આપણે જ બંદીવાન, આપણે જ પહેરેદાર (પ્રકરણ : 27) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા

પ્રકરણ : 27

‘જેલ’ લખેલી ત્રણ ત્રણ ફાઇલો ગજુ કાઢી ગઈ હતી. મારી ટેવ મુજબ અખબારો, સામયિકો વગેરેમાંથી માહિતી, પ્રસંગોનાં કટિંગ્સ ભેગાં કર્યાં હતાં. આખી પ્રોસેસ સમય અને ધીરજ માગી લે છે, પણ આવા પ્રોજેક્ટ માટે જરૂરી છે. પપ્પા રોજ જ નિયમિત લખતા, રમૂજમાં કહેતા સઈનો દીકરો જીવે ત્યાં સુધી સીવે. હાઉ ટ્રુ!

ફાઇલોનો પથારો રસોડામાં પાથર્યો. એમાંથી વાર્તામાં ગૂંથી શકાય એવી માહિતી, પ્રસંગો, પાત્રો જુદાં તારવીને એક જ ફાઇલ બનાવવાનું કપરું કામ પાર પાડ્યું. ઇમર્જન્સી વખતે દુર્ગા ભાગવત, જયવંતી મહેતા અને અન્ય મહિલાઓ જેલમાં હતાં એમને મળી, પણ મહિલાઓ પ્રત્યેના દુર્વ્યવહારની ખાસ કોઈ વાત જાણવા ન મળી.

મહેન્દ્ર મારો સાયલન્ટ સપોર્ટ. એક દિવસ મારા હાથમાં ચૂપચાપ પુસ્તક મૂક્યું,

પત્રકાર કુમકુમ ચડ્ડાએ તિહાર જેલમાં ડેથ રો પરનાં ફાંસીખોલીનાં કેદીઓની મુલાકાત લીધી હતી તેનું પુસ્તક. હવે મને પ્રતીક્ષા હતી નવલકથાનાં ટ્રીગર પૉઇન્ટની. મારી પાસે જે મેટર હતું તેને એક રસપ્રદ નવલકથા તરીકે આલેખવા માટે એક સ્પાઇન સ્ટોરીમુખ્ય કથાવસ્તુ, પાત્રો જોઈએ જે નવલકથાની કરોડરજ્જુ છે એ મારા અનુભવોનું તારણ હતું, એ માત્ર ડૉક્યુનૉવેલ ન બનવી જોઈએ.

ત્યાં અચાનક જ ટ્રીગરપોઇન્ટ હાથ લાગ્યું. સવારે ચા પીતા અખબારને ખૂણે ટૂંટિયું વાળીને પડેલા ચારપાંચ લીટીનાં સમાચારમાંથી જાણ્યું તિહાર જેલનાં આસિસ્ટન્ટ જેલર વેદપ્રકાશ ગર્ગની બદલી દૂરના, છેક બિહારના નાના ગામમાં થઈ ગઈ હતી.

વેદપ્રકાશ ગર્ગ

ટીકા-ટિપ્પણ વિના એટલું જ લખ્યું હતું કે જેલમાંથી કુખ્યાત ચાર્લ્સ શોભરાજનું ડ્રગ રૅકેટ વેદપ્રકાશે પકડી પાડ્યું હતું, આ ચાર લીટીના સમાચાર પાછળ કેવા કેવા ષડયંત્રો રચાયાં હશે તે સમજી શકાય છે.

મારી કથાનો નાયક બન્યો દેવપ્રકાશ ગર્ગ. કોઈ પણ પાત્ર શૂન્યમાં તો નથી શ્વસતું. એનું જીવન, એનો સંઘર્ષ એ નામ સાથે જોડીને તેને જીવતો કરવો પડે.

મેં કલ્પના કરી દિલ્હીની હાઇસોસાયટીની તેની પત્નીની, પુત્રી રીંકુ. બંનેની અલગ વિચારધારાઓનો સંઘર્ષ. બિહારની ભાગલપુર જેલમાંનો બેફામ ભ્રષ્ટાચાર, જમીનદાર, નેતા, જેલર અને અપરાધીઓની મજબૂત સાંઠગાંઠ, ચોતરફથી આદર્શવાદી દેવપ્રકાશને ભિડાવવાનો મોરચોકથાનું આખું માળખું રચાતું ગયું.

