… હજી એક અનુભવ બાકી હતો (પ્રકરણ : 29) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા

પ્રકરણ : 29

મારા ઘરની આસપાસ જ અંગ્રેજી માધ્યમની પ્રતિષ્ઠિત શાળાઓ હતી, પણ અમે બન્ને દીકરીઓને ન્યૂ એરાની પ્રયોગશીલ શાળામાં દાખલ કર્યાં. ગુજરાતી માધ્યમ અને અંગ્રેજીનું માનભર્યું સ્થાન.

ન્યૂ એરા શાળા

અહીં સાહિત્ય, સંગીત, નાટક જેવી અનેકવિધ કલાઓની પ્રવૃત્તિઓ થતી. ઘણાં વિદ્યાર્થીઓએ શાળા પછી કળાઓને કારકિર્દી બનાવી પોતાના પ્રૉફેશનમાં નામ કર્યું. ગુજરાતી માધ્યમ કોઈને નડ્યું નહીં.

માધવી-શિવાનીને અમે હંમેશાં મોકળાશ આપી, જે મારા પપ્પાએ અમને આપી હતી. માધવીએ બચપણથી આપમેળે પીંછી પકડી, શિવાનીએ કલમ. શિવાનીને કવિતા, પુસ્તકો, ફિલ્મોમાં ખૂબ રસ. લોકમિલાપનાં પુસ્તકમેળામાંથી નાની ઉંમરે ર. પા., ઉમાશંકર, રાજેન્દ્ર શાહનાં સમગ્ર કવિતાસંચયો ખરીદેલા.

દીકરી શિવાની સાથે

શિવાની ખૂબ કવિતાઓ લખતી. `સમર્પણ’માં પ્રગટ પણ થતી. રમેશ પારેખ અને વિનોદ જોષી એના મિત્રો હતા.

માધવીના રસનો વિષય પૅઇન્ટિંગ અને ફૅશન ડિઝાઇનિંગ. જે.જે. સ્કૂલ ઑફ આર્ટ્સમાં પ્રવેશ પણ મળી ગયો હતો. ત્યાં હડતાળને કારણે એણે પૉલિટૅક્નિકમાં કૉમર્શિયલ આર્ટ્સમાં પ્રવેશ લીધો. મનપસંદ લગ્ન કરી એણે વર્ષો સુધી હિંદી અને દક્ષિણ ભારતની ફિલ્મોમાં ટોચનાં સ્ટાર્સ માટે ફૅશન ડિઝાઇનિંગ અને સ્ટાઇલિંગ કર્યું હતું.

દીકરી માધવી સાથે

માધવીને વાંચન નહીં વિઝ્યુઅલ્સ ગમે. ટી.વી. પર નેશનલ જ્યોગ્રોફિક, સાયન્સ, સ્પેસ વગેરેની ડૉક્યુમૅન્ટ્રીઝ અને હૉલિવૂડ ફિલ્મ્સ જોઈ જ હોય અને બધી જ યાદ પણ હોય.

શિવાનીને પુસ્તકો, નાટક, અભિનય બધું જ ગમે અને કૂકિંગ તો ખૂબ જ ગમે. (મને આજે પણ એ વાત રહસ્યમય લાગે છે, મારી દીકરી પાકશાસ્ત્રની નિષ્ણાત!)

ઘરમાં ત્રણ-ત્રણ શોખીન અને લક્ઝુરિયસ લાઇફને પસંદ કરતી સ્ત્રીઓ અને વચ્ચે મારા પતિદેવ. સીધાસાદા, શ્વેત ખાદીધારી, ભોંયે શયન કરનારા, ગિરનારયાત્રી. પણ અમારી એકમેકનાં જીવનમાં બિલકુલ દખલ નહીં.

શિવાનીનાં પુસ્તકો, માધવીનાં પૅઇન્ટિંગનાં, મારા સાહિત્યનાં અને મહેન્દ્રનાં પરમહંસનું જીવનચરિત્ર, રજનીશ એ પ્રકારનાં પુસ્તકો અમારે ત્યાં બે બૅડરૂમમાં દેરામાં દેવ સમાય નહીં અને પુસ્તકો અધિષ્ઠાતા દેવ!
* * *
1988-89નો સમય હશે.

એક બપોરે `ટાઇમ્સ’નું પ્રતિષ્ઠિત અને લોકપ્રિય અંગ્રેજી મૅગેઝિન `ફૅમિના’નાં તંત્રી વિમલા પાટિલે મારા એક પરિચિત બહેનને મારે ઘરે મોકલ્યા. તમારું ખાસ કામ છે, મળવા આવો. મને નવાઈ લાગી. ફૅશન અને લાઇફસ્ટાઇલનાં અંગ્રેજી મૅગેઝિનને ગુજરાતીમાં લખતી લેખિકાનું શું કામ હશે! અમે તો એકમેકને ઓળખતા પણ નહોતા.

`ટાઇમ્સ’ મારા ઘરેથી ચાલીને દસ જ મિનિટનાં અંતરે, વિમલા પાટિલને મળી.

