એક બાજુ દાળનો વઘાર અને મનમાં તુમુલ યુદ્ધ (પ્રકરણ : 25) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા

પ્રકરણ : 25

ઘનશ્યામભાઈ જેવા દૃષ્ટિવંત તંત્રી અને લેખકનું સામેથી આમંત્રણ. તરત જ મેં હા પાડી.

‘સુધા’ની રહસ્ય ચિત્રકથા ‘છેવટનું છેવટ’ પહેલા ડ્રાફ્ટને ફરીથી લખી અને પ્રગટ કરવા આપ્યો અને નવી નવલકથા લખવાની હતી. હંમેશાંની જેમ વહેલી સવારે ગરમ ચાનો કપ લઈ અંધકારમાં બારી પાછળનાં કબ્રસ્તાનનાં બગીચામાં ગુલમહોરનો કેસરી વૈભવ અગ્નિપુષ્પ હોય એમ અંધકારમાં ઝળહળી રહ્યો હતો. બગીચામાં થોડી બત્તીઓ છે એથી તો એ દૃશ્ય વધુ મનોહર લાગતું હતું.

કોની, કેવી વાર્તા કહેવી એની મથામણ મનમાં હતી. ધીમે ધીમે વર્ષો પહેલાં જોયેલા એક દૃશ્યની રેખાઓ મનમાં દોરાવા લાગી.

ઘાટકોપરના ઘરના પગથિયે ઊભી છું, હું અગિયાર-બારની. વહેલી સવારના એક પ્રૌઢ પુરુષ ચાલી રહ્યા છે, પાછળ એક યુવતી નતમસ્તકે હાથમાં બૅગ લઈ ચાલી રહી છે. ધીમે સાદે આસપાસમાં થતી વાતો સાંભળું છું, પ્રથમ પત્નીથી થયેલી યુવાન પુત્રી છે, બીજી મૃત્યુ પામી અને હવે નાની ઉંમરની આ ત્રીજી પત્ની!

એ ઉંમરે એ દૃશ્ય, એ વાતો મારી સમજની બહાર છે, પણ એક બીજની જેમ છેક ભીતર દટાઈ ગયેલું દૃશ્ય મારા કાગળ પર લીલુંછમ્મ અંકુર બની લહેરાઈ ઊઠ્યું. મને થયું ગૂંચવાયેલા માનવસંબંધોનો આમાં છે એકદમ વાસ્તવિક આલેખ! તરત નવલકથા લખવાની શરૂઆત કરી.

સાવકી યુવાન માતા અને એ જ વયનાં યુવાન સંતાનો અને એ ધિક્કાર અને રોષથી શરૂ થયેલા સંબંધ પર મૃત માતાનો પડછાયો. લગ્ન કરવા માટેનાં બંનેનાં અલગ અલગ સંજોગો. વળાંક અને વહેણમાં ફંટાતી, તરતી, ડૂબતી, તણાતી, કથા વહેતી રહે છે.

હવે શીર્ષક. આંખ બંધ કરી એક કાવ્યસંગ્રહ હાથમાં લીધો, વચ્ચેથી ખોલ્યો. તરત નજર પડી નલિન રાવળનાં કાવ્ય ‘રેતપંખી’ પર. મારી નાયિકા સુનંદાનાં જીવનનો આલેખ એ કાવ્યમાં. મેં નલિનભાઈને પત્ર લખી રજા માગી, તરત જ સંમતિનો પત્ર, એ કાવ્ય તમારું છે.

મેં નવલકથાનો બીજો ડ્રાફ્ટ લખ્યો અને આખું મેટર ઘનશ્યામભાઈને આપ્યું. ‘સમર્પણ’માં પ્રગટ થતાં લોકપ્રિય થઈ, સાથે ઘનશ્યામભાઈનો સંદેશ, લીલાવતી મુનશીને નવલકથા ખૂબ ગમી છે, તમને હાઇ ટીનું નિમંત્રણ મોકલ્યું છે.

કેમ રાજી ન થાઉં! મમ્મીજીની સ્ટાઇલમાં સ્લીવલેસ બ્લાઉઝ પહેરી, બનીઠનીને મળવા ગઈ. મુનશીજી તો હવે નહોતા. એમણે મને પ્રેમથી આવકારી, ઓહો! અમારી શશી તો હવે લેખિકા છે ને! તારી નવલકથા તો મને બહુ ગમી કહેતા ઘણી વાતો કરી.
* * *
1973ની આસપાસનો સમય. ‘રેતપંખી’ પુસ્તક માટે મેં રઘુવીરભાઈને આમુખ લખી આપવાની વિનંતી કરી. મને એમ કે એમની નજર તળેથી કથા પસાર થાય તો એનાં આપોઆપ લેખાજોખા થઈ જશે.

