ઘર માંડ્યા પછી એને ચલાવવું પડે છે ~ (પ્રકરણ : 20) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા
પ્રકરણ : 20
એનએસડીમાં પ્રવેશ તો મળી ગયો, હવે જવાની તૈયારીઓ શરૂ, ત્યાં જ ધગધગતો તાવ અને પ્લુરસી. પડખુંય ફરાય નહીં. “ઝેર”નાં શો માટે સૂરત ગયાં હતાં અને ઠંડીમાં રાત્રે તીથલમાં ગનીભાઈ અને ભગવતીભાઈ સાથે ગઝલની મહેફિલ. તાવની પ્રસાદી લઈ પાછી ફરી.
ઍડમિશન ગયું. ચં. ચી.નું રોષભર્યું પોસ્ટકાર્ડ, બે લીટી, તું દિલ્હી કેમ ન ગઈ?
નિરાશ થઈ પણ ચાલો, હવે આવતા વર્ષે વાત. ‘ઝેર તો પીધાં જાણી જાણી’ મહેન્દ્રની પ્રિય નવલકથા. એનાં એક મિત્ર એને ‘રંગભૂમિ’માં ખેંચી લાવ્યા. એ શોમાં આવે, નાનીમોટી બૅકસ્ટેજમાં મદદ કરે, અમારી સાથે ટ્રાવેલિંગમાં પણ આવે, આમ હું એને પહેલી વાર મળી.
શ્વેત ખાદીનાં વસ્ત્રો, એકદમ ઓછી જરૂરિયાતો. રામકૃષ્ણ પરમહંસ એના આરાધ્યદેવ. એને મળતાં સજ્જન માણસની છાપ પડે. હંમેશાં બીજાને મદદ કરવા તત્પર.
બીજા વર્ષે એનએસડીમાં જવાનું મારું સપનું સાકાર કરવાનું મેં મને આપેલું વચન, લગ્ન ન કરવાનો નિર્ધાર. પણ નિયતિની કોઈ અકળ લીલાથી અમે બે મળતા રહ્યા, અમારી વય અને સ્ટેટસમાં ખાસ્સો તફાવત છતાં. એણે મને પહેલેથી સ્પષ્ટ કહ્યું હતું, એના પિતાનો ઑટોમોબાઇલ સ્પેરપાર્ટ્સનો ધીખતો બિઝનેસ હતો, જૂહુ પર બંગલો, ગાડી…
બીજા વિશ્વયુદ્ધમાં, રાજકીય ઊથલપાથલ અને હુલ્લડોની આગમાં બધું ખતમ થઈ ગયું. એક સ્કૂલમાં પ્રિન્સિપાલ હતા અને મહેન્દ્રની કિશોરવયે જ અવસાન પામ્યા હતા. મહેન્દ્રએ મોટાભાઈ તરીકે ખભે ઘર લઈ લીધું. (મારા ભાઈની જેમ જ) અને મિલમાં ક્લાર્કની નોકરી કરતા ભણ્યા. ઘરની, મા અને ભાઈબહેનની જવાબદારી હતી એની પર. મધ્યમવર્ગીય લત્તામાં નાનું ઘર.
એની જીવનકથનીની કિતાબ એણે ખુલ્લી મૂકી હતી. અમે બંને સાવ સામા છેડાની વ્યક્તિઓ. જિંદગી પાસેથી એને કશું જ જોઈતું નહોતું અને હું સદાની તૃષાતુર. અમે લગ્ન કરવાનું નક્કી કર્યું, શું કામ? કેવી રીતે?
એ પ્રશ્નોના ઉત્તર અમારી પાસે નહોતા.
* * *
પપ્પામમ્મીને અમારો નિર્ણય સ્વીકાર્ય હતો હંમેશની જેમ. સમૃદ્ધ સુખી ઘર, કુટુંબનું જાણીતું નામ, ડિગ્રી અને પદવીઓધારક અને સામેથી ઉત્સુક, એમને ના પાડીને હવે તું લગ્ન કરવા માગે છે જેની પાસે આમાંનું કંઈ જ નથી!