વિમલા પાટિલ (ફૅમિના’નાં તંત્રી)

એમણે પ્રસ્તાવ મૂક્યો, ગુજરાતી `ફૅમિના’ શરૂ કરવું છે. તમે તંત્રીપદ સ્વીકારો. હું સાચે જ અવાચક થઈ ગઈ. સાવ અણધારી વાત. `ટાઇમ્સ’ વર્ષો જૂનું અખબાર. (ગુગલ કહે છે, 1838માં `બૉમ્બે ટાઇમ્સ’ અંગ્રેજબાબુઓ માટે શરૂ થયું હતું, વખત જતાં અંગ્રેજી, હિંદી અને મરાઠીમાં અનેક પબ્લિકેશન્સ હતાં પણ ગુજરાતીમાં એક પણ ન હતું. હવે આટલા વર્ષે ગુજરાતી માનુનીઓને રીઝવવા ખાસ મારી પસંદગી કરી હતી.)

અને ડૅડલાઇન? વીસથી પચ્ચીસ દિવસ. મારો સ્ટાફ? એક માત્ર યુવા તરવરિયા પત્રકાર ગીતા માણેક. અમે બે જ!

ગીતા માણેક સાથે ગુજરાતી ‘ફેમિના’ શરુ કર્યુ હતું

ઓકે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સગવડો? શૂન્ય. ઍપૉઇન્ટમૅન્ટ લેટર? ભવિષ્યમાં. સ્ટાફ નહીં, ઑફિસ તો નહીં, ટેબલખુરશી પણ નહીં!

હું અને ગીતા `ટાઇમ્સ’ બિલ્ડિંગનાં કૉરિડૉરમાં ઊભાં ઊભાં વિચારીએ આ વર વિનાની જાન માંડવે કેમ કરીને પહોંચે! આટલું મોટું નેશનલ ડેઇલીનું ઑર્ગેનાઇઝેશન. અમને સગવડો અને સમય આપો. માર્કેટ સર્વે, પ્લાનિંગ, જાહેરખબર, સાવ જ શૂન્યમાંથી સર્જન!

હા, બધું જ શૂન્ય ખાતે. સિલકમાં રોકડા અમે બે. હું અને ગીતા. અમને થયું, ના જ પાડી દઈએ. અશક્ય છે. ઊભાં ઊભાં પગ દુખ્યાં, શું જવાબ આપવો? પછી થયું, આટલા શક્તિશાળી અને અંગ્રેજી ભાષાનાં અખબારજૂથમાં આપણી ગુજરાતી ભાષાને પહેલી જ વાર પ્રવેશ મળે છે, ગુજરાતી બહેનોને એક સરસ મહિલા સામયિક મળે છે તો વ્હાય નોટ! હા, અંગત રીતે આપણે માટે પણ એક જબરી ચૅલેન્જ છે. તો ચાલો કરીએ કંકુના. કંકુ ઘોળી તિલક સ્વહસ્તે અમારે જ ભાલે કરવાનું હતું ને!

અમે પડકાર ઝીલ્યો અને મચી પડ્યાં. આ `મચી પડ્યા’ એટલે શું તેનો અર્થ હું અને ગીતા જ જાણીએ. સૌથી પહેલાં પ્રાણપ્રશ્ન તો બેસવું ક્યાં? અત્યંત વિશાળ હૉલમાં ખીચોખીચ ટેબલો. અંગ્રેજી `ફૅમિના’ની નજીક અમે માંડ સાંકડમોકડ એક ટેબલ મુકાવ્યું.

મેં તો ઘણાં વર્ષ પછી અખબારની ઑફિસમાં પગ મૂક્યો હતો ત્યાં સુધીમાં ચિત્ર ઘણું બદલાઈ ગયું હતું. આધુનિક પ્રિન્ટિંગ ટૅક્નૉલૉજીથી હું બિલકુલ અજાણ. હા, `સુધા’નો અનુભવ ગાંઠે અને મારું લેખન, સાહિત્યિક કાર્યક્રમોને લીધે ગુજરાતનાં નાનાંમોટાં શહેરના જનજીવનના અનુભવથી હું વાચકોની નાડ પારખતી હતી. પણ ગીતાનો જુદા જુદા સામયિકમાં બધા જ સ્તરે કામ કરવાનો અનુભવ અને આવડત હતા.

અમારી બેની પાસે બસ આટલી જ મૂડી, પણ એ પર્યાપ્ત હતી. ફાઉન્ટનની ફૂટપાથ પરથી ગુજરાતીમાં ટાઇપ કરતાં એક ભાઈને શોધીને લઈ આવ્યા. આર્ટિસ્ટ, પ્રૂફરીડર વગેરે શોધીને અમારી ટીમ પલકારામાં ઊભી કરી. ફ્રીલાન્સ નવોદિતો અમે શોધતાં રહેતાં. સમય ઝડપથી સરી રહ્યો હતો અને અંગ્રેજી `ફૅમિના’નો સ્ટાફ પોતાનામાં જ મશગૂલ. કોઈ જ મદદ નહીં. `ટાઇમ્સ’માં એમનાં ખૂબ માનપાન અને અમને અહીં કોઈ ઓળખે સુધ્ધાં નહીં.

જાણે ઍવરેસ્ટ આરોહણ. દોઢેક વરસ ટકી રહેવા અમે ખૂબ મહેનત કરી. અંગ્રેજી `ફૅમિના’ની ટાર્ગેટ રીડરશીપ હતી. હાઇ સોસાયટીની અંગ્રેજી જાણતી અનેક ભાષાની મહિલાઓ. મારી ટાર્ગેટ રીડરશીપ હતી. ગુજરાતની મધ્યમવર્ગની મહિલાઓ, ગુજરાતનાં નાનાં શહેરોની. મુંબઈની એલાઇટ ગુજરાતી મહિલાઓ તો અંગ્રેજી `ફૅમિના’ની વાચકો હતી.

હજી યુ ટ્યૂબનો જમાનો ન હતો. મહિલા મૅગેઝિનોને ફૅશન અને વાનગી વિભાગો તો ખાસ જ હોય. અમે સાથે સત્ત્વશીલ અને માહિતીપ્રદ સામગ્રી પણ આપતા. પબ્લિસિટી હૉર્ડિંગ્સ અને જોરદાર માર્કેટિંગ વિના પણ ગુજરાતી `ફૅમિના’ ગુજરાતનાં નાના ગામની, ઓછું ભણેલી મહિલા સુધી પહોંચતું હતું, એનો આનંદ અનેરો હતો. સંસ્થાનું થોડું પણ પીઠબળ મને મળ્યું હોત તો…!

ઝીણી નજરે જોતાં એક વાત અમારા ધ્યાનમાં આવી.

અહીં અમારે જ તુંબડે તરવાનું હતું. અમે એટલે હંમેશાં સાવધ રહેતા. અમારું ધ્યાન ગયું કે કશી નોટિસ, વાટાઘાટ વિના એક પછી એક મૅગેઝિન બંધ થઈ રહ્યા હતા. વર્ષોથી કામ કરતાં ઘણાં કર્મચારીઓ એક જ રાતમાં ઘરે બેસી ગયા (પછી એમની લાંબી કોર્ટ લડાઈ ચાલી હતી.). સાંજે ઑફિસેથી ઘરે ગયાં અને સવારે કામ પર પરત આવ્યાં ત્યારે મૅગેઝિન જ નહીં અને ઑફિસમાં પ્રવેશબંધી! સિક્યોરિટી ગાર્ડ્‌ઝ તૈનાત!

મને અને ગીતાને ધ્રાસકો પડ્યો, કાલે આપણને પણ અપમાનજનક રીતે પ્રવેશબંધી થશે તો! બીજું કારણ, વરસે દોઢ વરસે કૉન્ટ્રેક્ટ આવ્યો, અમે સ્વતંત્ર કામ કરતાં હતાં પણ મારી ક્રૅડિટ સહાયકની, ગીતા પણ એક પાયરી નીચે.

કૉન્ટ્રેક્ટ સહી કર્યા વિના હું અને ગીતા નીકળી ગયાં, કશું કહ્યા વિના જ. અન્ય લોકોને કહ્યું તમે રહી જાઓ, યુનિયન તમને લાભ અપાવશે. સાચેસાચ થોડા મહિનાઓમાં જ `ફૅમિના’નો વીંટો વાળી દેવામાં આવ્યો.

હિસ્ટ્રી રિપીટ્સ ઇટ સેલ્ફ હાઉ ટ્રુ!

થોડાં વર્ષ પછી એક સેલિબ્રિટી ફૉટોગ્રાફરનાં પુત્ર-પુત્રવધૂ મારે ત્યાં આવ્યાં, અમે એક મહિલા મૅગેઝિન કાઢવા માગીએ છીએ. તમે તંત્રીપદ સ્વીકારો. હું એમને ઓળખું પણ નહીં. (બધી નોકરીઓ ઘરે બેસીને મળી!)

મેં તો હાથ જ જોડ્યા. બીજી ઘણી મહિલાઓ છે, મને છોડી દો. પણ એ દંપતિ તો ધરણા હોય એમ રાત સુધી બેસી રહ્યાં, તમે હા જ પાડો. તમે સંપૂર્ણ સ્વતંત્ર. અમે માત્ર વ્યવસ્થા સંભાળશું. ત્યારે મહેન્દ્રની વિદાય, હું એકલી જ હતી. થયું ચાલો કરીએ. ગીતા તો સાથે હોય જ! મૅગેઝિનનું નામ પણ અમે પાડ્યું, `અનોખી’. બહુ લાંબી વાત છે, ટૂંકમાં એટલું કે અમે ખૂબ સરસ અંક તૈયાર કર્યો.

અચાનક ત્યાં મને ફોન આવ્યો, અમે મૅગેઝિનનું રજિસ્ટ્રેશન કરાવીએ છીએ. હું તંત્રી, તમે અને ગીતા સહાયક. હું સડક થઈ ગઈ. ભાષા તો જવા દો, બે શબ્દ સરખાં ગુજરાતીમાં બોલી નથી શકતી, સત્યાવીશ વર્ષની છોકરી. તું તંત્રી! એ લોકોનો છેતરપિંડીનો પ્લાન. એને એમ કે અમે હરખપદુડાં થઈ માની જઈશું, પૈસા ય બાનમાં રાખ્યા. અમે કોર્ટ સુધી લાંબા થયાં. માંડ પૈસા મળ્યા અને મૅગેઝિન બંધ પડ્યું.

મહિલા સામાયિકો માટે જ નિયતિ મારી સાથે શું કામ ચલણચલાણું ખેલે છે એ ગહન રહસ્યની મને જાણ નથી.

હજી એક અનુભવ બાકી હતો.