એમણે પ્રસ્તાવના લખી આપી અને મારે ઘરે આવી મને હાથોહાથ આપી. એમણે લખ્યું હતું : `…આ એકપાત્રીય લઘુનવલની રચનારીતિ ઘટનાપ્રધાન કથાની હોવા છતાં એમાં માનસિક સંચલનોનું આલેખન થઈ શક્યું છે. આભાસ, ભ્રાન્તિ, સ્વપ્નતરંગ, સ્મૃતિઉદ્ગાર આદિનાં નિરૂપણમાં શબ્દની સારી એવી સહાય મળી છે. એ જોતાં સ્વાભાવિક રીતે જ કહેવાનું મન થાય કે ‘રેતપંખી’ની લેખિકાનું ભાવિ ઊજળું છે.’

નવલકથાનું સ્વરૂપ, રચનારીતિ વગેરેનો મારો તો કોઈ જ અભ્યાસ નહોતો! હું તો સહજ લખતી એટલું જ. રઘુવીરભાઈની પ્રસ્તાવના વાંચી મને થયું હું સાચા રસ્તે જઈ રહી છું.

મારું ભાવિ રઘુવીરભાઈએ ઊજળું ભાખ્યું, પણ નવલકથાનું ભાવિ પણ ઉજ્જ્વળ નીકળ્યું!

‘મારે પણ એક ઘર હોય’ની જેમ આ કથા પણ સ્વૈરવિહારીણી હતી. આ નવલકથા નાટ્યાત્મક છે, પણ કેટલી હૃદયસ્પર્શી છે! આનું ટેલિ પ્લે, પૂરું બે કલાકનું લખી આપો, દૂરદર્શનનું આમંત્રણ. એમાં એ સમયે મિસ ઇન્ડિયા હતા તે સ્વરૂપ સંપટ, ચિત્રા શરદ વ્યાસ મુખ્ય ભૂમિકામાં.

નાટકની રજૂઆત પછી ઘનશ્યામભાઈ મારો નાટક વિષે ઇન્ટરવ્યૂ લે એવું આયોજન હતું. નાટક વિશે વાતો કરતાં એમણે પૂછ્યું : `આવું નાટ્યાત્મક અને માનવસંબંધોની ગૂંચનું કથાવસ્તુ શી રીતે સૂઝ્યું?’

ત્યાં સુધી ઇન્ટરવ્યૂ સરસ ચાલી રહ્યો હતો. મેં ઉત્સાહમાં સાચી વાત કહી દીધી. ના, નામ કોઈના ન આપ્યા, પણ એક દૃશ્ય જોયું હતું તે મેં કહ્યું, મા અને સંતાનોનાં ઇક્વેશનની વાત કરી.

મને એ ખ્યાલ ન રહ્યો કે દૂરદર્શનાં ગુજરાતી કાર્યક્રમો, તેમાંય નાટકો તો લગભગ દરેક ઘરમાં જોવાતા હોય છે તો કોલોનીનાં લોકો સમજી જશેને આ કોની વાત છે! એ મહિલાની સ્થિતિ શું થઈ હશે! જોકે સુનંદાનું બીજી પત્નીનું પાત્ર ખૂબ ગરિમાપૂર્ણ છે, તોય એને કેવી લાગણી થઈ હશે! દિવસો સુધી મને અપરાધભાવ પીડતો રહ્યો.

વર્ષો વીત્યાં. એક આશ્ચર્યકારક ઘટના બની. રાજસ્થાનથી મને એક પત્ર મળ્યો. પેલા પ્રૌઢ પુરુષની યુવાન પુત્રીએ કોઈ સંબંધીને મારા પરનો પત્ર મોકલ્યો હતો, જેમણે મારું સરનામું શોધી મને પહોંચાડ્યો.

લાંબો પત્ર હતો. એ સમયે અમારી ત્રણેય બહેનોની એ દોસ્ત હતી. એણે લખ્યું હતું કે, ‘તારા નાટકની વાર્તા મારા જ જીવનની વાસ્તવિક કથા હતી. મારી સાવકી મા સાથે સંઘર્ષ પછી એ મારી મા બની, પછી બહેનપણી. એને હું મોટીબહેન કહેતી.’ હું નવાઈ પામી ગઈ, મેં જે કલ્પનાથી વાર્તાનાં તાણાંવાણાં વણ્યાં હતાં એ એનાં જ જીવનનાં હતાં! સાચાં હતાં!

