તમે જૂનું પેશાવર જોશો કે નવું પેશાવર? ~ ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) (ભાગ: ૧૨) ~ પૂર્વી મોદી મલકાણ

બૌદ્ધ ધર્મની અસર

આપણે અત્યારે જૂના પેશાવરમાં ફરી રહ્યાં છીએ તો જાણીએ કે; કુશાણોનાં સમયમાં અહીં બૌદ્ધ ધર્મ ખૂબ ફૂલ્યોફાલ્યો તે દરમ્યાન આ પ્રાંતનું મુખ્ય કેન્દ્ર તક્ષશિલા બન્યું. તક્ષશિલાને બૌદ્ધ સાધુઓએ વિદ્યાના ધામ તરીકે વિકસાવ્યું અને અહીં વિદ્યાપીઠનું નિર્માણ કર્યું.

કનિષ્ક સ્તૂપા આજે

મહારાજ કનિષ્ક પ્રથમના બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા બાદ તેમણે અહીં ભગવાન બુદ્ધની થોડી રાખ અને આપને ચઢાવવામાં આવેલાં ફૂલોને સાથે રાખી અહીં એક સ્તૂપાનું નિર્માણ કર્યું જે આજે ‘કનિષ્ક સ્તૂપા’ને નામે પ્રસિદ્ધ છે. આ સ્તૂપામાં મહારાજ કનિષ્કે બહુધા પ્રમાણમાં સાલ અને સાગની લાકડીનો ઉપયોગ કર્યો.

કનિષ્ક સ્તૂપા

આ પ્રથમ સ્તૂપા એવું હતું જેની ટોચ પર તેર માળ ઊંચો કાષ્ઠમંડપ અને વિહાર બનાવવામાં આવ્યો હોય. તૃતીય રાજા કનિષ્કે પોતાના શાસનકાળ દરમ્યાન આજ સ્થળે બૌદ્ધ સાધુઓની સંગતિ બોલાવી બૌદ્ધ ધર્મના પ્રાચીન હીનયાન અને નવીન મહાયાન એમ બે ભાગ કરેલાં આ બંને ભાગમાંથી પ્રાચીન હીનયાનના બૌદ્ધ સાધુઓ પૂર્વ એશિયા તરફ અને નવીન મહાયાનના બૌદ્ધ સાધુઓ પશ્ચિમ એશિયા તરફ બૌદ્ધપ્રચાર કરવા નીકળેલા.

પેશાવરની બજારમાં આંટાફેરા

પેશાવરમાં દાખલ થતાં જ અમે અમારી સાથે રહેલાં એક મિત્રનાં મિત્ર એવા ઉસ્માનજીને મળ્યાં જેઓ આજનાં દિવસ માટે અમારા ગાઈડ બન્યાં હતાં. તેઓએ પૂછ્યું કે તમે જૂનું પેશાવર જોશો કે નવું પેશાવર? ઇતિહાસની રસિક તરીકે મારી ઓળખાણ તો જૂના પેશાવર સાથે હતી, તેથી અમે તે તરફ જ જવાનું નક્કી કરી અનેક લોકલ લોકો સાથે એમાંનાં જ એક છીએ એમ માની નીકળી પડ્યાં.

જૂના પેશાવરનાં વિવિધ જીવનને જોતાં જોતાં અમે જ્યારે જૂની બજારમાં પહોંચ્યાં ત્યારે ત્યાં સારી એવી ભીડ હતી, પણ ભીડમાં જોવાની વાત એ હતી કે અમારી આજુબાજુ જે ફરી રહ્યાં હતાં તેમાં મોટાભાગના પુરુષો જ હતાં. જે વેચાણ કરી રહ્યાં હતાં તેઓ પુરુષો હતાં અને જે ખરીદી રહ્યાં હતાં તેઓ પણ પુરુષો હતાં. સ્ત્રીઓનું પ્રમાણ લગભગ નહિવત્ હતું.

