નિકલ પડો. મારા ઘરની આગળ અને પાછળ મૂવી થિયેટર્સ. હવે તો મલ્ટીપ્લેક્સ એટલે છ થિયેટર. નાટક માટેના ઑડિટોરિયમ પણ નજીક. થોડા સમયમાં એકલા જવાનો સંકોચ ઓછો થઈ ગયો. મરાઠીમાં રૂઢિપ્રયોગ છે, એકઠા જીવ સદાશિવ.

એક વાર મજા પડી ગઈ. બેત્રણ સિઝન અનેક ફિલ્મ ફૅસ્ટિવલ્સ બાજુનાં લિબર્ટી થિયેટરમાં યોજાયા હતા. રેર ઈરાનિયન ફિલ્મ્સનો ફૅસ્ટિવલ હતો એમાં સ્તબ્ધ થઈ જવાય એવી નારીવાદી, સત્યઘટનાત્મક ફિલ્મ્સ જોઈ. મૂંગા બોલપટનાં જમાનાની ફિલ્મ્સ, હિચકોકની મિસ્ટરી ફિલ્મ્સ, ઓસ્કાર વિનર પણ એમાં સામેલ હતી. જૂની ફિલ્મનાં પૉસ્ટર્સનું પ્રદર્શન. પણ દિલખુશ હતું.

હિચકોકની મિસ્ટરી ફિલ્મ્સ

બાજુના મેટ્રો થિયેટરમાં અપર્ણા સેનનો રેટ્રોસ્પેક્ટિવ. પછી સામેની જ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરામાં ઇડલીઢોસા અને રાત્રે નિરાંતની નિંદર.

શહેરીજીવનની એકલતા અને નીંભરતા વિષે બહુ કાવ્યો, નિબંધો લખાયા છે, પણ કોણ શહેર છોડે છે! આ જ શહેર કેટકેટલી સુવિધાઓ અને તમારી જ દુનિયા રચવાની સ્વતંત્રતા આપે છે, યોર ઓન સ્પેસ! જોયેલાં સપનાં સાકાર કરવાની તક અને શક્યતા શહેર આત્મીયજનની જેમ સામેથી આપે છે. હા, કઈ વાતને પ્રાઇસટેગ નથી હોતી!

હું ઘરબહાર નીકળું છું અને ભાતીગળ શહેરમાંથી અનેક દૃશ્યો, વિવિધ અવાજો, ઘૂઘવતા સાગરની ભરતીનાં અમીછાંટણાનો નમકીન સ્પર્શ અને જાણીઅજાણી, મને તરબતર કરતી સુગંધને મારી અંદર અત્તરની શીશીની જેમ ભરી લઉં છું.

એ મને જીવનને જોવાની દૃષ્ટિ આપે છે, મારા સર્જનનું કથાવસ્તુ પણ. ઇલિયટ કહે છે એમ, આખરે કવિને શું જોઈએ છે? શેની તલાશ છે? – ઓછામાં ઓછો બોદો શબ્દ.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. માનનીય વર્ષાં બહેન,
    આજ સુધી ના એકે એક પ્રકરણ રસ પૂર્વાં વાંચ્યા. આ પ્રકરણ માં તો તમારી વર્ણવેલી ઝીણી ફાંસ, મને પણ ચૂભી ગયી. આખી જિંદગી મુશ્કેલીનો સામનો કરી વૃધ્વસ્થામાં બનાવેલ ઘર આપણાજ સગા – જેના પાર ઉપકાર કરીને સાથે રાખ્યા હોય – તે પચાવી પાડે એ કેવી દુઃખદ ઘટના!!
    પણ એક વાત ના સમજાઈ કે ઘર ના ડોક્યુમેન્ટ્સ બા ના નામના હોય તો વધુ માં વધુ દીકરી ના દીકરાને એમનો વારસાઈ ભાગ મળે. એ પણ ન મળે કારણકે આ મિલકત વડીલો ઉપાર્જિત નહોતી. તો એવું કેમ થયું? ઘણા વાચકોને આ ન્યાય વિચિત્ર લાગશે તો આંગણું માં વધુ વિગતે ખુલાસો કરવા વિંનતી.