ના. આવું મારાં માતાપિતા, ભાઈબહેનોએ કહ્યું નહીં. ઊલટાના પપ્પા અને મહેન્દ્ર ગાઢ મિત્રો. રવિવારે મહેન્દ્ર ગાંઠિયા-જલેબી સાથે હાજર. બહારનું કોઈ કામ હોય તે કરી આપે. ભાઈ અમદાવાદથી આવે ત્યારે વાતોની મહેફિલ જામે. પણ મહેન્દ્રનાં બા અમારા સંબંધથી ખૂબ જ નારાજ.
એ ક્યારેક રાજી થશે, મહેન્દ્ર ભાઈબહેનની જવાબદારી પૂરી કરે ત્યાં સુધી પ્રતિક્ષા. બીજું શું થઈ શકે!
* * *
અમારી પ્રતિક્ષા લંબાતી ચાલી એ દરમ્યાન ઈલાનાં લગ્ન ગાયનેકૉલૉજિસ્ટ ડૉ. આરબ મહેતા સાથે થયા. લેખક ધનસુખલાલ મહેતાના નાનાભાઈના એ પુત્ર. ઈલા સાસરે ચાલી ગઈ, માય પાર્ટનર ઇન ક્રાઇમ. એને ત્યાં ફોન, પણ અમને હજી ફોન નહોતો મળ્યો. ફોનના કાળા ડબ્બા માટે લાંબુ વેટિંગ લિસ્ટ. સ્ટોરમાંથી ઊભાઊભ ફોન ખરીદતા આજના લોકોને માન્યામાં ન આવે.
મારી ‘રંગભૂમિ’ની રોનક હવે ઝાંખી થતી જતી હતી. સંસ્થાના સૂત્રધાર અમર ઝરીવાલા કલકત્તા સ્થાયી થયા, પ્રમુખ મંગળદાસ પકવાસાનું અવસાન થયું. મુંબઈમાં કૉમર્શિયલ થિયેટર ધમધમી ઊઠ્યું હતું. અનેક નાટ્યસંસ્થાઓની ટિકિટબારી રણકતી હતી. કલાકારોને નાનામોટા કવર મળતા થયા હતા. ગુજરાતી ફિલ્મોએ પણ કાઠું કાઢ્યું હતું. અમારા કલાકારો બીજાં નાટકોમાં કામ કરતાં થયાં હતાં.
‘રંગભૂમિ’ની અડીખમ ઇમારતમાં તડ પડવા માંડી હતી. ક્લાસિક નાટકોને બદલે સામાજિક નાટકોની બોલબાલા હતી, પણ મારી ‘રંગભૂમિ’ પર ધીમે ધીમે પડદો પડી રહ્યો હતો અને ઝળહળતો દીવો રામ થઈ રહ્યો હતો. એ મારે માટે પીડાદાયક ઘટના હતી.
* * *
ઘરમાં હવે હું, પપ્પા અને મમ્મીનાં ત્રિપૂટી. અમારું લીલુંછમ્મ બિલીપત્ર.
એક દિવસ રાજકોટથી પત્ર આવ્યો, તમારો જમીનનો પ્લોટ જનકલ્યાણ સોસાયટીમાં છે, આ તારીખે મિટિંગ છે, હાજરી આપશો.
પત્ર આવ્યો ત્યારે પપ્પાને યાદ આવ્યું. એમના પ્રકાશકમિત્ર જમનાદાસભાઈએ વર્ષો પહેલા એક પ્લોટ પપ્પાને નામે લીધો હતો. એ કહેતા, આચાર્યભાઈ તમે તો ફકીર આદમી. આટલો ટુકડો કોઈ દિવસ બોલશે ત્યારે હું નહીં હોઉં.
હવે જમીન સાદ પાડી રહી હતી.
પપ્પા અવઢવમાં હતા. નીલુ, રાજકોટમાં બંગલાને આપણે શું કરીશું! ન જવું. ન રહેવું. મકાન બાંધવાની કડાકૂટ આપણને ન ફાવે, આવડે પણ નહીં. તું જમીન વેચી દે.
મમ્મી રાજકોટ મિટિંગમાં ગઈ. બિંદુબહેનનું ઘર તો હતું જ. મિટિંગમાંથી મમ્મી મુંબઈ આવી. કહે, હું તો સહી કરીને આવી છું. ઘર તો કરીશું. સોસાયટીની શરત છે, જૂના ભાવે સોસાયટીને જ તમારે જમીન વેચવાની. અત્યારે જમીનનાં ભાવ વધુ છે, આપણે ખોટ શું કામ ખાવાની! લોનની વ્યવસ્થા સોસાયટી કરશે. તમે ચિંતા ન કરો, આ જવાબદારી મારી.
મમ્મીનો નિર્ણય પપ્પાને હંમેશાં સ્વીકાર્ય. હવે મમ્મીની રાજકોટની આવનજાવન શરૂ થઈ એટલે ઘરમાં અમે રહ્યાં બે. હું અને પપ્પા. ઘણીવાર મજેદાર સિનારિયો થતો, જે ગુજરાતી ઘરમાં કદાચ ભાગ્યે બને.
કંપનીનાં કામ માટે મહેન્દ્ર દિલ્હીમાં અને મમ્મી ઘર માટે રાજકોટ. ટ્રંકકૉલ કરવો એ માથાનો દુઃખાવો, એટલે પત્રવર્ષા ઝરમર વરસતી રહે. એ સમયે પોસ્ટઑફિસની એક વિશિષ્ટ સેવા, એક્સપ્રેસ ડિલિવરી. બ્લ્યુ કવરનાં ઇનલેન્ડ કવર. સ્પીડપોસ્ટની જેમ ઝડપી સર્વિસ.
મહેન્દ્ર મને દિલ્હીથી પત્ર લખે, મમ્મી પપ્પાને રાજકોટથી લખે.
એક વાર ચારપાંચ દિવસ બેમાંથી કોઈનો પત્ર નહીં. પપ્પા અને મારી વચ્ચે શરત. બેમાંથી કોનો પત્ર પહેલાં આવશે!
ત્યાં પોસ્ટમૅન આવ્યો, એના હાથમાં ચારપાંચ પત્રો. ઉપર જ મારો પત્ર. અમે બંને ડોરબેલ વાગતા બારણે ઊભેલાં. મેં મહેન્દ્રનો પત્ર લીધો. પોસ્ટમૅન ગયો. મેં જીતની મુદ્રામાં સ્મિત કર્યું ત્યાં (એકદમ ફિલ્મી ઢબે) દાદર ઊતરી ગયેલો પોસ્ટમૅન પાછો આવ્યો અને પપ્પાને મમ્મીનો પત્ર આપ્યો, આણિકન એક લેટર આહે.
અમે બંને હસી પડ્યાં. પોસ્ટમૅન નવાઈ પામતો અમને જોઈ રહ્યો.
* * *
રાજકોટ શહેરથી દૂર સોસાયટીનો વેરાન પ્લોટ. પાછળ ટ્રેનનાં પાટા. વસ્તીનું નામોનિશાન નહીં. બંગલાની ગ્રાન્ડ ડિઝાઈન, આર્કિટેક્ટનાં નક્શા એવું કશું શક્ય નહોતું, પણ મમ્મીને એક સારો કૉન્ટ્રાક્ટર મળી ગયો. કહે, બા, ચિંતા ન કરો. આપણી ડિઝાઇનથી બનાવશું બે છેડે બે ઘર. બંનેનાં પ્રવેશદ્વાર અલગ, પણ અંદર લાંબી ઓસરીથી જોડાયેલા. એક ઘર તમે વાપરજો, બીજું ભાડે આપજો. એમાંથી લોનનો હપ્તો ભરજો. તમને કોઈ બોજ જ નહીં.
આવા કામ મમ્મી જ પાર પાડી શકે. બંનેએ કોઠાસૂઝથી ઘર બાંધ્યું. ગોળ ફરતે ખુલ્લું કમ્પાઉન્ડ. ખૂણા પરનો છેલ્લો પ્લોટ એટલે હવા-ઉજાસ ભરપૂર. બંધાતું હતું ત્યારે મમ્મી ભરતડકે પાણી અને ખાવાનું લઈ જતી, છત્રી ઓઢી ટીંબા પર બેસતી. બૅંકની લોન અને પૈસાની વ્યવસ્થા ગમે તેમ કરી એણે સરસ ઘર બાંધ્યું.