ઉસ્માનજી સાથે અમે સૌ પહેલાં યૂનાની દવાઓના સ્ટોર પર પહોંચ્યાં. જ્યાં મારે ‘માહૂ’ નામનાં યુનાની એટલે કે આયુર્વેદ ડાળીઓને શોધવાની હતી. આ માહૂ એટ્લે ‘સોમાવલ્લી’નો છોડ.

એક સમયે આ સોમવલ્લીમાંથી ‘સોમરસ’ બનાવવામાં આવતો હતો જે દેવોનું પ્રિય પીણું હતું. ખાસ કરીને સોમરસ અને ઇન્દ્ર રાજા એક સાથે વણાયેલ છે. આ પીણાંથી દેવો હંમેશા મદમાં રહેતાં અને ચીરયુવાન રહેતાં હતાં તેવી માન્યતા પૌરાણિક ગ્રંથોમાં રહેલી છે. જોકે; ઈરાની સંસ્કૃતિએ કેનાબીસ (ગાંજો), એફેદ્રા, પોપીસિડ્સ (ખસખસ) અને દાડમનાં રસનાં મિશ્રણને સોમરસ તરીકે ઓળખેલ છે. આ પ્રમાણે જોઈએ તો દાડમનાં રસ સિવાય અન્ય ત્રણેય વસ્તુઓ નશાની જ વસ્તુઓ છે, તો પછી આ ત્રણેય નશાકારક વસ્તુઓનાં સેવન પછી ઇન્દ્રની બુદ્ધિ જો બગડતી હોય તો એમાં શું નવાઈ?

જ્યાંથી અમે અને બ્રિટિશ ઈતિહાસકાર માઈકલ વુડે માહૂની ખરીદી કરેલ એ સ્ટોર

ખેર, આ યુનાની સ્ટોરમાં અમે પહોંચી જ્યારે માહૂ વિષે પૂછ્યું ત્યારે તે સ્ટોરવાળાને બહુ નવાઈ લાગી. માહૂ નામ અમારી પાસેથી સાંભળતાં જ તે કહે: ગયા વરસે એક અંગ્રેજ આ જ વસ્તુ શોધતો અહીં આવેલો. આ સાંભળી મારું મો અતિહર્ષથી ભરાઈ ગયું.

આ એ જ સ્ટોર હતો જેમાં ક્યારેક ઈતિહાસકાર માઈકલ વૂડ ગયાં હતાં અને હું પણ અનાયાસે એ જ સ્ટોર પર ગઈ. આ ઓળખાણ પછી તે સ્ટોરવાળાએ માઈકલની થોડી વાતો કરી અને પછી માહૂની ખરીદી કરી અમે ત્યાંથી આગળ વધી ગયાં.

જૂના પેશાવરની આ માર્કેટમાં મને ૧૩-૧૪ વર્ષની ઘણી બાલિકાઓ કામ કરતી નજર આવી. આ બાલિકાઓએ પણ પઠાણી સલવારકુર્તી સાથે જેકેટ પહેરેલાં હતાં અને માથા પર કુસકી ટોપી પહેરી હતી. જેને બોબીપિનથી વાળ સાથે ફિટ કરવામાં આવી હતી પણ તેમનાં મો ખુલ્લા હતાં.

અહીં અમને વયસ્ક સ્ત્રીઓની સંખ્યા બહુ ઓછી કદાચ જૂજ જ દેખાતી હતી. જે થોડીઘણી સ્ત્રીઓ કામ કરતી હતી તેમણે કેવળ આંખ દેખાય તેવા આબાયા પહેરેલા હતાં. અગાઉ જૂના લાહોરની બજારમાં જે આબાયા પહેરેલી સ્ત્રીઓ જોઈ હતી તે સ્ત્રીઓની સરખામણીમાં આ સ્ત્રીઓના આબાયા તદ્દન ભિન્ન હતાં. આ સ્ત્રીઓના આબાયામાં મોટેભાગે ગ્રે અને સફેદ રંગના હતાં જે જાડા કોટનમાંથી બનાવવામાં આવે. કદાચ બહુ સામાન્ય પરિવારની સ્ત્રીઓ હશે તેથી જ અથવા તો આ પ્રાંતમાં સારી એવી ઠંડી પડતી હશે તેથી.

