|

એ નદીને જોતાં મન કદી ભરાય જ નહીં (લલિત નિબંધ) ~ માના વ્યાસ (મુંબઈ)

શાળામાં પરીક્ષામાં પર્યાયવાચી શબ્દોમાં નદી તો હોય જ. કેટલા બધા નામ: સરિતા, નદ્ય, તટીની, વાહિની, તરંગિણી..

નામ લેતાં જ અમૃતમય રૂપેરી જળપ્રવાહ વહેતો સ્મરણે આવે. દરેક નગર સંસ્કૃતિના ઉદ્ભવ અને વિકાસ એને જીવન  સિંચનાર કોઈ નદી હોય જ.

મારા વતન વાલોડને કંઠે પણ શોભતી મૌક્તિક માળ સમી નદી વહે છે. પેલી સુરેશ જોષી વાળી જ, ઝાંખરી. પણ મને તો એનું જરા સભ્ય નામ “વાલ્મીકિ” ગમે. કહે છે વાલ્મીકિ ઋષિના પગલાં એની ભેખડો પર પડ્યાં હતાં. કોને ખબર મહાન ઋષિની તૃષા છિપાવવાનું સદ્દભાગ્ય એને સાંપડ્યું હશે! એક વાર અહીં મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીએ આ સુંદર નદીને જોઇ કહ્યું હતું કે, મારું ચાલે તો આ નદીને બગલમાં ઘાલી લઇ જાઉં..

અમારા ઘરની પાછળથી વહેતી એ નદીને જોતાં મન કદી ભરાય જ નહીં. ઘણીવાર ઘરના મેડા પરથી એને જોતાં એમ થાય કે કૃષ્ણની જેમ હાથ લાંબો કરી પાણીમાં ઝબોળી દઉં?

વહેલી સવારે ઊગતા સૂર્યની લાલિમા ધારણ કરી એવી તો શોભે જાણે ગુલાબી ઘુમટામાંથી શુભ્ર દંતાવલી દેખાતી હોય.. દિવસભર અલસતી વહેતી વાલ્મીકિના બંને કિનારા પરના વૃક્ષ પાણીમાં પોતાની ઘટાટોપ વનરાજી નિહાળીને રાજી થતાં રહે. સ્ત્રીઓ કપડાં ધોવા આવે અને પછી નહાતી હોય. દૂરથી એમના ધોકા મારવાનો અવાજ થોડો વિલંબથી આવે એ દ્રશ્ય શ્રાવ્ય ગતિનો નિયમ સમજાવી જાય.

સાંજે તો વાલ્મીકિના રંગ ઢંગ જ બદલાઈ જાય. સોનાનો સૂરજ પીગળીને રેલાઇ ગયો હોય એમ આખી નદી  સોનાવર્ણી થઇ જાય. એના બંને સામસામે કિનારે આવેલા મહાદેવના મંદિરોમાં ઘંટારવ થવા માંડે. આરતી કરવા આવેલા સૌ સૂર્યાસ્તનો નજારો પ્રસાદમાં લઇ જાય. રોજની બેઠકવાળા મંદિરને ઓટલે બેસી આ ક્ષણો ચુકી જાય તો મનમાં અફસોસ કરતાં રહે.

પૂનમની રાતે અમારા ઘરના મેડા પરથી આખો ચાંદ આકાશમાં ને તરતો પાણીમાં જોતા મન સૃષ્ટિના સર્જનહારને નમન કર્યા વગર ન રહે. ઘણીવાર નિ:શબ્દ રાત્રે એવી ઝગમગતી ચાંદનીને નદીમાં  રેલાતી જોઇને સ્તબ્ધ થઈ જવાયું  છે. એમાં એ શરદપૂનમની રાતે નદીમાં સ્વૈરવિહારે નીકળેલા ચંદ્રની ઝિલમિલ આકૃતિ રામ જ આપણને બતાવી રમાડતા હશે?

શિયાળામાં નમણી યુવતી જેવી લાગતી નદી ઊનાળામાં સાવ નંખાઇ ગયેલી થાકેલી કૃશકાય પ્રૌઢા જ લાગે. તોએ એના પટમાં વાવેલા તરબૂચના વેલાઓને મીઠાં જળ સીંચતી હોય.

વર્ષ દરમિયાન પાણીનો વેગ ધીમો હોય અને મોટી ભેખડ વચ્ચેથી નીકળતા તો રીતસર ઠાગાઠૈયા કરતી હોય એમ માંડ આગળ વહે પણ વર્ષાઋતુમાં એની આળસ ક્યાંય ભાગી જાય. આમે દક્ષિણ ગુજરાતનો નળિયાફોડ વરસાદ નદીઓમાં ઘોડાપૂર લાવી દેવા જાણીતો છે.

ધસમસતા આવતા એના પાણીનો વેગ જોવા અમે એને કિનારે આવેલા મહાદેવના મંદિરે પહોંચી જઇએ. વમળની ઘૂમરીઓ ખાતાં જળ ‘હૂં હૂં’નો નાદ કરતાં દોડ્યા જાય. ઘણાં બળૂકા જન વહેતા લાકડાં, ઝાંખરાને તાણી લાવે જે ઘેર બાળવા કામ લાગે. ઘણીવાર પશુઓને પણ તણાઇ જતાં જોયા છે. ત્યારે એનું રૌદ્ર સ્વરૂપ જોઇને ખરેખર આ મા જેવી મમતામયી વાલ્મીકિ છે એ વિસ્મય થાય!

અમારા બારમા  ધોરણના વર્ગખંડની બારીમાંથી ચોમાસામાં ગાંડીતૂર થયેલી નદી મને ગણિત કરતા વધુ રોમાંચક લાગતી હતી. મારી નજર પુસ્તકમાં ઓછી અને બારી બહાર વધુ રહેતી. રેલ આવી હોય ત્યારે પાણીના વેગનો સતત હમમમ કાર કાનમાં પડઘાયા કરે.

હજુ પણ વાલોડની ધૂળમાં રમ્યા હોય એને ત્યાં પહોંચ્યા પછી સાંજે પગ નદીએ ખેંચી જ જાય. પછી નદી, વૃદ્ધ પીપળો અને મા’દેવ, એક ખળખળ એક સરસર અને હરહર તમારી સાત પેઢીની વાત માંડે. તમે ઊભા રહો, એક એક ખરતા પર્ણ જેવા ઠુંઠાની જેમ… સાંજનો લાલચટ્ટક સૂર્ય વાલ્મીકિમાં ઓગળી જાય ત્યાં સુધી..

~ માના વ્યાસ (મુંબઈ)

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. વાહ વાહ વાહ સુંદર શબ્દો ને ભાવોનો ખજાનો. અત્યંત સુંદર નિબંધ

  2. શું કહું બેના મારાં જેવા નવોદિતો માટે શબ્દો અને ભાવોનો ખજાનો છે. ખયબ સુંદર નિબંધ 👏👏👏👏👏👏