સોયનાં નાકામાંથી મમ્મી જ ઊંટ કાઢી શકે.
જીવનભર અનેક ઘર બદલ્યા. માંડ્યા. ઉકેલ્યા. આખરે થાક્યાનો વિસામો ઘર પોતે જ બાંધ્યું પોતાનું. અમારા સહુનો વડલો. કમ્પાઉન્ડમાં મમ્મીએ બિલ્લીનો છોડ વાવેલો, વખત જતાં ઘેઘૂર વૃક્ષ બન્યું. બિલ્લીનાં મબલખ ફળ અને લીલાંછમ બીલીપત્રોથી અત્યંત શોભાયમાન. જાણે સ્વયં સમાધિસ્થ મહાદેવનું વનમંદિર. અમારા ઘર અને જીવન પર એમનું છત્ર.
અમારા કુટુંબની દરેક કથા એક ઇતિહાસ બની જતી હોય છે તેમ આ ઘર વિશે પણ એવું બનશે ત્યારે એની કલ્પના નહોતી.
* * *
એક બાજુનું ઘર બિંદુબહેનને આપી, બીજું ભાડે આપવાની વ્યવસ્થા કરીને બા મુંબઈ આવી.
મેં અને મહેન્દ્રે સાદાઈથી લગ્ન કર્યાં.
એ સમયે બુફે ડીનર, સંગીત અને મહેંદી, બ્રાઇડલ મેઇકઅપે હજી લગ્નનાં ક્ષેત્રમાં પ્રવેશ નહોતો કર્યો. નાટકમાં ઝટપટ તૈયાર થવાની ટેવ એટલે જાતે ફટાફટ તૈયાર થઈ હતી. લગ્નમાં પણ ત્યારે માત્ર સ્વજનોની જ હાજરીનો રિવાજ. સાંજે રિસેપ્શન અને આઇસક્રીમ. બુફે ડીનર કયા ચીઝ હૈ એ ખબર નહોતી. મુંબઈમાં પહેલાંનાં વખતથી લગ્ન માટે વાડીઓ છે, બધી સગવડતાવાળાં વિશાળ મકાનો.
મહેન્દ્રનાં બા હજી ખૂબ જ નારાજ હતાં. મહેન્દ્રે લગ્ન પછી પહેરેલે કપડે ઘર છોડ્યું, 1965, 28 જાન્યુ. થોડા દિવસ પહેલા પપ્પા મમ્મીને કહેતા હતા તે મેં સાંભળ્યું હતું, 2000 રૂપિયા મનુ સુબેદારે આપ્યા છે, વસુને જોઈતું લઈ આપજે ત્યારે છાનું રડી પડેલી. એ સમયે 2000 રૂપિયા ખાસ્સી મોટી રકમ હતી. 165 રૂપિયા સોનું 10 ગ્રામ અને સરસ સિલ્કની સાડી 150થી 200 રૂપિયા મળતી. મહેન્દ્રને કશું જ જોઈતું નહોતું. બાએ મને સોનાની બંગડી અને માળા આપી હતી. રાજકોટથી સોનાનો સેટ લઈ આવી હતી.
લગ્નનાં બે જ દિવસ પહેલાં લીવલાઇસન્સ પર નાનું ઘર મળ્યું હતું. ભાડું 350 રૂપિયા! અધધ કહેવાય એટલું. ચારપાંચ વર્ષ એનાઉન્સરનું કામ કરી મેં કંટાળીને છોડી દીધેલું. રાજીનામું આપ્યું ત્યારે મને સમજાવી હતી, આગળ જતાં લાભો મળવાનાં છે, રાજીનામું ન આપો. કૉન્ટ્રેક્ટ જૉબમાં વર્ષોથી બાંધેલો એક જ પગાર. એ વળી શા લાભ! ઉપરાંત મને સોંપાતું વધારાનું કામ. એટલે મેં છોડી જ દીધું. એટલે એ પગાર બંધ. ભટ્ટસાહેબ બરોડા ચાલી ગયા, ડબિંગનું કામ પણ બંધ.
બ્રાહ્મણનું નસીબ ચારપાંચ ડગલાં આગળ. મેં રાજીનામું આપ્યું અને ઇંદિરા ગાંધી બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર થયાં અને તરત બધાના પગારમાં વધારો. ચલો, યે ભી સહી.
કપડાંની એક નાની બૅગ લઈ અમે સાવ ખાલી ઘરમાં સ્વયં કર્યો ગૃહપ્રવેશ.
* * *
લગ્ન પહેલાં અમે સ્વજનો અને મિત્રોને કહેલું કે અમને લગ્નમાં ભેટ ઘરવખરીની આપજો. મોટી સમસ્યા હતી ગૅસની. ટેલિફોનની જેમ જ ગૅસ માટે લાંબું વેઇટિંગ લિસ્ટ. મહેન્દ્રનાં એક મિત્ર બૅંકમાં હતા ત્યાં આ ગૅસ કંપનીનો એકાઉન્ટ હતો એને ભાઈબાપા કરી એ મિત્રે અમને ગૅસ ભેટમાં આપ્યો. મને હાશકારો થઈ ગયો. પ્રાઇમસે ઘાસલેટ સાથે બહુ વર્ષો મારું લોહી પણ પીધું હતું.
એક મિત્રપત્ની મને વાસણો અપાવવા લઈ ગયા. એ ઠરેલ ગૃહિણી અને કૂકિંગ ક્વિન. જ્યારે મેં વળી રસોડું કે વાસણકુસણ ક્યારે જોયેલા! હા, થાળી-વાટકો ઓળખું, તૈયાર ભાણે જમી હોઉં. એ બહેને તપેલાં, છીબાં, તવેથો, ઝારો, કડાઈનો ઢગલો કરાવ્યો ત્યારે હું ગભરાઈ ગઈ. આ બધું વાપરવાનું? શેમાં? કેવી રીતે?
મારાથી વધુ મિત્રપત્ની હેબતાઈ ગયાં, ઘરે જઈને પતિને કહ્યું, મહેન્દ્રભાઈ ખરા ફસાઈ ગયા. આ છોકરીને કંઈ ગતાગમ જ નથી. મિત્રે મહેન્દ્રને ખાનગીમાં બોલાવી કહ્યું, મેં તને પહેલાં જ ચેતવ્યો હતો. નાટક કરે, નોકરી કરે એની સાથે લગ્ન કરાય જ નહીં, પણ તું ન માન્યો.
મહેન્દ્રએ મને માંડીને વાત કરી. મેં કહ્યું, અને તમારો જવાબ?
એ હસી પડ્યા. મારો જવાબ એ હતો કે વર્ષાએ પોતે જ મને ચેતવ્યો હતો. સાવધાન! મારી રાશિ વૃષભ છે, પણ તું સિંહના મોંમાં માથું મૂકે છે. (જોકે એની રાશિ સિંહ!) હજી સમય છે, ના પાડી શકે છે.
લગ્ન પછી મેં લખવાનું શરૂ કર્યું ત્યારે હું એકલી મુસાફરી કરતી, મિટિંગોમાં જતી કે કાર્યક્રમોમાં જતી ત્યારે એ ભાઈ મહેન્દ્રની દયા ખાતા. મજાની વાત એ કે એમની મોટી લો ફર્મ હતી અને અનેક મહિલા ક્લાયન્ટ અને વર્કિંગ વીમેનનાં સંપર્કમાં આવતા પણ પોતાની પત્ની સુશીલ ગૃહિણી જ રહે એવો આગ્રહ.
પણ અમને શો ફેર પડતો!
* * *
થોડો સામાન ભેગો થયો, એમાં ઘર ગોઠવી અમે દક્ષિણમાં ફરવા ગયાં. થોડાં શહેરો ફરી અમે કોડાઈકેનાલની ફાઇવસ્ટાર કાર્લ્ટન હોટલમાં રહ્યાં.

કડકડતી ઠંડીમાં હોટલ ખાલી. લંચ ડીનર સાથે રોજના રૂપિયા 42! મારો જીવ બળી ગયો. આટલી મોંઘી હોટલ! ચાલો, સસ્તી હોટલમાં જઈએ. મહેન્દ્રની ના. આ સમય ફરી ક્યારે આવશે અને આપણે ફરી ક્યારે ફરવા નીકળી શકીશું!
રૂઇયા કૉલેજની દક્ષિણયાત્રામાં અમે બે બહેનો ગઈ હતી, એક મહિનો. કન્યાકુમારીનાં સાગરતટે સૂર્યોદય જોતાં જ થયેલું, અહીં ફરી ક્યારેક આવીશ. મેં મહેન્દ્રને મારું સપનું કહેલું એ તેણે પૂરું કર્યું.
પાછા ફરવાનો સમય થયો ત્યાં દક્ષિણમાં ભાષાકીય તોફાનો ફાટી નીકળ્યા અને હિંસક સ્વરૂપ લઈ લીધું. સતત પથ્થરબાજી. કોડાઈથી મદ્રાસ રેલ્વે સ્ટેશને કેમ પહોંચવું! અમે હોટલમાં એકલાં જ હતાં, પણ બે દિવસ પછી મુંબઈનાં એક પ્રસિદ્ધ ફિલ્મ પ્રોડક્શન હાઉસની દીકરી લગ્ન પછી દક્ષિણમાં હનીમૂન માટે આવી હતી અને અમારી જ હોટલમાં હતી. એણે દક્ષિણની તેમની ઑફિસે ફોન કરી કાર મંગાવી અને અમે રાત્રે ત્રણ વાગ્યે અંધારામાં કાર ભગાવી મદ્રાસ સ્ટેશને પહોંચ્યા.
પણ સ્ટેશન જોતાં જ અમે સ્તબ્ધ! બેત્રણ દિવસથી રેલ રોકો આંદોલનમાં કોઈ ગાડી આવી નહોતી. સ્ટેશને હૈયેહૈયું દળાય એવી ગિરદી. ખાવાપીવાનું ખૂટી પડેલું. એમાં ભાષાનો પ્રૉબ્લેમ. હિંદી બોલવા જાઓ ત્યાં જ માર પડે એવી સ્ફોટક પરિસ્થિતિ. આમાં ભૂખ્યાતરસ્યા કેટલા દિવસ પડ્યા રહેવું પડે કોને ખબર!
હું માંડ સ્ટેશન માસ્તરની ઑફિસમાં ઘૂસી. એ ભડક્યો. મેં તરત મહેંદીવાળા હાથ બતાવી કહ્યું, `તમારું દક્ષિણ બહુ જ સુંદર છે. હું લગ્ન કરીને અહીં આવી છું. તમારી મહેમાન છું, નાની બહેન. સર, મારું હનીમૂન યાદગાર બનાવી દો. મને અહીંથી મુંબઈ મોકલો.’
એ ઘડીક ટગરટગર જોઈ રહ્યો. એનાં હૃદયમાં ભગવાન મુરૂગન વસ્યા કે ગમે તેમ અચાનક ઊભા થઈ એણે હાથ લાંબો કર્યો, યુ આર વેલકમ સિસ્ટર. ડોન્ટ વરી. યુ આર માય સ્પેશ્યલ ગેસ્ટ.’ એની ઑફિસની પાછળ એક બીજો ઓરડો હતો. ફાઇલ્સ વગેરેનાં કબાટો અને બાથરૂમ. એણે અમને ત્યાં બેસાડ્યાં, ચા-બિસ્કિટ આપ્યાં. રાત્રે ટ્રેન આવવાની હતી. સ્ટેશન પર માણસો ઊભરાઈ રહ્યા હતા.
રાત્રે ટ્રેન આવી, ત્યારે ડ્યૂટી વિના પણ એ આવ્યો, ભીડમાંથી માંડ રસ્તો કરતા અમે ડબ્બામાં ગયા, એણે એક બર્થની વ્યવસ્થા કરી હતી. બે બિસ્કિટનાં પૅકેટ આપ્યા જેણે અમારા પ્રાણોની રક્ષા કરી.
લગ્નજીવનની આગળની સફરનું આ હતું ટ્રેલર. અમને તો ગમ્યું, બધી રીતે એ ટ્રીપ યાદગાર.
* * *
ઘર મળતાં આપોઆપ મંડાઈ જતું નથી, એને માંડવું પડે છે. સંસારયુગની શરૂઆત કરવી પડે છે. જીવનપથનો એક વળાંક.