પુરુષોનો પહેરવેશ પઠાણી હતો અને મોટાભાગે માથા પર સાફો બાંધેલો હતો. બહુ જૂજ પુરુષોએ અને કિશોરવયના છોકરાઓએ ફૂમતાવાળી મિયાં ટોપી પહેરેલી હતી.

પેશાવરની માર્કેટમાં મને વિવિધ વસ્તુઓ સાથે ખાસ કરીને યુનાની (આયુર્વેદની) જડીબુટ્ટીઓ, વિવિધ રંગની ઝાંયવાળા પર્વતીય મીઠાના ટુકડાઓ, હિંગના ટુકડાઓની ઘણી દુકાનો દેખાઈ.

મસાલાનો સ્ટોર
સ્ટોર બહાર મુકેલ હિંગનાં ટુકડાઓ અને અન્ય મસાલાઓનાં કોથળાઓ

એમ કહેવાય છે કે; આપણી રસોઈને સુંદર સોડમ આપનાર હિંગ એક સમયે અફઘાનિસ્તાનથી આવતી હતી. અફઘાની પઠાણો હિંગ, આલૂબુખારા, જરદાલું, કિસમિસ વગેરે લઈને હિંદુસ્તાનમાં વેચવા નીકળતાં હતાં. આ ડ્રાયફ્રૂટસના ઢગલાઓ જોઈ દાદા ઠાકુર રવિન્દ્રનાથનો “કાબુલીવાલો” મારા મનમાં ઝબકી ગયો જે કોઈક સમયે આ જ ઊભી બજારેથી પોતાની ઝોળીમાં સામાન નાખી હિંદુસ્તાન તરફ નીકળેલો હતો.

આ જૂના પેશાવરની માર્કેટમાં ફરતાં મને ગાંધાર કલામૂર્તિને દર્શાવતાં ઘણાં સ્ટોર જોવા મળ્યાં. જેમાંની વસ્તુઓ માટીથી લઈ બ્રાસમાંથી બનેલી હતી. ઉસ્માનજીનું કહેવું હતું કે ગાંધાર કલા મૂળે તો અફઘાનિસ્તાનથી અહીં આવી હતી પણ આ નગરના રાજાઓએ આ કલાને બહુ ઉત્તેજન આપ્યું પછી આ કલા હિંદુસ્તાન તરફ ગઈ.

લેખ અને ફોટોગ્રાફી :- પૂર્વી મોદી મલકાણ ( યુ.એસ.એ )
purvimalkan@yahoo.com

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. એક તરફ આવા સુંદર લેખ અને તેમા પેશાવર ની મધુર યાદ ત્યારે ્બીજી તરફ સમાચાર્‍

    પાકિસ્તાનના પેશાવરમાં શિયા મુસ્લિમોની મુુસ્જિદ પર એક ભિષણ આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં 56થી વધુ લોકો માર્યા ગયા હતા જ્યારે 200થી વધુ ઘવાયા છે. અફઘાનિસ્તાનની સરહદે આવેલા પેશાવર શહેરમાં હાલના સમયમાં સૌથી લોહિયાળ હુમલો માનવામાં આવે છે.
    શિયા મુસ્લિમોને શુક્રવારની નમાઝ દરમિયાન ટાર્ગેટ કરીને આ હુમલો સુન્ની આતંકી સંગઠન દ્વારા કરવામાં આવ્યો હોવાનું સૃથાનિક પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર પેશાવરના કિસ્સા ખવાણી બાઝાર વિસ્તારમાં આવેલી જામિયા મસ્જિદને ટાર્ગેટ કરીને આતંકીઓ દ્વારા આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો.