ચૂંટેલા શેર ~ ગઝલસંગ્રહઃ પાછો ફર્યો છું હું… (101 ગઝલ, 21 મુક્તક) ~ જિતેન્દ્ર પ્રજાપતિ (બગદાણા)

એક ચહેરાના સરસ વર્તાવ પર
મેં સફર આખી લગાવી દાવ પર
*
બધાનાં શ્વાસમાં એ ચાસ પાડે
હવાના હાથમાં પણ હળ નથી ને!
*
હજારો દીપ ગંગામાં જોઈને થાય
અહીં પણ હોય છે ક્યારેક તરતી આગ
*
ઉઝરડાયો પવન આજે
હશે શું ન્હોર પથ્થરમાં?
*
એક સળગ્યા મકાન સંદર્ભે
આ હવા પર તપાસ બેઠી છે
*
પહેરીને વળાવી દીકરી જે શાનથી બાપે
પછી તે પાઘડી ગીરવે કોઈ દુકાનમાં આવી
*
બપોરી વેળ મારી વીતતી સહવાસમાં જેના
ચકા ચકલીની એ ચણભણ મને બહુ યાદ આવે છે
*
જોઈએ, કોની મરામત થાય છે
સેંકડો પીડા છે જિર્ણોદ્ધારમાં
*
લૂંટીને લઈ ગઈ આખ્ખુંય ઘર
પરિસ્થિતિ કોઈ તસ્કર હતી
*
સમાવી’તી ગરીબીને સદા પાલવ તળે જ્યાં
નિહાળ્યું એ વતનનું ઘર અને મા યાદ આવી
*
તમે છાપરું સ્હેજ સરખું કરી દો
અમે ભીંત ત્યાં આવવા મોકલી છે
*
દિવસ પૂરો થશે કે ઘેર જઈને સૂર્ય પણ કહેશે
ખરેખર માંડ છૂટી યાર ઘરે આવ્યો છું હું પાછો
*
કહે, ક્યાંથી કરું શરૂઆત હું તારા તરફ ખસવા?
મને લાગી રહી છે તું સતત એક ગોળ કુંડાળું
*
અવદશા! આજ ઘર તરફ ના આવ
આજ ઘરમાં પ્રસંગ ચાલે છે
*
કરે છે સરભરા દુનિયા તણાં પકવાન પીરસી પણ
હું માના રોટલા ને દાળમાંથી નીકળી નથી શકતો

~ જિતેન્દ્ર પ્રજાપતિ (બગદાણા)
મોઃ 96246 57354

પ્ર.આ. 2021, કિંમતઃ 151/-
પ્રકાશકઃ કેબુક્સ (રાજકોટ)
મોઃ 98242 19074
website: www.kbooks.co.in

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. કવિશ્રી જિતેન્દ્ર પ્રજાપતિ (બગદાણા)ના ~ ગઝલસંગ્રહઃ પાછો ફર્યો છું હું-માથી ચૂંટેલા સ રસ શેર
    કરે છે સરભરા દુનિયા તણાં પકવાન પીરસી પણ
    હું માના રોટલા ને દાળમાંથી નીકળી નથી શકતો
    વાહ્…