|

આંગણું પરિવારના સંબંધોની કવિતા છે (લલિત નિબંધ) ~ વર્ષા તન્ના (મુંબઈ)

લોકો હવે દંતકથા જેવા
ઘરમાં રહે છે
અટારીને આંગણું કહે છે.

આપણે શહેરના લોકો સમયને સેકન્ડમાં અને જગાને સ્કેવેરફીટમાં માપ્યા કરીએ છીએ. જ્યારે ગામડામાં લોકો સમયને પહોરમાં અને જગ્યાને આંગણામાં માપે છે. જેટલું આંગણું મોટું એટલો ઠસ્સો પણ મોટો. આંગણું નાનું હોય કે મોટું, પણ ઘરનું આંગણું એ ઘરની શોભા છે, ઘરનો મલકાટ છે. આંગણાવાળું ઘર ઘર કહેવાય બાકી તે ઘોલકું બની જાય.

આંગણું એટલે દીકરીના પગલાંની રંગોળી અને વહુના મલાજાનો ટહુકો. દીકરીના પગલાંની રંગોળી અને તેની સાથે રમતા મોર પોપટ ચકલા કાબરના પગલાંની ભાત. આ બંને એકમેકમાં ભળી ગાલીચો બની જાય. આ રંગોળીથી આખું આંગણું ભર્યું ભર્યુ લાગે. તેના ટહુકાના બોલથી હરખાય.

બપોર પડે વહુવારુઓ  જ્યારે નવરી પડે ત્યારે પોતાના કેટલાક ઘરકામ કે ભરતકામ સાથે નિરાંતનો શ્વાસ એટલે આગણું. તેઓ એકબીજાની મીઠી મશ્કરી કરે પોતાના સુખદુ:ખની ગોઠડી કરી મન ઠાલવે. પોતાના જીવનમાં પણ આ ભરતકામ જેવા મોર અને પોપટના ટહુકા ચીતરે તો આંગણું આખું બોલવા લાગે.

નાનકડી દીકરી આખા આંગણામાં સંતાકૂકડી રમે, દાદીના ખોળામાં બેસી દીકરો જમે સાથે સાથે સંસ્કારોનું ભાથું પણ દાદી જમાડે. દીકરી દાદાની દાઢીના વાળ ખેંચે. દીકરો ચોટલી પકડે અને દાદા ચીડાય નહિ પણ વહાલસોયું હસી પોતાની ઉંમરને વધાવે.

સાંજ પડે આંગણું જાણે ઘરના પરિવાર માટેનો ચોરો. પુરૂષવર્ગ કામ પરથી આવે ત્યારે તેનો હાશકારો આંગણું.  અહીં વહાલ અને ગુસ્સો થાય એટલે ક્યારેક આંગણું કલરવ કરે તો ક્યારેક શોરબકોર. હવા આવીને બથ ભરી આવકારે ત્યારે સ્મરણોના ફૂલ પણ મહેકવા માંડે. આંગણું પરિવારના સંબંધોની કવિતા છે.

આપણે આંગણામાં પગ મૂકીએ ત્યારે શબ્દો તેની મેળે આપણાં કાનમાં આવી પરિવારની કથા સંભળાવવા માંડે. આંગણું હમેશાં બોલકું હોય છે. સાથે આંગણું મોકળું છે અને સૌને મોકળાશ આપે છે. લાગણીની લ્હાણી આંગણામાં અવિરત ચાલ્યા જ કરે.

આંગણામાં વાવેલ તુલસીના છોડથી સવાર રળિયામણી બને. અને સવારની ચહલપહલ શરૂ થાય. આમ વહેલી સવારે આંગણું દોડવા લાગે છે. શિયાળાની સવારમાં ધુમ્મસની ધાબળી હડસેલી સૂરજ આંગણામાં આળોટે ત્યારે બધાને ઊઠવાનું કહેણ મળે. ઝાકળના ચમકતા મોતી ઉજાસના તોરણ બાંધી આંગણાના ઓવારણાં લે. પછી બપોરે આવતો હૂંફાળો તડકો આંગણાને વધુ ગમતીલું બનાવે. ત્યારે આંગણાનો રૂવાબ જાણે વધી જાય છે.

