|

રવિવારનું મહત્ત્વ સૂર્યની જેમ જ અખંડ (લલિત નિબંધ) ~ સંધ્યા ભટ્ટ (બારડોલી)

રવિવાર આવવાનો હોય તેના બે દિવસ આગળથી તેના હળવા તરંગ આસપાસ સેલ્લારા લેવા માંડે છે. શુક્રવાર આવે ત્યાં ‘બસ હવે તો આડો શનિવાર જ ને!’ એમ મન નૃત્ય કરવા માંડે છે! રવિવારનો વિચારમાત્ર આનંદની ક્ષણોની ગાંસડી ભરી લાવે છે, આશાનો સૂરજ મન-હૃદયમાં અને તનમાં પણ તરવરાટ ભરી દે છે!

સ્કૂલમાં ભણતી ત્યારથી તે હવે નોકરીનેય ત્રીસ-પાંત્રીસ વર્ષ થવા આવ્યા છતાં આવનાર રવિવારનો રાજીપો એવો ને એવો નવી નવેલી નવવધૂ જેવો…રવિવાર એટલે સૂર્યમુખીનું તાજું તાજું પુષ્પ! જેમ સૂર્યમુખીનાં દર્શનથી જ મન મહોરી ઊઠે છે તેમ કેલેન્ડરમાં રવિવાર જોતાં જ ચહેરો હસું હસું થઈ જાય છે. કેલેન્ડરમાં પણ રવિવારનો અલગ રંગ હોય છે!

ભણતા હતા ત્યારે પણ અને નોકરીમાં પણ રવિવારની મઝા બગાડવા આપણા ઉપરી સાહેબો કામ આપીને આપણને દુ:ખી કરવા માગે પણ એ કામ હું પહેલેથી જ પતાવી દઉં. રવિવાર માણવાના ઉત્સવમાં કોઈ મણા ન રહેવી જોઈએ.. હા, ઉત્સવ જ વળી.

સવારે અમુક સમયે ઉઠવાના ભાર વગર પોચાં પોચાં પોપચાંના ગાલીચા પર મધમીઠ્ઠી ઊંઘમાં ઝૂલાં ખાવાના. સવારે આંખ ખૂલે ત્યારે હાંફળા-ફાંફળા થઈને ઉઠવાને બદલે એ ય તે પથારીમાં પડ્યા રહેવાનો વૈભવ માણવાનો. નિરાંતે આળસ ખાઈને શાંતિથી તન્મય થઈને નિત્યકર્મ કરવાનું. કર્મ પણ યોગ છે એવું ભાન તો રવિવારે જ થાય છે!

રવિવારની ચાના સ્વાદમાં આદુ અને મસાલા સાથે નિરાંત ભળી હોવાથી મજેદાર લાગે છે. રવિવારને દિવસે ખમણ,ભજિયાં કે ફાફડા અને ચટણી સાથે મરચાંનો નાસ્તો નોકરિયાતને પણ શાહી ઠાઠનો અનુભવ કરાવે છે. જમણમાં મિષ્ટાન્ન વગર રવિવારની ઉજવણી અધૂરી અને આવા ભરેલા જમણ પછી ઘેરાતી આંખે લાંબી ઊંઘ ખેંચીએ અને પછી ઊઠીએ ત્યારે આકાશમાં તરતા વાદળ જેવા હળવા હોવાનો ભાવ થાય!

રવિવારના દિવસે ઘરની દિવાલો, ઓરડાઓ તથા ઓટલો અને વાડો પણ જાણે કે નિરાંતવા જણાય. થોડી ઝાપટ-ઝૂપટ અને લૂછ-લાછથી ઘરની છત અને બારી-બારણાં ચમકતાં થઈને આપણને મીઠું સ્મિત આપતાં હોય એવું લાગે.. નવરાશ અને નરવાશ – આ બેનું સાયુજ્ય આનંદદાયી હોય છે એવું મને રવિવારે અનુભવાયું છે॰

રવિવારે ભીડ કે ટ્રાફિક વગરના રસ્તા પર ચાલવાનો અનુભવ તમે લીધો છે? ભૂપેન્દ્રનું પેલું ગીત યાદ કરાવું, લો..  ‘ઇન ઉમ્ર સે લંબી સડકોં કોં મંઝિલ પે પહુંચતે દેખા નહીં, બસ દૌડતી ફિરતી રહતી હૈ; હમને તો ઠહરતે દેખા નહીં……’ આ ગીતની અલસ ગતિ અને ક્યાંય ન પહોંચવાની વાત મને ખૂબ ગમે છે…એમ થાય કે રવિવારના દિવસે લાંબી લાંબી સડક પર ચાલતા જ રહીએ, ચાલતા જ રહીએ…ન સડક પૂરી થાય અને ન રવિવાર…પ્રિયજન સાથે આમ ચાલતાં હોઈએ અને તેમાં જો ઝરમર ઝરમર વરસાદ પડતો હોય ત્યારે જાણે દેવો જળવર્ષા કરતાં હોય એવો જ આહ્લાદ અનુભવાય!