રાત્રે નવ વાગ્યે એક અખબારના તંત્રી, મારી મિત્રને લઈ ઘરે આવ્યા. હું એમને ઓળખું પણ નહીં. તમે મહિલા વિભાગનું એક પાનું સંભાળો. સમયનું બંધન નહીં, તમારા સ્વતંત્ર લેખનની સ્વતંત્રતા. માત્ર રવિવારનું પાનું. સાવ સહેલું કામ પણ હું તો છાશથી દાઝી હતી એટલે મારે તો કોઈનું પાણી યે પીવું નહોતું. બહુ સખળડખળ પછી જોડાઈ. પંદર જ દિવસ. મારા આત્મસન્માનને ભયંકર ઠેસ લાગી એવું બન્યું. આઘાતથી સ્તબ્ધ. દાદર ઊતરી ગઈ.

પછી ગાંઠ વાળી હું નોકરીનાં નસીબમાં અને મારા નસીબમાં નોકરી નથી. લેણદેણ પૂરી. પણ એક વાત આશ્ચર્યજનક. પાંચેય નોકરીઓ કરી (કે છોડી દીધી) તે સામે ચાલીને ઘરે આવી હતી! કુંડળીમાં કેવા અજબ ગ્રહ!
* * *
શિવકુમાર જોષી જ્યારે કલકત્તાથી મુંબઈ આવે ત્યારે પપ્પા પાસે ઘરે અચૂક આવે. પછી એ મારું ઘર થયું ત્યારે પણ આવતા.

શિવકુમાર જોષી

એક દિવસ શિવકુમાર સરસ પ્રસ્તાવ લઈને ઘરે આવ્યા. કલકત્તાનું ગુજરાતી સાહિત્ય મંડળ, ભવાનીપુર ગુજરાતી સ્ત્રી મંડળ અને ગુજરાત ક્લબનું સહિયારું આમંત્રણ આપ્યું. કલકત્તામાં લેખિકાઓનું ત્રણ દિવસનું સાહિત્ય સંમેલન કરવાનો પ્રસ્તાવ હતો. માત્ર લેખિકાઓનું જ સંમેલન. તમે આયોજન, વ્યવસ્થા કરી સહુને લઈને કલકત્તા આવો.

આ તો ખુશ થવાની વાત. માત્ર લેખિકાબહેનોનું જ સાહિત્યસંમેલન! એ કદાચ પ્રથમ જ હતું (અને અંતિમ પણ!)

1981 નવેમ્બરમાં સંમેલન પણ અમે થોડાં વહેલાં જ પહોંચી ગયાં. અમે એટલે સાત બહેનો. ધીરુબહેન પટેલની સંગાથે અને આગેવાનીમાં રેખા શ્રોફ, જયા મહેતા, ઈલા આરબ મહેતા, સરૂપ ધ્રૂવ, સુહાસ ઓઝા અને હું. ટ્રેનમાં ખૂબ મજા કરી અને અમારી બેઠકોનો કાર્યક્રમ તૈયાર કર્યો.

કલકત્તામાં અમારું સરસ સ્વાગત, અમારા ફોટા સાથે બ્રોશર બનાવ્યું હતું. મહિલામંડળની બહેનોને ઘરે અમારો ઉતારો હતો. જાણે પરિવારજન હોઈએ એટલો ઉષ્માપૂર્ણ વ્યવહાર. કાર્યક્રમમાં શ્રોતાઓ સમાય નહીં એટલો ભરચક્ક સભાખંડ. એમાં ચં.ચી. અને સુનિલ કોઠારી પણ હતા! (એ રેર ફૉટોગ્રાફ અને બ્રોશર હજી સચવાયો છે.)

કલકત્તામાં લેખિકા સંમેલન : ઈલા, જ્યા મહેતા, સુહાસબહેન, વર્ષા,  ચંચી, ધીરુબહેન, સુનીલ કોઠારી, રેખાબહેન, સરૂપ ધ્રૂવ, શિવકુમાર અને સંસ્થાના સભ્યો

ત્રણેય દિવસ પ્રેક્ષકોએ અમારા કાર્યક્રમો ખૂબ ઉત્સાહથી માણ્યા.

છેલ્લે દિવસે ધીરુબહેને લખેલી એકોક્તિ `મંદોદરી’ મેં સાભિનય રજૂ કરી. ધીરુબહેને ખુશ થઈ તે વાપરતા હતા એ પારકર પેન મને ભેટ આપી.

ધીરુબહેન લિખિત ‘મંદોદરી’ની એકોક્તિ રજૂ કરતાં

કલકત્તા અમે સહુ સાથે ફર્યાં, દક્ષિણેશ્વર પરમહંસ અને મા કાલિને વંદન કર્યા, મધર ટેરેસાને પણ મળવાનો અવસર પણ મળ્યો. એમણે સસ્મિત ચહેરે ખોબો ધર્યો, અમારી પર્સમાંથી જે હાથમાં આવ્યું તે એમના ખોબામાં મૂકી પ્રણામ કર્યા.

મધર ટેરેસા

જીવનમાં મૂલ્યવાન ક્ષણો ઘણીવાર અનાયાસ જ કેવી મળી જતી હોય છે!
* * *
કલકત્તાથી બૅગમાં કલકત્તી સાડીઓ, રસગુલ્લાના ડબ્બા અને સુખદ સંભારણાંઓ ભરી અમે પાછાં ફર્યાં.

પણ `મંદોદરી’ મારા મનમાં રહી ગઈ. ધીરુબહેને લખેલી એકોક્તિમાં શું કહેવાપણું હોય! એ અસુર પત્નીએ મારા મનનો કબ્જો લઈ લીધો. `રામાયણ’નાં બધાં જ પાત્રો લોકજીભે અને સહુનાં હૃદયમાં. `મંદોદરી’ ભલે સતી કહેવાય પણ કોણ અને શું કામ યાદ કરે?