સત્યઘટના અને અનેક પાત્રો સામેથી મારી સામે આવીને ઊભાં રહ્યાં, હિયર વી આર અમારી વાત તું માંડીને કહે.

ઇન્ડિયન એક્સપ્રેસના પત્રકાર અશ્વિની સારીન નશાનું નાટક કરી સામેથી પકડાઈને પોલીસવાનમાં ઠાંસોઠાંસ ભરાઈ તિહાર જેલમાં પહોંચી ગયા. શિકારી કૂતરાની જેમ જેલ સૂંઘી લીધી, આંખકાન ખુલ્લા, બહાર આવીને ઇન્ડિયન એક્સપ્રેસને પ્રથમ પાને ‘ઇન ઇન્ડિયન જેલ’ નામની વાંચતા થથરી ઉઠાય એવી લેખમાળા લખી. વાનમાં તેમની સાથે કુમળા પુરુષોત્તમને કારણ વગર પકડી ખોસ્યો. જેલમાં ગુંડાકેદીના સેક્સ માટે… એકદમ આંખો દેખા હાલ.

Singh, Ashwini Sarin and Shourie – Courtesy: Indian Express

લેખમાળા પ્રગટ થતાં જ જેલખાતું દોડતું થઈ ગયું. પછી જૈસે થે. મારી ફાઇલના ઢગલામાંથી માત્ર બે લીટીની માહિતી મેં રેડમાર્ક કરેલી. એક બ્રિટિશર યુવતી નક્સલાઇટ સાથેનાં સંબંધના સંશયને આધારે કશા પુરાવા વિના જેલોમાં ફંગોળાતી રહી. બ્રિટિશ ઍમ્બેસીએ માંડ શોધીને મુક્ત કરાવી. એણે ‘ફાઇવ યર્સ ઇન ઇડિયન જેલ’ પુસ્તક લખ્યું હતું.

બસ, એ પુસ્તકની શોધમાં હું ઝનૂનથી મચી પડી. મારી ધારણા હતી એમાં સ્ત્રી કેદીઓની અથ ઇતિ હશે જ. અંદર શું શું થતું હોય છે તે છૂટાછવાયા પ્રસંગ સિવાય ક્યાંય પણ લખાયું જ નથી. મને આમાંથી સમગ્ર ભારતની ફિમેલ બૅરેક્સનો આંખે દેખા નહીં, પણ અનુભવેલો દોજખ જેવાં પાંચ વર્ષનો પૂરો ચિતાર મળી જશે જે મારે ઉજાગર કરવો હતો. અત્યારની જેલો અને તેની ચક્ષુઉઘાડ હકીકતો વિશે કશું નથી લખાયું.

એ પુસ્તક શોધવાની બહુ મથામણ કરી પણ જાણે એ હતું જ નહીં! મારી ફેવરીટ હન્ટિંગ પ્લેસ. મારા ઘર પાસેની ફૂટપાથ પર મૅગેઝિન પુસ્તકોનો ઢગલો. બે વાર જઈ આવી. એક સાંજે ફરીવાર ગઈ અને લો, ઢગલાની ઉપર જ, બાળક બે હાથ લાંબા કરે મને તેડી લો એમ મને જોઈતું જ પુસ્તક! એનો હિંદી અનુવાદ ‘ભારતીય જેલમેં પાંચ સાલ’.

આ યોગાનુયોગ હતો કે ચમત્કાર એ હું નથી જાણતી, પણ મારા લેખન જીવનમાં એવું ઘણીવાર બન્યું છે કે હું જે શોધું તે સામે આવીને ઊભું રહે. વ્હોટ અ લક! જેલની કથા અને જલ્લાદ-ફાંસીગરનું પાત્ર તો જોઈએ. હિંદી ફિલ્મોમાં જલ્લાદ એટલે ઊંચા, તગડા મસલમૅન, ક્રૂર ચહેરા. પણ મને ‘ધર્મયુગ’માંથી મધ્યપ્રદેશનાં કાળુ ફાંસીગરનો ઇન્ટરવ્યૂ મળ્યો. બેઠી દડીનો, અત્યંત ભલો, સાધારણ કદકાઠીનો ધાર્મિકવૃત્તિનો માણસ.

