મનોભૂમિનું તામ્રપત્ર (લેખ) ~ મારા દાદા : ખમીરવંતા સ્વાતંત્ર્યસેનાની મનુભાઈ જોધાણી ~ ગીની માલવિયા
કાઠિયાવાડી ધરતીને પોતાની આગવી ઓળખ છે. શૌર્ય, દિલાવરી અને સંસ્કારની સોડમથી મઘમઘતી આ ધરતી પર હજીય કોઈ કોઈ ગામના પાદરે પાળિયાઓ, ખાંભીઓ, પંજાઓ અને દહેરીઓનાં દર્શન થાય છે. કેટલાંય નર-નારીઓની શૌર્યકથાઓની મૂંગી સાક્ષી પૂરતાં આ સ્મારકો પાસે કંઈ કેટલીય વીરગાથાઓ ધરબાઈને પડી છે.
કેટલીય યશોગાથા વડીલો અને પૂર્વજો દ્વારા વારસાની જેમ પેઢી દર પેઢી ઊતરતી રહી છે. જે કુટુંબીજનોના મનમંદિરમાં દીવાની શગ જેમ પ્રજ્વલિત રહે છે. આવી જ પ્રજ્વલતી રહેલી નાનકડી દીપશીખાની વાત માંડવાની છે – એક કાઠિયાવાડી ધીંગી ધરાના ખમીરવંતા સ્વાતંત્ર્યસેનાનીની.
ઉતાવળી નદીના કિનારે ભૂખરા ગઢથી શોભતું બરવાળા ગામ. આ ગામના ગઢની પાસે નદી કિનારે કાપડ રંગવાનાં કુંડો અને પાણી ઊકળતા ચૂલાની લાંબી હાર ગોઠવાયેલી રહેતી. રંગકામનાં વ્યવસાયમાં સંકળાયેલા એક મધ્યમ વર્ગના સંસ્કારી અને ધાર્મિક કુટુંબમાં 28-10-1902માં મનુભાઈ જોધાણીનો જન્મ થાય છે, બસ આ પ્રજ્વલિત દીપશીખાનો પ્રકાશપુંજ.
ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ સાથે હૈયામાં મજીઠના રંગ સાથે ધરતીની ધૂળનો પણ રંગ ચડતો ગયો. ભૂમિ સાથેનો રંગ પણ પાકો ચડતો ગયો, જેમ પારિવારિક વ્યવસાયનાં કાપડ પર ચડતા પાક રંગની જેમ. લીંબડી હાઈસ્કૂલમાં શિક્ષણ પૂરું કરી શિક્ષકની કારકિર્દી શરૂ કરતા આ શિક્ષક રાષ્ટ્રીય રંગે પણ રંગાયેલા હતા.
શિક્ષણ સાથે સેવાની પણ લગની, એટલે સમાજસેવાનો રંગ પણ આવતો રહ્યો જુદાં જુદાં માધ્યમો થકી. જેમકે જૈન પાઠશાળાના મંત્રી કે લાઇબ્રેરીના સક્રિય કાર્યકર અને ત્યાં હાકલ પડી મહાત્મા ગાંધીજીની અસહકાર ચળવળની. શાળા, કૉલેજો અને સરકારી નોકરીઓ છોડવાનો આદેશ અપાયો, જેના થકી મનુભાઈમાં રહેલો વતનપ્રેમ વિસ્તરીને દેશપ્રેમમાં પલટાયો.
નોકરી છોડવાના મનુભાઈના નિર્ણયને માતા-પિતાએ પણ આનંદથી વધાવ્યો. માતા-પિતાના કેટલા ઉત્તમ આદર્શ? નોકરી છોડીને મનુભાઈ ધોલેરા સંગ્રામમાં જોડાયા.

સ્વ. અમૃતલાલ શેઠની આગેવાની હેઠળ ચાલતા આ સંગ્રામના મુખ્ય કાર્યકરની જવાબદારી પણ ઉત્સાહથી ઉપાડી લીધી. લોહીમાં વહેતી સાહિત્યપ્રીતિને કારણે હસ્તલિખિત ચોપાનિયાં પણ પ્રગટ કરતા અને તે દ્વારા લોકસંપર્ક વધારતા રહેતા. આ લડત દરમ્યાન આઝાદી મેળવવાના જોશમાં સાહિત્યનો પરિચય પણ ગાઢો થયો કે એમની કલમે નોંધપાત્ર સાહિત્યસર્જન કર્યાં.
મહાત્મા ગાંધીની દેશવ્યાપી મીઠાના સત્યાગ્રહમાં જોડાવાનો સૂર ગામડે ગામડે પહોંચ્યો હતો. તેના સહકારમાં મનુભાઈને બરવાળા ગામમાં સૈનિકો માટે છાવણી શરૂ કરવાની ભલામણ કરવામાં આવી. હજી તો છાવણી શરૂઆતનાં મંડાણ થાય એ પહેલાં તો વહેલી સવારના પાંચ સૈનિકોની ટુકડી ત્રિરંગા સાથે મનુભાઈના આંગણે આવીને ઊભી રહી. મનુભાઈના માતા જડાવ માએ સહુની ભોજન અને ઉપાશ્રયમાં રહેવાની વ્યવસ્થા કરી.
આમ જોતાં બરવાળાના સત્યાગ્રહનાં મંડાણ મનુભાઈના ઘરેથી જ થયાં. પછી તો ગામેગામથી આવતા સૈનિકોની સરભરા કરવા મનુભાઈનું કુટુંબ હંમેશાં ખુમારીપૂર્વક તૈયાર રહેતું. ધોલેરા મીઠાના સત્યાગ્રહના સરદાર પણ મનુભાઈ જ હતા – એ કહેવું જરૂરી છે હવે?
બરવાળા છાવણીની સરદારી હેઠળ મનુભાઈએ મીઠા-લડત આપવાની એક તારીખ નક્કી કરી અને આગલી રાતે એક ભાષણ આપ્યું. ભાષણ પછી તરત જ એમની ધરપકડ કરવામાં આવી. પણ બરવાળાની ખમીરવંતી હિંમતવાળી પ્રજાએ અને સૈનિકોએ એમના સરદાર વગર પણ લડત આપી.
માતાપિતાને ફક્ત આ એક દીકરો નહિ, પણ જે માત્ર 16 વરસની કુમળી વયનો વચલો દીકરો નાનુભાઈ પણ સ્વાતંત્ર્યસંગ્રામની લડતમાં ધરપકડ વહોરી જેલમાં ગયો. માતાપિતા અને ઘરનાં સર્વેએ બન્ને ભાઈઓને હસતા મોઢે વિદાય આપેલી. આ કુટુંબના ઉચ્ચતમ સંસ્કાર નહિ તો બીજું શું?
આ ધરપકડ પછી મનુભાઈને સાબરમતી જેલમાં છ માસની સજા થયેલી, જયાં તેઓ દવાખાનામાં કામ કરતા હતા. જેલમાંથી રહીને અન્ય સમરસ લોકો સાથે ખભેખભા મેળવ્યા, જેથી આઝાદીનાં સપનાંનો રંગ ઘેરો અને ઘેરો થયો.
મૂર્ધન્ય ઉમાશંકર જોશી જેવા સાહિત્યકારો સાથે જેલવાસ કપરો ના રહ્યો. જેલમુક્તિ પછી સક્રિયતા લેશમાત્ર ઘટી નહોતી. ૧૯૩૨માં કરાંચીમાં કૉંગ્રેસનું અધિવેશન ભરાયું હતું, ત્યારે આખાંય ધંધુકા તાલુકાના ડેલીગેટ તરીકે મનુભાઈની સર્વાનુમતે વરણી થઈ હતી. મનુભાઈને ગાંધીજીના રહસ્યમંત્રી મહાદેવભાઈ સાથે સારી ઘરવટ, અને આ ઘરવટ સાથે સાબરમતી આશ્રમમાં શું થાય છે, એ જાણવાની કુતૂહલવૃત્તિ ભળી. વળી ગાંધીજીના વિચારોએ પણ એમને ખાસ્સા પ્રભાવિત કર્યા હતા. અને એમાંય ગાંધીજીને મળવાની તો અદમ્ય ઇચ્છા પહેલેથી જ હતી. ગાંધીજીને એક મુલાકાતે જ મનુભાઇના જીવનપંથનો નકશો ચીતરી આપ્યો.
સ્વતંત્રતા, બંધુતા અને સમાનતાનો એક એવો કાયમી સંદેશો આપી દીધો કે મનુભાઈ આખી જિંદગી એ ગાંધી-ચીંધ્યાં રસ્તે જ ચાલ્યા. ગાંધીજીની ચાવીરૂપ વિચારસરણીમાં મહિલા-વિકાસ એક ઉદ્દેશ હતો. મનુભાઈએ એમની સાહિત્યપ્રીતિને ગાંધીજીના સિદ્ધાંતોની મશાલમાં પલટાવી અને પ્રગટાવી. તેમની કલમમાં સંવેદન હતું, રૂઢિચુસ્ત સમાજ પર મર્મવેધી પ્રહારો કરવાની નૈતિક હિમ્મત હતી.
તેમનું શરૂ કરેલું ‘સ્ત્રીજીવન’ માસિક તેમનો પ્રાણાધાર હતો. સુઘડ, સંસ્કારી અને સુવાચ્ય વાંચન-સામગ્રી પ્રગટ કરતા માસિકનું મનુભાઈએ ના ફક્ત તંત્રીપદ સંભાળેલું, પણ ભેખ લીધેલા સાધુની જેમ જીવનપર્યંત જતન કર્યું હતું. તે દૃઢપણે માનતા કે સ્ત્રીઓનું સન્માન સમસ્ત પ્રજાજીવનનું સન્માન છે, માતાનું ગૌરવ ભાવિ પેઢીનું ગૌરવ છે. આ ભક્તિભાવ થકી સ્ત્રીજીવન માસિકનાં લાલનપાલનમાં તેમની કૃતાર્થતા જીવનપર્યંત રહી.
કિશોરસાહિત્યમાં તેમણે પ્રસિદ્ધ કરેલાં ઘરઆંગણાંનાં અને વનવગડાંનાં વનસ્પતિ અને પશુપંખીનાં વિષયનાં પુસ્તકો નોંધપાત્ર છે. ગ્રામ્યજીવનનાં ધબકાર સમાં પાત્રોનું સુરેખ પાત્રાલેખન તેમની સરળ અને રસાળ શૈલીમાં ‘જનપદ’ પુસ્તક શ્રેણીમાં સચવાયું છે. આ ઉપરાંત સોરઠી શૌર્યને ઉજાગર કરતાં કેટલાંય પુસ્તકો. તેમના જીવનનાં પંચોતેરમાં જન્મદિવસે કેટલાંક લેખક મિત્રોએ તેમનો અમૃત મહોત્સવ ઊજવવાનું નક્કી કર્યું. નિખાલસ, નિર્ભેળ, અકિંચન આ અલગારીએ તેમનું મીઠું અને મર્માળુ હાસ્ય કરતાં કહ્યું કે: માન અકરામની ધખના હોત તો આઝાદી પછી સરકાર તરફથી સ્વાતંત્ર્ય સૈનિકોને મળતાં પેન્શન અને તામ્રપત્ર સ્વીકાર્યું હોતને?
પેન્શન અને તામ્રપત્રનો અસ્વીકાર કરનાર આ નિઃસ્પૃહી સ્વતંત્ર સેનાનીએ આખી જિંદગી પરદા પાછળ રહેલા અનામી સૈનિકની જેમ જીવન ન્યોછાવરીની પ્રતીતિ આપી છે, કુટુંબને અને સમાજને. આ અકિંચન લડવૈયા મનુભાઈને યાદ કરતાં કાઠિયાવાડને પાદરે ઊભેલા પાળિયાઓ, ખાંભીઓ યાદ આવે છે, જે કોતરાયેલા પથ્થરો નથી પણ કેટલીય યશોગાથા ધરબીને સિંદૂરથી રંગાયેલા, ધરતીની ધૂળથી ખરડાતાં, સ્વતંત્ર ભારતના ઊગતાં-આથમતાં સૂરજનાં કિરણોમાં દૈદીપ્યમાન થતાં આજેય અડીખમ ઊભા છે.
પૂર્વજોની યશોગાથા જેમ પેઢી દર પેઢી કહેવાતી સચવાતી રહે છે. આ યશોગાથા ગ્રંથસ્થ નહિ પણ મનસ્થ અને હૃદયસ્થ એટલે થઈ છે કે હું ગીની માલવિયા આ ખાંભીના ઝાંખાં થતાં જતાં રંગ જેવા આ સ્વાતંત્ર્ય સેનાની મનુભાઈ જોધાણીની પૌત્રી છું. ભલેને ના સ્વીકારાયેલું તામ્રપત્ર કદીય ઘરમાં જોયું નથી, પણ દાદાનાં ‘સ્ત્રીજીવન’ના સ્મૃતિગ્રંથમાં મારા સ્વાતંત્ર્ય સેનાની દાદાની વીરગાથા છે.
ઘરમાં રહેલાં તેમનાં અનેક પુસ્તકોમાં એક લેખક, વિચારક, સંશોધક, સમાજસેવક, આજીવન સાહિત્યના ઉપાસક અને અકિંચન સ્વાતંત્ર્ય સેનાની પ્રિય મનુભાઈ જોધાણી આજેય હયાત છે.
જેમના થકી આઝાદ ભારતમાં શ્વાસ લેવાનું સૌભાગ્ય મળ્યું, એ દાદાજીની યાદની શગ મારા મનમંદિરમાં આજેય પ્રજ્વલિત રહી છે.
~ ગીની માલવિયા
(હાલમાં શ્રી મધુ રાયના મમતા માસિકમાં સહસંપાદન કરે છે.)
waah
=
શ્રી ગીની માલવિયા નો મારા દાદા : ખમીરવંતા સ્વાતંત્ર્યસેનાની ~ અંગે મનોભૂમિનું તામ્રપત્ર સુંદર ફોટા સાથે સ રસ લેખ