એ રાવણની યુદ્ધમંત્રી હતી. હું એનો એક સ્ત્રી અને પત્ની તરીકે વિચાર કરતી. અહંકારી પતિ, રૂપસુંદરીઓનાં અપહરણ કરીને મહેલમાં લાવે એમાં પણ એના ઇષ્ટદેવ રામની જ પત્નીને હરી લાવે ત્યારે મંદોદરી, કેવી તરફડી ઊઠી હશે! જેની એ ભક્ત એ જ એનાં કુળવિનાશનું કારણ!

મેં આધુનિક પરિપ્રેક્ષ્યમાં પૌરાણિક એકાંકી લખ્યું `મંદોદરી’. યુદ્ધમંત્રી એટલે યુદ્ધની વ્યૂહરચનાની નિષ્ણાત. એ શેતરંજની શોધક હતી. એ કાળની સાથે શેતરંજ ખેલે છે અને હારીને પણ જીતે છે. યુદ્ધની નિઃસારતા અને સત્તાની લાલસાનો એમાં સંદેશ છે.

1998માં એકાંકી પ્રગટ થતાં એને ખૂબ પારિતોષિકો તો મળ્યા, ઘણી સ્પર્ધાઓ પણ જીતી. નાટ્ય સેમિનારમાં અભ્યાસ પેપર તરીકે વંચાય છે, એમ.ફીલ. પેપર્સે લખાયા. એ સઘળું શ્રેય મંદોદરી અને તેની વિચારધારાને.

કલા દર્પણ સંસ્થા દ્વારા વિશ્વ રંગભૂમિ દિવસ નિમિતે માર્ચ-૨૦૨૨માં ભજવાયેલ એકાંકી નાટક “મંદોદરી”નું એક દ્રશ્ય. નાટકનો વિડિયો નીચેની લિંક પર ક્લિક કરી જોઈ શકાશે. 

https://www.facebook.com/240928646660465/videos/547283249954803/

એનું સ્વપ્ન હતું એક અખંડ રાષ્ટ્રનું, જ્યાં રણભેરી ગુંજતી ન હોય. પણ આજે પણ વિશ્વના કોઈને કોઈ ખૂણે સતત યુદ્ધો ક્યાં નથી ખેલાતાં! જાણે વિશ્વ એક જ્વાળામુખીની ટોચ પર બેઠું છે.
* * *
એક દિવસ શિવાની કૉલેજથી ખૂબ ઉત્સાહભરી આવી, `મા! મેં આજે તાજમાં મસ્ત ઇન્ટરવ્યૂ આપ્યો.’

`શેનો ઇન્ટરવ્યૂ?’

`હોંગકોંગની ઍરલાઇન્સની ઍરહૉસ્ટેસનાં જૉબ માટે કૉલેજમાં ઍડ વાંચી હું તો સીધી ઊપડી ગઈ.’

`અરે પણ તારે બી.એ. વીથ ગુજરાતી કરવું છે. જર્નાલિઝમ ડ્રામા….

`બધું થશે મૉમ. કાળજી નકો કરું. ઇન્ટરનેશનલ ઍરલાઇન્સમાં મને તે કોણ વળી જૉબ આપે! કેટલી બધી છોકરીઓ સીધી બ્યુટીપાર્લરમાંથી આવી હતી, બ્યુટીક્વિન મિસ ઇન્ડિયા પણ ત્યાં કતારમાં હતી. આ તો જસ્ટ અનુભવ. પંછી બનું ઊડતી ફીરું મસ્ત ગગન મેં.

શિવાની એક સાથે ઘણી પ્રવૃત્તિઓ કરે એ ધમાલમાં અમે તો ભૂલી ગયા, પણ એ તો એક પછી એક ઇન્ટરવ્યૂમાંથી નીકળતી ગઈ અને છેલ્લે મુંબઈમાંથી ત્રણ જ છોકરીઓ પસંદ થઈ એમાં શિવાની એક.

ઍરલાઇનનો બેઝ હોંગકોંગ એટલે અચાનક શિવાનીને હવે હોંગકોંગ જવાની તૈયારી કરવાની હતી. અમે ઝેવિયર્સ કૉલેજનાં પ્રિન્સિપાલની રજા લેવા ગયાં પણ એ તો નારાજ થઈ ગયા. એનું ગ્રૅજ્યુએશન ભણવાનું શું? પણ અમે દલીલ કરી, લાઇફ ઇઝ અ બીગર યુનિવર્સિટી. ત્યાં એ જે શીખશે એ વિદ્યા બીજી કઈ યુનિવર્સિટી આપી શકે!

ઍરલાઇનને પણ પ્રતિક્ષા કરવી પડી શિવાનીને 18 વર્ષ પૂરાં થવાની અને એ અનંત ભૂરા આકાશમાં પંખીની જેમ ઊડી ગઈ. પ્રથમ જ વખત એ અમારા રક્ષાકવચમાંથી આટલે દૂર ગઈ જ્યાં દુનિયાભરની નેશનાલિટીની યુવતીઓ સાથે ત્રણ મહિના સખત ટ્રેનિંગ લેવાની હતી. અનેક સમસ્યાઓ નડે એમાં મેસમાં વેજફૂડની સમસ્યા સહુથી મોટી.