હું નવલકથાનો કાચો ડ્રાફ્ટ લખી રહી હતી ત્યારે જાણીતા અભિનેતા-દિગ્દર્શક ગિરેશ દેસાઈ આવ્યા.

ગિરેશ દેસાઈ

ઘર પાસે જ બિરલા થિયેટર. ત્યાં સાંજે નાટ્યપ્રેમીઓનો અડ્ડો જામે. ગિરેશભાઈ ઘણીવાર સાંજ પછી અમે મા-દીકરી માટે આઇસક્રીમ લઈને આવતા. વાતોનાં વડાં અમે કરતાં.

તે દિવસે મને કહે, જેલજીવન પર તમારી પાસે બધું સાચું મટિરિયલ છે, હજી સુધી આવું નાટક થયું નથી, તમે નાટક લખો, કોઈ કચાશ વિના વધુ સેટ્સ પર. રિવૉલ્વિંગ સેટ પર ભવ્ય પ્રોડક્શન કરીશું. આવું નાટક ન કોઈ લખશે, ન કોઈ ભજવશે. લેટ્સ મેઇક હિસ્ટ્રી.

હા, ઇતિહાસ તો રચાયો નાટક ભજવાવાનો, પણ ટિકિટબારી પર થોડા શો કરી હાંફી ગયું. ‘આ છે કારાગાર’ નાટકમાં, નાટ્યાત્મક રીતે જેલનો ચિતાર રજૂ કર્યો, રસપ્રદ કથા તરીકે. પણ રવિવારે એન્ટરટેન્મૅન્ટની આશા રાખતા, પૉપકોર્ન ખાતાં ગુજરાતી પ્રેક્ષકોને ભાગલપુરની ડાકુઓની અંધીકરણની ઘટના જોવી શી ગમે! મરાઠીમાં પણ થોડા શો થયા, સેન્સરશીપમાં પણ અટવાયું. જોકે પુસ્તકરૂપે પ્રગટ થયું તો આઉટ ઑફ પ્રિન્ટ! હમણાં બીજી આવૃત્તિ થઈ.

જેલજીવન પર મેં નવલકથા લખી ‘બંદીવાન’. ત્રિઅંકી નાટક લખ્યું,

નવલકથા
‘બંદીવાન’નું નાટ્યરુપ

એકાંકી પણ લખ્યું ‘અપરાધી’ જે મુંબઈ અને દિલ્હી દૂરદર્શન પર ટેલિકાસ્ટ થયું. કૉલેજની એકાંકી સ્પર્ધામાં ઇનામો મળ્યા.

એક નાટકનાં દ્રશ્યમાં : નામદેવ લહુટે, કાંતિ મડિયા, ઉષા મલજી સાથે

બેત્રણ ડ્રાફ્ટ પછી નવલકથા સરસ લખાઈ, અંતમાં અટકી. હવે? નૅગેટિવ અંત તો લાવવો નહોતો. (આશા અમર છે બરાબર!) ફરી યોગાનુયોગ મારી વહારે ધાયો.

હું અંતમાં અટકી ત્યાં જ ભાગલપુર જેલમાં કેદીઓની અંધીકરણની ભયંકર ક્રૂર ઘટના થઈ. કેદીઓની આંખમાં તીક્ષ્ણ સોયો ભોંકીને એમાં ઍસિડ રેડ્યું, પછી જેલ સુપ્રિન્ટેન્ડન્ટ પૂછે છેઃ `ગંગાજલ ડાલ દીયા?’

`લાઇટ આઉટ કીયા?’

ઇલેસ્ટ્રેટેડ વીકલીમાં એમ. વી. કામથનો વિસ્તૃત, ફોટા સાથે લેખ. એ વાંચતા રડી પડાય એવી અત્યંત ક્રૂર ઘટના. એ જ લેખમાં બિહારમાં જમીનદારી પ્રથા, જેલનો ભ્રષ્ટાચાર, દેવપ્રકાશ જેવો જેલર ત્યાં પણ હતો સાચેસાચ અને લાલદાસ (એ જ નામ સાથેનું સાચું પાત્ર સુપ્રિન્ટેન્ડન્ટ સામસામે આવે છે. આ બધું કથાના લેખમાં! જેની મેં તો કલ્પના જ કરી હતી.

