પાંચ ગઝલ ~ દીપક ઝાલા ‘અદ્વૈત’ (નૈરોબી) ~ (સૌજન્ય: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી ગઝલ શિબિર)
(સૌજન્ય: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી – ગઝલ શિબિર)
૧. થઈ જાય છે
આંખનો ચોખ્ખો અરીસો ધૂંધળો થઈ જાય છે,
‘મા’ને ફોટોમાં નિહાળી, ગળગળો થઈ જાય છે.
કેવી રીતે હૂંફ એણે સીંચી એમાં શું ખબર?
‘મા’નો જૂનો સાડલો પણ ધાબળો થઈ જાય છે.
‘મા’ હતી તો જોર મારા બાવડે બમણું હતું,
‘મા’ વિના તો ‘દીપ’ કેવો પાંગળો થઈ જાય છે!
‘મા’ સ્મરણ તારું મળે એ ક્ષણને હું ઉત્સવ ગણું,
તું નથી તો જો સમય બેબાકળો થઈ જાય છે!
‘મા’થી મોંઘી કોઈ મૂડી આખા આ જગમાં નથી,
એ નથી તો પૈસા સઘળા કાગળો થઈ જાય છે!
સત્ય તેં સમજાવ્યું જેવું એવું હું સમજ્યો સદા,
‘મા’ વિના સંસાર મારો આંધળો થઈ જાય છે.
ખાલીપો કેવો રહે છે આંખમાં, કોને કહું?
યાદ આવે ‘મા’… નયન આ વાદળો થઈ જાય છે!
‘મા’ વગરનું ઘર, તિમિરનું સ્થૂળ ઠેકાણું થયું,
‘દીપ’ પણ ત્યાં હાંફળો ને ફાંફળો થઈ જાય છે.
૨. પડ્યું
સંજોગ કૈંક એવા થયાં, જીવવું પડ્યું,
ક્યારેય જ્યાં જવું ન હતું ત્યાં જવું પડ્યું.
એથી વધુ તો પાપ બીજું શું હશે કહો?
એક પ્રેમથી ભરેલું હ્રદય તોડવું પડ્યું.
થાકીને લોથપોથ હતાં હૈયું, હાથ, પગ
ઇચ્છાની લાશ બાથમાં લઈ દોડવું પડ્યું.
વર્ષો પછી કબરમાં મને ઊંઘ આવી, ને
હોંકાર એમણે જો દીધો, બોલવું પડ્યું.
પડખું ફરી સૂવાની કરી લાખ કોશિશો,
માણસ હતો એ ભૂલીને માટી થવું પડ્યું.
શમણાંય જોઈ જોઈ વળી કેટલાં જુઓ?
એક લાશ આખરે શું કરે? પોઢવું પડ્યું.
આત્માને ક્યારનીય અમે આગ ચાંપી’તી,
નશ્વર શરીર બાકી હતું, બાળવું પડ્યું.
૩. નથી
પથ્થર સમા છે આંસુઓ, ના સાવ પરપોટો નથી,
જેને તમે ખોટો ગણો છો ખ્યાલ એ ખોટો નથી.
છે એમને ગુલાબ કેવળ પ્રિય, ગલગોટો નથી,
પૂજામાં નોખું સ્થાન, જડતો ક્યાંય પણ જોટો નથી.
ટુકડા કરી જોયું અમે, તો એકલા જોવા મળ્યા,
છે ફ્રેમ ઊપર કાચ, ભીતર કોઈનો ફોટો નથી.
હાથે કરી એ ઘા ઉપર મીઠું ફરી ભભરાવશે,
એક-બે નહીં છે લાખ, એવા લોકનો તોટો નથી.
અંધાર આખા ઓરડાનો દૂર કાયમ જે કરે,
આ “દીપ” જાણે આગ છે, એ તેજ લિસોટો નથી.
૪. લખી
(છંદ: ગા ગાલગાલ ગાલલગા ગાલગાલ ગા)
વારેઘડીએ નામ હથેળી ઉપર લખી,
આખીય રાત ગાળી અમે જાગીને સખી.
સંબંધ બેઉ વચ્ચે બધાથી જુદો મળે,
મહેંકી ઉઠે ફૂલો ને લચી જાય ડાળખી.
યાદો સજાવી બેસું સવારોસવાર, પણ,
ખાલી થતી નથી છતાં સપનાંની પાલખી.
તારા સિવાય બીજું કશું યાદ પણ નથી,
એવી તે કેવી મારા ઉપર નાખી ભૂરખી.
વર્ષો પછીય એની ચમક ઓછી થઈ નથી,
દીપી ઉઠ્યો છે પ્રેમ વિરહ-અગ્નિમાં ધખી
૫. તું નથી
ચાલ માની લીધું મારા એકલાનો તું નથી,
હું ય જાણું છું હકીકતમાં બધાનો તું નથી.
નામ આ તારું ખુદા કોણે વળી રાખ્યું હશે!
કામમાં ક્યારેય આવ્યો? જા કશાનો તું નથી!
હું ઉદાસી જેમની લઈને ખુશીઓ વ્હેંચતો,
એમણે આજે કહ્યું : માણસ મજાનો તું નથી!
એક ખૂણામાં ઊભો રાખી દીધો સૌએ મને,
ફકત પાગલની જગા છે, ને દીવાનો તું નથી!
લાખ ઝંઝાવાત આવ્યા, ‘દીપ’ બૂઝાયો નથી,
કોણ સાચું માનશે આશિક હવાનો તું નથી!
~ દીપક ઝાલા “અદ્વૈત” નૈરોબી
સરસ કવિતાઓ!
સુંદર ગઝલો
સંજોગ કૈંક એવા થયાં, જીવવું પડ્યું,
ક્યારેય જ્યાં જવું ન હતું ત્યાં જવું પડ્યું.
ખુબજ સુંદર….👌👍💐💐
એક થી એક સુંદર ગઝલ અને પંક્તિઓ છે.
અપ્રતિમ શબ્દોનું સૌંદર્ય વ્યક્ત કર્યું છે.
રસાસ્વાદ માણવા મળ્યો.
હાર્દિક શુભકામનાઓ 🙏💐
ખૂબ ખૂબ આભાર..🌺🌺
ઉમદા ગઝલો..
વારંવાર વાંચવી ગમે તેવી સુંદર ગઝલો
ખૂબ ખૂબ આભાર..🌺🌺