પરંપરા તો એવી છે કે ગૃહત્યાગ પછી બ્રહ્મજ્ઞાન લાધતું હોય છે, પણ અમને ગૃહપ્રવેશ પછી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું કે ઘર માંડ્યા પછી એને ચલાવવું પડે છે અને માટે વિશેષ કૌશલ્યની જરૂર પડે છે.
સૌથી મોટી સમસ્યા હતી ભોજન. મહેન્દ્રનાં બા પાકકલાનાં નિષ્ણાત. એમની જ્ઞાતિમાં એમનાં નામનાં ડંકાઝાલર રણઝણે. એમણે બંને પુત્રોને લાલનપાલનથી વિવિધ પકવાન જમાડ્યાં હતાં. એમનાં અથાણાંના ડબ્બામાં પચ્ચીસેક જાતનાં અથાણાં તો હોય જ અને ઘીથી લથબથ મીઠાઈઓ.
ત્રાંબાની તોલડી તેર વાનાં માગે. વાસણો અભેરાઈ પર ગોઠવી હું રાજી થતી. રસોઈ માટે અનાજ જોઈએ એટલી પ્રાથમિક સમજ અમારી પાક્કી. મેં લિસ્ટ બનાવ્યું, 1 કિલો હિંગ, સફેદ દાળ, લીલા રંગની દાળ, એક પ્રકારના ઝીણા કાળા દાણા 2 કિલો, પીળી પીળી બે જાતની દાળ…
કરિયાણાની દુકાન સોસાયટીમાં જ હતી. હોંશે હોંશે અમે સજોડે ગયાં. લિસ્ટ આપ્યું. મોદી સૂનમૂન લિસ્ટને તાકી રહ્યો. હું સમજી શકી, આઘાત જ બીજું શું! થોડીવારે કળ વળી હશે. કહે, બહેન! તમે જાઓ. સામાન ઘરે પહોંચાડું છું. અમે વિજયીઅદામાં પાછાં આવ્યાં. સાંજે સામાન આવ્યો. એ ભલા માણસે માપની ગણતરી કરી, પડીકાં પર નામ લખ્યા હતા, રાઈ, મગની મોગરદાળ, ચણા, ઘઉંનો લોટ….
મેં પણ બરણીઓમાં ભરી, નામનાં લેબલ લગાડી, ગોખી લીધા. પ્રાથમિક જ્ઞાન માટે મોદીગુરુની હું ઋણી રહીશ. આ તો પ્રથમ પગથિયું, અનાજ ભરવાથી તો રંધાઈ જતું નથી ને! ધોવું, કાપવુંકૂપવું, ખાંડવું, લસોટવું, પલાળવું, વાટવું પછી ચૂલે ચડાવી, મરીમસાલાથી સ્વાદિષ્ટ વ્યંજન બનાવવું પડે છે ત્યારે થાળીમાં પિરસાય. કોની સલાહ લઉં?
પપ્પા-મમ્મી હવે એકલાં અને મુક્ત એટલે હિમાલય અને ચારધામ ઊપડી ગયા હતા. મહેન્દ્રનાં બાને તો પુછાય જ નહીં. ઈલા દૂર. લગ્નમાં કોઈએ ઉદારતાથી ‘રસીલાનું રસોડું’ પુસ્તક આપેલું. (મને બરાબર ઓળખતા હશે).

પણ આ તો મારું રસોડું. રસીલાની વાત રસીલા જાણે!
તરલા દલાલ હજી જાણીતાં નહોતાં થયાં. ઇટાલિયન, મેક્સિકન… પાસ્તા અને પીત્ઝાની બોલબાલા નહોતી. એ વાનગીઓનું આપણે ત્યાં પ્રાગટ્ય જ નહોતું થયું. ઇડલી-ઢોંસા પણ હજી પ્રચલિત નહીં. હજી તો પંજાબી વાનગીઓએ આપણાં ભોજનમાં પહેલી વાર પગપેસારો કરેલો અને શેર એ પંજાબ હોટલ લોકપ્રિય થતી જતી હતી. ગુજરાતી રસોડામાં હજી ઢોકળા, થેપલા વગેરેનું એકચક્રી સામ્રાજ્ય હતું.