કથા જ્યારે મને ઉજાગર કરો એવું કહેણ લઈ લેખકની સામે ઊભી રહે છે ત્યારે ઘણીવાર પોતાનો માહોલ પણ રચી આપે છે, શરત એટલી કે લેખકનું પૂરું ઇન્વૉલ્વમૅન્ટ એ કથામાં હોય. મને આવો અનુભવ નવલકથા લખતા થયો છે. કોઈવાર વિમાસણ થાય છે, શું કાગડો બેસે ત્યારે જ ડાળ પડતી હશે!

નવલકથાનો રફ ડ્રાફ્ટ થઈ ગયો. પણ મારા સ્વભાવને જંપ નહીં, થયું આ દળદાર નવલકથાને અંતિમ ઘાટ આપતાં પહેલાં જેલમાં ડોકિયું કરવા મળે તો કેવું સારું!

મારા વકીલમિત્ર ભાવનાબહેન સાથે મોરબી ગોંડલની જેલમાં આંટા મારેલા બેરોકટોક. પણ મુંબઈની આર્થર રોડ જેલ હાઇપ્રોફાઇલ. એનાં અત્યંત સખત નિયમો. ભલભલા અન્ડરવર્લ્ડ અને આતંકવાદી ત્યાં મહેમાન થાય ત્યાં લેખકને શેનો પ્રવેશ! થયું, ‘હિંમતે મદદ તો મદદે ખુદા’. મહેન્દ્ર રોજ ઑફિસ જાય, મને આર્થર રોડ જેલને દરવાજે ઉતારી જાય. ત્યાંથી જ સિક્યૉરિટી સ્ટાફ મને રવાના કરી દે.

હું ત્યારની કેબિનેટનાં ગૃહપ્રધાન પ્રમિલાબહેન યાજ્ઞિક પાસે ગઈ. ભલા સન્નારી. સાહિત્ય અને નાટકોનાં શોખીન. મને ઓળખે. એમની પાસે ભલામણ ચિઠ્ઠી લખાવી, આ ચિઠ્ઠી લાવનાર બહેનને સ્ત્રીકેદીઓ પર પીએચ.ડી. કરવું છે તો જેલમાં પ્રવેશ આપશો.

પ્રવેશ મળ્યો. ચિઠ્ઠીએ લોખંડી દરવાજા ખોલ્યા. જેલ સુપ્રિન્ટેન્ડન્ટ, એમનું ઊંચું દમામદાર કદ, પહોળો લોખંડી સીનો, અત્યંત વેધક નજર. મેં સરી જતી હિંમત બે હાથે પકડી રાખી.

એક પછી એક દરવાજો વટાવતા અંદર ગયા. હું મનોમન નોંધ કરતી, આંખોથી ફોટો ક્લિક કરતી રહી. વિશાળ ચોગાનમાં વચ્ચે મોટું પિંજરું જેમાં કેદી હોય અને મુલાકાત લોકો સાથે થાય.

બૅરેક ખૂબ દૂર દેખાતી હતી. ચોગાનને એક ખૂણે ઊંચી દીવાલ ચણી નાનકડી જગ્યામાં હતી ફિમેલ બૅરેક્સ. મજબૂત તાળું ખોલ્યું. અમે અંદર પ્રવેશ્યા. ત્રણચાર સ્ત્રી કેદીઓ વાસણ ઊટકી રહી હતી. (એમાં એક સમૃદ્ધ ઘરની સી.એ. થયેલી ગુજરાતી મહિલા પણ હતી.)

ખૂન કેસની બે સ્ત્રીકેદીઓને સુપ્રિન્ટેન્ડન્ટે બહાર બોલાવી. મૂર્તિમંત દરિદ્રતા. ધુમ્મસમાં દોરી હોય એવી ઝાંખી આકૃતિઓ. અપરાધ? દેર બળાત્કાર કરવા ત્રાટક્યો, ઝપાઝપી થઈ. એમાં એ નીચે પડ્યો અને પથ્થર સાથે માથું અથડાઈ ફૂટી ગયું. અપરાધ એનો અને ઍક્સિડેન્ટલ ડેથ પણ કોર્ટ કેસ વગર મહારાષ્ટ્રના નાના ગામડામાંથી એ સ્ત્રી અહીં આવી પડી હતી.

