“અગર સચ બોલતા તો જ્યાદા વક્ત ચલા જાતા” ~ ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) (ભાગ – 6) ~ પૂર્વી મોદી મલકાણ
સૈદપુરનાં હિન્દુ મંદિરોની મુલાકાત લીધાં પછી અમે પાક ઇતિહાસનાં વધુ પાનાં ખંખોળવા તૈયાર થયાં હતાં. અમે નીકળવાનાં હતાં તક્ષશિલા તરફ પણ કોઈક કારણસર ત્યાં જવાનું કેન્સલ કરી શેરશાહ સૂરી રોડ તરફ જવા નીકળી પડ્યાં.
એ ક્યાંયથી આવતો નથી, ક્યાંય જતો નથી પણ તેમ છતાં યે એ કોઈપણ પ્રકારનાં ભેદભાવ વગર બધાંને લઈ જાય છે. આપણાં ઇતિહાસમાં લૌકિક અને અલૌકિક એમ બંને જીવનને અનુદર્શીને માર્ગ કે રસ્તાનો ઉલ્લેખ થયેલો છે. જેના પરથી કેટલાય યાત્રીઓ ગયાં અને કેટલાય જવાનાં. ઇતિહાસ અને માર્ગનાં રંગરૂપ બદલાતાં રહેવાનાં પણ તેનું કામ તો એક જ રહેવાનું, કોઈક ને ક્યાંક પહોંચાડવાનું.
આવા જ એક રોડનું નામ છે શેરશાહ સૂરી માર્ગ… જેનો ઇતિહાસ બહુ રોચક છે.
૧) મૂળ શેરશાહ સૂરી રોડ અને લિંગા પિલર
૨) શે.શા. સૂરી રોડ
સાઉથ એશિયા અને સેંન્ટ્રલ એશિયાને જોડતાં આ એશિયાનાં જૂના અને લાંબા રસ્તાનું અસ્તિત્ત્વ આજેય છે. ૧૫૪૨નાં ઇતિહાસમાં લઈ જતો આ પહેલો પાકો રસ્તો ક્યાં છે તેની માહિતી વિષે રસ્તામાં કોઈ બોર્ડ લગાવેલાં ન હતાં કે ન તો લોકલ લોકોને ખબર હતી. આથી અમારે વારંવાર ગાડી ઊભી રાખી પૂછવું પડતું હતું.
એક સમયે લાગ્યું કે રસ્તો નહીં મળે પણ આખરે અમે એક ટ્રાફિક પોલીસને પૂછતાં તેણે અમને ગાઈડ કર્યા. પણ ગાઈડ કરતાં કરતાં તે ટ્રાફિક પોલીસે ફૂલ વેન જોઈ પૂછી લીધું કે; શું બધાં જ પાકિસ્તાની નાગરિક છે? કદાચ અમારા ચહેરા ભારતીય હોવાની ચાડી ખાઈ રહ્યાં હતાં. અમને લાગ્યું કે અમારા લોકલ મિત્ર કહેશે કે આ લોકો યુ.એસથી છે, પણ તેઓ કહે;
જી, સાબ સારે યહીં કે હૈ ઔર હમારે રિશ્તેદાર હૈ કરાંચી સે આયે હૈ તો હમને સોચા કી આજ લહોર ચલતે હૈ, લેકિન પુરાની બાતે હો રહી થી તો યહ પુરાને રાસ્તે કી યાદ આ ગઈ.
આ સાંભળી તે ટ્રાફિક ઓફિસર કહે ચલો ઠીક હૈ, એન્જોય કિજીયે. હમ ચલતે હૈ….. કહી તે ચાલ્યો ગયો.
વેન ચાલુ થયાં પછી અમે કારીબજીને પૂછ્યું કે; “આપે જૂઠું કેમ કહ્યું?”
તેઓ કહે; “અગર સચ બોલતાં તો જ્યાદા વક્ત ચલા જાતા.”
અમારે માટે આ એક જ વાક્ય સમજવા માટે પૂરતું હતું… આખરે શોધખોળ કરતાં કરતાં અમે એ સ્થળે પહોંચી ગયાં ત્યારે ખ્યાલ આવ્યો કે આ માર્ગને સ્થાનિક લોકો “શેરબહાદુર રાસ્તા” તરીકે ઓળખતાં હતાં.
અમે ત્યાં પહોંચ્યાં ત્યારે સ્થાનિક લોકોએ અમને કહ્યું કે; “યૂઁ તો યેહ રાસ્તા બડા હી જાના પહેચાના હૈ, પર સાલભર મેં યહાં આનેવાલે શાયદ ૨-૩ લોગ હી હોતે હૈ, પર આજ ઇતને સારે લોગ આ ગયે તો લગતાં હૈ કી સહી માયને ઈસે કોઈ ઢૂંઢતા હુઆ કોઈ આજ યહાં આયા હૈ.” તે સ્થાનિકોનાં ફોટા લીધાં બાદ અમે શેરશાહ સૂરીનાં સમયમાં બે કદમ ચાલવામાં મગ્ન થઈ ગયાં.
જી. ટી રોડ… ગ્રાન્ટ રોડ:
આ માર્ગનો મૂળ ઇતિહાસ તો મૌર્યકાળથી શરુ થાય છે. આ સમયે આ માર્ગને ઉત્તરાપથ તરીકે ઓળખવામાં આવતો હતો. ગંગાકિનારે વસેલ ગામ-નગરોને પંજાબ સાથે જોડતો અને ખૈબર દરાઁ (ઘાટી)થી પાર કરીને અફઘાનિસ્તાનની સરેઝમી સુધી આ માર્ગ જતો હતો.
ઇ.સ ત્રીજી શતાબ્દી પૂર્વે ભારત અને પશ્ચિમી એશિયાનાં ઘણાં ભાગોની વચ્ચે જમીન વ્યવહારને માટે તક્ષશિલા – પાકિસ્તાનથી થઈ યૂનાનનાં ઉત્તર પશ્ચિમી નગરો સુધી જતો હતો અને મૌર્યકાળમાં બૌદ્ધ ધર્મનો પ્રસાર પણ આ જ માર્ગેથી થયો હતો.
મૈગસ્થનીઝ નામનો ગ્રીક મંત્રી મૌર્ય દરબારમાં ૧૫ વર્ષ રહેલો. તેણે પોતાની યાદોમાં લખ્યું છે કે તક્ષશિલાથી પાટલીપુત્ર જવા માટે જે માર્ગ મૌર્યોંએ બનાવ્યો હતો તે લગભગ ૩૦૦ કોસ લાંબો હતો, જેની દેખરેખ ચંદ્રગુપ્ત મૌર્યની ખાસ સેના કરતી હતી.
મૌર્યયુગ બાદ પણ જે રીતે આ માર્ગનો ઉપયોગ લાંબા સમય સુધી થતો રહ્યો તે ઉપરથી એમ કહી શકાય કે દક્ષિણ એશિયાનો આ માર્ગ ઘણો જ જૂનો, લાંબો અને મુખ્ય છે. જેને સમય સમય અનુસાર “ઉત્તરાપથ, શાહ-એ-આઝમ (આ જ માર્ગેથી ઈરાનના શાહ -સુલતાન આવતાં હતાં તેથી), સડક-એ-આઝમ, બાદશાહી સડક, ધ લોંગ વોક રોડ, ગ્રાન્ડ ટ્રંક રોડ, જી. ટી રોડ, નેશનલ હાઇવે ૧ અને ૨ રોડ, N 5” એમ વિવિધ નામો મળેલાં છે.
લાહોરથી નીકળતો જી.ટી.રોડ (પાકિસ્તાન તરફથી વાઘા બોર્ડર )
સોળમી સદીમાં દિલ્હી સુલતાન શેરશાહ સૂરીએ ભૂવૈજ્ઞાનિકો પાસેથી સર્વેક્ષણ કરાવી આ માર્ગ બનાવેલો. આ શેરશાહ સૂરી પહેલો એવો સુલતાન હતો જેણે સોનારગાંવ (બંગાળ)થી સિંધ પ્રાંત સુધીનાં ૨૦૦૦થી ૨૬૦૦ કી.મીનાં માર્ગને પાક્કો કરવામાં પથ્થરનો ઉપયોગ કરેલો. આ જ માર્ગ ઉપરથી શેરશાહ સૂરીનું સૈન્ય અવરજવર કરતું હતું, ઉપરાંત પત્રો-સંદેશા લઈ જવા અને રાહગીરો, વ્યાપારીઓ માટે રહેવાની વ્યવસ્થા અને સુરક્ષા અહીં કરાઇ હોવાથી આ માર્ગને “સડક-એ-આઝમ”નું નામ મળેલું હતું.
આ સમયમાં શેરશાહ સૂરીએ પોતાનાં ફરમાનો ફારસી અને નાગરી ભાષાનાં જારી કરેલાં હતાં. વિભાજન સુધી આ બંને ભાષાનાં બોર્ડ અહીં હતાં, વિભાજન પછી અહીં ઉર્દૂ ભાષાનું પણ બોર્ડ મૂકવાંમાં આવેલું પણ અમે કેવળ અંગ્રેજી બોર્ડ જોયું.
આ માર્ગનાં નામની વાત કરવામાં આવે તો મોગલોએ આ માર્ગને બાદશાહી રાસ્તા તરીકે ઓળખતા. ૧૬૦૨માં ભારત આવેલાં ડચ લોકોએ આ માર્ગને “ધ લોંગ વોક રોડ” નું નામ આપેલું, ૧૮૩૩થી ૧૮૬૦ની વચ્ચે અંગ્રેજોએ આ માર્ગને સરખો કરી તેનો વિસ્તાર કર્યો અને તેને “ગ્રાન્ટ ટ્રંક રોડ” નામ આપ્યું. અન્ય યુરોપિયન પ્રજાની સરખામણીમાં અંગ્રેજોનું રાજ્ય વધુ રહ્યું તેથી આ ગ્રાન્ટ ટ્રંક રોડ નામ વધુ વણાઈ ગયું.
