ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) – સફરનો આરંભ (ભાગ – ૧) ~ પૂર્વી મોદી મલ્કાણ
(લેખક વિષે – પૂર્વી મોદી મલ્કાણ એ “આપણું આંગણું”ના વાચકો માટે નવું નામ નથી. એમની સમર્થ કલમ આજે આપણી સાથે “ગંગાથી રાવી સુધી”ની શ્રેણીમાં એમના પાકિસ્તાનની સફરના અનુભવોની લ્હાણી કરી રહી છે. દર ગુરુવારે, આ શ્રેણી વાંચવાનું આપ સહુને ભાવભીનું આમંત્રણ આપતાં હું અત્યંત આનંદ અનુભવું છું. આશા છે આપ સહુ આ લેખમાળાને પણ ઉમળકાથી વધાવી લેશો.)
જે દેશ વિષે કોઈ જ ભારતીય વધુ વાત કરવા નથી માગતો ત્યાં મારી પાસે પાકિસ્તાનની ઘણી બધી યાદો છે. ક્યારેક એવું પણ લાગે છે કે; જેટલી યાદો બતાવું તેટલી ઓછી છે. પણ યાદો એ યાદો છે જે વિવિધ રૂપે નીકળે છે પણ મારી પાસે તો વાતો છે, સંવાદો છે, ઇતિહાસ છે, ફોટોઝ અને અંતે સમય છે. તો ચાલો ફરી આપણે નીકળી પડીએ પાકિસ્તાનની સફરે.
Osama bin Laden’s compound
ઓસમા બિન લાદેન:-
ઓસમા બિન લાદેનને અમેરિકાએ ખતમ કર્યો, તે દિવસની વહેલી સવારે અમે હજુ પહોંચ્યાં જ હતાં, તેથી આ સમાચાર દુનિયા માટે મોટા હતાં, ને અમારે માટે પણ. એમાંયે એ દિવસની સવારે ભારતીય કે અમેરિકન હોવાનાં ખતરાને મહેસૂસ કરતાં મી. મલકાણને ઓફિસમાં ફોન કર્યો, જેનાં બદલામાં તેઓએ મને હોટેલમાં જ રહેવાની સૂચના આપી.
બપોર સુધીમાં વાતાવરણ એટલું ભારે થઈ ગયું કે, જેની અસર મારી ઉપર પડવા લાગી. આથી મેં ત્યાં એક એવી મિત્રનો કોંટેક્ટ કર્યો જેની સાથેની મુલાકાતને ય બહુ કલાકો થયાં ન હતાં. એમને મેં રિકવેસ્ટ કરી કે મારે હોટેલની બહાર જવું છે આપ મારી સાથે આવશો? મારા પ્રશ્ન અને માગ સાથે તેઓ થોડીવાર વિચારમાં પડી કહેવા લાગ્યાં કે; માલકન બીબીજી માહૌલ ઠીક નહીં હૈ ઇસમેં હમારા બાહર જાના કિતના મહેફૂસ હૈ પહેલે યહ દેખના હોગા… ઠહરીયે મૈં તલાશ કરકે બતાતી હૂઁ. વાત કર્યાનાં થોડીવારમાં જ તેઓએ મને તૈયાર થવા કહી પોતે પણ કાર અને ડ્રાઈવર સાથે હાજર થઈ ગયાં.
અમે જ્યારે અમારી કાર ને ઇસ્લામાબાદ સિટી તરફ વાળી ત્યારે ખાલી રસ્તા, બંધ માર્કેટ અને કશુંક થવાનું છે તેનો આછો અણસાર અમને સ્પર્શીને આગળ વધી ગયાં. આ બધાં જ અણસાર અને શહેરનાં સન્નાટાને અવગણતાં બે બ્રેવ લેડીઓ શહેરનાં રસ્તાઓ પર નીકળી પડી હતી.
ભારતીય વસ્તુઓની લોકપ્રિયતા:-
ઈન્ડિયાથી દૂર રહીને આપણે જાણી શકીએ છીએ કે; આપણી વસ્તુઓની શું કિંમત છે, પણ પાકિસ્તાનની વાત અલગ છે. પાકિસ્તાન અને ભારતના સાપ-નોળિયાનાં વેરને જાણતાં આપણે એ ન કહી શકીએ તેઓને આપણી વસ્તુ ગમતી હશે કે નહીં. પણ ઓસામા બિન લાદેનને કારણે જ્યારે હું હોટેલ બહાર નીકળી ત્યારે રસ્તાઓ સૂમસામ હતાં અને માર્કેટ બધી બંધ જોઈ અમને સોમવારનો એ દિવસ શુક્રવારની જુમ્માનો દિવસ લાગી રહ્યો હતો.
