પાંચ ગઝલ ~ જયદીપ મહેતા ‘સૂર’ ‘આરદીપ’ (શિક્ષક) ~ ઉંમર 23 વર્ષ

ટૂંક પરિચય:
જયદીપ મહેતા ‘સૂર’ ‘આરદીપ’ માળિયા હાટીના ગામના વતની છે. ઉંમર: 23 વર્ષ. અભ્યાસ: B.Sc.,B.ed.(Maths). હાલ શિક્ષક તરીકે ફરજ બજાવે છે.  છ સહિયારા પુસ્તકમાં તેમની રચના સમાવિષ્ટ થઇ છે.  
(1) કાગળ પર લખ્યો

શબ્દથી સંવેદનાનો સાર કાગળ પર લખ્યો,
ને કશું બોલ્યા વગર મેં પ્યાર કાગળ પર લખ્યો.

ભરબપોરે પેટ માટે હાડમારી વેઠતા,
કોઇ મુફલિસના દરદનો માર કાગળ પર લખ્યો.

જીવ ને શિવ જે જગાએ એકબીજાને મળે,
એ અડીખમ ને અલખ ગિરનાર કાગળ પર લખ્યો.

એક ઋષિએ કર્યો ઈલાજ સૌના દર્દનો,
કૃષ્ણનો ગીતા રૂપી ઉપચાર કાગળ પર લખ્યો.

ઘરના ને ઘરના અહીં વેરી બન્યા છે એટલે,
‘સૂર’ એના દિલનો દુરાચાર કાગળ પર લખ્યો.

(2) લગોલગ

કરો યાદ ઈશ્વરને નરસિંહ માફક,
હૃદયની લગોલગ,
બની કૃષ્ણ આવે પરમ તત્ત્વ  મદદે
સમયની લગોલગ.

વિચારોના દુર્જનપણાની અસર
તો જુઓ મંથરામાં!
રચાયું કપટ રામના રાજસી એ
ઉદયની લગોલગ

પ્રથમ વાર મેળાપની આપણી વાત
દિલચસ્પ છે આ,
નયનથી લઈને હૃદયની સફર છે
પ્રણયની લગોલગ

કહાની અહીં કાલની હોય કોને
ખબર? એટલે તો,
રજૂ કેમ કરવી કથા જિંદગીના
વિષયની લગોલગ?

શબદ રૂપ કસ્તૂરીથી પાથરી
ચોતરફ ખાસ ખુશ્બૂ,
કલમનું મહેકી ગયું છે ફલક ‘સૂર’-
લયની લગોલગ.

(3) જોઇએ

બસ એક વાતનું જ દિલે જ્ઞાન જોઈએ,

કે સ્થિતિ સાથ રોજ સમાધાન જોઈએ.

ને માત્ર બાંધી દોર ઊડે નહિ પતંગ ભૈ,
સંગાથમાં પવનની અસલ શાન જોઈએ.

આજે નહીં તો કાલ એ ચોક્કસ પધારશે,
હે જીવ તેથી મોતનું પણ માન જોઈએ.

આપી સમજ મને તો સદા આ અનુભવે,
સંજોગ, કાળ, કર્મ તો બળવાન જોઈએ.

જગથી જીત ‘સૂર’ દરદને સહી મળે,
શંકરની જેમ જખ્મનું વિષપાન જોઈએ.

(4) એવી ક્યાં હતી

વાત દિલની થાય એવી ક્યાં હતી,

લાગણી ભૂલાય એવી ક્યાં હતી.

સાથ તારો જો મળ્યો ના હોત તો,
જિંદગી જીવાય એવી ક્યાં હતી.

પ્રશ્ન શ્રદ્ધાને થયો કે માત્ર હું,
પથ્થરે પૂજાય એવી ક્યાં હતી!

ઝૂંપડી શબરીની ખીલે પુષ્પથી,
ભક્તિ હે! રઘુરાય એવી ક્યાં હતી.

વાસ્તવિકતાથી કરી છે દોસ્તી મેં,
‘સૂર’ એ તોડાય એવી ક્યાં હતી.

(5)  શબ્દ એ જ બ્રહ્મ

અક્ષરે ને અક્ષરે પોલાણ છે,
શબ્દમાં બ્રહ્મત્વનું ઊંડાણ છે.

આ ગઝલ ને, કાવ્ય ને છે શું બધું?
બસ હૃદયની વાતનું પુરાણ છે.

શ્વાસના ન્યાયાલયે જઇ પૂછજો,
મૃત્યુની તારીખનીયે જાણ છે?

આંસુ સાથે ડૂસકાં આવ્યા ઘણા,
લાગણીનું આંખથી ધોવાણ છે.

યમ, નિયમથી લઇ સમાધિથી થતું,
પિંડનું પરબહ્મમાં જોડાણ છે.

સૌપ્રથમ પડદો પડે જીવન તણો,
રંગમંચે પાત્રને ખેડાણ છે.

ને સહેલું નહિ ભજવવાનું અહીં,
નાટકે પણ ‘સૂર’ થોડું તાણ છે.

~ જયદીપ મહેતા ‘સૂર’ ‘આરદીપ’
+91 70468 15107

આપનો પ્રતિભાવ આપો..

9 Comments

  1. વાહહહહ
    ખૂબસરસ રચનાઓ
    ખૂબ ખૂબ અભિનંદન કવિ…

  2. ખૂબ સરસ રચનાઓ, જયદીપ ભાઈ.
    લખતા રહેજો

  3. જયદીપ મહેતા, વાહ! એકે એક રચના ઉત્તમ. કહું તેટલું ઓછું લાગે છે.
    સરયૂ પરીખ.

  4. ખૂબ ખૂબ આભાર હિતેનભાઈ હૃદયથી આભારી છું..આપને વંદન સાહેબ..આપણું આંગણું બ્લોગ પણ આભારી છું..