મશહૂર લેખક જોસેફ રૂડયાર્ડ કિપલીંગે (૧૮૫૬ બોર્ન મુંબઈ- ૧૯૩૬ મૃત્યુ યુ.કે) આ રોડનું વર્ણન કરતાં કહ્યું છે કે; “આ રોડ જીવનની એક લાંબી નદી સમાન છે જેનો પ્રવાહ વિવિધ સંસ્કૃતિને જોડતો જોડતો બસ વહ્યાં જ કરે છે બસ વહ્યાં જ કરે છે”.
જ્યારે કેવળ સડકોની વાત કરવામાં આવે ભલે મોગલોએ, ડચ પ્રજાએ અને અંગ્રેજોએ સડકો બનાવવામાં ભારતને ઘણું યોગદાન આપેલું છે, પણ મૌર્યયુગનાં આ રોડને બંગાળ સુધી અને તક્ષશિલાથી કાબુલ સુધી ખેંચીને લઈ જવામાં જે યોગદાન શેરશાહ સૂરીએ આપેલું છે તે અમૂલ્ય છે.
શેરશાહ સૂરી પર ભારતીય ધર્મની પણ અસર હોય તેમ મને લાગ્યું, કારણ કે આ માર્ગ ઉપર આવતાં જ પહેલી નજર જેનાં પર પડે છે તે છે આ શિવલિંગ જેવાં દેખાતાં આ સ્તંભ ઉપર. પણ મારી માન્યતા ત્યારે દ્રઢ બની જ્યારે અમે સ્થાનિક લોકોને આ સ્તંભ વિષે પૂછ્યું.
તેઓ કહે કે; યહ લિંગા પિલર રાસ્તે કી પહેચાન હૈ. શેર બહાદુર કા માનના થા કી જબ તક યહ લિંગા પિલર હૈ તબ તક વોહ જિંદા રહેગા, ઔર ઐસે પિલર સિર્ફ યહાં જીતને દિખતે હૈ ઉતને હી નહીં હૈ પહેલે ઔર ભી થે; પર બાદ મેં સારી નિશાનીયાં મિટ ગઈ.
શેરશાહની આ માન્યતાને આજે એ રીતે માની શકીએ કે તે ભારત અને પાક એમ બંને દેશનાં ઇતિહાસનાં પાનાં પર એ આજેય જીવંત છે.
-: ગ્રાન્ટ ટ્રંક રોડનો રૂટ :-
બાંગ્લાદેશ અને ભારતની સાઈડથી:- ગ્રાન્ટ ટ્રંક રોડનો રૂટનો પ્રારંભ દક્ષિણ બંગાળનાં ચટગાંવથી થઈ, મધ્ય બંગાળનાં સોનાગાંવની સીમા બોર્ડરથી ભારતમાં પ્રવેશે છે. ત્યાર પછી કોલકત્તા, વર્ધમાન, દુર્ગાપુર, આસનસોલ, ધનબાદ, ઔરંગાબાદ, દેહરી, સાસારામ, મોહાનિયા, મુગલસરાય, વારાણસી, અલ્હાબાદ, ઇટાનગર, કાનપુર, આગ્રા, મથુરા, દિલ્હી, કરનાલ, અંબાલા, લુધિયાણા, જલંધર, અમૃતસર થઈ પાકિસ્તાનમાં પ્રવેશે છે. કોલકત્તાથી દિલ્હીનાં વચ્ચે આ રોડ NH 2ના નામે ઓળખાય છે. જ્યારે દિલ્હીથી અટારી બોર્ડર વચ્ચે NH 1 તરીકે ઓળખાય છે.
પાકિસ્તાન સાઈડ:- પાકિસ્તાની વાઘા સીમાથી ગ્રાન્ટ ટ્રંક રોડ N-5 બને છે જે લાહોર, ગુજરાઁવાલા, ગુજરાત, ઝેલમ, રાવલપિંડી, અટોક થઈ પેશાવર જાય છે અને પેશાવરથી અફઘાનિસ્તાનમાં પ્રવેશે છે.
અફઘાનિસ્તાન સાઈડ:- કાબુલ રોડ તરીકે ઓળખાતો આ માર્ગ અફઘાનિસ્તાનમાં તોરક્કમ – ડુરંડ, ગોસ્તા, જલાલાબાદ, ચહરબાગ અને સુરોબી થઈ કાબુલ પહોંચે છે અને પછી ત્યાં આ માર્ગ પૂરો થઈ જાય છે.
જે તે સમયનાં આ રોડ પર થોડીવાર ચક્કર માર્યા પછી અમારે એ પળમાં ઠહેરવાંનું ન હતું, કારણ કે શેરશાહ સૂરીનાં આ ઇતિહાસથી યે અનેક ગણો જૂનો ઇતિહાસ અમારી રાહ જોઈ રહ્યો હતો. તેથી અમુક સમય અહીં પસાર કર્યા પછી અમે એ દિશા તરફ નીકળી પડ્યાં.
© પૂર્વી મોદી મલકાણ, યુ.એસ.એ
પૂર્વી મોદીને પ્રવાસ અને લખાણ માટે સલામ, ધન્યવાદ. સરયૂ પરીખ.