રવિવારની સાંજે આનંદ કરવાનો બીજો વિકલ્પ છે ખુલ્લાં આકાશ નીચે બેસીને નભલીલા નિહાળવાનો…દરેક ક્ષણે જગત બદલાતું રહે છે તે પ્રત્યક્ષપણે જોતાં જ રહીએ અને આપણે આપણને ભૂલી જઈએ. રંગોની સુંદરતા અને તરલતા આપણી અંદર રહેલી સુંદરતાનો આપણને પરિચય કરાવે છે.

દરિયાકિનારે કે નદીકિનારે સૂર્યને ધીમે ધીમે અસ્ત થતો જોવાનો પણ આનંદ છે અને ખાસ તો સાંધ્યપ્રકાશથી લીંપાયેલું સમગ્ર દ્રશ્ય દૈદીપ્યમાન રવિની અસરના દર્શન કરાવે છે અને રવિવારને ઉજ્જવળ બનાવે છે.હા, પણ જ્યારથી ભેળપુરી અને પાણીપુરીની લારીઓ અસ્તિત્વમાં આવી ત્યારથી લોકોના રવિવારના રસનું કેન્દ્ર આડે રસ્તે ફંટાઈ ગયું. હવે તો સૂર્યોદય અને સૂર્યાસ્ત જોનારાઓમાં શેક્સપિયરે તેના એક નાટકમાં કહેલ તે lover, lunatic અને poet જ બાકી રહ્યા છે.

આખા અઠવાડિયાને ફૂલોનો ગુલદસ્તો કહીએ તો રવિવારને પોતાના પ્રિય પુષ્પનું નામ જ આપવું પડે. હું તો રવિવારને મોગરો કહું. માત્ર ને માત્ર શ્વેત વર્ણ  ધરાવનાર આ પુષ્પની સુગંધ પૂરાં અસ્તિત્વને તરબતર કરી દે છે જેવી રીતે રવિવારનું ભાવન!

 ઉનાળામાં જ્યારે ગરમીથી અકળાતા હોઈએ ત્યારે આ માલતીપુષ્પ સુગંધિત શીતળતા બક્ષે છે. રવિ ભલે ઉષ્ણતાનો પ્રદાતા હોય પણ રવિવાર તો મોગરાની સુગંધની જેમ પવિત્ર અને ઉષ્માપૂર્ણ. ઓલ્ડ ટેસ્ટામેન્ટ પ્રમાણે ખ્રિસ્તીઓ રવિવારે કોઈ કામ ન કરે. રવિવાર એ ઈશ્વરની કૃપાને સ્મરવાનો દિવસ. પરદેશમાં તો રવિવારની સાથે લટકામાં શનિવાર પણ જોડી દેવામાં આવે અને week-end નું ઐશ્વર્ય સૌ માણે. શનિ-રવિના આરામ અને સહેલગાહ પછી સોમવારે જાણે કે નવેસરથી જિંદગી શરૂ થઈ હોય એવી અને એટલી તાજગી લાગે છે.

અંતમાં એટલું કહું કે એકવીસમી સદી હોય કે પછી એકત્રીસમી પણ રવિવારનું મહત્ત્વ સૂર્યની જેમ જ અખંડ, એકમેવ અને ચિરકાલીન રહેશે.

~ સંધ્યા ભટ્ટ (બારડોલી)

આપનો પ્રતિભાવ આપો..

7 Comments

  1. પ્રતિભાવ માટે સૌ મિત્રોની આભારી છું..

  2. વાહ સંધ્યાબેન… ગયા રવિવારે નિરાંતે ૧૦.૧૫ વાગ્યે આંખ ખુલી તો જાણ્યું કે આજે ઘરના ઊપરી 💁🏻‍♀️ કોઈપણ જાતનો અવાજ કર્યાવગર ઓફિસ ચાલ્યા ગયા છે…! આનંદ હિ આનંદ….! 😀

  3. સંધ્યાબેન! મોગરા જેવો રવિવાર હવે દર રવિવારે તમારી યાદ અપાવશે. સરસ શૈલી!

  4. વાહ…આવા રવિવારની તો સૌ રાહ જુએ

    1. વાહ..સરસ સંધ્યાબેન.રવિવારની તો ગૃહિણીઓને પણ પ્રતિક્ષા રહે.સુગંધી મોગરાની ઉપમા યથાર્થ.