અમાસની રાત્રે ઝબકી ગયેલી વીજળી (પ્રકરણ : 14) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા

પ્રકરણ : 14

મારી વિદ્યાયાત્રા અને નાટ્યયાત્રા જોડાજોડ ચાલી રહી હતી. પપ્પાની એક જ શરત, તું જરૂર નાટકો કર, પણ તારી પાસે એક ડિગ્રી હોવી જોઈએ. મેં કાયમ એ શરતનું પાલન કર્યું.

1958. મારી અઢારની વય એટલે હવે મને મુખ્ય ભૂમિકા મળતી હતી. વિષ્ણુભાઈએ ર. વ. દેસાઈની પ્રખ્યાત નવલકથા ‘પૂર્ણિમા’ પરથી આંતરરાજ્ય નાટ્યસ્પર્ધા માટે નાટક તૈયાર કર્યું હતું.

રાજેશ્વરી કોઠા પરની તવાયફ છે, મૅડમનાં કબજામાં છે. રોજ એની નૃત્યની મહેફિલો થાય છે. એક દિવસ મૅડમ જાનકીબાઈ, શેઠ સાથે એની નથ ઉતારવાનો સોદો કરે છે, ત્યારે રાજેશ્વરી પઠાણના કબજામાંથી નાસી છૂટે છે, એક આદર્શવાદી પ્રોફેસર તેની સાથે લગ્ન કરે છે.

વાર્તામાં ઘણાં વહેણ વળાંકો અને સંગીતપ્રધાન નાટક. વિષ્ણુભાઈ અને સુમંત વ્યાસ પાસે ક્લાસિકલ સંગીતનું અફલાતુન બૅકગ્રાઉન્ડ હતું. એટલે ગીતો, બેકગ્રાઉન્ડ મ્યુઝિક, આલાપ ખૂબ રિહર્સલ્સ કરી તૈયાર કરેલા. વિષ્ણુભાઈ તો ઘરની સામે જ રહે. રવિવારે સવારે ‘પૂર્ણિમા’ની સ્ક્રીપ્ટ લઈને આવ્યા, તું રાજેશ્વરી છે, સંવાદો યાદ કરવાના છે.

‘પૂર્ણિમા’ની રાજેશ્વરી

હું અવાક્ થઈ ગઈ, આવા ધરખમ નાટકની હું મુખ્ય અભિનેત્રી! પપ્પા હસીને કહે, કાલે જ ‘રંગભૂમિ’ની મિટિંગ હતી, તારું નામ નક્કી થયું એટલે મેં કહ્યું છે, વર્ષા આ પાત્ર જરૂર કરશે. સ્ક્રીપ્ટ વાંચતા થોડી ડરી પણ ગઈ. નાટકમાં સળંગ ભૂમિકા, કોઠાનાં દૃશ્યો, કથ્થક નૃત્ય, વજનદાર કૉસ્ચ્યુમ્સ, ફૂલો… અળતો… આ બધું થશે મારાથી? પણ જ્યારે પપ્પાએ કહ્યું કે વર્ષા જરૂર આ નાટક કરશે તો હું કેમ પાછી પડું!

મારી કસોટી શરૂ થઈ.

નૃત્ય અને નાટક બંનેનાં રિહર્સલ્સ શરૂ થયાં. વહેલી સવારે પાંચ વાગ્યે ઊઠી. ઝટપટ તૈયાર થઈ. ઘાટકોપર સ્ટેશન સુધી મૅરેથૉન રેસથી હું હવે ટેવાઈ ગઈ હતી. કૉલેજમાં છેલ્લી બૅન્ચ પર બેસી સંવાદો ગોખવાના. કૉલેજ પૂરી થતાં ઢોંસો ખાઈ લઉં કે કોઈ બહેનપણીને ત્યાં જલ્દી ખાઈને ભવનની નાટ્યસ્પર્ધા માટે ‘ગ્લાસ મૅનેજરી’નાં રિહર્સલ્સ. ત્યાંથી ફરી ભાગંભાગ. માટુંગાથી દાદર, દાદરનો લાંબો પુલ, બીજી લોકલમાં ગ્રાંટરોડ, ત્યાંથી ચાલતાં ફ્રેન્ચબ્રિજ. ત્યાંની મ્યુનિસિપલ સ્કૂલે રિહર્સલ માટે રૂમ આપેલો. વિષ્ણુભાઈ કૉલેજથી આવે.

