“તાજા કલામને સલામ” (5) ~ કાવ્યનો આસ્વાદ ~ કવયિત્રી: પારુલ બારોટ ~ આસ્વાદઃ સપના વિજાપુરા

ઝરણું બનીને ગાઈ જો

કોકની ચાંચે કદી તરણું બની ગુંથાઈ જો
હાંફતા હોઠે કદી ઝરણું બનીને ગાઈ જો

ઝૂમતા મ્હાલે સહુ વિશ્વાસ ડોલે સંગમા
દૂર પેલી લ્હેરખીની બાથમાં ભીંજાઈ જો

કેટલી પીડા અને છે કેટલી વિટંમણા
તોય તું આ પારધીના બાણથી વીંધાઈ જો

વેદના, સંવેદના ને આંખ મા ઊતારવી
પંડમાં પછડાઈને તું ખુદ થી રિસાઈ જો

કાચના વાસણ સમું ભાસે સહુનું આયખું
શ્વાસ સાથે શ્વાસ ની દોરી બની બંધાઈ જો.

~ કવયિત્રી: પારુલ બારોટ
~ આસ્વાદઃ સપના વિજાપુરા

અમદાવાદ રહેવાસી કવયિત્રી શ્રીમતી પારુલ અરવિંદ બારોટ એક સારી ગઝલકાર જ નહીં પણ અનુવાદક કોલમિસ્ટ બાળસાહિત્યકાર, પણ છે. એમ.એ.બીએડ. થયેલાં કવયિત્રીએ સોનેટ, ગીત, ગઝલ, અછાંદ્સ, વાર્તા, બાળવાર્તા, હાલરડું, ગરબા અને રાસ પર પણ હાથ અજમાવેલો છે. એમને સંગીત, અને અભિનયમાં પણ રુચિ છે.

એમના આઠ પુસ્તકો પ્રકાશિત થયાં છે. જેમાં મહેકતી મોસમ વાર્તાસંગ્રહ કુંપળનો કલરવ, બાળવાર્તાસંગ્રહ જાદુઈ છડી, ધિંગામસ્તી, પતંગિયાની પાંખે, ત્રિદલ સોનેટસંગ્રહ, ખો ખો રમતું કબૂતર બાળગીત સંગ્રહ અને સૂર્યોદય થયો ગઝલસંગ્રહ શામિલ છે.

એમણે રેડિયો, દૂરદર્શન, જીટીપીએલ પર કાવ્યપાઠ, તેમજ સાહિત્ય સર્જનયાત્રા વિષય પર ચર્ચા કરી મુલાકાત આપેલ છે. તે સિવાય ઘણાં મુશાયરામાં કાવ્યપઠન કરેલ છે. તેમજ એમણે પોતાની રચના તેમજ પુસ્તકો પર પારિતોષિક પણ મેળવ્યાં છે. કવયિત્રી પારૂલબેન બારોટ એક સંવેદનશીલ લેખિકા છે.

કેટલીક ઈચ્છાઓ અને અપેક્ષાઓ દિલમાં રમતી હોય છે. કોઈને મદદરૂપ થવાની, કોઈના દર્દ બાંટવાની, કોઈના સુખમાં સુખી થવાની અને કોઈના દુખે દુઃખી થવાની! ગીત યાદ આવે છે:  કિસી કી મુસ્કુરાહટોં પે હો નિસાર , કિસી કા દર્દ મિલ શકે તો લે ઉધાર, કિસી કે દિલમેં તેરે લિયે હો પ્યાર, જીના ઇસીકા નામ હૈ!

કોકની ચાંચે કદી તરણું બની ગુંથાઈ જો
હાંફતા હોઠે કદી ઝરણું બનીને ગાઈ જો

કેટલી સરસ કલ્પના છે. કોઈની ચાંચે કદી તરણું બની ગુંથાઈ જો! ઘરને તોડવું ખૂબ સહેલું છે પણ કોઈ ઘરને બાંધવા માટે પ્રયત્ન કરીએ તો! એક એક તરણું લઈને એક પંખી માળો બનાવે છે. એ માળાનું એક તરણું કવયિત્રી બનવા માંગે છે.

વેદના સર્વત્ર છે દુનિયામાં અહીં, પણ એ વેદનાને હળવી કરવા માટે કોઈની સામે ઠાલું હસીને એનું દુઃખ દૂર કરી શકાય. કોઈના હાંફતા હોઠ પર મરસિયા બની રડવા કરતા એક મીઠું ગીત બનીને ગાઈ પણ શકાય. આ મજા કવયિત્રીએ માણેલી છે, એ આપણને આમંત્રણ આપે છે… તું પણ તરણું બનીને ગુંથાઈ જો અને ઝરણું બનીને ગાઈ જો!