બીજી સ્ત્રીનો પતિ એની પાસે ધંધો કરાવવા ગ્રાહક લઈ આવ્યો, બે પુરુષ સામે બિચારી શું કરે! પેટમાં દાતરડું હુલાવી દીધું. ઘરેથી કોઈ મળવા આવતું નથી, ભાવિ અનિશ્ચિત અને અંધકારમય.

હું ભારે હૈયે બહાર નીકળી. જેલ સુપ્રિન્ટેન્ડન્ટ કહે છે, જે લખો તે પ્રકાશિત કરતા પહેલાં મને મેટર આપજો જે પૂના આઈ.જી.ને મોકલી પરમિશન માગવી પડશે. હું થોડે દૂર ગઈ તો આસિસ્ટન્ટ જેલર ચૂપકે સે મારી પાછળ આવ્યા, થ્રિલર ફિલ્મની જેમ પાછલી સીડીએથી એમનાં ઘરે ગઈ. સરકારી ક્વાટર એવી બિસ્માર હાલતમાં અને નાનું. થોડા વખત પહેલાં જ એમની અહીં બદલી થયેલી. એમણે જેલ સિસ્ટમ પર ડૉક્ટરેટ કરેલું પુસ્તક મને ભેટ આપ્યું.

મારા મનમાં જેલનો નકશો દોરાઈ ગયો હતો. એક દિવસ મહેન્દ્ર કહે, મારો એક જૂનો વકીલ મિત્ર આજે મળી ગયો. તારી નૉવેલની મેં એને વાત કરી છે કે કોઈ છૂટેલા કેદી સાથે તને મેળવી આપે, એ માટે તું ત્રણ વાગે જજે. મને કાર્ડ આપ્યું. હું એમની ઑફિસે સમયસર પહોંચી ગઈ. એમણે એમની ટાઇપિસ્ટને કહ્યું, તમેય ચાલો સાથે. આપણે કોઈ કેદીને મળવા જવાનું છે. ક્યાં? પણ ચાલો તો ખરા કહેતા એમણે ટૅક્સી કરી.

ગલીકૂંચીમાં થતી ટૅક્સી ઊભી રહી. એ જગ્યા જોતા અમે બંને બહેનો ગભરાઈ ગયાં. મુંબઈનો કુખ્યાત, ડ્રગલોર્ડ્ઝ અને અન્ડરવર્લ્ડ અડ્ડો રેડલાઇટ એરિયા! એંસીનાં દાયકામાં હજી એનજીઓ કે સોશિયલવર્કર્સની અહીં ખાસ પહોંચ નહોતી. પાંજરા જેવામાં પુરાયેલી સેક્સવર્કર્સ. દલાલો જેવા દેખાતા લોકોની આવનજાવન. અધખુલ્લા વસ્ત્રોમાં ગ્રાહકોને આકર્ષતી બધી વયની સ્ત્રીઓ… આખું વાતાવરણ છાતીએ ચડી બેસે એવું.

અમે ટૅક્સીમાં જ બેસી રહ્યાં, પણ વકીલ મહાશય કહે, નીચે ઊતરો, ગભરાઓ નહીં, હું સાથે છું. મને બધા ઓળખે છે.

નવાઈ પામતા, માથે સાડીનો પાલવ ઢાંકી દઈ અમે ઊતર્યાં. ઘરે મહેન્દ્રને કહીશ તો શું કહેશે એ વિચાર ફરકી ગયો પછી થયું, જીવનનો આ પણ એક ચહેરો છે અને આ વકીલ સાથે છે. ત્યાં સુધીમાં એને બેત્રણ જણા સલામ કરી ગયા. સધિયારો મળ્યો. અમે નીચે ઊતર્યાં. થોડી નજર વીંધતી રહી.

મને ‘પૂર્ણિમા’માં મેં કરેલી ભૂમિકા યાદ આવી ગઈ. ડર લાગે એવો માહોલ, પણ અમે વકીલની જોડાજોડ ચાલ્યા. લાઇનબંધ લીલા રંગે રંગેલાં હારબંધ ઘરો અને લાલ રંગે રંગેલા નંબરો.

એક ઘરમાં દાખલ થયાં. લાંબી, સાંકડી ઓસરી જેવી જગ્યા. સામસામે બે બાંકડા. ડાબી બાજુ ખોબા જેવડી ઓરડીઓ, બારણાં નહીં. નાના મેલા પડદા માત્ર. પવનમાં ઊડતા રહે. અહીં કશું ગોપિત નથી, વસ્ત્રો અને સ્વમાન સાથે જ ઉતારવા પડે છે. પૂરા અર્થમાં અનાવૃત્ત.

