|

શ્વેત સંબંધ  (લલિત નિબંધ) ~ હરેશ ત્રિવેદી (અમદાવાદ)

આજે વર્ષો બાદ મને ચંદ્રની શીતળ ચાંદનીને મન ભરીને માણવાનો મોકો મળ્યો. પૂનમની મધ્યરાત્રિ છે અને ચંદ્ર સોળે કળાએ ખીલી ઊઠ્યો હતો. રાત્રે જાણે હિમસૂર્ય ઊગ્યો હોય તેવું લાગતું હતું.

હું રેલવેના ટુ ટાયર એસી કોચમાં મુસાફરી કરી રહ્યો છું. શહેરની દોડધામ અને જીવતરની હોડનાં વળગણમાંથી આજે જાત અને મનને છોડાવ્યા છે.  સ્થગિત મનમાં શાતા પ્રવર્તે છે.  કેટલાય સમય બાદ આજે મને નીચેની બર્થ મળી છે. કોઈ વૃદ્ધ પેસેન્જરે બર્થ એક્સચેન્જ માટે પ્રસ્તાવ નથી કર્યો. એટલે ઘણા સમય બાદ મને ફાળવાયેલ લોઅર બર્થ પર હું જ છું. મારું વૃદ્ધત્વ ઉંબરે આવીને હજી ટકોરા મારી રહ્યું છે. છતાં દુબળું શરીર વાળની સફેદી સાથે ગર્વથી ફૂલાયા કરે છે.

મારે પણ એવા દિવસો આવશે કે હું ઉપરની બર્થ પર નહિ ચડી શકું. બીજા પાસે નીચેની બર્થ માટે આજીજી કરવી પડશે. ત્યારે કોઈ ઉદ્ધત અને છેલબટાઉ છોકરો ચોખ્ખી ના પાડી દે તેવી દહેશતથી જન્મેલા પરોપકાર વડે મને મળેલ નીચેની સીટ અન્યને ખેરાત કરતો હોઉં છું. પરંતુ આજે આવું કશું જ ન બન્યું. હું જ મારી બર્થ પર વિહાર અને વિશ્રામ કરતો રહ્યો.

વિચારું છું કે સ્થૂળ વિહાર થઇ રહ્યો છે, પણ સૂક્ષ્મ વિશ્રામ નહિ. મન શરીર પર જોહુકમી કરે છે. બારીના કાચમાંથી પૂનમની ચાંદનીમાં નાહી રહેલ પૃથ્વીની પ્રકૃતિને માણવા સતત લલચાયા કરે છે. ચોતરફ ચંદ્રએ પોતાની અસીમ શ્વેત શાંતિ પ્રસરાવી છે. જાણે આકાશમાંથી દૂગ્ધગંગા ઊતરી રહી હોય અને તેના ધોધ નીચે સોળ વરસની સુંદરી સ્નાન કરી રહી હોય!

કોઈએ સૂર્યની અગનજ્વાળા હણી લઈને દૂધના સમુદ્રમાં ડુબાડી બહાર કાઢ્યો હોય એવું ચંદ્રનું ભીનું અને મીઠું સ્વરૂપ ભાસે છે. સીટ પર વિસ્તરેલ સફેદ બેડશીટ, પિલો કવર અને નાઈટલેમ્પ પણ એમાં સંગત કરાવે છે. મારી અને કમ્પાર્ટમેન્ટની ભીતર અને બહાર સર્વત્ર સફેદીનો સ્પર્શ છવાઈ ગયો છે.

આવી નીરવ શાંતિમાં અજગરની પેઠે ફૂંફાડા મારતી ટ્રેન જંગલો, નદીનાળા વગેરેને ચીરીને પી………..પ કરતી ઠકક….ઠક, ઠકક….ઠક આગળ વધે છે. આગિયા જેવા નાના નાના ફ્લેગ સ્ટેશનો અચાનક આવી ઝબકીને જતા રહે છે. નાના નગરોનાં રસ્તાઓ, શેરીઓ, મકાનો મધ્યરાત્રિએ સ્ટ્રીટ લાઈટના પ્રકાશમાં ટેબલ લેમ્પ નીચે વંચાતા પુસ્તકના શબ્દો, લાઈનો અને ફકરાઓ જેવા સ્પષ્ટ લાગે છે.