છેલ્લે લખ્યું હતું : ‘તને મળવું છે, મારા પતિનાં ઓપરેશન માટે હું બૉમ્બે હૉસ્પિટલમાં છું. તું આવી શકે!’

મેં જોયું તો પત્રમાં તારીખ નહોતી. મારી પાસે પણ પત્ર ફરતો ફરતો આવ્યો હતો. મારા ઘરની બાજુમાં જ છે બોમ્બે હૉસ્પિટલ. હું અને બિંદુબહેન તરત જ ત્યાં ગયાં પણ એ લોકો બે દિવસ પહેલાં જ જયપુર ચાલી ગયાં હતાં. પત્રમાં સરનામું નહીં. હું ક્યાં પત્ર લખું?

એક પૂરી થયેલી વાત અધૂરી રહી ગઈ.

એક દિવસ વિષ્ણુભાઈ ઘરે આવ્યા. ‘રેતપંખી’ નાટકની સ્ક્રિપ્ટ લઈને, ‘સરતાં સપનાં, ખરતી પાંખો’.

`જો વર્ષા, તારી સંમતિ જોઈએ છે નાટક માટે.’

મેં કહ્યું : `તમે નાટ્યગુરુ અને પિતા સમાન. તમને પૂરો અધિકાર છે, મારી સંમતિ શેની!’

નિર્માતા દંપતિ શીલા રાજેન્દ્ર બુટાલાએ વિષ્ણુભાઈના દિગ્દર્શનમાં નાટક સરસ રીતે ભજવ્યું હતું. હજી ‘રેતપંખી’ની સફર ચાલુ હતી. નવી ગુજરાતી ચૅનલ માટે જય મહેતા પ્રોડક્શને ‘રેતપંખી’ પરથી ગુજરાતી સિરિયલ બનાવી, થોડા એપિસોડનું શૂટિંગ થઈ ગયું, ત્યાં કચ્છના ધરતીકંપમાં એ ચૅનલ જ ધરાશયી થઈ ગઈ.

એ સમયે કલ્પના ન હતી કે ડૂબી ગયેલી ‘રેતપંખી’ નવલકથા વર્ષો પછી પોતાનાં તુંબડે તરતી તરતી સપાટી પર આવશે અને પોતાનો હક્ક માગતી લાંબી લડાઈનો શંખ ફૂંકશે! કાલ કોણે દીઠી છે!
* * *
‘રેતપંખી’ લખતી હતી ત્યારે મારા મનમાં બીજી નવલકથા સમાંતરે ચાલતી હતી.

રહસ્યકથાનો સરસ વિષય સૂઝી આવ્યો હતો, એક પ્રયોગ લેખે ફિલ્મ ઍડિટિંગમાં જેમ વાર્તાનાં દૃશ્યો જુદી જુદી રીતે ગોઠવાતાં આવે, ફ્લૅશબૅક હોય, ક્યારેક અસંબદ્ધ લાગતો પ્રસંગ કે સંવાદનો ટુકડો હોય એમ જીગઝો પઝલની જેમ દૃશ્યો ગોઠવતાં જઈ કથા લખવી. ઓછાંમાં ઓછાં વર્ણનો, વધુ સંવાદો.

રહસ્ય ઉકેલવા ઇન્વેસ્ટિગેશનની દોડાદોડી પણ નહીં. ઘરમાં જ રહીને એક અંધ યુવાન અવાજોની લિપિ ઉકેલતા ઇન્સ્પેકટરને રહસ્યની ગાંઠ ખોલી આપે છે એટલે કથાનું નામ હતું ‘અવાજનો આકાર’.

આ કથા મેદસ્વી નહોતી, પણ રહસ્યનાં અંકોડા ગોઠવવાની ખૂબ મજા પડી.

પહેલાં હતું, આવી પ્રયોગાત્મક કથા વાચકોને ગમશે? પ્રખ્યાત અભિનેતા વિજય દત્તને આ નવલકથા ખૂબ ગમી. મારી પાસે નાટક લખાવ્યું, એમણે સ્ક્રિપ્ટ પર કામ કર્યું. એમની ઇચ્છા એ અંધ યુવાનની ભૂમિકામાં એમના યુવાપુત્ર પરાગને તખ્તા પર લાવવાની હતી.