શિવાની ટ્રેનિંગમાં સફળ થઈ, ફ્લાઇટનું શેડ્યુલ શરૂ થાય એ પહેલાં બે દિવસ માટે ઘરે મળવા આવી ત્યારે ઘડીભર એનું મન ડગી ગયું, ઍરલાઇનની જૉબ છોડી દઉં તો! ત્યારે અમે એને કહ્યું, તું આજે નહીં જાય તો હંમેશ તારા મનમાં એક સંદેહ રહેશે, આ કામ મારામાંથી નહીં થાય તો! તારો આત્મવિશ્વાસ ડગી જશે, તું થોડું પણ ઊડીને આવ. યુ આર વૅલકમ.

પછી તો પૂરાં દસ વર્ષ એ દુનિયાભરમાં ઊડી. અનેક ઘર માંડ્યાં, સંકેલ્યાં. ઊડાનનાં લાંબા કલાકો, થાક, બીમારી, એકલતા, જાતજાતનાં હવામાન બધું જ જાતે મૅનેજ કરતાં શીખી ગઈ. ચાઈનામાં માસ્ટર્સ પાસે ફેંગશૂઈનો શાસ્ત્રીય રીતે અભ્યાસ કર્યો.

મહેન્દ્રના પિતા અને મહેન્દ્રને જ્યોતિષનું સરસ જ્ઞાન અને સીક્સ્થ સેન્સ એ વારસો શિવાનીને પણ આપમેળે મળ્યો. નાનપણથી ટેરોટ કાર્ડ રીડિંગ પણ કરે. એ સહુથી નાની પણ અમારી બૉસ.

વર્ષો એ હોંગકોંગ રહી પછી મિડલઇસ્ટની ઍરલાઇનમાં પણ એણે કામ કર્યું. વર્ષો પછી ઍરલાઇન્સ છોડી પોતાની કંપની શરૂ કરી. લૅબેનીઝ યુવાન, નસીમ આબિદ સાથે લગ્ન કર્યા. નસીમનું પૅશન ફોટોગ્રાફી. ખૂબ અચ્છો ફોટોગ્રાફર. બન્નેને ટ્રાવેલિંગ, બુક્સ, ફિલ્મ્સ અને પ્રાણીપ્રેમ એમનું જીવન.

માધવી, શિવાની અને નસીમ રસ્તા પરનાં જખ્મી, બીમાર, તરછોડાયેલાં ડૉગ્સ કેટ્સને બચાવે, સારવાર કરે, પાળે પોષે દત્તક આપવામાં કેટલો પરિશ્રમ અને ખર્ચ! જીવનનું એ જ મૂળ ધ્યેય. વાંચવું, લખવું અને જાતભાતની વાનગીઓ રાંધવી, જમાડવી, સ્ટાઇલિશલી ડાઇનિંગ ટેબલ ડૅકોરેટ કરવું એનો પરમ આનંદ.
* * *
છેલ્લા થોડા સમયથી મહેન્દ્રની હૉસ્પિટલની આવનજાવન ચાલુ હતી. ના. શરીરમાં કોઈ બીમારીએ છૂપી રીતે પણ પ્રવેશ નથી કર્યો. બસ, શ્વાસની માળાનાં મણકા તૂટી રહ્યા છે. એકસો આઠમાંથી હવે કેટલા બાકી રહ્યા છે તેની ડૉક્ટરને પણ નથી ખબર.

મારા મનમાં વસી ગયું છે કે એ ધીમે પગલે જીવનની અંતિમ સફરનાં એકાકી પંથે ડગલાં ભરી રહ્યાં છે. મારે એક દિવસ હૉસ્પિટલથી ખાલી હાથે પાછાં આવવાનું છે.

ઘણીવાર મને સ્વપ્ન આવે છે, સાચુકલું હોય એવું. સાંજે ઇવનિંગ વૉક પરથી ઘરે આવું છું, ઘર બંધ છે. લેચ-કીથી ખોલું છું. સ્વિચ ઑન કરું છું, અંધકાર છે. ઘરનો સૂનકાર મને ધુમ્મસની જેમ ઘેરી વળે છે. કશું દેખાતું નથી. ન ભૂત ન ભવિષ્ય. વર્તમાનની ક્ષણ પર હું ઊભી છું એકલી. ઘરમાં કોઈ જ નથી.

શિવાની દુનિયાનાં કોઈ પણ દેશમાં હોય, માધવી શૂટિંગમાં મુંબઈ બહાર હોય તોય અવારનવાર બન્ને દોડતી આવી જાય, મા! અમે તારી સાથે છીએ હોં!

ઘરમાં તો અમે બે એકલાં જ. સૂનો માળો. ઍમ્પ્ટી નેસ્ટ સિન્ડ્રોમ. એકવાર કલબલાટથી ગુંજી ઊઠતું ઘર હવે મૌનવ્રતમાં જાણે સમાધિસ્થ. મહેન્દ્ર પણ હવે ભીતર વધુ જીવે છે. હું પણ એની આસપાસ જ જીવવાની કોશિશ કરું છું. બહારગામના કોઈ ને કોઈ કાર્યક્રમના નિમંત્રણો કશાક બહાને પાછાં ઠેલું છું. જન્મને મુહૂર્ત હોય છે, મૃત્યુને નથી હોતું.
* * *
હૉસ્પિટલની મુલાકાતોની શૃંખલાની પહેલી જ વિઝીટ.

