|

તડકો: બપોરનાં ટાણે તમરાનાં અવાજથી વધારે ભયાનક લાગે (લલિત નિબંધ) ~ શાનુ પરમાર

શાનુ પરમાર:
ગામ: હાથસણી, જિલ્લો  રાજકોટ. અભ્યાસ: એમ. એ. (ગુજરાતી). રસ-રુચિ: ખેતી, સાહિત્ય.

(લલિત નિબંધ)

બાળપણમાં ખબર નહોતી પડતી કે, પગબરણું શું કહેવાય. ત્યારથી તડકા તું મારી વાહેં પડી ગયેલો. જે આજેય ચાલ નથી છોડતો. ત્યારે નાના કૂણા માખણ જેવા મારા પગને તું દઝાડતો હતો. બા આંકડાનાં પાન બાંધી દેતી.

‘પણ બા! આ તડકો મૂળવાળા ઝાડવાને પણ સૂકવી નાખે છે તો તારા આ જડમૂળથી છુટ્ટા પડેલા પાનને તો કેટલીક ઘડી ટકવા દેશે?’

ને તોય બા તો પગબરણાંથી બચાવવા વારંવાર આંકડાનાં પાન બાંધી દેતી.

બધા માટે તું કેવો હશે ખબર નથી, પણ મારા માટે તો તું કાયમ કાળમુખો જ રહ્યો છે. તે ધોળા દી’યેય અંધારા દેખાડ્યાં છે. વાત એમ છે કે, ખેડૂત છીએ તો વાડીનું કામ આખો દી’ કરવાનું હોય, ને આખા દી’ તને માથે લઈ ફરવાનું. કામ કરતાં કરતાં પરસેવે રેબઝેબ થઈ જવાય. ભૂલમાં જો આકાશમાં જોવાઈ જાય તો તું આંખોમાં અંધારા લાવી દે. જાણે હમણાં જ બેભાન કરી મૂકશે. આંખો સામે બધું હોવા છતાં કાંઈ ન દેખાય.

તારો પ્રકોપ અંગેઅંગમાં કાળી લાય જન્માવતો. વળી તું રંગે, સ્વાદે પણ નોખો. શિયાળામાં તું મીઠો પણ એય મોડો મોડો અને થોડો થોડો આવે… ઉનાળામાં તું કળકળતો… ને પાછો ચોમાસામાં તીખો તમતમતો એટલે કે ભાદરવામાં આવતો વરસાદ થોડું ભીંજવ્યાં પછી તું નીકળે ત્યારે મરચાની જેમ જ આખા ડિલે ચટપટતો. એમ થાય ભેંસ જેમ ખીલ્લા સાથે માથું ઘસે તેમ ભીંત સાથે ડિલ ઘસવાનું મન થઈ આવે.

ભાદરવે કપાસની સિઝનમાં તું ગરમી પણ એવો વરસાવે કે, લાગે હમણાં મરી જઈશું. તારાથી બચવા માટે પાણી ભરેલાં હોદામાં નાવાનું. પણ તું તો પાણી સૂકવવામાં ઝાઝી વાર ન લાગવા દે. પછી હતી એવી ને એવી ગરમી. આ સમયે તો પવનની એક લે’રખી આવે ને તોય તણાતો તણખલું પકડે એમ હાથ ફેલાવી બાથમાં ભીડી લેવાનું મન થાય. પછી એક પળ સ્વર્ગ ભોગવ્યાનો આનંદ આપે એક લે’રખી.

ઉનાળામાં તો તું ભારે ભૂંડો. હજી માંડ દસ અગિયાર વાગે ત્યાં ખેતરમાં નજર કરું. જાણે પાણીની પાળ બાંધી હોય  એવા ઝાંઝવાં બળે. આંખો ન ખૂલે ને અંજવી દે. દાદુ કે’ “કાનને ચુંદડીએથી ઢાંકી દેવાય. આ લૂ કાનમાંથી પંડમાં ઉતરશે ને પછી માંદી પડીશ.”

આ વાડીનું કામ જ એવું છે કે બધી ઋતુનાં તડકા માથે વેઠવાનો. દી’ ઊગવાથી લઈને દી’ આથમે ત્યાં સુધી આખો દિવસ તું  માથે ને માથે. એમાંય આવા ઉનાળામાં ચૈત્ર-વૈશાખમાં લૂનાં વાયરા વાય. બાપુ અને તું એકના બે ન થાય. બાપુને એમ કે હું જીતું, ને તડકા તને એમ કે તું જીતે.

આવા ઉનાળામાં બાપુ ગુવાર, ભીંડાનું વાવેતર કરે. સખત મહેનત કર્યા પછી જ્યારે ફાલ આવવાની તૈયારી હોય ત્યારે લૂનો વાયરા ફેંકીને તું બધું બાળી મૂકે. રોજ પાકને પાણી જોવે ને તું તો સૂકવવામાં એક પગલુંય પાછું ન ભરે. અંગ તો દઝાડતો… તે હવે તું જીવ પણ દઝાડવા લાગ્યો? આ પાકને બળતા જોઈને જીવ પણ તેની સાથે દાઝતો ને તો તું તો બસ તાપ વરસાવ્યા કરતો.

દર ઉનાળે એમ થતું આ વખતે કોણ જીતશે? બાપુ કે તું? ને છેવટે તું જ જીતતો. બધા કહેતા હોય છેને કે આંયા તડકા-છાંયા વેઠવા પડે. આંયા તો તને જ નકરો વેઠવાનો વારો આવે છે. તું તાપ વરસાવે, લૂ ફેંકે તોય મનમાં પણ તારા માટે બાળાપો ન નીકળે; કેમ કે તું રિસાયો તો અમારા બધા પાકને એક ઘડીમાં બાળી મૂકે એવી ગરમ વરાળ ફૂંકે. ત્યારે તો ચકલુંય ન ફરકે. બપોરનાં ટાણે તમરાનાં અવાજથી તું વધારે ભયાનક લાગે.

તું માથે તાંડવ કરતો હોય ત્યારે વિચાર આવે ‘આ માથું ટોચે રાખવાનું કોણે કર્યું હશે? જો સાંતીએ જોડેલા બળદ બોલી શકતા હોત તો બોલત કે ‘અમને તો માથાથી લઈને પૂંછડાં સુધી આ તડકાને ઉઘાડા ડીલે વેઠવી સી. ને તમે તો આટલામાં બળાપો કાઢવા લાગ્યા?’

હું તો આ શેઢે દર ચોમાસે ઝાડવાં રોપું અને તડકા તું દર ઉનાળે બાળી નાખે. ઝાડવાનો ઝાંખોપાંખો છાંયડોય ભાગ્યમાં નૈ?

તુંયે રંગભેદ તો કરે હોં. બધા કહેતા હોય છે કે કાળો રંગ તડકાને આકર્ષે છે. બીજી બાજુ કહું તો રૂપાળાને એક જ દી’માં કાળા કરી નાખવાની તારી ત્રેવડ તો ખરી જ. આ વાડીમાં કામ કરનારનું અંગ બાળીને કાળું કાળું મેશ જેવું કરી નાખે.

તું તો મારી વાહેં બાળપણથી પડી ગયેલો. ત્યારે તો તું પગ દઝાડતો અને અત્યારે… હું તો તારાથી છૂટવા કેટલા પ્રયત્ન કરું છું, પણ તું મને મૂકવા તૈયાર જ નથી. ને આ વાડીનું કામ તે તારાથી છૂટવા દેતું નથી. તું તો બસ બારેમાસ દઝાડ્યા જ કરે છે.

પણ તને કહું છું કે, આ બળેલાંને તું હવે કેટલાક બાળીશ?

~ શાનુ પરમાર

આપનો પ્રતિભાવ આપો..

9 Comments

  1. સરળતા અને સહજતા હ્રદયને સ્પર્શી જાય છે. ખૂબ સરસ નિબંધ… અભિનંદન શાનુ પરમાર!

  2. ખૂબ જ સુંદર અભિવ્યક્તિ તડકાની વાહ !

  3. ઓહો ! તડકાનો આવો આતંક વેઠ્યો હોય ત્યારે આમ લખાય ! શાનુ પરમારને ધન્યવાદ..બસ,તમારી વાત લખતાં રહો..