વિજયભાઈએ નાટકની તૈયારી કરી, સેટ ડિઝાઇન થયો ત્યાં પરાગનું સપરિવાર વિમાન અકસ્માતમાં દુખદ અવસાન થયું.

પરાગ વિજય દત્ત, પત્ની ચાંદ સાથે

અત્યંત આઘાતજનક કરુણ ઘટના હતી. વિજયભાઈએ પણ વિદાય લીધી.

આજે પણ ઝાંખી પડેલી પીળા પાનાની સ્ક્રિપ્ટ એમના હસ્તાક્ષર સાથે એમની સ્મૃતિમાં સચવાયેલી છે.
* * *
મારા ઘરની નજીક જૂનાં નવાં પુસ્તકોની એક મોટી દુકાન હતી. બહુ વર્ષ એનો દબદબો રહ્યો, હવે બંધ થઈ ગઈ છે. દુકાનની બહાર એ અનેક મૅગેઝિન્સનો ઢગલો કરતા. કોઈવાર ત્યાં હાથફેરો કરવા પહોંચી જતી.

એક વાર ઢગલામાં ‘નેશનલ જિયોગ્રાફિક’નાં (National Geographic) બેત્રણ અંક હાથ લાગ્યા, મેં ખરીદી લીધા. શિવાની ત્યારે વરસેકની. એ રાત્રે દૂધ પીવા ઊઠી ગઈ. એને ખોળામાં લઈ, આગલી સાંજે ખરીદેલો ‘નેશનલ જિયોગ્રાફિક’નો અંક લઈ, એક હાથે દૂધની બાટલી પકડી, બીજા હાથે એમ જ પાનાં ફેરવતી રહી.

સેન્ટરસ્પ્રેડનું પાનું ખૂલતાં જ હું આઘાતથી સ્તબ્ધ બની ગઈ. એ સમયે વિયેટનામનું યુદ્ધ એની ચરમસીમાએ હતું.

અમેરિકન સૈનિકોએ વિયેટનામના માઈલાઈ નામના નાનકડા ગામની નિશાળ પર ત્યાં ગેરીલાઓનો અડ્ડો છે સમજી બૉમ્બ ફેંક્યા હતા. પીંક વિલેજ, ગુલાબી ગામ તરીકે ઓળખાતા એ ગામની નિશાળ નાનાં ભૂલકાંઓનાં લોહીમાંસનો ઢગલો બની ગઈ. એ ત્રણસો- ચારસો બાળકોની માતાઓ હૈયાફાટ રુદન કરતી એ લોહિયાળ ઢગલામાં કૂદી પડી હતી કે કદાચ પોતાના બાળકનું કોઈ અંગ હાથમાં આવે!

એ તસ્વીરો ભયંકર હતી. એક ગર્ભવતી મહિલાનું પેટ ચીરી એમાંથી ગર્ભ બંદૂકની બેયોનેટ પર રાખી સૈનિકો ખડખડાટ હસતા હતા, એક સૈનિક કિશોરીનાં કપડાં ઊતારી રહ્યો હતો, બે વિયેટનામીઝનું માથું કાપી, એક હાથમાં લોહિયાળ માથું અને બીજા હાથમાં લહેરથી નાળિયેર પીતા સૈનિકોનાં ફોટા જોઈ હું થીજી ગઈ. નેશનલ જિયોગ્રાફિકનાં ફોટોગ્રાફરે છૂપાઈને આ તસવીરો ખેંચી અને યુક્તિપૂર્વક મૅગેઝિનને પહોંચાડી હતી. 1973ની આસપાસનો આ સમય.

હું આ તસવીરો જોતી હતી અને મારા ખોળામાં મારી દીકરી નિરાંતે ઊંઘતી હતી અને હું અનેક બાળકોનાં માંસનો લોહીનો ડુંગર જોતી હતી.

હું અત્યંત વિચલિત થઈ ગઈ. એ જ ક્ષણે મને થયું કે હું આ યુદ્ધકથા લખીશ. ‘યુદ્ધસ્ય કથા રમ્યા’ શી રીતે હોય! જગતની મહાસત્તાઓની ઘોડદોડમાં એ હણહણતાં ધસમસતા અશ્વોનાં પગમાં કચડાતાં, ફંગોળાતા જંતુની જેમ મરી જતા પ્રજાજનોની હૃદયવિદારક પીડાની કથા હું લખીશ.

