કિસ્સા ખ્વાની બજાર ~ ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) (ભાગ: 16) ~ પૂર્વી મોદી મલકાણ
અગર કિસ્સા ખ્વાની બજારમાં રહેલી વાર્તાની જ વાત કરવી હોય તો વાત ચપલી કબાબ, મન્ટુ, સઘ અને છોલેનીયે વાત કરવી જોઈએ. પેશાવરી નિયમ મુજબ ચપલી કબાબ અને સઘ (દહીં અને મટનની વાનગી) એ નાનનાં ભાઈ-ભત્રીજા ગણાય. આથી ફેમિલી ડીનર કે લંચમાં નાન સાથે તેનો સથવારો ચોક્કસ હોવાનો જ.
આ ચપલી કબાબ અને સઘનો જન્મ ૨૦૦૦ વર્ષ પહેલાં પેશાવરમાં જ થયેલો જેને રૂકૈયા બેગમ પોતાના મુઘલ કિચનમાં લઈ ગઈ. મુઘલ સમય પછી ચપલી કબાબને લખનૌના નવાબના રસોડામાં એક અલગ સ્થાન મળ્યું. લખનૌના નવાબોએ આ ચપલી કબાબને પ્રેરણા બનાવીને ગલૌટી કબાબ સહિત અન્ય કબાબો બનાવ્યાં જે ખૂબ પ્રસિધ્ધ થયાં.
જો’કે કબાબ ચાહે કોઈપણ હોય પણ આ નવાબોએ “નાને શામે કબાબ” કહી લખનૌની સાંજને, શતરંજને અને કબાબને તેવા એકબીજા સાથે સાંકળી લીધા છે આજેય આ ત્રણનો સંગમ ન હોય તો આ સાંજ અધૂરી ગણાય છે.
રહી છોલે એટલે કે ચણાની વાત, તો ચણા એ મૂળ તો અફઘાનિસ્તાનનો પાક છે. (એટલે જ છોલે ચણાને આપણે કાબુલી ચણા તરીકે ઓળખીએ છીએ.) અખંડ ભારતનાં સમયમાં પઠાણો દ્વારા કે અફઘાનથી આવતા મુસ્લિમ સૈન્યનાં ઘોડાઓ માટે પ્રોટીનયુકત ખાદ્યરૂપે ચણાનો પ્રવાસ આજનાં ભારત તરફ શરૂ થયેલો.
અંગ્રેજો પોતે શિકાર કરેલ તિતર, ચકલી, મોર, મુર્ગને આ ચણા સાથે કૂક કરતાં. પાછળથી આ છોલેમુર્ગનો સમાવેશ અંગ્રેજી કિચન અને રોયલ કિચનમાં કરાયો.
અમે જ્યારે જમવાનો નાનકડો હોલ્ટ લીધો ત્યારે આ કિસ્સા ખ્વાની બજાર વિષે કેટલોયે ઇતિહાસ વાતો દ્વારા નીકળતો ગયો. જેમાંથી એક ઇતિહાસ તો આપણાં જલિયાવાલા બાગની યાદ કરાવતો હતો.
બ્રિટિશ હકુમતના વિરોધ સામે આખું અખંડ ભારત એક થઈ ઊભું હતું. દરેક ભારતીયના મનમાં દેશભક્તિની જ્વાળાઓ દિનપ્રતિદિન તેજ થઈ રહી હતી. ૧૯૩૦માં અંગ્રેજ સરકારે મીઠા પર કર લગાવતાં એક બાજુએ ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ ચાલુ કર્યો હતો, બીજી બાજુ પેશાવરમાં ગાંધીવાદી નેતા ખાન અબ્દુલ ગફાર ખાને અંગ્રેજોની તાનાશાહીનો વિરોધ શરૂ કરેલો.

અબ્દુલ ગફાર ખાનની લીડરશીપ નીચે અનેક પઠાણોએ અંગ્રેજોને માત આપી પેશાવરમાંથી ભાગવા મજબૂર કર્યા. આ વિરોધથી ભાગીને અંગ્રેજો લાહોર ગયાં અને ત્યાં જઈ બ્રિટિશ કર્નલ પાસે મોટી ફોજની મદદ માંગી. ૨૩ એપ્રિલના પશ્તૂન પઠાણો કિસા બઝારમાંથી શાંતિપૂર્વક જુલૂસ કાઢી રહ્યાં હતાં તે વખતે અંગ્રેજો લાહોરથી મોટી પલટૂન સાથે આવી પહોંચ્યાં અને ફાયરિંગનો હુકમ આપી દીધો. લગભગ છ કલાક સુધી નિરંતર ફાયરિંગ થતી રહી જેમાં બાળકો-સ્ત્રીઓ સહિત અનેક લોકોએ જીવ ગુમાવ્યો.