ઓસરીને છેવાડે નાનો મેડો હતો. એ તરફ પીઠ કરી. અમે બે બાંકડા પર બેઠાં ત્યાં વકીલ અંકલ આવ્યાની ખબર પડતાં ચારપાંચ છોકરીઓ દોડતી આવી. અમને જોઈ ખૂબ રાજી થઈ. હમે મિલનેકા આયા આપ?

બધી જ નેપાળી હતી. કારમી ગરીબીની આંધીમાં, પવનમાં ફંગોળાયેલા ખરી પડેલા પાંદડાની જેમ અહીં આવી પડી હતી. આ ડેડ એન્ડ. અહીંથી રસ્તો નથી આગળ જતો, નથી પાછળ. પ્રેમથી પૂછ્યું : `દીદી કુછ પિયોગે?’

`યસ. ક્યું નહીં?’

મેં તેમનો દેશ, ઘર વિશે વાત માંડી ત્યાં પાછળથી કોઈ મોટેથી બોલ્યું : `કેમ છો વર્ષાબહેન? આવો આવો.’

હું તો ઠરી જ ગઈ. કોઠા પર મને કોણ બોલાવે! ત્યાં એ સજ્જન મારી સામે આવીને બેઠા.

`બહેન તમને તો ઓળખું ને! ઘાટકોપરમાં તમારી બા અમારી કરિયાણાની દુકાનેથી ખરીદી કરતા. તમારું ‘પલ્લવી પરણી ગઈ’ નાટક સારું હતું હો બહેન! આચાર્યસાહેબની ચોપડીઓ વાંચી છે.’

મને એની દુકાન યાદ હતી. બા સાથે ઘણીવાર ગઈ હતી. રસ્તા પર જ હતી. દુકાનમાં સરસ મંદિર હતું અને આ ભાઈ કોઠા પર હતા. મેં જરા ધૃષ્ટતાથી કહ્યું : `હું તો લેખિકા તરીકે અહીં આવી પણ તમે અહીં?’

જરાય સંકોચ વિના કહેઃ `હું મૅડમનો પેરામર છું.’

મારા સોશિયૉલૉજી વિષયમાં પ્રૉસ્ટિટ્યૂશન પર પેપર હતું, જેમાં પેરામર શબ્દ વારંવાર આવતો. પેરામર એટલે કોઠાની મૅડમનો ‘ખાસ’ માણસ, કોઠાને અને બહારની દુનિયાને જોડતી કડી. એમણે સફાઈ આપવા માંડીઃ `આ છોકરીઓનો હું બહુ ખ્યાલ રાખું છું હોં!’

`એમ?’

`પૂછી જુઓ.’

પણ મારે જે પૂછવું હતું તે મારી પાછળ ઊભેલી મૅડમ અને આ માણસોની હાજરીમાં એ છોકરીઓ શું બોલવાની હતી!

`હું એમને ભણાવું છું, ઘરે પૈસા મોકલાવું છું. કોર્ટકેસ થાય ત્યારે આ વકીલસાહેબ સાચવી લે, એમાંય મારી મદદ.’

હવે આમાં મારે શું ઉમેરવાનું! એક નેપાળી યુવતીએ એમની અત્યંત ગરીબીની વાત માંડી, કોલ્ડ ડ્રિન્ક આવ્યા કે ગળે ડૂમો ભરાયો તે ગળી ગઈ.

વકીલ મેડી પર મૅડમને ત્યાં અમને લઈ ગયાં. એ નિરાંતે બેઠાં, મેડમ સાથે એક કેસની આગલી પાછલી વાતો કરી, નીચેથી એકને બોલાવી એની પોલીસ પૂછપરછ કરવાની હતી કે એવો કંઈક મામલો હતો, તેને જવાબોનું કોચિંગ કરવાનું ભાઈશ્રી પેરામરે સમજાવ્યું એ દરમ્યાન મૅડમનું એક રૂમ રસોડાનું ઘર હું જોતી રહી. કશું ખાસ નહીં, કોઈ ગ્લૅમર નહીં, દીવાલ પર કોઈ ન ઓળખાતી દેવીનો ફોટો હતો. ફિલ્મમાં કોઠાનો માહોલ કેટલો ભ્રામક હોય છે!