એ વખતે વિયેટનામ વૉર એની ચરમસીમાએ. મુહૂર્ત શેનું જોવાનું! શિવાનીને સૂવડાવી મેં તરત અડધી રાત્રે એક કોરી ફાઇલ શોધી ઉપર લખ્યું વિયેટનામ વૉર. ફાઇલમાં એ અંક મૂક્યો. અખબારોનો ઢગલો રસોડાના કબાટમાં. એ કાઢી એમાં વિયેટનામના કોઈ પણ સમાચાર હોય તે કાપી ફાઇલમાં મૂક્યા.

પછી શરૂ થયું વૉર મિશન. અમેરિકન લાઇબ્રેરી, રશિયન ઍમ્બેસીમાંથી પુસ્તકો લાવું. ત્યારે ન ગુગલ, ન ઝેરોક્સ. પુસ્તકો તો અમુક સમયમાં પાછાં આપવાનાં હોય એટલે ઉતારો કરું, નાનામોટા પ્રસંગો, ઇતિહાસ કથામાં ઉપયોગી થશે એવું લાગે તે ઉતારી લઉં. વિયેટનામીઝ નામ, વસ્ત્રો, ત્યાંનું હવામાન… એવી ઝીણી વિગતો ખાસ.

મહિનાઓ સુધી આ ઉદ્યમ ચાલ્યો. જાણે મારું રસોડું વૉરરૂમ! મહેન્દ્ર પણ ક્યાંય આવું મટિરિયલ જુએ તો મારા માટે લઈ આવે. આવા ઢગલામાંથી તે વાર્તા શેં લખાય! એવા ગાંડપણ માટે એણે મને કદી નાહિંમત નહોતી કરી.

હવે ઘાસમાંથી સોય વીણવાનો સમય આવ્યો. અનેક સામયિકો, અખબારનાં કટિંગ્સ, મેં કરેલા ઉતારા, બધું રસોડાનાં પ્લૅટફૉર્મ પર પાથરું. એમાંથી ઇતિહાસનો કયો હિસ્સો, પ્રસંગો, પાત્રો કથામાં ખપમાં આવશે તે શોધી, તારવી એની જુદી ફાઇલો.

મહેન્દ્ર મેઘાણી લોકમિલાપનો પુસ્તકમેળો લઈ થોડાં વર્ષ મુંબઈ આવતા, મારા ઘરની પાસે જ સુંદરાબાઈ હૉલ, તેમાં પુસ્તકમેળો હોય.

મહેન્દ્ર મેઘાણી

રાત્રે ઘણીવાર એ મારે ત્યાં સૂવા માટે આવે. મહેન્દ્રની બાજુમાં ભોંય પર બંને મહેન્દ્ર લંબાવે. સવારે ચાર વાગ્યે ઊઠી જાય. અમે બે જોડાજોડ રસોડાનાં પ્લૅટફૉર્મ પર સવારોસવાર લખતા. મહેન્દ્રને મારા નામેરી કહીને બોલાવે.

એક દિવસ પુસ્તકમેળાનાં એમનાં કાર્યકરો, મંજરીબહેન બધાં માટે અમે રસપૂરીનું જમણ રાખ્યું હતું. મહેન્દ્રભાઈએ રસ ન લીધો, (અનેક ગરીબોને આ અમૃતફળ નથી મળતું તો મારાથી કેમ ખવાય!) ટાંકણે મહેમાનો આવેલા જોઈ નોકર ભાગી ગયો. હું છુપાવવા જાઉં તોય એમને ખબર તો પડી ગઈ.

મહેન્દ્રભાઈ વાસણ ઉટકવા લાગ્યા, બિચારા મારા વર મહેન્દ્રની હાલત કફોડી, એણે કદી આવું કામ કરેલું નહીં અને મહેન્દ્રભાઈ કામ કરે તે એનાથી જોવાય નહીં.

બંને મહેન્દ્રને વાસણ ઉટકતા જોવાનું એ અલભ્ય દૃશ્ય! અફસોસ ત્યારે મોબાઈલ ન હતા નહીં તો મેં જરૂર ફોટો પાડ્યો હોત!
* * *
આટલા ઉધામા કર્યા પછી રહી રહીને હું ઢીલી પડી. આપણે આપણું જ સ્વાતંત્ર્ય  યુદ્ધ ભૂલી રહ્યા છીએ, એ સ્પિરિટ જ ખતમ થઈ ગયો છે. ત્યારે દૂરદૂરનાં અજાણ્યા મુલકની વાતમાં કોઈને શું કામ રસ પડે! આ મહેનત વ્યર્થ નથી!