ઝૂમતા મ્હાલે સહુ વિશ્વાસ ડોલે સંગમાં
દૂર પેલી લ્હેરખીની બાથમાં ભીંજાઈ જો

સંબંધની પહેલી શરત વિશ્વાસ છે. સાયકોલોજીસ્ટ પાસે જાઓ તો પણ તમારા સાથીને સામે આંખ બંધ કરીને પડતું મુકવાનું કહે છે અને સાથી તમને બે હાથોમાં જીલી લે છે. આટલો વિશ્વાસ સંબંધમાં હોવો જરૂરી છે. પ્રેમ સાથે વિશ્વાસ હોય તો સંબંધ મજબૂત બને છે. ખાલી પ્રેમ પણ ના ચાલે અને ખાલી વિશ્વાસ પણ ના ચાલે! તો તું તારા પ્રિય પર વિશ્વાસ કરીને સંગમાં ડોલી તો જો, અને એ મસ્ત પ્રેમની લહેરખીમાં ભીંજાઈ તો જો! વિશ્વાસથી જીવન પ્રેમમય બની જાય છે! એ પ્રેમમાં ભીંજાવાનું આમંત્રણ કવયિત્રી આપે છે.

કેટલી પીડા અને છે કેટલી વિટંબણા
તોય તું આ પારધીના બાણથી વીંધાઈ જો

કોઈના તીરથી વીંધાવું !! કોઈના પ્રેમમાં પડવું! કેટલાં દર્દ અને કેટલી વિટંમણા હોય છે આ પ્રેમમાં? વિરહ ઝુરાપો અને અસહ્ય વેદના ! હોય છે પીડા ઘણી આ પ્રેમમાં, સૌ એ તો પણ એમાં  પડવું જોઈએ! આ વેદના, આ પીડા મીઠી મીઠી પણ લાગવા લાગે છે. જ્યારે નજરના બાણ ચાલે છે ત્યારે પીડા તો થવાની પણ એ બાણથી ઘાયલ થવાની મજા એ બાણથી વિંધાવાવાળા જ જાણે છે. એકવાર તું એ બાણથી વીંધાઈ તો જો!

વેદના, સંવેદના ને આંખમાં ઊતારવી
પંડમાં પછડાઈને તું ખુદથી રિસાઈ જો

દર્દ હૃદયમાં હોય તો વેદના અને સંવેદના આંખમાં ઊતરી આવવાની. પ્રેમનું આ દર્દ આંખથી વંચાઈ જવાનું. પ્રેમમાં ક્યાં આ દિલ તમારું રહે છે? ગમે તેટલા ધમપછાડા કરો. પણ દિલ હાથ સે ગયા! દિલ હાથમાંથી જાય એટલે વેદના અને સંવેદના રહી જાય! પછી પંડમાં પછડાઈને રિસાવા સિવાય બીજો કોઈ ઈલાજ નથી! પછી પોતાની જાત સાથે રિસાઈ તો જો! દિલ સાથે હજારો સિકાવા શિકાયત કરીએ, દિલ તમારા વશમાં હોય તો સાંભળેને બસ હવે તો ખુદથી રિસાવા સિવાય ક્યાં બીજો ઈલાજ છે?

કાચના વાસણ સમું ભાસે સહુનું આયખું
શ્વાસ સાથે શ્વાસની દોરી બની બંધાઈ જો.

સૌથી નિશ્ચિત વસ્તુ હોય તો મોત છે. અને સૌથી તકલાદી વસ્તુ છે તે જિંદગી. બિલકુલ કાચના વાસણ જેવી! ક્યારે હાથમાંથી છટકી જાય અને ચકનાચૂર થઇ જાય એની કોઈને ખબર નથી. પણ મોત તો પથ્થરની લકીર છે, એ તો આવવાનું જ છે! તો પછી શા માટે કોઈની સાથે શ્વાસની દોરી બની બંધાઈ ના જવું?

કોઈની યાદોમાં વસી જવું! કોઈની આંખોમાં જીવી જવું! કોઈના હૃદયમાં કોતરાઈ જવું! કોઈ એવું કામ કરી જવું કે દુનિયા તમને ભૂલી ના શકે! બધાનું આયખું કાચના વાસણ જેવું જ છે. પણ શ્વાસ સાથે શ્વાસ સાથે બની બંધાઈ તો જો! વાહ પારુલબેન આપની ગઝલ સંવેદનાથી ભરપૂર તો છે જ પણ સાથે સાથે જીવનનો સંદેશ પણ આપી જાય છે.

***

 

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. સરસ કાવ્ય. પારુલબેની કલમ ને અભિનંદન.
    “ત્રિદલ” મારા નાનાજી ચંપકલાલ વ્યાસના કાવ્ય સંગ્રહનું પણ નામ છે.