નીચે ઊતર્યા, છોકરીઓ અમારી રાહ જોતી હતી. પ્રેમથી આવજો કહેતી બારણાં પાસે અટકી ગઈ. બહાર નીકળતાં ટૅક્સી મળી ગઈ, અંધારું ઊતરતું હતું, જલ્દી ટૅક્સીમાં બેઠાં ત્યાં હૃદયવિદારક ચીસો સાંભળી હું ઊતરી પડી.

એક કદાવર ગુંડો, એક સ્ત્રીનાં વાળ પકડી તેને ફટકારી રહ્યો હતો. ગાળોનો તો વરસાદ. ચોતરફ પુરુષો જ પુરુષો હતા, પણ જાણે કંઈ બનતું જ નહોતું! સહુ પોતાના દાયરામાં. પેલાએ સ્ત્રીને ભોંયે નાંખી પડખામાં લાત મારી. એ સ્ત્રીની ચીસ મને વીંધી ગઈ. બેચાર સ્ત્રીઓ ધસી આવી એને બચાવવાની કોશિષ કરવા લાગી.

વકીલ કહે, બહેન ચાલો હવે, આ તો રોજનું થયું. હા, ઊભી રહીનેય હું શું કરી શકવાની હતી! ટૅક્સી જઈ રહી હતી એ સ્ત્રીનું આક્રંદ પડઘાતું હતું. વકીલે શાંતિથી કહ્યું : `વર્ષાબહેન આ બાઈઓ શાહુકાર પાસેથી પૈસા વ્યાજે લે, ભરપાઈ થાય નહીં એટલે માર ખાય. બેપાંચ હજાર વધીને પછી થાય પંદરવીસ હજાર.’

`અને પોલીસ પાસે…’

`લે, પોલીસની હિંમત છે કે અહીં પગ મૂકે!’

આખરે મેં પૂછી જ લીધું : `તમે આ લોકોની સાથે કામ કરો છો?’

`હા, આ બાઈઓની વકીલાત, કોરટકચેરીમાં મામલાની જ મારી પ્રૅક્ટિસ છે.’ જરા અટકીને બોલ્યાં : `પણ બાને ખબર નથી.’

`અને પત્નીને?’

કોઈ જવાબ ન મળ્યો. નક્કી એમની પણ આ દિશાએ જવાની કોઈ કથા હશે, પણ હવે મારે કશી વાત કરવી ન હતી. હજી એ રુદનના પડઘા… એ દૃશ્યો મને દેખાતાં હતાં. પેલી ટાઇપિસ્ટ બહેન તો એટલી હેબતાઈ ગઈ હતી કે મૂંગીમંતર.
* * *
થોડીવારમાં અમે એ લત્તામાંથી બહાર નીકળી ગયાં. જાણે કોઈ અદૃશ્ય રેખા પાર કરી અમે કોઈ બીજી દુનિયામાં પ્રવેશ કર્યો.

મને જેલમાં જોયેલું દૃશ્ય યાદ આવી ગયું. પુરુષો માટેની વિશાળ જેલનાં (પુરુષ અપરાધીઓ જ અધિક) એક ખૂણામાં નાની સ્ત્રીઓની જેલ. જે ખરા અર્થમાં અપરાધી નહોતી તે સજા ભોગવી રહી હતી.

ખુલ્લા શહેરના ખૂણામાં પણ એક અભેદ્ય, અદૃશ્ય દીવાલ પાછળ આ લાચાર સ્ત્રીઓ પુરાયેલી છે. એ સ્ત્રીઓ આ તરફ શહેરમાં નથી આવી શકતી, પણ આ તરફથી પુરુષો બેરોકટોક ત્યાં જઈ આવી શકે છે.

‘બંદીવાન’ નવલકથા રસોડામાં લખવા બેસું છું કે એ નાની જગ્યામાં એનાં સાચાં પાત્રો મને ઘેરી વળે છે. ગર્ભવતી નીલમણિ જેલમાં શું કામ છે એની કોઈને નથી ખબર. દીકરો અહીં જન્મ્યો એને દુનિયા શું છે તે ખબર જ નથી! રાણી છૂટી ગઈ છે, પણ જેલ બહાર જવું નથી. ત્યાં જેઠ બળાત્કાર કરવા ટાંપીને બેઠો છે. ગંગારામ પૂરા ત્રીસ વર્ષ વગર અપરાધે જેલમાં હતો, કોઈ ભલા વકીલે છોડાવ્યો ત્યારે એ માથા પટકી આક્રંદ કરે છે, હવે એ ક્યાં જાય?