દર્શક મુંબઈ આવે ત્યારે મારે ત્યાં અચૂક આવે જ. એક વખત ફાઇલો બતાવી મારી મૂંઝવણની વાત કરી. એ તો ખૂબ રાજી થયા અને મને એક સોનેરી શીખ આપીઃ ‘વર્ષા, લોકોને ગમે તે નહીં પણ આપણને જેમાં કન્વિક્શન હોય તે જ લખવું. સર્જકની મોટી વિરાસત તે આત્મશ્રદ્ધા.’

સર્જકતાનો આ ગુરુમંત્ર મારા મનમાં અજવાળું કરી ગયો. એમણે કહ્યું : ‘તું વિયેટનામ વૉર પર જરૂર લખ. સામાન્યજનની પીડાની વાત સર્જક નહીં કરે તો કોણ કરશે!’

બીજે જ દિવસે, વહેલી સવારથી મારું નાનું રસોડું બની ગયું યુદ્ધનું સમરાંગણ! સવાર પડતાં યુદ્ધવિરામ અને ઘરસંસાર શરૂ.

એક રવિવારની સવારે હું અને મહેન્દ્ર ચા પીતા અખબારો વાંચતા હતા ત્યાં એનું ધ્યાન ગયું, એકાંકી નાટ્યલેખન સ્પર્ધાની જાહેરાત હતી. તરત એણે કહ્યું : ‘તારી પાસે તો વિયેટનામનું મેટર તો છે જ, તું એકાંકી લખને! તારો નાટકનો અનુભવ પણ છે, આવો વિષય કોઈનો નહીં હોય. ચાલ, હમણાં જ બેસી જા લખવા.’

અરે પણ અત્યારે દીકરીઓને નવડાવવાની… રસોઈ… નાનાંમોટાં કામ… મારી કોઈ દલીલ ન ચાલી. હું ટિફિન લઈ આવું છું અને અમે લહેર કરીશું, તું બેસ.

હું પણ ઉત્સાહિત થઈ ગઈ. એક સાચો પ્રસંગ લઈ તેમાં કલ્પનાથી નાટકનો પહેલો ડ્રાફ્ટ લખ્યો. સાંજે અમે તેજપાલ થિયેટર ગયા. છેલ-પરેશ સેટ ડિઝાઇનર.

છેલ-પરેશ

મેં છેલભાઈને નાટકનું દૃશ્ય સમજાવ્યું અને સેટ ડિઝાઇનનું ડ્રૉઇંગ કરી આપવાની વિનંતી કરી. એમણે કહ્યું, ‘કબૂલ. પણ ઇનામ લાગે તો મને શુકનમાં આપવાના.’ બે દિવસમાં તો સેટ ડિઝાઇન તૈયાર. મેં પણ બેત્રણ વખત લખીને નાટક તૈયાર કર્યું, સાથે સેટ ડિઝાઇન. અમે કવર મોકલી આપ્યું.

એક મુખ્ય કથા અને એમાં ઇતિહાસની ઘટનાઓ, યુદ્ધની નીતિરીતિઓ, શસ્ત્રો, બધું વાર્તામાં વણી લેતી જાઉં. (કોઈવાર એક બાજુ દાળનો વઘાર અને મનમાં તુમુલ યુદ્ધ ઘન જંગલમાં ખેલાતું હોય!)

ભડકે બળતા માઈલાઈ ગામમાંથી એક નાનકડી બાળકી ભયભીત થઈ ફાટેલી આંખે ગામ બહારની કેડી પર દોડી રહી છે એ ફોટો મને સતત હોન્ટ કરે.

South Vietnamese forces follow after terrified children, including 9-year-old Kim Phuc, center, as they run down Route 1 near Trang Bang after an aerial napalm attack on suspected Viet Cong hiding places on June 8, 1972. (AP Photo/Nick Ut)

પછીથી એ તસવીર વિશ્વભરમાં એન્ટીવૉરનું પ્રતીક બની ગઈ હતી.

ત્યાં એકાંકીસ્પર્ધાનાં પરિણામનો પત્ર મળ્યો, મને પ્રથમ ઇનામ (રૂપિયા 100ની આસપાસ). એ સાથે ગુલાબદાસ બ્રોકરનો ફોનઃ ‘હું નિર્ણાયક હતો, પણ મને હમણાં ખબર પડી કે તને પહેલું ઇનામ મેં આપ્યું છે. સેટ ડિઝાઇન અને નાટકમાં સૂચનાઓ પણ લખી હતી, અભિનંદન. આમ જ લખતી રહેજે.’