ધીમે પગલે દિવસની સાથે વહી જતી તે શાંતિ સાથે અમે અંતે શહેરનાં એવા ખૂણામાં પ્રવેશ્યાં જ્યાં દુકાનદાર સિવાય કોઈ જ પુરુષો જોવા મળ્યાં નહીં. આ જગ્યાનું નામ હતું “બહેબૂડ ખાતૂન બઝાર”. અહીં ખરીદ કરવા આવનાર પણ સ્ત્રીઓ હતી, કેવળ સ્ત્રીઓ. પુરુષો, બાળકો વગરની આ બઝારમાં આટલી બધી સ્ત્રીઓને એક જ જગ્યાએ જોઈ મારું મન મને પળ -બે પળ માટે મુઘલ બાદશાહોની એ મીના બાઝાર તરફ ખેંચી ગયું અને અતીતનો સમય વર્તમાન બની સામે ઊભો રહી ગયો.
આ “બહેબૂડ બઝાર”માં અમે જ્યાં જ્યાં ફર્યા તે તમામ સ્ટોરવાળાએ મારા ભારતીય ચહેરાને ઓળખી કાઢ્યો, પણ જ્યારે તેમને ખબર પડી કે અત્યારે હું પાકિસ્તાનની યાત્રાએ છું ત્યારે તેઓએ આશ્ચર્ય સાથે મારા આગમનને વધાવી લીધું. પોતપોતાનાં સ્ટોરમાં રહેલ એ બધી જ વસ્તુઓ બતાવવાં લાગ્યાં જે ભારતથી આવી હતી. તેઓનું કહેવું હતું કે, ભારતની દરેક વસ્તુ તેમને ગમે છે અને માર્કેટની દ્રષ્ટિએ ભારતની વસ્તુઓની માગ વધુ છે. ભારત અને ભારતીય વસ્તુઓની લોકપ્રિયતા જોઈ એ સમયે મારી અંદર રહેલો ભારતીય આનંદથી એવો ઝૂમી ઉઠેલો કે વગર પીધે થયેલા નશાને હું ઘણાં દિવસ સુધી મહેસૂસ કરતી રહી.
હોટેલ પર પાછા ફરતાં:-
ખાતૂન બઝારમાંથી ભારત, ભારતીયો અને ભારતીય વસ્તુઓની લોકપ્રિયતાને લઈ અમે જ્યારે હોટેલ તરફ પાછા ફર્યા ત્યારે એ રસ્તાઓની સિકલ બદલાઈ ગઈ હતી. જેની ઉપરથી અમે બપોરે પસાર થયેલાં તે આખા રસ્તા પર જ્યાં જુઓ ત્યાં પોલીસ ટેન્ટ, ડોગ સ્કવોડ, પોલીસ વેન, કમાન્ડોઝ, ચેકિંગ હવાલદાર નજરમાં આવતાં હતાં. આ નવા વાતાવરણને સૂંઘતાં-સૂંઘતાં અને દરેક ચોકીએ જવાબ આપતાં-આપતાં અમે જ્યારે હોટેલ પાસે પહોંચ્યાં, ત્યાં પણ મારું સ્વાગત કરવા કમાન્ડોઝ તૈયાર હતાં. મારી પાસે રહેલો અમેરિકન પાસપોર્ટ અને મારો ભારતીય ચહેરો તેમને વધારે સવાલજવાબ માટે તૈયાર કરે તે અગાઉ હોટેલનો પોર્ટર આવી મને હોટેલની અંદર ખેંચી ગયો.
રૂમમાં પહોંચી ત્યારે મી. મલકાણ હાજર હતાં અને તેમણે મને આશ્ચર્ય સાથે પ્રશ્ન કર્યો કે, તું બહાર ગઈ કેવી રીતે? જવાબમાં તેમને ભારે વાતાવરણની વાત કરી. ત્યાર પછી બહારના વાતાવરણ અને મારી હાફ ડે ટ્રીપની વાત કરી ત્યારે તેમને જાણ થઈ કે, સિટીમાં આટલી બધી પોલીસ ખડકાયેલી છે.
મારી વાત પછી તેમણે ય ઓફિસની આજુબાજુ રહેલ વાતાવરણની વાત કરી પૂછ્યું કે; હવે અહીં રહેવું જોઈએ કે નહીં? પણ એ વાતનો જવાબ કાં તો અમેરિકન ગવર્મેન્ટ આપી શકે અથવા તો પાક ગવર્મેન્ટ. પણ આ બંને ગવર્મેન્ટ અને તેની આર્મી શું વિચારે છે તેની અમને ખબર ન હતી. તેથી અમે અંતે એક એવી વ્યક્તિની મદદ લીધી જેઓ પાક આર્મીમાં મોટા પદે હતાં. તેમની મદદથી જાણ્યું કે, હવે પછી અમે જ્યાં પણ ફરીએ ત્યાં અમારે ત્યાંના લોકલ વ્યક્તિઓને સાથે રાખવા અને ગ્રૂપમાં જ રહેવું જેથી કરી કોઈ પરેશાની ન આવે. ઉપરાંત જે જગ્યાએ જઈએ તેની પૂરી જાણકારી અમેરિકન એમ્બેસીને પણ આપવી જેથી સેફટી રહે. અમને મળેલ આ સૂચનાનું અમે જ્યાં સુધી પાકિસ્તાનમાં રહ્યાં ત્યાં સુધી પાલન કર્યું.
(વધુ આવતા અંકે)
Jsk 🕉 hariaum 🕉 namaskar 🕉
Tour of Pakistan say glimpse
With prem n om 🕉