પાંચ ગઝલ ~ રાજેશ હિંગુ (મુંબઈ) ~ વતન: વાંસોજ ગામ ~ વ્યવસાય: લેડીઝ ટેઈલર

ટૂંક પરિચય: 
રાજેશ લક્ષ્મીચંદભાઈ હિંગુ
વતન: દીવની સરહદ પરનું વાંસોજ ગામ. હાલ થાણા (મહારાષ્ટ્ર)
વ્યવસાય: લેડીઝ ટેઈલર
અભ્યાસ:  બી.એ.
૨૦૧૮ થી ગઝલલેખનમાં પગરણ

(પાંચ ગઝલ)

૧. મેં કર્યું છે

પ્રથમ તો ગહન અધ્યયન મેં કર્યું છે,
એ બાદ જ તમારું ચયન મેં કર્યું છે.

પ્રણય-આભમાં ઉડ્ડયન મેં કર્યું છે,
પછી ક્યાં નિરાંતે શયન મેં કર્યું છે !

પ્રણય પાઠ ભણવા હવે સજ્જ છે એ,
હૃદયનું જુઓ ઉપનયન મેં કર્યું છે.

નથી રહી ઝરૂખેથી જોવાની નિસ્બત,
નયનમાં જ તારું અયન* મેં કર્યું છે.

ઝુકાવી દીધી જાત તારા ચરણમાં,
સ્વયંનું ખરું ઉન્નયન* મેં કર્યું છે.

*અયન = ઘર
*ઉન્નયન = ઉન્નતીકરણ

૨. દ્વિભાષી ગઝલ

ભીતર ગુંજે નાદ शिवोहम्।
તેથી લાગે अखिलं मधुरम्।

એ કાયમ સાથે ના રહેશે,
सर्वम् दुःखं सर्वम् क्षणिकम्।

ગુર્જરી ગળથૂથીમાં પીધી,
દ્વિજ થયો पीत्वा संस्कृतम्।

મિત્રો, મહેફિલ, ચાની ચુસ્કી,
એ જ ખરું છે मम ऐश्वर्यम्।

હું ક્યાંથી કંઈ નવતર લાવું?
છે व्यासोच्छिष्टं जगत्सर्वम्।

૩. પારિવારિક ગઝલ

મોભે છો ને દેશી નળિયાં
મારા ઘરનાં મોટાં ફળિયાં.

માથે બાનો હાથ ફર્યો છે;
તોડી નાંખ્યાં સૌ માદળિયાં.

અમને પગભર કરવા માટે;
બાપુ ઘસતાં પગનાં તળિયાં.

જ્યારે લથડું, ઝાલી લે છે;
ભઇલાનાં તો બાહુ બળિયાં.

ઘાવ મને લાગે ને આવે;
બેનીની આંખે ઝળઝળિયાં

ખોળે લઈ દાદાજી કહેતા
આપ જ મારા છો શામળિયા.

દાદીની વાર્તાથી ઘરમાં,
સંસ્કારોનાં દીપ ઝળહળિયાં

૪. એ ગયાં છે

મારી બધી નસોમાં વ્યાપીને એ ગયાં છે.
કેવું મજાનું સ્થાનક સ્થાપીને એ ગયાં છે!

કેવી રીતે કહું કે શ્રાપીને એ ગયાં છે!
શાશ્વત પીડા સ્મરણની આપીને એ ગયાં છે.

આખી સફરમાં સાથે ચાલ્યા નહીં તો શું ગમ!
સંગાથે થોડું અંતર કાપીને એ ગયાં છે.

છે ખાતરી કે ચૂસકી ભૂલી નહીં શકે એ,
મીઠી કડક પ્રણયની ચા પીને એ ગયાં છે.

કેવી રીતે ઉતારું હું ઋણ એમનું આ?
મહોબતની મોંઘી મિલકત આપીને એ ગયાં છે.

૫. જીવન મજાનું લાગશે

છે પ્રસાદી ઈશની, જો માનશે;
તો પછી જીવન મજાનું લાગશે.

તું મને મંઝિલ વિશે પૂછીશ નહિ;
તું મને લઇ જાજે જ્યાં પણ તું જશે.

બંધ કરી દે તું હવે એલાર્મ સૌ;
જાગતો સૂતો છે એ, ના જાગશે.

લ્યો અમે તો મુક્ત થઇ ગ્યા નાહીને;
આ નદી ન્હાવા બિચારી ક્યાં જશે?

રાહ ના જોજે હવે દીપક તણી;
દીકરી દિવડી છે, કુળ દીપાવશે.

બે ઘડી સાથે કદી બેઠાં નથી,
એય મારા બેસણામાં આવશે.

આમ તો તારી ગઝલમાં દમ નથી;
તેં લખી છે ‘મોજ’થી તો ચાલશે.

~ રાજેશ હિંગુ
+91 98676 52042

આપનો પ્રતિભાવ આપો..

14 Comments

  1. રાજેશભાઇ ખૂબ જ સરસ ગઝલો… ખાસ કરીને તમારા વિચારની સરળતા સ્પર્શી જાય તેવી છે. પારિવારિક ગઝલ ખૂબ સરસ છે. લખતા રહેજો.
    ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ 🙏😊

  2. ખૂબ આનંદ.. આપણું આંગણું ડોટ કોમ, હિતેન આનંદપરા અને અહી પ્રેમ વરસાવનાર સૌ મિત્રોનો હાર્દિક આભાર

  3. રાજેશભાઈ એટલે ગુજરાતી ગઝલમાં કડક ચા જેવી તાજગી લાવનારા કવિ શ્રી… મજા પડી

  4. રાજેશભાઈ એટલે ગુજરાતી ગઝલમાં કડક ચા જેવી તાજગી લાવનારા કવિ…મજા આવી

  5. અભિવ્યક્તિની તાજપ સ્પર્શી ગઈ.
    અભિનંદન, રાજેશ ભાઈ. 🌹