ઇનામનો મનીઑર્ડર આવ્યો. અમે 25 રૂપિયા છેલભાઈને આપવા ગયા, એમણે ખુશી ખુશી લીધા અને સેલિબ્રેશનમાં મસ્ત ગરમ ચા.
* * *
વિયેટનામયુદ્ધની સત્યઘટનાઓને નવલકથાનાં રૂપમાં ઢાળી, નહીં સાંધો નહીં રેણ દેખાય એમ કલ્પનાનાં રંગોથી રસીને કથા લખી ‘આતશ’.

મને ડર હતો, અખબારમાં હપ્તાવાર છપાતી નવલકથાના વાચકોનો વાચનરસ અલગ હોય છે. તેમને આ નહીં ગમે પણ જાણીતા વિવેચક કૃષ્ણવીર દીક્ષિતે સામે ચાલીને સુરતના ‘ગુજરાત મિત્ર’ માટે માગી. મેં ચેતવ્યા હતા પણ એમણે ‘દર્શક’ જેવો જવાબ આપ્યો હતોઃ ‘ક્યારેક આપણી પસંદગી, રુચિની વાર્તા પણ પ્રગટ કરવી જોઈએ.’

‘ગુજરાત મિત્ર’માં ક્રમશઃ પ્રગટ થઈ. વાચકોએ ઉમળકાભેર પત્રો લખ્યા. અક્ષયકુમાર દેસાઈ, કૃષ્ણવીર દીક્ષિત, બટુક દેસાઈએ ખૂબ સરસ રીવ્યૂ લખ્યા. આજેય મારી પાસે સચવાયા છે.

ત્યાં મને પત્ર મળ્યો, ‘આતશ’ને ‘સોવિયેત લૅન્ડ નેહરુ ઍવૉર્ડ’ મળે છે.

એ સમયે આ એવોર્ડની બહુ મહત્તા હતી

એ સમયે આ ઍવૉર્ડ અત્યંત પ્રતિષ્ઠિત. દબદબાભર્યા સમારંભમાં પ્રતિભા પાટીલને હસ્તે ઍવૉર્ડ મળ્યો (મારા ખાદીધારી વરજી આ પ્રસંગ માટે સુંદર ભરતકામની શીફોન સાડી કલકત્તાથી લાવેલા).

સોવિયેટ લેન્ડ નહેરુ એવોર્ડ પ્રતિભા પાટીલને હસ્તે
સોવિયેટ એમ્બેસી તરફથી

‘આતશ’ને ગુજરાતી સાહિત્ય પરિષદનું પણ પારિતોષક મળ્યું.

દરેક નવલકથાની પણ એક કથા. રાજસ્થાનના નાના ગામના એક શિક્ષક કનૈયાલાલ ભાટી. હું તો ક્યાંથી એમને ઓળખું! એમનો પત્રઃ ‘મને નવલકથા બહુ ગમી, એનાં હિંદી અનુવાદની અનુમતિ આપો, પ્રગટ કરવાની માથાકુટ પણ હું જ કરીશ.’

સારુ. થોડા મહિના પછી મને હિંદી અનુવાદની બે પ્રત દિલ્હીથી મળી, આશ્વાસન સાથે કે જેમ વેચાશે તેમ રોયલ્ટી મોકલશું.

એકાદવાર પચ્ચીસ- પચાસ રૂપિયા મળ્યા હતા કદાચ. પછી હરિૐ તત્સત્! અમે બંનેએ અનેક પત્રો લખ્યા, કોઈ જવાબ નહીં. ઘણાં સમય પછી ભાટીનો શિક્ષકપુત્ર શાળાની ટ્રીપ લઈ મધ્યપ્રદેશ પ્રવાસે ગયો હતો, બુકશૉપમાં ‘આતશ’ની બીજી આવૃત્તિ જોઈ, ખરીદીને મને મોકલી. એમાં મારું નામ અને પારિતોષિકોની યાદી, પણ ભાટીનું નામ અદૃશ્ય! હૈયાબળાપો કરી શું કરવું! ચોરીચપાટી માત્ર સંપત્તિની જ નથી થતી.