માધવી એક બપોરે મળવા આવી અને ચૂપચાપ બેઠેલા મહેન્દ્રને જોઈને એને મનમાં ઊગી ગયું કે કશીક ગડબડ છે, હમણાં જ હૉસ્પિટલમાં ઍડમિટ કરવા જોઈએ. મને જરા નવાઈ તો લાગી પણ તરત હૉસ્પિટલમાં ઍડમિટ કર્યા કે ડૉક્ટર કહે, પૅશન્ટ સિરિયસ છે, આઇસીયુમાં જીવન અને મૃત્યુની સરહદ પર મહેન્દ્ર ઊભા હતા. નો મેન્સ લેન્ડ.

હું આઇસીયુની બહાર વૅઇટિંગ રૂમમાં બેસી રહેતી. એકદમ અગવડભરી પ્લાસ્ટિકની ખુરસી અને કોરીધાકોર દીવાલો. આધાર શોધવા કોઈએ કૅલેન્ડરમાંથી સાંઈબાબાની તસવીર કાપીને ભીંતે રાખી છે. એ સ્થિર નજરે વ્યથિત સ્વજનોની આવનજાવન જુએ છે. અનકન્ફર્ટેબલ ખુરસીમાં અનકન્ફર્ટેબલ વિચારો સાથે કલાકો બેસી રહું છું. કશું જ કરવાનું નથી. કાન માંડી રહું છું, આઇસીયુમાંથી ડૉક્ટર બહાર આવીને કહેશે. શું કહેશે? હલકા કંપથી ધ્રૂજી ઊઠું છું.

સાંજે વિઝીટર્સ અવર્સ પૂરા થઈ જાય પછી પાછે પગલે અવાજો ચાલી જાય છે. હૉસ્પિટલને સૂનકાર ઘેરી વળે છે. કૉરિડૉરના બાંકડે બેસી રહું છું.

ડૉક્ટરના છેલ્લા રાઉન્ડનાં ઉતાવળાં પગલાં ભોજનની ટ્રોલીનાં ભારે પૈડાંનો કચૂડાટ વેદનાનો કણસાટ ધીમે ધીમે વજનદાર શાંતિ સઘળાં અવાજોને ચપ્પટ દાબી દે છે. ઉદાસીભર્યો અંધકાર કૉરિડૉરની ઝાંખી પીળી બત્તીઓ નીચે આછું શ્વસે છે. મૃત્યુનાં હળવા પગલાં સંભળાય છે. આજે કોની સામે ખપ્પર ધરીને ઊભું રહેશે! દરેક દર્દીનાં સ્વજનનાં ચહેરા પર દહેશત છે.

વહેલી સવાર નવો નક્કોર દિવસ. પ્રભાતનાં ઝાકળભર્યા ફૂલ જેવો. મારે માટે રિલેક્સ થવું એટલે પેન અને કાગળ. હું અનકન્ફર્ટેબલ ખુરસીમાં લાકડાનું બોર્ડ જેમતેમ ગોઠવી બેસું છું. શું લખું? નવલકથા. હા, રહસ્યકથા. ઓથારમાંથી નીકળવાનો મારો એસ્કેપરૂટ. એક રીતે શાંતિ. હું ખૂન કે ચોરી જે કરાવું, અપરાધની મને ક્યાં સજા થવાની છે!

કોરા કાગળને જોઈ રહું છું, `મૃત્યુદંડ’ શીર્ષક સૂઝી આવે છે. મથાળે લખું છું `મૃત્યુદંડ’. હવે? વાર્તા ક્યાં? એ પણ મળશે. પહેલા પ્રકરણમાં રહસ્યનું બીજ મૂકી દઉં છું. શરૂઆત મેં કરી. હવે કથાએ એનું કામ કરવાનું છે. એ એની મેળે આગળ વધતી રહેશે અને મને આંગળી પકડી સાથે લઈ જશે.

રહસ્યનું બીજ મૂક્યું હતું એમાંથી ફણગો ફૂટે છે. જળનાં વહેણની જેમ વાર્તા પોતાનો રસ્તો શોધતી ચાલતી રહે છે.

થોડા દિવસે હાલકડોલક જિંદગી સ્થિર થતાં મહેન્દ્રને લઈ ઘરે આવી. બધું યથાવત્ છે, ઘર અને સંસાર. છતાં લાગે છે કશું બદલાયું છે પણ એની પર આંગળી મૂકી શકતી નથી.

હૉસ્પિટલમાં `મૃત્યુદંડ’ અધૂરી રહી હતી. ઘરે આવીને પૂરી લખાય છે ત્યાં ભાવનગરના અખબારમાંથી નવલકથાની માંગણીનો પત્ર. ત્યાં હપ્તાવાર પ્રગટ થઈ, પુસ્તક પણ પ્રગટ થયું.

હૉસ્પિટલનાં વાતાવરણમાં મૃત્યુનાં ઓથાર નીચે જેનો જન્મ એની તે શી તકદીર! અનાયાસે લખાયેલી એ નવલકથા પ્રગટ થઈ 1996માં પણ આજ સુધી તેની આવૃત્તિઓ થતી રહે છે. ફિલ્મ, ટી.વી. સિરિયલ અને હવે વૅબ સિરીઝ માટે સ્વયં, મારી સંમતિથી / વિના પણ ગ્રહમાળામાંથી છુટ્ટા પડેલા ગ્રહની જેમ ચૅનલોનાં અવકાશમાં એ હજી પણ સ્વઊર્જાથી ઘૂમી રહી છે.