આઇએનટીના મનસુખ જોષી નાટકના કન્સલટન્ટ હતા, એ પણ હાજર. મુજરાની રીતરસમ એમણે મને શીખવેલી. માસ્ટરજી કથ્થકનાં તોડાનું રિહર્સલ કરાવે ત્યારે મને યાદ આવતું કે નાનપણમાં હાથપગ આમતેમ વાળી નૃત્ય કર્યાનો ગર્વ થતો, પણ નૃત્ય કેટલી અઘરી કલા હતી!

થાકી જવાનું તો પોષાય જ ક્યાંથી? નૃત્યનાં રિહર્સલ્સ પછી હું અને વિષ્ણુભાઈ ચાલતાં પહોંચીયે ઓપેરાહાઉસ. દેવધર હૉલમાં પછી ‘પૂર્ણિમા’ નાટકનાં રિહર્સલ્સ. એમાં શ્વાસ ખાવાનો તો સમય જ ન હોય! અઘરી અને પ્રમુખ ભૂમિકા.

રાત્રે અમે ઘાટકોપર જવા નીકળીએ. ફરી એ જ કૂચકદમ. માટુંગાથી પુલ વળોટી દાદરસ્ટેશન પહોંચતા ફસડાઈ જ પડીએ. સવારથી પગ વાળીને બેઠા જ ન હોઈએ. રિહર્સલ્સનું ટૅન્શન, મુસાફરીઓ પછી રાત્રે ભૂખતરસ કંઈ હલ્લો કરે! પાણીની બૉટલોનો જળયુગ હજી આવ્યો નહોતો. સૅન્ડવિચ હજી ફૅમસ નહોતી થઈ. ઘણાને તો નામ પણ ખબર નહીં.

વિષ્ણુભાઈએ તોડ કાઢેલો. સ્ટેશનનાં ખૂમચાવાળા સાથે સેટિંગ કરેલું. ઘણો માલ દિવસે વેચાઈ ગયો હોય. ચણાની મસાલા દાળ, કાંદા, લીંબુ (દયાભાવે) છુપાવી રાખે. વધ્યોઘટ્યો માલ એમાં નાંખી પડીકું આપે. અમે બુકડા ભરીએ,

સ્ટેશનનાં જાહેર નળનું પાણી પીને ઘાટકોપર લોકલ પર મીટ માંડીએ. પૈસા વિષ્ણુભાઈ આપતા. કોઈવાર તો અમે ચારપાંચ લોકો હોઈએ. આજે થાય છે વિષ્ણુભાઈને બાંધી મુઠ્ઠીનો પગાર હશે. એમાં ઘરસંસાર, લોકલનાં પાસ, નાટક અંગે આવા ખર્ચા… કેમ જોગવતા હશે! નાટકમાંથી તો અમને કોઈને રૂપિયોય કમાણી નહીં. સરસ નાટક કરવાનું પેશન એ જ તો મોટી મૂડી!

રાત્રે થાકીને પાછા ફરીએ ત્યારે ઘરનો લાંબો રસ્તો હનુમાનની પૂંછ જેટલો લાંબો લાગતો. રાત્રે સૂતા ન સૂતા કે પપ્પાની બૂમ સંભળાય, ચાલો ઊઠો. ફીર એક નયા દિન.

આ નાટકના પડદા પાછળની કથા પણ એટલી જ રસપ્રદ છે.

વિષ્ણુભાઈએ ‘પૂર્ણિમા’ લખ્યું કે તરત ‘રંગભૂમિ’ એ મહોર મારી દીધી હતી. 1958માં આજથી બાંસઠ વર્ષ પહેલાં તવાયફનું જીવન તખ્તા પર પેશ કરવું એ ખરેખર ક્રાન્તિકારી પગલું હતું. ‘રંગભૂમિ’ હટકે જ નાટક કરવામાં માનતી હતી.