થોડા સમય પછી આ ઍવૉર્ડ સમિતિ પર મારી નિમણૂક થઈ. શબાના જેવા કલાકારો સાથે મિટિંગ થતી, હું ખૂબ ખુશ થતી.

સોવિયેટ લેન્ડ નહેરુ એવોર્ડની કમિટી પર

સોવિયેત લૅન્ડ ઍવૉર્ડનો અંતિમ ઍવૉર્ડ મધર ટેરેસાને આપવાનું નક્કી થયું. રશિયન ઍમ્બેસીએ પેપર્સ લઈ મને દિલ્હી મિટિંગમાં મોકલી. મિટિંગ પૂરી થઈ હું હોટલ પર પાછી ફરી એ સાથે ત્યાં અનામત મુદ્દે દિલ્હીમાં તોફાનો ફાટી નીકળ્યાં. વિદ્યાર્થીઓએ અગ્નિસ્નાન કરતાં દિલ્હીમાં આગનાં બનાવો ભડક્યા અને કરફ્યુ!

મારી સવારની ફ્લાઇટ. ઍરપૉર્ટ કેમ પહોંચવું! અમારો ફ્રૅન્ચમેન ફ્રૅન્ડ એશેલ. મહેન્દ્ર સાથે ગિરનાર જાય, કે. કા. શાસ્ત્રી પાસે સંસ્કૃત ભણેલો. અમે એનું પાડેલું નામ સત્ય. એ સમયે ત્યાં ફ્રૅન્ચ ઍમ્બેસીમાં. કોડાઈકેનાલથી અમે ભાગ્યાં હતાં એમ સત્ય મને વહેલી સવારે લેવા આવ્યો.

મેં રૂમ સર્વિસમાં ચા મગાવી હતી એનાં પાંચછ રૂપિયા રિસેપ્શન પર આપવા ઊભી રહી પણ રિસેપ્શન પર રીતસર ભીડ. મૅનેજરના હાથમાં પૈસા મૂકી હું જલ્દી નીકળી ગઈ. સત્યે ગાડી ભગાવી મને ઍરપૉર્ટ પહોંચાડી દીધી.

પછી સવારને બદલે છેક રાત્રે ફ્લાઇટ ઊપડી. મોબાઈલ તો હતા નહીં, ઍરપૉર્ટ પરથી ફોન લાગે નહીં. મહેન્દ્ર ચિંતામાં. હું પણ મુંબઈ ઍરપૉર્ટ પર રાત્રે ઊતરી, ડરી ગઈ. ત્યારે પ્રિપેઇડ ટૅક્સી ન હતી. માંડ ટૅક્સી મળી. આખે રસ્તે ડ્રાઇવર મૌન.

સિત્તેરના દાયકામાં નાઇટલાઇફ પણ ખાસ નહીં અને ઍરપૉર્ટથી મારું ઘર છેક બીજે છેડે. ડ્રાઇવર અરીસામાંથી મને જોયા કરે. મારો જીવ પડીકે બંધાયેલો.

મારા કમ્પાઉન્ડમાં ટૅક્સી ઊભી રહી ત્યારે પહેલીવાર એ બોલ્યોઃ ‘બેનજી, આપ ઉપર જાઓ, આપકા ઘર ખૂલે તબ તક મૈં ખડા હૂં, આજકલ બૉમ્બે કી હાલાત ઠીક નહીં હૈ, મુઝે આપકી ફીકર થી. અલ્લાહ માલિક.’ મેં દિલથી એનો આભાર માન્યો.

વાતનો તંતુ હજી લંબાય છે.

થોડા દિવસ પછી મને રશિયન ઍમ્બેસીમાંથી પત્ર મળ્યો, મૅડમ તમે દિલ્હી હોટલમાં પાંચ રૂપિયા દસ આનાનું બીલ નથી ચૂકવ્યું. તો તમે એ રકમ દિલ્હી હોટલને ચૂકતે કરજો. ફોર સ્ટાર હોટલનો મૅનેજર આટલી ‘મોટી’ રકમ ખિસ્સામાં મૂકી પાછો ફરિયાદનો ઍમ્બેસીને પત્ર લખે છે!

લાઇફ ઇઝ સ્ટ્રેન્જર ધેન ફિક્શન અમસ્તું કહ્યું હશે!

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. વર્ષાબેનના સાહિત્ય લેખન તથા સિદ્ધિઓ અને પ્રતિષ્ઠિત એવોર્ડ મળવાના આ પ્રસંગોની સાથે એક યશસ્વી જીવન કથા મળતી જાય છે.