એક દિવસ રસીલાની સલાહ મુજબ મેં હોંશે હોંશે મૂઠિયાં બનાવ્યાં. ઑફિસેથી મહેન્દ્ર આવતાવેંત આ સમાચાર મેં આપ્યા. અમે જમવા બેઠાં. મહેન્દ્રને એમ કે ઘણે દિવસે કંઈ ઠેકાણાસરનું ખાવા મળશે. પણ મૂઠિયાંને ચાવવાની અમારી તમામ કોશિષ નાકામયાબ રહી.
મહેન્દ્ર કહેઃ `મૂઠિયા સાચવી રાખ. ચોર આવે તો માથામાં મારીશું, એને ઢીમણું થશે.’ મેં પણ તરત કહ્યું : `શ્યોર, પણ ઘરમાં છે શું કે ચોર ચોરી કરવા આવે? આપણા એવાં ભાગ્ય ક્યાંથી!’
બંને હસી પડ્યાં અને શેર એ પંજાબ ઊપડી ગયાં.
મારી પાડોશમાં ભલું નાગરકુટુંબ રહેતું હતું. પાર્ટીશનમાં ભર્યુંભાદર્યું કરાંચીનું ઘર છોડીને આવેલા. ઘરરખ્ખુ ગૃહિણી અને ત્રણ સંતાનોનાં માતા. મેં તિલોત્તમાબહેનને પેટછૂટી વાત કરી. એ રસોઈ કરે ત્યારે નજર નાંખી આવું. મોણ, વઘાર, સાંતળવું, ઓસાવવું, દાળ ઊંઘી ગઈ એવા પાકશાસ્ત્રનાં વિશિષ્ટ શબ્દો મારે હોઠે ચડી ગયા.
વર્ષો વીતી ગયાં. આજે પણ મને કોઈ પૂછે, તમને શું કરવું ગમે? મારો જવાબ, હાથમાં પુસ્તક હોય કે લખતી હોઉં, બાજુમાં મસાલેદાર ચાનો કપ અને સૅન્ડવિચ. સૅન્ડવિચની શોધને આજ સુધી નોબલ કેમ નહીં મળ્યું હોય! આ બધો સમય મહેન્દ્રએ ધીરજ અને ઔદાર્ય દાખવ્યા હતા તે કેમ ભૂલી શકું!
અમે આનંદ ઉલ્લાસથી (અને કરકસરથી) રહેતા હતા છતાં લગ્ન પછીના દિવસો ખૂબ નીરસ લાગી રહ્યા હતા. જાણે કોઈ હિલસ્ટેશન પર નીરવ પ્રભાતે ગાઢ ધુમ્મસમાં હું ચાલી રહી છું. ગભરાઈને ઊભી રહી જાઉં છું. કેડી ધુમ્મસમાં વિલીન થઈ ગઈ છે, હું ક્યાં છું એની વિમાસણ છે. હું દિવસભર ઝાંઝરની જેમ રણકતી અનેક પ્રવૃત્તિમાં વ્યસ્ત અને ઘરમાં રહેવું કંટાળો અને બંધન લાગે છે. મહેન્દ્રને ટ્રાવેલિંગ પણ રહે છે. નવું જીવન હજી સોરવતું નથી. મારો મૂડ ઉદાસીનો.
મનમાં ઘોળાયા કરે છે, હવે શું! આમ જ નિરુદેશે જીવવાનું! તો? જીવનનું લક્ષ્ય શું?
(ક્રમશ:)
અણાઅવડતની વાતને પણ કૌશલ્યપૂર્વક રજૂ કરી શકે એ જ તો વર્ષાબહેન.
આજે તો વાંચીને થયું કે કશુંક ન આવડતું હોય તો એમાં શરમાવાની કે લઘુતા અનુભવવાની શી જરૂર?
ઘર મળતાં આપોઆપ મંડાઈ જતું નથી, એને માંડવું પડે છે
ઘર માંડ્યા પછી એને ચલાવવું પડે છે .✔👍
પોતાને જે ન આવડે તેની કેટલી હળવાશ અને તટસ્થતાથી વર્ષાબેન વાત કરી શકે છે!