સાંજ પડ્યે ફરી પાછું આંગણું ઠંડકનો દરમાયો આપે. જ્યારે ઉનાળામાં આંગણું સૂરજ સાથે વહેલું ઊઠી જાય છે. અને બપોર પડે તો તડકામાં ન્હાય રહે તોયે બધાને ગમે. એવા સમયે અથાણાની કેરી કે અનાજ જેવી સામગ્રી સૂરજને હોમવામાં આવે અને તેનો યજ્ઞ પણ આંગણામાં જ થાય. જ્યારે ચોમાસામાં તો આંગણું પેલા નાના બાળકની જેમ મન મૂકી ન્હાય છે અને ગાય, “આવ રે વરસાદ ઘેબરિયો પરસાદ”.

વરસાદમાં નેવાં પરથી પડતાં ધોરિયાના પડઘમને એક યોદ્ધાની જેમ વધાવે છે. વરસાદ રહી જાય પછી નળિયા પરથી ટપકતા ટીપાંની સરગમથી શાંતિનું દૂત બને. વળી જ્યારે આંગણામાં વરસાદનાં પાણીનું ખાબોચિયું ભરાય, તેમાં કોઈ છોકરું આવી છબછબિયાં કરે ત્યારે આંગણાનો વૈભવ વધે છે.

ચોમાસા સિવાય આંગણામાં ઢોલિયા ઢળાય. મોટાભાગે દાદાનો ઢોલિયો તો આંગણાની શોભા હોય છે. તેના પર સૂતેલા દાદા હુક્કો ગગડાવતા આવતા-જતા સહુનું ધ્યાન રાખે છે. સાથે આંગણામાં હીંચકો બાંધ્યો હોય તો દાદીનો ઠસ્સો તેના પર બિરાજમાન થાય. આમ દાદા-દાદીના આશીર્વાદથી આખું આંગણું મલકયા કરે. છે.

સાંજ પડ્યે કુટુંબનો ડાયરો ભરાવાનું સ્થાન તો ઘરનું આંગણું જ. આ આંગણામાં કસુંબો પાણી ભલે ન થાય પણ રબેકી રબેકી ચા પીવાય. રાતનું વાળું ક્યાંય પણ થાય તેનો ઓડકાર તો આંગણામાં આવે. તેમાં પણ જ્યારે વ્રત-પરબ આવે ત્યારે દીકરી અને વહુવારુઓ સાથે આંગણું પણ ઉલ્લાસિત થઈ ગીતો ગાવા લાગે.

હોળીમાં ભાભી નણંદ અને ભાભી દિયરની રંગની અને વહાલની રેલમછેલ આંગણાનો અવસર બની જાય. ગોરમા અને મોળાવ્રતમાં આંગણાંનું માન વધી જાય. આ આંગણાંમાં જવારાની ફોરમ સખીઓ સાથે ફેરફૂદરડી ફરે.  જ્યારે દીવાળીએ આખું આંગણું દીવાનો ઉજાસ પહેરી આભમાં તારા સાથે ગોઠડી માંડે. દીવાળીમાં આંગણામાં ચીતરેલી રંગોળી જાણે નવોઢાનું નવલું ગવન. આ પહેરી આંગણું જાણે છલકાયા કરે મલકાયા કરે.

આંગણામાં સદાય ઉલ્લાસ જ નથી હોતો પણ ઘણીવાર દુ:ખની દોણી પણ ઉપડે છે. કુટુંબમાં કોઈના અવસાન સમયે આંગણું પણ હીબકે ચડે છે. ઘર આપણો આત્મા છે તો આંગણું તેનો ઉજાસ છે.

~ વર્ષા તન્ના (મુંબઈ)
varsha.tanna@gmail.com

 

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. આંગણું – સુંદર અને સરસ વર્ણન.

  2. તમારા નિબંધમાં આંગણું કોળી ઊઠ્યું છે..ધુમ્મસની ધાબળી
    ને હીબકે ચડતું આંગણું.. વાહ,વર્ષાબહેન..

  3. વાહ, વર્ષાબેને આંગણાંનું તસુ એ તસુને હેતુ વધાવી લીધું.