ચાર-પાંચ વર્ષ પહેલાં ટી.વી.ની પ્રાઇમ ચૅનલમાંથી એક યુવતી ઘર શોધતી આવી. સોની ચૅનલ પર મારી શારદા નાટક પરથી સિરિયલ હિંદીમાં ટેલિકાસ્ટ થઈ હતી એટલે એમને મારું નામ કદાચ પરિચિત હશે. પ્રાઇમ ચૅનલ એક રીજનલ રાઇટરને ત્યાં સામેથી આવે! ન ભૂતો ન ભવિષ્યતિ. ચૅનલોની ઑફિસમાં અનેક સેલિબ્રિટી પ્રોડક્શન હાઉસીઝ પ્રપોઝલ લઈ વૅઇટિંગ લિસ્ટમાં હોય છે.

એ યુવતી મને સોની ચૅનલનાં સર્વેસર્વા પાસે લઈ ગઈ, `મૃત્યુદંડ’ સિરિયલ અમારે કરવી છે, તમે ગુજરાતીનું હિંદી કરાવી આપો, અમે અનુવાદના પૈસા આપીશું. એ યુવતીએ જ પછી અનુવાદ કરાવી લીધો ત્યાં તો એ મહાશય બીજી ચૅનલમાં ઊપડી ગયા!

હવે એની કુંડળી ઉપરવાળાના હાથમાં.

ઘણી રાત્રીઓ હૉસ્પિટલનાં કૉરિડૉરમાં ભેંકાર નીરવતામાં એકલા વિતાવી હતી ત્યારે જાણે વીતી ગયેલો સમય મારી જોડાજોડ બેસતો. ક્યારેક સ્મૃતિમંજૂષાનાં સોનેરી કિરણો ચમકી જતાં અને લુપ્ત થઈ ગયેલો કાળખંડ ઝગમગી ઊઠતો. મનમાં વિચાર ઝબકી જાય છે, સમયને ફ્રીઝ કરી લઉં તો!

`મૃત્યુદંડ’ લખતાં લખતાં મનની મસૃણ માટીમાં `ક્રૉસરોડ’ નવલકથાનું બીજ રોપાયું. હવે વાદળ જાણે અને વસુંધરા.
* * *
સમયની રૂખ હવે બદલાઈ રહી છે. હવે વર્કશૉપ સેમિનાર, પરિસંવાદ વગેરે કૉલેજના સ્ટડી સર્કલમાંથી બહાર નીકળીને સાહિત્યનાં મંચ પર આવવા લાગ્યા છે. અત્યાર સુધી કવિસંમેલન અને મુશાયરાઓ વધુ લોકપ્રિય અને હાઉસફૂલ! ગદ્યને હવે ધીમે ધીમે પ્લૅટફૉર્મ મળતું થયું હતું. સર્જકો માટે તો આ શુભ ઘડી.

પહેલીવાર અત્યાર સુધીના અદૃશ્ય વાચકો હવે શ્રોતાગણમાં સામે જ હતા. એમની સાથે સીધો સંવાદ થતો હતો. મડિયા સાથે અમે યુવા લેખકો ડિબેટ જેવા કાર્યક્રમો કરતા હતા તે 1968માં એમની વિદાય સાથે જ લુપ્ત થયા હતા. એમની ખોટ સાલતી.

કવિતાએ પોતાનો સિક્કો જમાવ્યો હતો પણ હવે ગદ્ય કાઠું કાઢતું હતું. એટલે ક્યારેક કોઈ કાર્યક્રમમાં વક્તવ્યનું આમંત્રણ મળતું તો બનીઠની હોંશભેર જવા તૈયાર થઈ જતી.

ટૂંકી વાર્તા, નાટક, નિબંધ વગેરેની સ્પર્ધામાં હજારો રૂપિયાનાં ઇનામો હજી જોજનો દૂર હતા. અત્ર, તત્ર, સર્વત્ર પરિસંવાદ તો એક સ્વપ્ન. ગુજરાતી લિટરેચર ફૅસ્ટિવલ એટલે શું એની કશી ખબર ન હતી.

ભારતીય વિદ્યા ભવનમાં ગીતામંદિર હૉલમાં એક કાર્યક્રમ હતો. વક્તાઓમાં અમે બે-ત્રણ બહેનો હતી. હું અને શીલા ભટ્ટ.

શીલા ભટ્ટ

તેજીલા તોખાર જેવા એ પત્રકાર ત્યારે `અભિયાન’ જેવા લોકપ્રિય મૅગેઝિનનાં તંત્રી હતાં. મહિલાઓ વિષે જ કોઈ વિષય પર બોલવાનું હતું.

અહીં પણ એક કથા સંતાકૂકડી રમતી મારા ડેલા પર થપ્પો કરતી ઊભી રહી.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. વર્ષાબેન,આપની જીવનસફર હવે અમે જાણે પ્રત્યક્ષ નજરે નિહાળી રહ્યા છીએ. સરળ શૈલી, નિખાલસ અભિવ્યક્તિ વાચકને પોતીકી લાગે છે. ખૂબ ખૂબ અભિનંદન!

  2. વર્ષાબેન, દરેક પ્રકરણ પૂરૂં થાય ત્યારે જો “બંબઈયા” ભાષામાં કહીએ તો- ” અરે યાર..! અભી અગલે હપ્તે કી રાહ દેખનેકા…!”
    રાહ તો જોવી જ પડશે ને? Simply love it!