નાટકમાં રેડ લાઇટ એરિયાનો માહોલ ઊભો કરવા સેક્રેટરી અમર ઝરીવાલા, પ્રતાપભાઈ, વિષ્ણુભાઈ, પ્રકાશઆયોજનના જાદુગર સુરેશ વ્યાસ બધા વિક્ટોરિયામાં ફોકલેન્ડ રોડની રેડ લાઇટની ગલીઓમાં રાત્રે ફર્યા. પાનની દુકાનો, ફૂલોના ગજરા, લાલલીલા રૂમાલો, ચાલ અને બોલવાની ઢબછબ બધું જોઈ સ્ટેજ પર અદ્દલ વાતાવરણ ઊભું કર્યું હતું. એકદમ રીયાલીસ્ટીક સેટ.

ફિલ્મનિર્માતા વિજય ભટ્ટને ખાસ આમંત્રણ આપ્યું હતું. એમણે વર્ષો પહેલાં સરદાર અખ્તરને લઈ ‘પૂર્ણિમા’ બનાવી હતી. અમારું નાટક જોઈ નવાઈ પામ્યા હતા, અદ્દલ નવલકથાનું નાટ્યરૂપ તખ્તા પર! નાની વયમાં રાજેશ્વરીની ભૂમિકા સુંદર રીતે નિભાવવા બદલ મારી પીઠ થાબડેલી ત્યારે મારા હરખનો પાર નહીં.

આ જ નાટક પરથી પ્રેરણા લઈ બી. આર. ચોપરાએ ‘સાધના’ ફિલ્મ બનાવી હતી. જેમાં એ સમયની ટોચની અભિનેત્રી વૈજયંતિમાલા હતી. વિષ્ણુભાઈ અમને ‘સાધના’ જોવા લઈ ગયા હતા. મારી ભૂમિકા વૈજયંતિમાલાએ કરી એ વિચારથી મનોમન હું ખૂબ પોરસાઈ હતી. એ ઉંમર જ એવી હતી!
* * *
નાટ્યસ્પર્ધામાં ‘પૂર્ણિમા’નાં શો વખતે રંગભવન ખીચોખીચ ભરેલું. વૃક્ષો અને પાળી પર પણ લોકો. પ્રેક્ષકોમાં કલાની દુનિયાના હુઝ હુ હાજર. વજનદાર, ઝરીથી ઝગમગતાં ચણિયાચોળી, ફૂલોથી સજાવેલી હેરસ્ટાઇલ કેટલાય કિલો આભૂષણો અને હેવી મેઇકઅપ. નાટક શરૂ થતાં પહેલાં જ એટલું વજન લાગતું હતું! પડદો ખૂલતા પહેલાં પ્રાર્થના કરતાં મેં હૃદયપૂર્વક રંગદેવતાને, નાટ્યગુરુ વિષ્ણુભાઈને પ્રણામ કર્યા.

પ્રથમ અંકનો પડદો ખૂલ્યો. પીનડ્રોપ સાઇલન્સ. એક જ સેટ પર કેટલાં લોકેશન્સ! શિવનાથ શાસ્ત્રીનું મંદિર, બાજુમાં ઘર, પાછળ ફૂટપાથ અને રેલ્વે લાઇન, સ્ટ્રીટલૅમ્પ… સાવ ટાંચાં સાધનોથી ઊભો કરેલો ભવ્ય સેટ! તાળીઓના ગડગડાટથી હવા તરંગિત થઈ ગઈ. આ સેટને મળેલી તાળીઓ હતી.

‘પૂર્ણિમા’નું એક દ્રશ્ય

પહેલા અંકથી જ પ્રેક્ષકોમાં છાક પડી ગયો. બીજા અંકનો પડદો ખૂલ્યો. ગણિકાનો કોઠો, મહેફિલનું દૃશ્ય, સારંગી દિલરૂબા સાથે સાજિંદા, પાનપેટી સાથે ઠસ્સાદાર જાનકીબાઈ મૅડમ. આસપાસ ગાદીતકિયાની બેઠકોમાં મોંએ લાળ ટપકાવતાં લોકોમાં સંકોચાતો પ્રોફેસર અવિનાશ. હું – રાજેશ્વરી પાનની તાસક ફેરવું, કોઈ ચેનચાળા કરે, હાથ પકડવાની કોશિષ કરે. નોટોનો તો વરસાદ!

રિહર્સલની વાત જુદી હતી. શોમાં તો અસ્સલ તવાયફનાં કોઠાનો માહોલ, કોસ્ચ્યુમ, લાઇટિંગ… મારા મન પર ઘેરી અસર થતી હતી, મનમાં હાહાકાર, હું નખશિખ રાજેશ્વરી. હું આકળવિકળ. આ શું થઈ રહ્યું છે મારી સાથે? રાજેશ્વરી ગીતાનો શ્લોક ગાય છે અને મહેમાનો મોં બગાડી એને નાચવાની ફરજ પાડે છે. તબલાંની થાપી સાથે ઊભી થઈ હું કથ્થકનો તોડો રજૂ કરું છું અને આંખે આંસુની ધાર. એક જ રટણ, હે ઈશ્વર! મને ઉગારી લે.

મને ખબર ન હતી, પણ દૃશ્ય એટલું જીવંત હતું કે પપ્પા ઊંડા આઘાતથી બેભાન થઈ ગયા હતા. એમને ગ્રીનરૂમમાં સૂવડાવ્યા, એમનું પણ રટણ, મારી વસુને બચાવી લો.

તખ્તા પર મુજરો પૂરો થયો, મહેમાનો ગયા. મૅડમ શેઠની સાથે રાજેશ્વરીની નથ ઉતારવાનો સોદો કરે છે, પણ રાજેશ્વરી શેની કબૂલ થાય! પઠાણ હંટર લઈ પ્રવેશે છે. ખાસ ઊંચી કદકાઠીનાં અભિનેતાને પસંદ કરેલો. હું વિફરી. મેં અને પઠાણ – અજીતે બરાબર રિહર્સલ્સ કરેલા. એ મને હંટર મારે ત્યારે મારે ખોટી ચીસ નાંખી કઈ રીતે ખસી જવું પછી પાનદાનીમાંથી ડબ્બી લઈ એને છુટ્ટી મારી ભાગી જવું.

અજીતે જોરથી હંટર ઘુમાવ્યું. કોણ જાણે શું થયું કે મને ખરેખર વાગ્યું અને મે સાચ્ચી ચીસ પાડી! ગુસ્સાથી ધમધમતી મેં પાનદાનીની ડબ્બી ઉઠાવી જોરથી ફેંકી. આવી નાની ડબ્બી અને ઊંચો પહેલવાન પઠાણ. પાછો દૂર ઊભેલો, પણ આશ્ચર્ય એ કે એ ડબ્બી ફંગોળાઈ એનાં ગાલમાં ઊભી ખૂંચી ગઈ અને લોહીની ધાર! એણે પણ સાચ્ચી ચીસ પાડી અને હું ભાગી છૂટી.

પડદો પડ્યો. હું ગ્રીનરૂમ તરફ દોડી. દસ જ મિનિટમાં આ જરિયાન કોસ્ચ્યુમ, દાગીના ઉતારી સાદો લગ્નનો લિબાસ પહેરવાનો. હું ગ્રીનરૂમમાં પહોંચું કે અમરભાઈએ મારે માથે લાલ ચૂંદડી નાંખી પપ્પાની સ્થિતિની વાત કરી. હું ગ્રીનરૂમમાં દોડી ગઈ તો જમીન પર પડદા પર પપ્પાને સૂવાડેલા, બધા વીંટળાઈ વળેલા. ‘રંગભૂમિ’નાં જ અભિનેતા ડૉ. ઇન્દુભાઈ પટેલ એમની પાસે હતા. એમણે કહ્યું, ગુરુજી આ રહી વર્ષા. એને કશું થયું નથી. અમે એની સાથે છીએ. મેં લાલ ચૂંદડીથી કૉસ્ચ્યુમ ઢાંકી દીધો. પપ્પાએ આંખ ખોલી. અમારા બંનેની આંખો છલોછલ. એમને છાતીમાં દુઃખાવો થતો હતો.

‘પૂર્ણિમા’નો જયજયકાર થઈ ગયો. ‘અલ્લાબેલી’માં સહાયક અભિનેત્રીનું પ્રથમ પારિતોષિક મળ્યું હતું, પણ આ વખતે અનેક સિનિયર જાજરમાન કલાકારો વચ્ચે મને શ્રેષ્ઠ અભિનેત્રીનું પ્રથમ પારિતોષિક મળ્યું હતું. એક કવર અને ચંદ્રક.