જેલની બહારનો આ વિશાળ સમાજ પણ શું કાળમીંઢ દીવાલો વિનાનું કારાગાર નથી! અનેક વહેમ, માન્યતાઓ અને પૂર્વગ્રહો, ભ્રમણાઓ, રીતિરિવાજો, જ્ઞાતિ અને જાતિવાદ, ધર્મનાં ફાંટાઓ, પ્રાંતની સીમાઓ, વેરઝેરની એક એક ઈંટ આપણી આસપાસ આપણે જ મૂકી આપણે જ રચ્યું છે સમાજ નામે કારાગાર. આપણે જ બંદીવાન. આપણે જ પહેરેદાર.

વર્ષો પહેલા ‘જેલ’ લખેલી ફાઇલ આજે શોધી કાઢું છું. હજુ એમાં થોડાં જૂનાં કટિંગો સચવાયાં છે. કવિતા લખેલું એક ફાટેલું પાનું હાથમાં આવે છે, તેમાંની થોડી પંક્તિઓ હજુ વાંચી શકું છું :

તાર હે કંટીલે સે,
પંખ હૈ થકે થકે
દર્દ કી દિવાર કૈસે પાર હો
જિંદગી જબ મૌન કારાગાર હો!
એક ઉન્માદી ક્ષણ.
જિંદગી ધૂલ કા કણ.
* * *
‘બંદીવાન’ રાજકોટનાં ‘ફૂલછાબ’માં પ્રગટ થઈ. મેં આખી જ હસ્તપ્રત આપી હતી મનમાં એક ખટક તો હતી, સૌરાષ્ટ્રનાં તળપદા માહોલમાં બિહારની પૃષ્ઠભૂમિમાં રચાયેલી ક્રૂરતાના બૃહદકોશ જેવી જેલની કથા વાચકોને ગમશે!

કથાનું અંતિમ ચરણ હતું અને અમે ઘર બંધ કરી ઉત્તરાખંડ પ્રવાસે ગયાં હતાં. પાછાં ફર્યાં અને લેચ-કીથી કેમેય બારણું જ ન ખૂલે! માંડ દ્વાર ખૂલ્યાં. જોયું તો બારણાંમાં ‘બંદીવાન’ માટે વાચકોના પત્રોનો ઢગલો! મહેનત લેખે લાગ્યાનો હાશકારો થયો.

વર્ષો પછી મોરારિબાપુએ આ હતભાગિનીઓ માટે આ એરિયાની આસપાસ રામકથા કરી હતી અને બહેનોને વચન આપ્યું હતું કે મહુવા તમારું પિયર છે. એ અંધારી ગલીઓમાં રામનામ ગુંજી ઊઠ્યું હતું.

એક સેક્સવર્કરની દીકરી, હિંમતથી અને એનજીઓની મદદથી અનેક અવરોધો પાર કરી અમેરિકાની યુનિવર્સિટીમાં ભણી રહી છે તેનો ઇન્ટરવ્યૂ હમણાં વાંચ્યો. એ કહે છે, મહેણાંટોણાંનો અસહ્ય માર મેં ખાધો છે.

ઘેરા રંગોથી દોરાયેલા એ ચિત્રમાં ક્યાંક ખૂલતા સૂર્યકિરણશા પીળા રંગની પીંછીનાં લસરકા જરૂર હવે થયા હશે, પણ સ્ત્રીકાયાનો અબજોનો કારોબાર હવે ખૂબ સુલભ રીતે ઑનલાઇન ચાલી રહ્યો છે.

એ હિમશીલાનો થોડો જ ભાગ સપાટી પર દેખાય છે. ભીતરમાં શુંનું શું હશે!

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. સુવર્ણ જેમ તપે,ટીપાય,ઘડાય તેવી રીતે વર્ષાબેન અનેક કડવામીઠા અનુભવો મેળવીને આભૂષણ રૂપ બન્યા છે,એ સ્પષ્ટ થાય છે.