હજુ નજર સ્થિર થાય ત્યાં તો વિચારવેગે ટ્રેનની ત્વરામાં બધું ઊડી જાય છે. વાદળછાયા ધૂંધળા અજવાસમાં રાજસ્થાનના રાતુંડા રેગીસ્તાની મેદાનો, છૂટ્ટાછવાયા વૃક્ષો અને ડુંગરાઓ દેખાય છે. અચાનક ટ્રેન ધીમી પડે છે. એકલાઅટૂલા  સ્ટેશનના પીળા પ્રકાશમાં, પીળા બોર્ડમાં કાળા અક્ષરે લખેલ ‘રણથંભોર’ સ્ટેશન વંચાય છે.

હું ડબ્બાનું બારણું ખોલી ઊભો રહીને નજારો નિહાળું છું, પરંતુ દૂર દૂર સુધી બીજું કશું જ નજરે પડતું નથી અને ત્યાં ટ્રેન ફરીથી તેની ગતિશીલતાનો પરચો પૂરે છે.

હું ફરી પાછો સીટ પર આવી સ્થિર થાઉં છું અને મનમાં બાળપણનાં સંસ્મરણો તારલાઓની માફક ટમકી ઊઠે છે. યાદ આવે છે એ સમય જ્યારે ગામડાના ઘરે અગાશી પર સૂતો હતો. ઉનાળાની સાંજે અગાશીને પાણી છાંટીને ઠંડી કરતા. ત્યારબાદ વહેલાસર પથારીઓ પાથરી વાળુ કરવા જતા. રાત્રે સૂવા માટે આવીએ ત્યારે આકાશી શીતળતામાં પથારી ફ્રિઝમાંથી કાઢીને પાથરી હોય એવી ઠંડીબોળ થઇ જતી.

પથારીમાં પડ્યા પછી તો ચંદ્રના સીધા સંસર્ગમાં મનની કાલીઘેલી વાત થતી. હું ગમે તેવડો થાઉં અને ગમે ત્યાં જાઉં પણ ચંદ્ર, હંમેશા મારા અંતરંગનો નિર્દોષ સાક્ષી રહ્યો છે. ચંદ્ર એકમાત્ર એવો છે કે જેણે હંમેશા મારા પર અવિરત અને બિનશરતી શીતળતા વરસાવી છે. મેં એને ઘૂઘવતા દરિયે, હિલ સ્ટેશન પર, કાશ્મીરના બર્ફીલા પહાડો પર, વાદળોથી ઉપર ઊઠીને વિમાનની બારીમાંથી એમ અનેક સ્વરૂપે અને સ્થળેથી નિહાળ્યો છે.

અરે દોસ્ત, તું તો મારો નાનપણનો ગોઠિયો. સાવ નાનો હતો ત્યારે દાદાનાં પડખામાં સૂતા સૂતા તારી જ તો વાર્તાઓ સાંભળી છે. દાદા આખા તારામંડળ અને બ્રહ્માંડ વિષે અજબગજબની વાતો કહેતા. મારા વિસ્મયમાં પેલો એકલો ચમકતો ધ્રૂવનો તારો, સપ્તર્ષિનાં સાત તારા, ખરતો તારો અને આખ્ખેઆખ્ખું નભોમંડળ વિસ્તરતું.

તારા સફેદ ચહેરા પર કાળો ઝાંખો ધબ્બો શાનો છે? તે પૂછું તો બધા અલગ અલગ જવાબ આપતા. કોઈ કહે ડોશી છાણા વીણે છે, તો કોઈ કહે તું તો અમારી પૃથ્વીનો જ છૂટો પડેલો અંશ છે. તું જ્યાંથી છૂટ્ટો પડ્યો તે ખાડામાં તો મોટા મોટા મહાસાગર બની ગયા છે.

અરે… બાપરે, તું આવડો અને આટલો બધો મોટ્ટો છે? પણ લાગે છે તો સાવ નાનો અને નમણો, જાણે ટાઢું ટબુકલું. દરિયો તો ઊંડો અને તોફાની હોય પણ તું તો એકદમ ડાહ્યો ડમરો, શાંત, સૌમ્ય અને સાલસ.

શાળાના વર્ગખંડમાં બેટરીનો પ્રકાશ પાડીને પૃથ્વી, સૂર્ય અને ચંદ્રના અંતર અને તેમના એકબીજા પ્રત્યેના પરિભ્રમણ વડે બનતા રાત્રિ-દિવસથી શરૂ કરીને જેમ જેમ ભણતો ગયો તેમ તેમ ચંદ્ર વિશેની મારી સમજણ વિસ્તરી. ચંદ્રને માત્ર લાગણીથી નહિ પણ વૈજ્ઞાનિક તર્ક વિતર્કથી પણ વિચારતો અને સમજતો થયો. જો કે આ સમજણે મારી નિર્દોષતાને આજે પણ અકબંધ રાખી છે.