‘પૂર્ણિમા’માં શ્રેષ્ઠ અભિનેત્રીનું પારિતોષિક. પાછળ અમર ઝરીવાલા – સંસ્થાના સૂત્રધાર

ભરચક્ક પ્રેક્ષકગણની સામે જ મેં કવર ખોલ્યું તો સો રૂપિયાની નોટ! ઓહો! અને એ ચંદ્રક! ઘરે જઈ એ ચંદ્રક ક્યાંય સુધી ગળામાં પહેરી રાખ્યો હતો. એમાં સોનું-રૂપું કંઈ નથી. અત્યારે તો કાળો પડી ગયો છે, પણ પ્રતીક મારી સ્વીટ મેમેરીઝનું. ઓસ્કરથીયે વિશેષ.

ગમે તેટલું સરસ નાટક હોય, પણ આજના નાટકો જેટલા કુડીબંધ શો તો ક્યાંથી હોય! આટલું ખર્ચાળ અને ઘણી પ્રોપર્ટીઝનું નાટક તોય સુરત, વડોદરા અને બીજે ક્યાંક ભજવ્યાનું યાદ છે મને. (મુસાફરી તો થર્ડક્લાસમાં. પેટીપટારા સાથે.) બધે ઉમળકાભેર આવકાર મળ્યો. ભગવતીકુમાર શર્માએ સરસ રીવ્યૂ લખી ‘રંગભૂમિ’ સાથે મને પણ બિરદાવી હતી. પણ કટિંગ કાપી સાચવવા એવી સમજ નહોતી.

નાટ્યગુરુ પ્રબોધ જોષીએ તેમની નાટ્યકૉલમ ‘ઉનો બરફ’માં ‘પૂર્ણિમા’નો રીવ્યૂ કરતાં લખ્યું હતું અને અમરભાઈ પાસે એ કટિંગ સચવાયું હતું. અમરભાઈએ જ. પ્રવાસીમાં (10/05/1992) મારા ફોટા સાથે સ્મૃતિ લેખ લખ્યો હતો, જેમાં પ્રબોધભાઈએ ‘રંગભૂમિ’ સંસ્થાને યાદ કરતાં શિર્ષક બાંધ્યું હતું : ‘અમાસની રાત્રે ઝબકી ગયેલી વીજળી.’

`…આજની પાક્કી સડક જોનારાને વિચાર આવે કે આ પહેલાં કાચી સડક કોણે કરી હતી? અને એનીયે પહેલાં કેડી કોણે સ્થાપી હતી? કદાચ કોઈ એમ પણ વિચારે કે કાંટા ઝાંખરાવાળા જંગલમાં કોણે ચાલીને પગની પાનીઓ લોહીભીની કરી બીજા માટે કેડી બનાવી હશે? વાત છે કમિટેડ માણસોની જેમણે નવી રંગભૂમિની ઇમારતમાં પાયાનાં પથ્થર બનવાનું સદ્ભાગ્ય મેળવ્યું છે.’

આજથી વર્ષો પહેલાં ગણિકાને પણ લગ્નનો અધિકાર છે અને સમાજે એનો સ્વીકાર કરવો જોઈએ એવો વિપ્લવી આદર્શ ‘પૂર્ણિમા’ દ્વારા ર. વ. દેસાઈએ રજૂ કર્યો હતો. ગાંધીજીની સત્યાગ્રહની ચળવળ સાથે સમાજ પરિવર્તન ઝંખતા યુવાન બનવું એ આદર્શ હતો મારા ‘રંગભૂમિ’ના સાથીઓનો. કેટકેટલાં સરસ નાટકો કર્યાં અને સામે ચાલીને ખોટ ખાધી!

એ કાંટાળી કેડીએ ચાલતા મારા સાથી કલાકારો સાથે હું પણ ચાલી હતી. મારા પિતાએ મારી પાની પણ લોહીભીની થવા દીધી હતી. એને મારા જીવનનું પરમ સૌભાગ્ય અને સાર્થકતા હું માનું છું.
* * *

‘રંગભૂમિ’ નિર્મિત નાટકનું દ્રશ્ય

‘નરબંકાં’, ‘કવિ દયારામ’, ‘અલ્લાબેલી’, ‘પુત્ર સમોવડી’, ‘મૃચ્છકટિક’, ‘શાહજહાં’, જેવા માતબર પ્રોડક્શન કરતા સંસ્થાને નાકે દમ આવતો.

એટલી મહેનત અને થોડા જ શો થાય. પૈસા ખરચતું ઑડિયન્સ ન હતું. કલાકારોને ખર્ચ પેટે પણ કવર ન આપી શકાતું અને રિહર્સલ્સ ખૂબ કરકસરથી થતાં હતાં. પોતે નાટકમાં ન હોય તો પણ નાનામોટા કલાકારો, કોઈ ને કોઈ રીતે સંસ્થાને મદદ કરનારાઓ, નાટ્યપ્રેમીઓ પણ રિહર્સલ્સમાં આવતા જતા રહેતા. આખો દિવસનાં કામકાજ પછી સાંજથી રાત અહીં આવતા. સહુને કેટલી ખેવના હશે!

‘રંગભૂમિ’એ મસ્ત કૉમેડી નાટક તૈયાર કરેલું ‘પલ્લવી પરણી ગઈ’. અમારો એ કમાઉ દીકરો. રવિવારે જયહિંદ કૉલેજમાં શો કરતાં. એની કમાણી આ ક્લાસિક નાટકના ખર્ચમાં મદદરૂપ થતી.

રાગિણી અને પલ્લવી બે બહેનો. રાગિણી મૉડર્ન, ફૅશનેબલ અને પલ્લવી દેશી. ચશ્મિસ્ટ અને ગુજરાતી સાડીમાં. હું રાગિણી. ફૅશનેબલ મૉડર્ન ગર્લ (તોય સાડીમાં જ) ચિત્રા કવિ કાન્તની દોહિત્રી. મારી જ કૉલેજમાં હતી. અમે બે નાટકમાં ધમાચકડી મચાવી જલસા કરતા, કરાવતા. અમે શોમાં પહોંચીએ ત્યારે જ ખબર પડે, આજે કોણે કયું પાત્ર ભજવવાનું છે!

પલ્લવીને બે ગીત ગાવાના હતા લાઇવ. સાદાસીધા સૂરમાં સરળ ગીતો. હું પલ્લવી હોઉં ત્યારે ઘણીવાર ગીતો પર તાળીઓ મળતી. (એ સમયે પ્રેક્ષકો કેટલા સહનશીલ હશે!) સાદો એક સેટ, પાંચછ પાત્રો. પ્રેમ અને લગ્નની થીમનું કૉમેડી નાટક સુપરહીટ હતું.

‘પલ્લવી પરણી ગઇ’ની રાગિણી

પહેલી જ વાર રંગભૂમિએ રાગિણી માટે ફૅશનેબલ સાડીના પૈસા આપ્યા. હું અને ઈલાએ ખૂબ રખડીને, ત્યારે નવી નવી નીકળેલી નાયલોનની રંગબેરંગી બે સાડીઓ ખરીદેલી. બાર રૂપિયાની એક. છ રૂપિયાની મેચિંગ બંગડીઓ. ત્રીસ રૂપિયાનો ગંજાવર ખર્ચ! હું અને ચિત્રા શું રાજી થયેલા!

બિલીમોરા, નવસારી, ગણદેવી, ભાવનગર, અમદાવાદ જેવાં શહેરોમાં શો લઈ જતા. આવવા જવાનું હંમેશાંની જેમ થર્ડક્લાસમાં અને શો વખતે બધાં જ કામમાં હાથ દેવાનો. શો પછી જે પણ ટ્રેન રાત્રે મળે તે પકડવા દોડવાનું, સવારે તો બધાને કામ પર જવાનું હોય, થોડીવાર ઊભી રહેતી ગાડીમાં, અંદરના મુસાફરોના વિરોધ વચ્ચે ઘૂસવાનું, કોઈ પણ પૉઝિશનમાં ઝોકાં ખાવામાં અમે નિષ્ણાત હતાં. કોઈવાર આયોજકનાં હૃદયમાં રામ વસે અને હાથમાં નાસ્તાનાં પડીકાં પધરાવ્યાં હોય (ઠંડાગાર બટેટાવડાં સ્તો!) એનેય સરકસની બૅલેન્સિંગ એક્ટની જેમ સાચવવાના, ખાવાના.

એ સમયે બધાં શહેરોમાં સભાગૃહ તો ક્યાંથી હોય! ખુલ્લામાં સ્ટેજ નામે એક માંચડો ઊભો કર્યો હોય.

એમાં ક્યારેક ખરી પરીક્ષા થાય. કોઈ ગામમાં આવા કામચલાઉ સ્ટેજ પર પલ્લવીનો શો. પાટિયા જોડી જાજમ પાથરેલી. હું જરા મૂવમૅન્ટ કરું કે ઉંદર ભરાયા હોય એવી ચૂંચા થાય. મારી દોડાદોડીની મૂવમૅન્ટ્સ અને જીવ ચપટીમાં, એયને હમણાં પડી. ક્યારેક અમે ફ્રીઝ મોડમાં, હાલ્યાચાલ્યા વિના જ સંવાદો બોલીએ. પ્રેક્ષકોએ ભાગ્યે જ આવું પ્રોડક્શન જોયું હોય. એમને શું ખબર પડે કાય ગરબડ ઝાલી!

એક વાર પપ્પાના પાત્રમાં નારાયણ રાજગોરને બદલે ડૉ. આર. કે. શાહ હતા. ભારે શરીર. ડગલું ચાલવા જાય કે સો સો ઉંદરનું ચૂંચા. ડરી ગયા. સંવાદમાં ગરબડ. હું સાવચેતીથી ડગલાં ભરતી પાસે ગઈ. એમને સોફામાં બેસાડી દીધા, હું સામે ઊભી રહી અને આખો કોમિક સીન એમ જ ભજવ્યો.

પલ્લવીનો શો કોઈ નાના ગામમાં. મેઇકઅપ મેન તામ્હાણે નહોતા. અમે જાતે જ મેઇકઅપ કરી લીધો. વાળ સફેદ કરવા નારાયણભાઈએ વાળમાં ટેલકોમ પાવડર ખૂબ છાંટ્યો. હું પપ્પાને વહાલ કરવા નારાયણભાઈની પાછળ ઊભી રહી વાળમાં લાડથી હાથ ફેરવું. ત્યાં તો વાળમાંથી ધુમાડો ઊડે એમ પાવડર ઊડવા માંડ્યો. હું તો મારા તાનમાં, થોડીવારમાં નારાયણભાઈના વાળ કાળા અને મોઢું ધોળું ધબ્બ!

બધાં નાટ્યકર્મીઓને અનેક જાતનાં રમૂજી, દુઃખદ અનુભવ તો ક્યારેક છેલ્લી ઘડીએ પ્રોડક્શનમાં પ્રૉબ્લેમ આવતો હોય છે. ગજબની સમયસૂચકતા અને ક્વિક થિંકિંગ ખૂબ જરૂરી હોય છે. એ સમયે નાટ્યકર્મીઓની કુંડળીમાં પરદેશની ટૂરોનાં ગ્રહ નહોતા. ડાયરાઓની જમાવટ પણ નહીં. હજી ગુજરાતનાં નાનાંમોટાં શહેરોમાં હવે જતાં થયેલાં. એક વાર પલ્લવીનો શો કરવા નાગપુર ગયાં હતાં, ત્યારે તો ઓહોહો શું ઉત્સાહ! છેક નાગપુર જવાનું છે!

વિષ્ણુભાઈએ દયારામનાં જીવનકવન પર સુંદર નાટક લખ્યું હતું ‘કવિ દયારામ’. નાટકની તૈયારીની શરૂઆત થતાં જ જબરો વિરોધ થયો. વાત બગડી રહી હતી, પણ પપ્પાએ હિંમતપૂર્વક વિરોધીઓનો સામનો કર્યો, સામા પક્ષને ગળે લેખક અને સંસ્થાની નિષ્ઠા ઉતારી. બહુ લાંબી વાત છે, પણ એકલે હાથે પપ્પાએ નાટકને સંકટમાંથી ઉગાર્યું અને અમે એ જ નાટક ભજવ્યું.

‘કવિ દયારામ‘માં વિષ્ણુભાઈ વ્યાસ સાથે

દયારામનાં ગીતોને સંગીતમાં સુંદર મઢેલા અને તખ્તા પરથી લાઇવ સિંગિંગ. દયારામમાં મારે લાયક મુખ્ય ભૂમિકા તો ક્યાંથી હોય! પણ મેં વિષ્ણુભાઈને કહ્યું, તમે જે ભૂમિકા આપશો તે કરીશ, ઇટ ઇઝ અ ડિસિપ્લીન. આપણે ભાગે જે કામ આવે તે કરવાનું. મેં ગોપીની નાની ભૂમિકા કરી અને અમે ગરબો પણ કર્યો હતો.

છેલ્લા દૃશ્યમાં મીરાંની ઍન્ટ્રી છે. કાળજ કોર્યું તે કોને કહીયે જી રે ગાતાં ગાતાં એ પ્રવેશ કરે. નીના મહેતાને એ એક ગીતની એન્ટ્રી માટે લઈ આવેલા.

નીના રાજેન્દ્ર મહેતા

નીનાબહેન કૉલેજમાં હતાં, સરસ ગાયિકા. પછીથી તેમણે પ્રખ્યાત ગાયક રાજેન્દ્ર મહેતા સાથે લગ્ન કર્યાં હતાં. નીનાબહેન અત્યંત સરળ પ્રકૃત્તિનાં, સફેદ વસ્ત્રોમાં ભાવવિભોર સ્વરે કાળજ કોર્યું ગાતાં પ્રવેશતા ત્યારે સમગ્ર સભાગૃહનો માહોલ બદલાઈ જતો. પ્રેક્ષકો પણ તલ્લીન બની જતા અને અંતે સ્ટેન્ડિંગ ઑવેશન મળતું.

નીનાબહેન સુખી પરિવારનાં પુત્રી. નાટકનો પહેલો જ અનુભવ. નાના ગામમાં થર્ડક્લાસની મુસાફરીની હાડમારી એમણે ક્યારે વેઠી હોય! દયારામનાં ચારપાંચ શો ગુજરાતનાં નાનાં શહેરોમાં કરેલા. શો પછી ફટાફટ ભાગવું, અડધી રાત્રે ગાડીમાં ઘૂસવું, ઝોકાં ખાતાં ઠંડા બટેટાવડાં કે ચવ્વડ પુરી ને તીખું શાક ખાવાના અમારા કાબિલેદાદ પર્ફોર્મન્સને જોઈ હેબતાઈ ગયેલા. પછી એ પણ અમારી ટીમમાં હસતે મોઢે જોડાઈ ગયાં.

નાટકે શીખવ્યો ટીમ સ્પિરિટ અને ગમે તે પરિસ્થિતિમાં હસતે મોઢે ટકી જવાનું ખમીર. અમે સંપીને રહેતા. ન કોઈ નાનું કે મોટું. સાથે કામ કરતી છોકરીઓ જાણે પરિવારની દીકરીઓ. ત્યારે પણ હજી ગણીગાંઠી બહેનો જ નાટકમાં કામ કરવા તૈયાર થતી. જેમાં પૈસા નહીં, પબ્લિસિટી નહીં, રાતવરત એકલા આવવું જવું, બહારગામ પણ જવાનું થાય. કયા માબાપ દીકરીઓને મોકલે? પ્રખ્યાત ફિલ્મ કલાકારો, નિર્માતાઓ વગેરે પણ પુત્રીઓને સ્ક્રીન પર શું સ્ટુડિયોમાં પણ ન આવવા દેતા. ત્યારે નાટક પ્રૉફેશનલ કેરિયર ન હતી.

પણ મને થયું કે કાળ પડખું ફરી રહ્યો છે. છૂટાછવાયાં અવેતન નાટકો થઈ રહ્યાં હતાં પણ એક એવો કડવો અનુભવ થયો કે મને થયું કાળચક્રને કાટ લાગ્યો છે અને એ થંભી તો નથી ગયુંને!

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. Chu cha! એ ખૂબ હસાવ્યા 😃😃 u r locking amazing! રાજેશ્વરી ના પાત્ર ભજવી તમે એ સમયમાં ખૂબ ક્રાંતિકારી નિર્ણય લીધો ગણાય . ભાવપૂર્વક વંદન તમને અને તમારા પિતાશ્ર ને !! 🙏👌👌

  2. નાટકના દ્રશ્યો જ્યારે સાચા બની જાય…..સરસ પ્રસંગ છે કયારેક અભિનય જીવંત હોય છે તો કયારેક જીવન જ અભિનય જેવું.