આ ઘટનાની બરાબર ૧૧ વર્ષ પૂર્વે એટલે કે; ૧૩ એપ્રિલ ૧૯૧૯માં આપણે ત્યાં આવો જ પ્રસંગ જલિયાવાલા બાગનો બનેલો. જોવાની વાત એ કે આ બંને ઐતિહાસિક પ્રસંગો એપ્રિલમાં થયેલાં અને બંનેની તારીખમાં છેલ્લો આંકડો ૩ હતો (૧૩ અને ૨૩).
તે સમયના ભારતીય આંકડા મુજબ લગભગ ૫૦૦ થી ૬૦૦ લોકો એ ઘટનામાં શહીદ થયાં. જ્યારે આ ઘટના પર એ સમયના બ્રિટિશ અખબારોએ લંડનમાં ખૂબ હોબાળો મચાવ્યો અને બ્રિટિશ સેનાને સવાલો કરવાં લાગ્યાં.
બ્રિટિશરોએ આ પ્રસંગને સામાન્ય ગણાવી મૃતકોની જૂજ સંખ્યા બતાવી કહ્યું કે આ પ્રસંગ કેવળ ભૂલને કારણે સર્જાયો હતો. આ સાંભળી પેશાવરના પઠાણોએ ગુસ્સે થઈ બ્રિટિશ આર્મી પર પથ્થરમારો કર્યો. આથી અબ્દુલ ગફાર ખાને લોકોને હિંસક ન બનવા વિનંતી કરી અને આ ઘટનાનો કેસ બ્રિટિશ અદાલતમાં દાખલ કર્યો.
આ સમયે બ્રિટિશ ગવર્મેન્ટે જસ્ટિસ નૈમતઉલ્લાહ ખાન ચૌધરીને બ્રિટિશ કલમની તરફેણમાં નિર્ણય લેવા જણાવ્યું અને કહ્યું કે અગર આપ બ્રિટિશ કલમ તરફ આપનો નિર્ણય આપશો તો અમે આપને સર, નાઈટહૂડ, લોર્ડ વગેરે ઉપાધિઓ આપીશું. પણ ચૌધરી નૈમતઉલ્લાહજીએ આ ઉપાધિઓ પાછી વાળી પેશાવરની જનતાને નિર્દોષ અને બ્રિટિશ આર્મીને દોષિત જાહેર કરી સત્યની રાહને ઉજાગર કરી.
આપણાં ઇતિહાસમાં આજે જે સ્થાન જલિયાવાલા બાગનું છે તેવું સ્થાન કિસા ખવાની બઝારનું પણ છે, પણ જલિયાવાલા બાગ જેવી નિશાનીઓ આજે ખાસ ક્યાંય દેખાતી નથી. તેથી પાકિસ્તાનનાં આજના ઇતિહાસમાં આ બઝારનું કોઈ ખાસ મહત્વ નથી તે એક અફસોસજનક બાબત છે. પણ આ બંને પ્રસંગોએ આપણી આઝાદીની ચળવળને વધારે મજબૂત કરી દીધી એ બાબતમાં કોઈ સંશય નથી.
જમવાનાં ટેબલ ઉપરથી જાણેલો ઇતિહાસ વાગોળતાં વાગોળતાં જ્યારે ફરી અમે ઊભી બજારેથી નીકળ્યાં ત્યારે કેટલાયે ક્રાંતિકારીઓનાં અજાણ્યાં ચહેરાઓ મારી આંખ પાસેથી સૂક્ષ્મ સ્વરૂપે નીકળી ગયાં અને પોતાનાં બલિદાનની વાત સાથે બીજી અનેક વાર્તાઓ કાનમાં કહી ગયાં.
અમારી યાત્રા આમ કેવળ સાંભળીને પૂરી થવાની ન હતી, હજુ તો પેશાવરી લોકોનાં મનની સુગંધને પણ અમારે – મારે સ્પર્શવાનું હતું અને આ બજારમાં આગળની યાત્રા તો બસ તેની શરૂઆત હતી.
મને વિશ્વાસ થતો નથી, કે થતો નહોતો. હું જે સાંભળી રહી છું તે ખરે જ સાંભળી રહી છું? પણ મારા વિશ્વાસ – અવિશ્વાસ વચ્ચેની આ વાત ખરી જ હતી.
થયું એવું કે; જે ઝનૂની લોકોથી છુપાવા માટે મેં શાલનો સહારો લીધો હતો તે શાલ મારા માથા પરથી વારંવાર ઉતરી રહી હતી, ને હું વારંવાર ફરી મારુ માથું ઢાંકવાનો નિરર્થક પ્રયાસ કરતી. પણ જે અજાણ્યું હોય તે અજાણ્યું જ રહે છે.
વર્ષોથી મે સાડી પહેરી નથી તો સાડીને માથે ઢાંકીને કાર્ય કરવાનો અનુભવ પણ ક્યાંથી હોય? તેથી જ આજે આટલાં વર્ષે હું શાલથી માથું ઢાંકી બજાર જોવાનો પ્રયત્ન કરી રહી છું તે પાર નથી ઊતરતો.
જોવાની વાત એ છે કે; મને લાગે છે કે હું પ્રવાસી છું તેની અહીંનાં લોકોને ખબર તો પડશે પણ કેટલાં લોકો મારી નોંધ કરશે? પણ હું જેવું વિચારી રહી હતી તેવું ન હતું. કદાચ કિસ્સા ખ્વાનીની બજારમાં રહેલી દરેક દુકાનોને મારી પાસેથી વહેલી હવાએ સમાચાર આપી દીધેલાં જેથી કરી જ્યાં જ્યાંથી અમે પસાર થતાં ત્યાં રહેલાં લોકો એકવાર તો દુકાનની બહાર આવી ને જોઈ જ લેતાં અને ઉસ્માનજીને કહેતાં કે; બીબીજી પેશાવર મેં હમારી મહેમાં હૈ આપ ઉન્હે હમારે સેઇપર (દુકાન) મેં લાઇયે, પણ ઉસ્માન ભાઈ વિવેકથી નાં કહી દેતાં.
અત્યાર સુધી તો અમે પેશાવરી લોકો ઝનૂની છે, તાલિબાની મિશ્રિત છે, તો ત્યાં શાને જાવું? આ જ બધી વાતો સાંભળી હતી, ત્યાં પેશાવરી લોકોનું આવું સૌમ્ય રૂપ જોઈ અમને નવાઈ લાગતી હતી.
ત્યાં અમુક લોકોને એ પણ ખ્યાલ આવતો હતો કે, આ ખાતૂન ઈસ્લામિક રીતીરિવાજ પાળવાનાં પ્રયત્નમાં માથે ઓઢેલી શાલ સાથે ઝપાઝપી પણ કરી રહી છે. વારંવાર માથા પરથી ઊતરતી શાલને વારંવાર સરખી કરી જોઈ એક જગ્યાએ પાછળથી બે માણસો આગળ ધસી આવ્યાં. એમને જોઈ પળભર મને લાગ્યું કે હું કદાચ વચ્ચે આવી ગઈ તેથી એમને મે સોરી કહ્યું.
જવાબમાં તેઓ હસીને કહે; ‘બીબીજી પરદા આપકે બસ કી બાત નહીં હૈ સો આપ રહેને દો, વૈસે ભી આપ મહેમાં હો હમારે.’ કહી આગળ ચાલ્યાં ગયાં. એમની વાત સાંભળી હું થોડીવાર માટે સ્તબ્ધ રહી ગઈ ને વિચારવા લાગી કે; આને જ આપણે લોકો ઝનૂની કહીએ છીએ?
એ સાથે મને હરપ્પામાં મળેલ એ બીબી યાદ આવી ગઈ જેણે મને કહેલું કે; ‘બીબી મર્દોવાલે કપડે તો ડાલે પર પરદા ક્યૂઁ નહીં ડાલા?’ જવાબમાં મે એને કહેલું, ‘હમારે યહાં પરદા નહીં ડાલતે.’ આ સાંભળી એ મને કહે કે; ‘અગર મૈ બીના પરદે કે ઘર સે નીકલેગી તો સારે લોગ મુજ કો ગાડ હી દેંગે.’
આ વાત હરપ્પાની છે જે લાહોર પાસેનું એક ગામડું હતું ને હવે અમે જૂના પેશાવરમાં ફરી રહ્યાં છીએ જ્યાંથી અફઘાનિસ્તાન કેવળ એક-બે કલાક દૂર છે. લોકો રૂઢિચુસ્ત તેમ છતાં આ લોકો મને પરદો રાખવાની ના કહે છે તે બાબત મારે આશ્ચર્યજનક હતી, પણ આ તો એક-બે વ્યક્તિનો મત હતો. અમે વધુ ને વધુ જૂના પેશાવરનાં હૃદયમાં ઉતરવા તત્ત્પર થઈ રહ્યાં છીએ ત્યાં મારે મારી -અમારી સેફ્ટી માટે તેમની આ વાત નકારવી જ રહી એમ સમજી હું ફરી માથા પર શાલ – પરદો રાખવાની કવાયત કરતી કરતી મારા ગ્રૂપ સાથે આગળ નીકળી પડી.
© પૂર્વી મોદી મલકાણ (યુ.એસ.એ)
purvimalkan@yahoo.com