હું પાંચમાં ધોરણમાં હતો. મોડી રાત્રે અંધારામાં મિત્રને ત્યાંથી ઘરે પાછા ફરતા તળાવકિનારે આવેલ ઘેઘૂર વડલાના ભૂતથી થરથરી ઉઠ્યો હતો. ત્યારે ચાંદની પાથરેલ માર્ગ પર મેં મુઠ્ઠીઓ વાળીને ઘરભણી દોટ મૂકી હતી. ઘરની ડેલી આવી ત્યારે ચડ્ડી ભીની લાગતી હતી.

ધોરણ બારમાં આવ્યો ત્યારે મારી સમજણે આ ભૂતના ભયને લાત મારીને ભગાડ્યો પરંતુ મનમાં લાલિત્યની ટશરો ફૂટી ચૂકી હતી. શેરીના છેડે આવેલ અંધારિયા પ્લોટમાં તે દિવસે અંધારું નહોતું, પૂનમનો અજવાસ મારી ઊર્મીઓમાં ઉછાળા મારતો હતો. મોડી રાત્રે લપાતીછૂપાતી મળવા આવેલ મમતાનો દૂધ જેવો ચહેરો ચંદ્ર જેવો જ તેજોમય લાગતો હતો. વ્હાલથી તેના ચહેરા પર હાથ ફેરવ્યો. એવું લાગ્યું કે તું સૂર્યના પ્રકાશને પરાવર્તિત કરે છે અને મારી મમતાનો ચહેરો તને. અમે બંને એકમેકની ફરતે પરિભ્રમણ કરીએ છીએ.

ડબ્બામાં લાઈટ થઇ, પેસેન્જરોનો કોલાહલ કાને પડ્યો. બારીમાંથી જોયું તો સૂર્ય કુણો કુમળો અજવાસ પાથરી રહ્યો હતો. ટ્રેન કરતાં પણ અનેકગણી ગતિએ મેં ચંદ્ર સાથેની મૈત્રીનો પ્રવાસ ખેડ્યો.

ચાંદામાંમાએ સંસ્મરણોનાં હાલરડાંથી મને ક્યારે પોઢાડી દીધો ખબર જ ન પડી. મારું અને ટ્રેનનું ગંતવ્ય સ્થાન આવી ગયું છે. એક આહ્લાદક આસ્વાદ બાદ મારું સ્થૂળ અને વ્યવહારિક જીવન શરૂ કરવાનો સમય થઇ ગયો છે.  હું ફરી આતુરતાથી રાહ જોઈશ આ શ્વેત સંબંધની.

~ હરેશ ત્રિવેદી (અમદાવાદ)

આપનો પ્રતિભાવ આપો..

13 Comments

  1. હરીશ ભાઈનો શ્વેત સંબંધ મન ને ઠંડક આપી ગયો. ખૂબ અભિનંદન

    1. ગીરીમાબેન, આપના શબ્દો મારા માટે ખૂબજ પ્રોત્સાહક છે.

  2. હરેશ ભાઈ વાસ્તવિક ચાંદની રાત લાગે છે વાચવાની બહુજ મજા આવી એકદમ કુદરતને માણવા મળી અભિનંદન. શ્રીદેવી પંચોલી

  3. આભાર હરેશભાઇ, મારા જેવા વનપ્રવેશ કરી ચુકેલા કેટલાયને ચાંદામામાના સંસમરણો તાજા કરાવી દિધા – આપની સાથે ના સફરમાંં બહુ મજા આવી ગઇ

  4. સૌમ્ય સુંદર ચન્દ્ર જેવો જ શીતલ અને આહ્લાદક નિબંધ

  5. વાહ..ચાંદનો જાદુ છવાઈ ગયો.ખૂબ સરસ નિબંધ.

  6. ટ્રેઈન કરતાં અનેકગણી ગતિએ ચંદ્ર સાથેનો પ્રવાસ તમે ખેડ્યો,ખરેજ..વાંચતાં વાંચતાં ઠંડક વ્યાપી ગઈ અને તે ય ઉનાળામાં ! બહુ જ સુંદર,હરેશભાઈ…

    1. સંધ્યાબેન, આપની સરાહના મારા માટે બહુ મહત્વની છે.