પાંચ ગઝલ ~ ભરતકુમાર ભેમાભાઈ પ્રજાપતિ ‘અદિશ’ ~ પ્રાથમિક શિક્ષક ~ વતન: નાના કોઠાસણા 

ભરતકુમાર ભેમાભાઈ પ્રજાપતિ ‘અદિશ’
પ્રાથમિક શિક્ષક: મોટા કોઠાસણા, અનુપમ પ્રાથમિક શાળા તાલુકો, સતલાસણા જિલ્લો મહેસાણા.
વતન: નાના કોઠાસણા

૧. ઘણી ખમ્મા!

કદી બ્હારું નથી આવ્યું એ ડૂસકાને ઘણી ખમ્મા!
સદા સંભાળ લેનારી આ પીડાને ઘણી ખમ્મા!

કુંવારી આંખ જેવી જિંદગીની રંગશાળામાં,
કલાને સાચવી લેનાર પડદાને ઘણી ખમ્મા!

યુગોથી પંડને બાળી જગતને રોશની દેવા,
હવાને બાથ ભરનારા આ દીવાને ઘણી ખમ્મા!

સ્મરણ તાજું કરે છે એક ગરમાળો ‘ને બીજી તું,
હરખની ડાળ પર ઝૂલેલા સપનાને ઘણી ખમ્મા!

તને મળવાના મનમાં કોડ લઈ દોડી રહેલા, ને-
સતત હાંફી રહેલા એક રસ્તાને ઘણી ખમ્મા!

પુરાવા એક નહીં લાખો છે એની હાજરીના અહીં,
જુઓ ઉઘડી રહ્યાં છે ફૂલ વગડાને, ઘણી ખમ્મા!

‘અદિશ’ ચુંબન કરીને એક પંખી ડાબી બાજુને,
સુધારી જાય છે મારા આ મનખાને, ઘણી ખમ્મા!

૨. વારતા માંડી રહ્યો છું

હું મને મળવા ગયાની વારતા માંડી રહ્યો છું.
સાંભળો છો? હું હવાની વારતા માંડી રહ્યો છું.

ખાલીપો ખાલી થયાની વારતા માંડી રહ્યો છું.
ને તમસ ઉલેચવાની વારતા માંડી રહ્યો છું.

વાંસળીના સૂરની માફક નસેનસમાં વહેતી,
જિંદગી, અત્તર થયાની વારતા માંડી રહ્યો છું.

સૂર્યનો અજવાસ પી-પીને ખુમારીથી ચમકતી,
એક ઝાકળના ગજાની વારતા માંડી રહ્યો છું.

જે યુગોથી શ્વાસમાં દીવો થઈને ઝળહળે છે,
એ અનોખી વારતાની વારતા માંડી રહ્યો છું.

જિંદગીભર લોક જેને પામવા દોડ્યા કરે છે,
શ્વેતરંગી એ ધજાની વારતા માંડી રહ્યો છું.

જેના લીધે ભીંત માથું ગર્વથી ઊંચું કરે છે
આજ એવા બારણાની વારતા માંડી રહ્યો છું.

કાળજું કંપી જવાનું, શ્વાસ પણ થંભી જવાના,
મૌન આખી એ સભાની વારતા માંડી રહ્યો છું.

સાંજ ઢળતાં જેને જોવા બ્હાવરી થઈ જાય આંખો,
પ્રેમઘેલી એ કલાની વારતા માંડી રહ્યો છું.

૩. આપણ બંને ઊભાં છીએ

આંખોની ભીનાશ થઈને આપણ બંને ઊભાં છીએ.
ભીતરનો અજવાસ થઈને આપણ બંને ઊભાં છીએ.

અંધારાને આઘું ઠેલી, ગમતી ડાળે માળો બાંધી,
વગડાની લીલાશ થઈને આપણ બંને ઊભાં છીએ.

એક નજરથી એક નહીં પણ લાખો રસ્તા ખૂલી જાશે,
હા, એવો વિશ્વાસ થઈને આપણ બંને ઊભાં છીએ.

ભવભવનાં લેખાંઝોખાં બસ આ જન્મારે પૂરાં કરવા,
એક બીજાનો શ્વાસ થઈને આપણ બંને ઊભાં છીએ.

ગામ, નગર ને આખે આખો સમાજ એક અવાજે બોલ્યો,
જીવનની મીઠાશ થઈને આપણ બંને ઊભાં છીએ.

૪. લીલા કરો

પ્રભુ બસ આટલી લીલા કરો,
પીડાના હાથને પીળા કરો.

સમજનું થઈ રહ્યું છે વિસ્તરણ,
તમે બંધન બધા ઢીલા કરો.

ખરેલાં પાંદડાં બોલી ઉઠ્યાં,
જીવનના અર્કને પીધા કરો.

પછી અંધાર ઘેરે એ ક્ષણે,
હવાના શ્વાસમાં દીવા કરો.

બધું અહિયાં પડી રહેશે ‘અદિશ’
આ ઊંચા સૂરને ધીમા કરો.

૫. કશે ફરવા ગયું છે

શ્વાસમાં રમતું હતું એ જણ કશે ફરવા ગયું છે.
સાવ ખાલી મન હતું એ પણ કશે ફરવા ગયું છે.

શબ્દનો જે લય હતું એ જણ કશે ફરવા ગયું છે
એટલે કે શબ્દનું સગપણ કશે ફરવા ગયું છે

સાવ લીલું સ્પર્શનું તોરણ કશે ફરવા ગયું છે.
સાંભળો છો? દ્વારનું સગપણ કશે ફરવા ગયું છે.

ક્યાં ગયા પ્રશ્નો સભાના લાવ સળગાવી મૂકીએ,
એમણે આપેલ એ કારણ કશે ફરવા ગયું છે.

રાત આખી એજ ચર્ચા શહેરમાં ચાલી રહી છે,
બિંબ તોડીને પછી દર્પણ કશે ફરવા ગયું છે.

~ ભરતકુમાર ભેમાભાઈ પ્રજાપતિ ‘અદિશ’
વોટસ્અપ નંબર:
+91 94274 66092
વાતચીત:  +91 91040 12377

આપનો પ્રતિભાવ આપો..

5 Comments

  1. વાહ ! દિલને સ્પર્શી ગઈ ભરતભાઈ ની બધી જ ગઝલ.

  2. દરેક ગઝલમાં તાજગી વર્તાય છે, સાવ અજાણ્યું નામ પણ કવિની ગઝલો વાંચવાની મોજ આવી…

  3. ખૂબસરસ રચનાઓ…
    ખૂબ ખૂબ અભિનંદન કવિ શ્રી ભરતભાઈને…

  4. આભાર
    મારી પાંચ ગઝલને આપના બ્લોગમાં સ્થાન આપવા બદલ
    🌹🌹🌹🥀🥀🥀🥀🥀🌸🌸🌸🌸🌸