કયું નાટક કરવાનું છે? (પ્રકરણ : 13) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા
પ્રકરણ : 13
મારા કૉલેજપ્રવેશ સાથે જ મને મુંબઈની પંચરંગી દુનિયાનો પહેલી જ વાર પરિચય થયો.
આજ સુધી ગુજરાતી આબોહવામાં મેં શ્વાસ લીધો હતો. શૈશવનાં વર્ષો માટુંગાના ગુજરાતી પાડોશમાં પછી જામનગર, રાજકોટ, ઘાટકોપર, બધે જ સો ટકા શુદ્ધ ગુજરાતી. મારી નાટ્યસંસ્થા ‘રંગભૂમિ’ અને ‘રંગમંચ’ તો ગુજરાતી જ. બીજી ભાષાના શબ્દો ભાગ્યે કાને પડે.
પણ માટુંગા તો દક્ષિણ ભારતીય લોકોનું હેડક્વાર્ટર્સ. બાજુમાં દાદર. ત્યાં મરાઠીઓનો ગઢ. જરા આગળ જઈએ તો સિંધી અને પંજાબી વસ્તી. પારસી કૉલોની કૉલેજમાં જુદી જુદી ભાષા, પહેરવેશ, તહેવાર અને રીતરિવાજ એ બધાનો મોંમેળાપ થયો. અ ટ્રુપ બૉમ્બે કૅરેક્ટર. હું પણ એમાં હવે સામેલ. અરબી સમુદ્રના ઊછળતા માનવમહેરામણમાં એક બુંદ.
કૉલેજમાં પ્રવેશ કરતાં જ, મારી જાણ બહાર મારી અધીરતાથી પ્રતીક્ષા કરતી રૂઈયા નાટ્યટીમે મને પકડી. આપણે ભવનની નાટ્યસ્પર્ધામાં એકાંકી કરવાના છીએ અને તારી મુખ્ય ભૂમિકા છે. હું તો ઊછળી જ પડી. સાવ અપરિચિત વાતાવરણ અને આ અજાણ્યા વિદ્યાર્થીઓ અને પહેલા જ દિવસે મારી મનગમતી પ્રવૃત્તિનો આવો સામેથી ઉપહાર! આજ સુધી ‘રંગભૂમિ’નાં જાજરમાન સિનિયર કલાકારો સાથે સપોર્ટિંગ ભૂમિકા કરેલી. અહીં પણ વયમાં મારાથી બધા જ સિનિયર હતા અને છતાં મુખ્ય ભૂમિકા. વ્હોટ અ લક! મેં પૂછ્યું : `કયું નાટક કરવાનું છે?’
ગર્વભર્યો જવાબ મળ્યોઃ `‘ઢીંગલીઘર’ ‘ડૉલ્સહાઉસ’નું એકાંકી.’
મેં ભોળાભાવે પૂછ્યું : `કોનું લખેલું છે?’ મને નવાઈ લાગી. આઘાતથી એ લોકો એકમેકને ટગરટગર કેમ જોઈ રહ્યા? મેઘનાદ દેસાઈએ એકાંકી લખેલું. મેઘનાદેની વય લગભગ મારા જેટલી પણ એ અભ્યાસમાં ક્યાંય આગળ. લાઇબ્રેરીનો કીડો. ઇકોનોમિક્સનો ખાં પણ વિશ્વસાહિત્ય, ખાસ તો નાટકોની અથથી ઇતિ જાણે.
એ બધી મને શી ખબર! મારા કમ્ફર્ટ ઝોનની બહાર આ મારું પહેલું જ કદમ. ત્યાં આ ઇબ્સનભાઈને ક્યાંથી ઓળખું! પન્ના મોદી, હરીશ ‘નર્મદ’ ત્રિવેદી, નવીન પારેખ, મેઘનાદ આ મારી ટીમ સાથે હું ભળી ગઈ. પછી એક દિવસ મેઘનાદે ફોડ પાડ્યો કે તેં જ્યારે પૂછ્યું : આ ઇબ્સન કોણ અને ‘ઢીંગલીઘર’ કેવું નાટક છે ત્યારે અમે નિરાશ થઈ ગયાં હતાં. અમને થયું, આ છોકરીને તો કંઈ ખબર જ નથી. એ ત્રણ સંતાનોની માનું કૉમ્પ્લીકેટેડ પાત્ર શી રીતે ભજવી શકશે!
મને યાદ છે મેં મિજાજમાં પૂછ્યું હતું : `તો મને શું કામ સામેથી પસંદ કરી?’
`મોટું આશ્વાસન એ કે તારો ભાવવાહી ચહેરો અને સુંદર આંખો. તારો નાટકનો, તખ્તાનો અનુભવ હતો અને જાજરમાન કલાકારો સાથે કામ કરીને આત્મવિશ્વાસ. અમે ચાન્સ લીધો અને તું અમારી પરફેક્ટ નોરા બની ગઈ.’
સ્ક્રીપ્ટ રીડિંગ શરૂ થયું, ઇબ્સન અને ‘ડૉલ્સહાઉસ’ની ચર્ચા થતી હતી. હું અત્યંત ઉત્સાહિત થઈ ગઈ. અત્યાર સુધી હાથમાં સ્ક્રીપ્ટ મુકાય અને પાત્ર ભજવો પણ અહીં આઇ વોઝ અ પાર્ટ ઓફ અ પ્રોસેસ. મને પહેલી વાર સમજાયું કે ભૂમિકાની પાછળ ભૂમિકા હોય છે અને એ પણ સમજાયું કે અહીં હું ગુણવંતરાય આચાર્યની પુત્રી નહીં, પણ વર્ષા આચાર્ય હતી જેની અભિનેત્રીની સ્વતંત્ર આઇડેન્ટીટી હતી. અજાણતાં જ હું મેચ્યોર થઈ રહી હતી.
અમે તો ‘ઢીંગલીઘર’ ભજવવા થનગની રહ્યાં હતાં, પણ દિગ્દર્શકની ખોટ અને કૉલેજે નાટકનું બજેટ રોકડા સો રૂપિયા આપેલા! આમાં પ્રોડકશનનો ખર્ચ તો અમારા હિસ્સામાં અને ખિસ્સામાં હોય તે. દિગ્દર્શકને આપીએ શું?
મેઘનાદે ફરી 007 જેમ્સ બોન્ડની ખૂફિયા ટૅક્નિકથી શોધ્યું કે અમદાવાદથી એમ.એ. કરવા એક નાટ્યપ્રેમી યુવાન આવ્યો છે, એને રિહર્સલમાં પકડી લાવ્યો, આ છે તારક મહેતા. હું, મેઘનાદ નાગર અને આ ત્રીજો નાગર. પછીથી પ્રસિદ્ધ અને લોકપ્રિય થયેલા તારકભાઈ અમારી ટોળીમાં તરત સામેલ થઈ ગયા. સરસ ટીમ થઈ ગઈ.

વી ઓલ શેર્ડ ધ સેઇમ ડ્રીમ. લક્ષ્યાંક ટ્રોફી જ. ભણવા ગણવાનું બાજુ પર. અમે યુદ્ધધોરણે સ્પર્ધામાં ઝુકાવ્યું. અમને દૃઢ વિશ્વાસ. અમારું નાટક ક્લાસિક છે એટલે અમે જ ટ્રૉફીનાં હક્કદાર. જોકે બધી જ કૉલેજમાં સ્પર્ધાનો આ જ મિજાજ; જાંબાઝ સૈનિકોની જેમ કૉલેજો યુદ્ધના મેદાનમાં ઊતરતી અને તલવારોથી ખરાખરીના ખેલ ખેલતી.
મમ્મી-પપ્પા તો અમારી પ્રવૃત્તિથી ખુશ જ રહેતાં. સવારની કૉલેજ. વહેલા ઊઠી અમે બે બહેનો ભાગ મિલખા ભાગની જેમ સ્ટેશને દોડતી. ફીર વોહી રફતાર. પ્લૅટફૉર્મ પર વિદ્યાર્થીઓની ચિક્કાર ગિરદી. એમાં ઘૂસવાનું. લાંબા બે ચોટલાય સંભાળવા પડતા. કોઈએ ગિરદીમાં કાતર ચલાવેલી. જોકે ત્યારે સેક્સ્યુઅલ હેરેસમૅન્ટ લગભગ ઝીરો હતું.
માટુંગા ધાડા ને ધાડા ઊતરે અને કૉલેજની દોટ. સ્ટેશન પાસે વેણીગજરાની દુકાન. ઘણીવાર ઝટપટ ગજરો લઈ લઉં. શૃંગાર કરવાનો બહુ અભરખો. અગ્યાર વાગ્યા સુધી માંડ લેક્ચર્સમાં ધ્યાન આપું, પછી ‘ઢીંગલીઘર’નાં રિહર્સલ. ભૂખ તો એવી લાગે! કૉલેજ પાસે સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ ‘મણિ’ (આજે પણ છે.)

સાદીસીધી. લાકડાનાં જૂનાં ટેબલ બાંકડા. એ સમયનો ભાવ! બે આનાનો સાદો ઢોંસો, ચાર આનાનો મસાલા. વ્હોટ હેવનલી ટેસ્ટ! બધા સાથે મળી પૈસાનો જોગ કરીએ. પછી બંધ બારણે ચોકીપહેરા નીચે રિહર્સલ્સ. બીજી કૉલેજના જાસૂસો ફરતા હોય, કોઈ વાત બહાર ન જવી જોઈએ. બધે જ આવી તૈયારી.

તોય ખબર નહીં કેમ અમારી માહિતી છેક દીનાબહેન ગાંધી સુધી શી રીતે પણ પહોંચી ગઈ! એ તો ખૂબ નારાજ અને ગુસ્સામાં. સંદેશો મોકલ્યો. કદાચ ઍન્ટ્રી ફૉર્મમાં નામ જોયું હોય.
`છોકરાંઓ ખબરદાર! ઇબ્સન સાથે ચેડા કરવા રહેવા દો. તમારે ઢીંગલીઘર ભજવવાનું નથી.’
બરાબર આ જ શબ્દો. આજેય મને યાદ છે. એમણે ‘ઢીંગલીઘર’માં નોરાનું પાત્ર ભજવેલું. તારકભાઈએ માહિતી આપી, નાટક જેનું પેશન છે એવી દરેક અભિનેત્રીનું સ્વપ્ન નોરાનું પાત્ર ભજવવાનું પણ અમને તો ઓર જોશ ચડ્યું! જુવાનિયાઓ પણ ‘ઢીંગલીઘર’ ભજવી શકે છે.
એ આપણે બતાવી દેવું. વિશ્વમાં સહુથી વધુ વખત ભજવાયેલા નાટકને અમે કેમ ન ભજવી શકીએ? કેસર સાથે અડપલું કરનારનેય મળે છે મદભર સુગંધનો પ્રસાદ જ ને! અમે ઝનૂનથી મચી પડ્યા. હવે તો ‘ઢીંગલીઘર’ જ. નાટકનો અંત અત્યંત નાટ્યાત્મક છે. અંતમાં નોરા ઘર, પતિ, સંતાનોને પણ છોડી ગૃહત્યાગ કરે છે.

આ અંતને બિલ્ડઅપ કરવા નાટકમાં તારકભાઈને મારી પહેલી જ એન્ટ્રી એકદમ ખુશમિજાજમાં કરાવવી હતી જેથી બે દૃશ્યોનો વિરોધાભાસ વધુ મુખરિત બને. હું – નોરા આરંભમાં આનંદમાં સારું ગાતી હતી, પણ તારકભાઈ એક લીટી માટે પણ ચાન્સ લેવા માગતા ન હતા. હું ઈલા કોઠારીને લઈ આવી, એ ઘાટકોપરની રૂઇયાની જ બી.એ.ની વિદ્યાર્થિની. એક જ લીટીનાં પ્લૅબૅક માટે પણ એ હોંશભેર ટીમમાં જોડાઈ. (પછી તારકભાઈ અને ઈલાએ લગ્ન કર્યાં હતાં.)
આખરે ડીડે આવ્યો. ભવનનું સભાગૃહ ઉત્સાહી વિદ્યાર્થીઓથી ભરચક્ક. એક એક સીટ માટે જીવસટોસટનો ખેલ. બહાર પણ ટોળાના ટોળા. ક્વોટા સિસ્ટમ પ્રમાણે કૉલેજોને ટિકિટ મળે. એક જ ટિકિટમાં બધા વારાફરતી નાટકો જુએ. સ્પર્ધાના નિયમો જડબેસલાક. એલીમીનેશન રાઉન્ડમાં ચાલીસેક નાટકો તો સહજ.
અમારા નાટક પહેલાં લૉ કૉલેજનું નાટક. મારો પ્રૉબ્લેમ સાડી. બે નાટક વચ્ચે થોડું જ અંતર. જરા મોડું થાય કે માર્ક્સ કપાય. નાટકનાં રિહર્સલ્સ કર્યા, પણ સાડીની પ્રૅક્ટિસ કરવાનું સૂઝ્યું નહોતું. હું ગભરાતી પાટલીના ગોટા વાળું પણ લૉ કૉલેજ નાટકવાળાં બહેન અનુભવી હતાં. એમણે મને એમનો પેટીકોટ પણ પહેરાવ્યો. બે પેટીકોટથી હું થોડી મોટી લાગું. ફટાફટ સાડી પહેરાવી. પીન અપ કરી દીધી. અમારા ‘દુશ્મન’ છતાં ખેલદિલીથી મદદ કરેલી.
અમારા નાટકનો પડદો ખૂલ્યો. નાટકની હવા બંધાયેલી. ઇલેક્ટ્રિફાઇંગ ઍટમોસ્ફિયર. પીનડ્રોપ સાઇલન્સ. અમે સહુએ ધમાકેદાર ભજવ્યું. અંતના દૃશ્યમાં નોરા એના પતિને જુસ્સાભેર કહે છે, ‘હું પત્ની અને માતા પહેલાં એક સ્ત્રી છું, મારી, મારી જાત પ્રત્યે પણ ફરજ છે, હું તમારી સાથે નહીં રહી શકું એટલું બોલતા હું બૅગ લઈને ઘર, પતિ અને સંતાનોને પણ છોડી ટટ્ટાર સડસડાટ ચાલી જાઉં છું.’
પડદો પડ્યો. એક સ્ત્રી, ભારતીય સ્ત્રી (મારું નામ મીરાં) આમ ઘરબાળકો છોડીને ચાલી જાય! થિયેટરમાં સન્નાટો પછી તાળીઓનાં ગડગડાટની જે ગુંજ ઊઠી! નાચી ઊઠવાનું મન થયું. દીનાબહેન જેવી અભિનેત્રીના શબ્દો અમે ખોટા પાડ્યા. વી ડીડ ઇટ. તારકભાઈના આદેશ અનુસાર અમારી ટીમ એક સાથે બહાર નીકળી અને મુંબઈનાં યુવાવર્ગની તાળીઓની ગુંજનો શિરોટો અમારી પાછળ ખેંચાતો ચાલ્યો.
* * *
ફાઇનલ રાઉન્ડમાં ઉત્કૃષ્ટ નાટકોની હરોળમાં અમારું ‘ઢીંગલીઘર’ પણ. હવે તો ટ્રૉફી જ. મારા માટે આ નાટક એક ચૅલેન્જ હતું. એકાંકી ઘણો અઘરો પ્રકાર છે. ત્રીસ જ મિનિટમાં પહેલાં પતિપ્રેમ, પછી જુદા જુદા ભાવમાંથી પસાર થતાં અંતમાં સ્વમાન જાગૃતિની ક્ષણ અને ગૃહત્યાગ! સતત રિહર્સલ્સ, સપનામાંય ટ્રૉફી દેખાય.

ફાઇનલ રાઉન્ડમાં અમે ડંકો વગાડી દીધો, પણ ટ્રૉફી ન મળી અને મને અભિનયનું ઇનામ પણ નહીં! માત્ર હું જ નહીં, સહુ માટે આઘાતજનક પરિણામ. એ સાંજે ભવનને પગથિયે બેસી હું ધ્રુસકે ધ્રુસકે રડી છું! જોકે મનમાં ઊંડે ઊંડે અંદેશો હતો જ પરિણામનો. પણ આટલો ઉઘાડો અન્યાય!

ફાઇનલ રાઉન્ડનાં નિર્ણાયક હતા સ્વયં દીનાબહેન અને ચં. ચી. મહેતા. પછી શું થાય!
ચં. ચી.એ અમને કૉફીશૉપમાં ટી પાર્ટી આપી અને જાતે જ કહ્યું : બચ્ચાંઓ ટ્રૉફી તમારી જ હતી અને વર્ષાનું પ્રથમ ઇનામ. વ્હોટ અ પર્ફોર્મન્સ! પણ સૉરી, દીનાબહેન પાસે મારું ન ચાલ્યું.
વર્ષો પછી એક બપોરે અચાનક દીનાબહેન મારે ઘરે આવ્યાં હતાં. નિરાંતે લાંબો સમય વાતો કરી (મારે ત્યાં પેઇન્ટિંગ થતું હતું અને સામાનનાં ઢગલામાં અમે). દીનાબહેન કહે, ઉઘરાણી કરવા આવી છું.
મારી પાસે? હું નવાઈ પામી ગઈ. હા, અમારા ગુરુજીની દીકરી પાસે ‘અલ્લાબેલી’ જેવું જોમદાર સ્ત્રીપાત્ર જેવું નાટક આપ. મેં કહ્યું, કોશિષ કરીશ. આ તો શુભ અવસર કહેવાય. જોકે પછી એ ફિલ્મોમાં વ્યસ્ત થઈ ગયાં. બે કલાક અમે જાતભાતની વાતો કરી. ‘ઢીંગલીઘર’ની કોઈ સ્મૃતિ નહીં, અમને બંનેને. પછી માધવીનાં લગ્નમાં પણ આવ્યાં હતાં.
અનેક વહાણાં વાયાં. અચાનક જયશંકર સુંદરીની આત્મકથામાંથી મને દીનાબહેને 1947માં ‘ઢીંગલીઘર’ ભજવ્યું હતું તેનું પગેરું મળ્યું. સુંદરીએ દીનાબહેનને નોરાની ભૂમિકામાં જોયા અને કબૂલ કરે છે કે, ‘મત્સરદૃષ્ટિથી દીનાબહેનને જોતો હતો’ કારણ કે એ જ પાત્ર ભજવવાની એમની પોતાની ઇચ્છા અધૂરી રહી ગઈ હતી. પછી નિખાલસતાથી લખે છે, ‘જેમ નાટક આગળ ચાલ્યું તેમ મારા પર અસર થવા લાગી અને અંતિમ દૃશ્યમાં ગૃહત્યાગ વખતે દીનાબહેનનો અભિનય અવિસ્મરણીય રહ્યો.’
તો પણ દીનાબહેને સુંદરીને અભિયનમાં હજી કંઈ ઊણપ હોય તો સુધારી આપવા વિનંતી કરી. સુંદરી અમદાવાદ રોકાઈ ગયા, દીનાબહેનને વાચિકની ફરી તાલીમ આપી, લાગણીઓનાં ચડાવઉતાર પર કામ કર્યું, પછી ‘તેની ભજવણી અસરકારક’ બની.
બંને કલાકારની કેવી નિખાલસતા!
અમે તો નવા નવા નિશાળિયા હતા તોય સરસ નાટક બનાવી શક્યા હતા, ત્યારે એક વાત સમજાઈ, પોતાના ગમતા પાત્ર માટે કલાકારો ખૂબ પઝેસિવ થઈ જાય છે. એટલે અમને ટ્રૉફી કે મને ઇનામ નહીં મળ્યા હોય.
મારું પ્રિય નાટક ‘ઝેર તો પીધાં જાણી જાણી’માં હું રોહિણી. હું પણ અત્યંત પઝેસિવ હતી. બીમાર થઈ ત્યારે થોડા શો ચિત્રાએ કરેલા ત્યારે હું રડી પડેલી. ઍક્ઝેટલી આ જ પઝેસિવનેસ મને પણ થઈ હતી. મારા મનથી ફાંસ નીકળી ગઈ, મનોમન દીનાબહેનની માફી માગી.
* * *
આજે પાછળ ફરીને જોઉં છું ત્યારે સમજાય છે, સોળ-સત્તરની અબુધ કુમળીવયે ‘ઢીંગલીઘર’ મારું પ્રથમ મુખ્ય ભૂમિકાવાળું ઉત્તમ નાટક હતું. વર્ષો પછી હું લખતી થઈ ત્યારે ફૅમિનિઝમનો પરિચય થયો. સ્ત્રીનાં જીવનની અનેક દૃશ્યઅદૃશ્ય પીડા જાણી, સાક્ષી પણ બની. બે મહિલા સામયિકનાં તંત્રી તરીકે એવી સ્ત્રીઓનાં સંપર્કમાં આવી અને ત્યારે તો પત્રયુગનો મધ્યાહન તપતો હતો! એ વિશે નવલકથાઓ, નવલિકાઓ લખી ત્યારે થયું વર્ષો પહેલાં જે નોરામાં મે પરકાયાપ્રવેશ કર્યો હતો. એનો એક અંશ મારામાં રહી ગયો હતો.
ધર્મ પણ સ્ત્રીનાં નિસર્ગદત્ત અધિકારો પર તરાપ મારે છે એ નિરુપતી મારી નવલકથા ‘શગ રે સંકોરું’ની નાયિકા વાસંતીનાં જીવનમાં પણ નોરા જેવી ક્ષણ આવીને ઊભી રહે છે ત્યારે એ પોતે ગૃહત્યાગ નથી કરતી પણ પતિને ઘર છોડી જવા કહે છે; આ ઘરને મેં ઘરપણું આપ્યું છે, મારું ઘર છે. તમે જાઓ. બસ્સો વર્ષ પહેલાં નોરાએ ગૃહત્યાગ કર્યો હતો, હવે સમય એક ડગલું આગળ હતો.
પણ બસ્સો વર્ષ પહેલાં આવું વિચારી શકવા માટે પણ ઇબ્સનને સલામ કરવી જ પડે. 1879માં નૉર્વેના લેખક હેન્રીક ઇબ્સને લખેલું ‘ડૉલ્સહાઉસ’ કોપનહેગનના રોયલ થિયેટરમાં ભજવાયું હતું. પહેલાં તો નોરા બનતી અભિનેત્રીએ ઘર છોડવાની ઘસીને ના જ પાડી હતી. હું મારી જિંદગીમાં આવું કદી ન કરું અને પ્રેક્ષકો પણ આ અંતનો અસ્વીકાર જ કરશે.
ઇબ્સને મન મારી સુખદ અંત લખ્યો તો અઢારમી સદીનાં રૂઢિચુસ્ત પ્રેક્ષકોએ જ અંત નકાર્યો. ફરી ઇબ્સને ધારદાર સંવાદો સાથે ગૃહત્યાગનો અંત લખ્યો અને એકી અવાજે એ અંત સહુએ વધાવી લીધો. આજે પણ દુનિયામાં ક્યાંક ને ક્યાંક કેટલીયે ભાષામાં આ નાટક સતત ભજવાય છે.
એમ કહેવાય છે. નોરાએ ઘરનો દરવાજો ધડામ્ બંધ કર્યો એના પડઘા આખા વિશ્વમાં પડ્યા. પછી બીજાં ઘણાં નાટકો મેં મુખ્ય ભૂમિકામાં ભજવ્યા પણ ‘ડૉલ્સહાઉસ’ રીમેન્સ સ્પેશ્યલ. એ નાટકે મને નાની વયે આત્મસન્માનની શીખ આપી, કલાકાર તરીકે મેચ્યોર થઈ વિશ્વની બારી ખોલી મેં પ્રથમવાર વિશ્વદર્શન કર્યું. નાટકમાં ભૂમિકાપ્રવેશ સાથે પાત્રોનાં મનોજગતમાં પણ પ્રવેશ કરવો પડે છે, કલાનું આ પરમ સત્ય હું લખતી થઈ ત્યારે પાત્રસર્જનમાં પણ વહારે આવ્યું.
હું જાણે પારિજાતનાં વૃક્ષ નીચે સહજ ઊભી હતી અને ધીમે ધીમે ખરતાં સુગંધી પુષ્પોથી મારો પાલવ ભરાઈ ગયો હતો. એની નાનકડી કોમળ દાંડીમાં અગ્નિની કેવી ઝાળ હતી!
નાની વયે નોબલ શાંતિ પારિતોષિક પ્રાપ્ત કરનાર મલાલાએ યુએનએમાં પ્રવચનમાં કહ્યું હતું, ‘એક માતા, એક શિક્ષક, એક પુસ્તક અને એક કલમ સમાજમાં પરિવર્તન લાવી શકે છે.’ સો ટ્રુ!
* * *
જાણે આ આખો સમયગાળો જ નવાં નવાં જીવનમાં ઉમદા પાઠ ભણવાનો હતો!
કૉલેજનાં ફર્સ્ટ યરનાં થોડા મહિનાઓમાં વર્ગની ગુજરાતી વિદ્યાર્થિનીઓ સાથે પરિચય થતો ગયો. મારી આગળની જ બૅન્ચ પર બેસતી માટુંગાની એક વિદ્યાર્થિની સાથે થોડો વધુ પરિચય થયો અને હું એને ઓળખી ગઈ. એ સાંજે ઘરે જતાં જ મેં પપ્પા પાસે રોષમાં રાવ ખાધી.
એ વિદ્યાર્થિની બીજી કોઈ નહીં ને મારા ભૂતાનિવાસનાં પાડોશીની જ દીકરી જેની માએ અમારું ઘર છીનવી લીધું હતું. વિધિનીયે કેવી અવળચંડાઈ! મારી દુઃખતી રગને જ દબાવી હતી. હું ખૂબ લડી લેવાનાં મૂડમાં હતી. જરાયે અકળાયા વિના પપ્પાએ પાસે બેસાડી મને સમજાવી કે એવું કશું કરાય નહીં. એ સમય જ એવો હતો! એ સમયે એમને જે સૂઝ્યું તે કર્યું. વિભાજનની આંધીમાં અસંખ્ય લોકોએ શું શું ગુમાવ્યું અને શી શી વીતી છે! આપણું તો એક ઘર જ ગયું ને! ભૂલેચૂકેય એની સાથે આ વાતનો ઇશારોય નહીં કરતી.
પપ્પાની વાત ગળે નહોતી ઊતરતી તો પણ દૂરથી સ્મિતનો સંબંધ રાખ્યો અને એ વાત કદી એની પાસે ઉચ્ચારી નહીં. એ વચન મેં આજીવન પાળ્યું.
* * *
કૉલેજ, રિહર્સલ્સ અને લોકલ ટ્રેનની સફર, મારો પગ ઘરમાં ભાગ્યે જ હોય.
હું રોજ ‘ઢીંગલીઘર’નાં બણગાં ઘરમાં ફૂંકતી હતી અને ખાલી હાથે ઘરે પાછી ફરી હતી. હું રડતી હતી. પપ્પા કહે, હરીફાઈમાં તો આવું થયા કરે. આઘુંપાછું થાય. કોઈ કામની હારજીત નહીં ધ્યાનમાં લેવાની પણ એ કામ કરતાં કેટલો આનંદ આવ્યો હતો. તેનો એ વિચાર કર. મૂળ વાત એ.
ક્યારેક સહજપણે કહેલી વાત કેવો જીવનભરનો સધિયારો બંધાવે છે!
રોષનો તિખારો તો મનને છાણે ખૂણે રહ્યો હતો, પણ કૉલેજમાં અમારી નાટ્યટીમની છાક પડવા લાગી હતી. ‘ઢીંગલીઘર’ની વાતો સાંભળી બીજા વિદ્યાર્થીઓ અમારી ટીમમાં ભળવા પ્રયત્ન કરતા પણ અમારી કિલ્લેબંધી!
ફરી એ જ સ્પર્ધા માટે મેઘનાદ નવીન બીજું ક્લાસિક પ્લૅ તૈયાર કરી રહ્યા હતા. વીસની સદીનાં મહાન નાટ્યલેખકોમાં જેની ગણના થાય છે તે ટેનીસી વિલિયમ્સનું ‘ગ્લાસમેનેજરી’ અદ્ભુત નાટક. એમાં માનસિક રીતે ભાંગી પડેલી યુવતીનું પાત્ર મારે ભજવવાનું હતું. પાત્રમાં ઘણાં શેડ્સ હતા અને એકાંકીની અવધિ તો ત્રીસ જ મિનિટ! પાક્કી ત્રીસ મિનિટ જ. એ યુવતીને પગે ખોડ છે. આજ સુધી કોઈ યુવાને તેનામાં રસ લીધો નથી. 1944માં આ નાટક સફળતાને વર્યું હતું.
તારકભાઈ હવે વ્યસ્ત થઈ ગયા હતા. એ સમયના જાણીતા દિગ્દર્શક રમેશ જમીનદારે હાથમાં દોર લઈ લીધો. એ પણ વિશ્વનાં ઉત્તમ નાટકોનાં અભ્યાસુ મને લોરાના પાત્રની ઘડીઓ એક પછી એક ખોલતા જઈ સમજાવેલું. હું કૉલેજમાં છેલ્લી બૅન્ચે બેસી, સંવાદો પરનું નક્શીકામ કાગળ પર કરું, મેં એ કાગળો જમીનદારને બતાવ્યા. મને એમ કે ખુશ થઈ પીઠ થાબડશે ત્યાં તો કાગળનાં લીરેલીરા. સાદી શિખામણ ગાંઠે બંધાવી. ઓલ્વેઝ ગો ફોર નેચરલ એન્ડ રો ફીલિંગ્સ. હૃદય કહે તેમ કર.
કેવું સોનેરી સૂત્ર! નાટકમાં, લેખનમાં અને જીવનમાં પણ એ મારો ધ્રુવમંત્ર બની રહ્યો. સમય વીતી ગયો. રજનીશને વાંચતા મહેન્દ્ર એક દિવસ મને કહે, રજનીશ કહે છે, જસ્ટ બી. બે જ શબ્દો અને અનેક ગ્રંથોનો સાર છે ને આ! મને જમીનદારની વાત યાદ આવી ગઈ.
* * *
‘રંગમંચ’માં એકાંકીઓ સાથે હવે અમે ફૂલ લેન્થ નાટક પણ ભજવતા હતા અને ‘રંગભૂમિ’ તો મારી જ. જે પાત્ર સોંપે તે ભજવવાનું.
1957 એ 1857ની ક્રાંતિનું શતાબ્દી વર્ષ. બૃહદ મુંબઈની પ્રતિષ્ઠિત નાટ્યસ્પર્ધામાં રંગભૂમિએ પપ્પાનું ‘અલ્લાબેલી’ ભજવવાનું નક્કી કર્યું. એ નાટકમાં દ્વારકાના વાઘેરોએ અંગ્રેજો સામે તલવારો ઉઠાવી, ખુમારીથી શહીદી વહોરી તે ઉજ્જ્વળ પ્રકરણની સત્યઘટના હતી.
મૂળ તો એ નાટક સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે લોકચેતના જાગૃત કરવા લોકનાટ્યસંઘે પપ્પા પાસે ટહેલ નાખી 1942-43માં લખાવેલું. પપ્પાનું એ પહેલું જ નાટક. પપ્પાની જોશીલી કલમનાં ચાહક નાટ્યવર્ય જશવંત ઠાકર જામનગર અમારે ઘરે રહ્યા હતા. પપ્પા લખતા જાય અને આર્મી પ્લૅનમાં પાના મુંબઈ જાય.
‘ઇપ્ટા’એ આ નાટકના ઘણા શો કર્યા હતા, જેમાં બલરાજ સહાનીએ જાનદાર અભિનય કર્યો હતો એમ પ્રતાપભાઈએ અમને કહેલું. ‘અલ્લાબેલી’ની જુસ્સાભેરની એકોક્તિઓથી તો વર્ષો સુધી નાટ્યવર્ગોમાં વિષ્ણુભાઈ તાલીમ આપતા. કલકત્તામાં પણ એના શો થયા હતા એના ફોટા બાના આલ્બમમાં જોયેલા. બ્રિટિશરોની કરડી નજર પડી ત્યારે દીનાબહેને ગાડામાં ઘાસ નીચે છૂપાઈ ગામડાંઓને ચોરે ભજવેલું, એની રૂંવાડાં ખડી કરી દેતી વાતો દીનાબહેને મને કરી હતી.
‘રંગભૂમિ’ની બે જાજરમાન અભિનેત્રીઓ, લીલા જરીવાલા અને ચંદ્રિકા લાલુ શાહ. બંનેને વારાફરતી મુખ્ય ભૂમિકા મળે એવી ‘રંગભૂમિ’માં પ્રથા. ‘અલ્લાબેલી’ની દેવબાઈની ભૂમિકા માટે આ વખતે બંને દાવેદાર. આવું નાટક અને આવી ભૂમિકા ક્યારેક જ સાંપડે. મિટિંગો થઈ અને સંસ્થાએ લીલાબહેનનો દાવો માન્ય રાખ્યો. ચંદ્રિકાબહેન અને લાલુભાઈએ ‘રંગભૂમિ’નો સાથ છોડ્યો અને સંસ્થા છોડી, પોતાની જ નાટ્યસંસ્થા સ્થાપી. પણ બંને પક્ષે ખાનદાની એવી કે આજીવન મિત્રતા રહી. વર્ષોનાં સંબંધની ગરિમા જળવાઈ રહી.
આ બધી મને શી ખબર! પપ્પા કહે, તારે ‘અલ્લાબેલી’માં શામબાઈની ભૂમિકા કરવાની છે, એનાં ત્રણચાર જ ગણીને દૃશ્યો પણ સંવાદો તાતી તલવાર જેવા. હું એટલી રાજી! એક તો પપ્પાનું જ લખેલું, આવો ભાતીગળ ઇતિહાસ ધરાવતું નાટક. સામાજિક ઢાંચાથી અલગ જ. વાઘેરકોમનાં વસ્ત્રો, મીંડલા બાંધી કરી હેરસ્ટાઇલ. બૃહદ મુંબઈ નાટ્યસ્પર્ધામાં અનેક ખેરખાંઓ સામે સ્પર્ધામાં ઊતરવાનું, 17 વર્ષની ઉંમરે પહેલી જ વાર હું ઓપનએરમાં વિશાળ પ્રેક્ષકગણ સામે. પ્રતાપભાઈ, લીલાબહેન, વિષ્ણુભાઈ, સુમંત વ્યાસ અને અન્ય ઉત્કૃષ્ટ અભિનેતાઓની સાથે ભજવવાનું. આ જ કલાકારો સાથે ‘સુમંગલા’ ભજવેલું શિવકુમાર જોષીનું, પણ આ નાટક, આ સ્પર્ધા એની વાત જ અલગ!

એક સુયોગ જ, પણ પછી એવો અવસર કદી ન મળ્યો એટલે એ નાટક મારા માટે વિશેષ. જ્યારે પપ્પાએ મને એ ભૂમિકા કરવા કહ્યું હતું ત્યારે અમારા ઘાટકોપરનાં નાના ઘરમાં હું ફૂદરડી ફરતી રહી હતી.
ફરી મારી સફર શરૂ થઈ. વો હી દાસ્તાન. સવારે ઘરેથી દોડતાં સ્ટેશને. કૉલેજ. પછી માટુંગાથી દાદર. પછી દાદરનો લાં…બો પુલ વટાવી ફરી ટ્રેન. ગ્રાંટરોડ ઊતરી દડમજલ કરતાં ઓપેરાહાઉસ દેવધર હૉલ. રિહર્સલ્સ પછી પુલોની ચડઊતર, બબ્બે વાર લોકલ અને સ્ટેશનથી ઘર સુધીનો કદી ન ખૂટતો રસ્તો. વહેલી સવારે નીકળું તે છેક રાત્રે ઘરમાં પગ મૂકું.
બટ નો કમ્પ્લેન્સ. બધું જ વસૂલ. આખરે એ દિવસ આવ્યો. રંગઉપવન ઓપનઍર થિયેટર્સમાં ભરચક્ક પ્રેક્ષકો સામે મુંબઈ-ગુજરાતનાં અનેક ભવ્ય નાટકો સાથે ‘અલ્લાબેલી’ અમે ભજવ્યું. 1857નો સ્પિરિટ, જોશીલા સંવાદો – પ્રેક્ષકોમાં વીજળીની લહેર દોડી ગઈ. સમય પણ એનું કામણ કરતો હોય છે.
મુંબઈ ગુજરાતના એક એકથી ચડિયાતા અદાકારો વચ્ચે મને બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનું પારિતોષિક જાહેર થયું ત્યારે હું રડી પડેલી અને મને પપ્પાએ મારી વસુ કહેતા બાથમાં લઈ લીધેલી.
સ્મૃતિ મંજૂષાનું એ ઉજ્જ્વળ કિરણ આજે પણ મારી સ્મૃતિને અજવાળે છે અને અમે પિતાપુત્રી-લેખકકલાકાર – તખ્તા પર છીએ. મેં પપ્પાને બાથ ભરી છે. આ ગ્લોરિયસ મોમેન્ટનો મેમરી ક્લીક ફોટોગ્રાફ મેં સાચવ્યો છે. આ લખતાં હું ફરી લાગણીવશ થઈ જાઉં છું.
એ વખતે હું મારા આનંદમાં ઘેલી હતી, પણ આજે થાય છે પપ્પાને ત્યારે કેવી લાગણી થઈ હશે!
આફરીન!!! ખૂબ ખૂબ સુંદર આલેખન, “just be ‘સોનેરી સૂત્ર , u r looking beautiful mem!
જયશ્રી બેન તમરા જીવનની શરુઆતના નાટયકળાના અનુભવો વાંચી ને મને તમારા અંદરની ધગશ જે હતી એક સારી નાટય અભિનેત્રી બનવાની તેના માટે મને બહુજ માન થાય છે.
બહુ જ સરસ આલેખન.. હૃદયથી નીકળી હૃદયમાં પહોંચે છળ. દસ્તાવેજી કરણ થતું જાય છે એ વિશેષ લાભ. ..
લાજવાબ
વર્ષાબેનના નાટક અંગેના સંસ્મરણો એટલા સરસ આલેખાયા છે કે આપણે પણ એ પાત્ર સાથે એકરૂપ થઈ વર્ષાબેન જેવી જ માનસિક ભૂમિકામાં સરી જઇએ છીએ.