ચૂંટેલા શેર ~ ગઝલસંગ્રહઃ યાદ કર ~ અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’ (ભાવનગર)

આપણાથી એ જ તો થાતું નથી
જે સરળ છે એ જ સમજાતું નથી
*
વસિયત પ્રણયની રાખી’તી તૈયાર પણ
એમાં હતી બાકી સહી, ને ક્યાં ગયા?
*
ઘણું ખાલી છે મારું ઘર, છે સૂની જિંદગાની પણ
ઉદાસી તું જો તોડે તો ફરી કલરવ થવા લાગે
*
છેતરે કાયમ મને સંબંધમાં એ
તે છતાં ક્યારેય ક્યાં બળવો થયો છે!
*
તને ઝંખ્યા કરું છું હું વધી ગઈ છે ઘણી ચિંતા
નહીં ચાલે હવે થોડી, વધારે વાત કરવી છે
*
જે વિચારોમાં જ જન્મીને મરી ગયા
વિધિ તેની રાખવી છે કાયદેસર
*
આમ તો છે ભૂખ સહુને પ્રેમની
પણ શરત છે એટલી… ગમતું મૂકો
*
ખૂબ હિમ્મતથી હું ગુસ્સાને લડત આપીશ પણ
ભૂલથી નાહક લડું તો સાચવી લેજે મને
*
એક મંઝિલ ને ડગર હોવા છતાં
થોડું અંતર ચાલવામાં રાખીએ
*
ઈશારે કહ્યું એણે કે તું ગમે છે
ને મેં પણ કહી દીધું કે મારી હા છે
*
મેં ઘણી મહેનત કરી છે આ બધુંયે પામવા
કોઈ પણ કાળે હું સપનું તૂટવા નહિ દઉં હવે
*
આમ તો મરવાની તું વાતો કરે છે રોજરોજ
પણ સમય પહેલાં જ ઢળવું, બોલ સંભવ છે ખરું?
*
આપણે જે કંઈ બધું ભૂલીને બેઠા હોઈએ
તે જ પાછું આપણી બાજુ વળે, અઘરું પડે
*
એકબીજાને સતત દેખાડવા નીચા અહીં
લાખ ભૂલો કાઢી બસ બળવું જરૂરી થઈ ગયું
*
હોય જ્યારે ઘરમાં કોઈ મોટો પ્રસંગ
એક અંગત કેમ સચવાતું નથી?
*
જોઈ જે ભગવાન પણ મોહી પડે
આંગણે એ ભાત કરવી જોઈએ
*
થાય છે જે જિંદગીમાં તેનું કારણ હોય છે
ક્યાંક હું પણ હોઉં છું ને ક્યાંક તું પણ હોય છે

~ અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’ (ભાવનગર)
(ફેશન ડિઝાઈનર, વકીલ, સિંગર, કવયિત્રી)

પ્રકાશકઃ
પાર્શ્વ પબ્લિકેશન (અમદાવાદ)
પ્ર. આ. 2021, મૂલ્યઃ 200/-

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

 1. અંજુમ, બે લિટીમાં ઘણુંબધું વ્યક્ત કર્યું છે.
  સુંદર પંક્તિઓ છે.

 2. સુ શ્રી અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’ (ભાવનગર) (ફેશન ડિઝાઈનર, વકીલ, સિંગર, કવયિત્રી)ના ગઝલસંગ્રહઃ યાદ કર ના અભિનંદન
  ખૂબ સ રસ ચૂંટેલા શેર
  વસિયત પ્રણયની રાખી’તી તૈયાર પણ
  એમાં હતી બાકી સહી, ને ક્યાં ગયા?
  વાહ
  યાદ આવે
  વસિયતમાં હું એક શિખામણ તમને આપું છું
  અને તે એ કે દુનિયામાં બધાથી પ્યાર ના કરજો
  બધાથી પ્યાર કરવો એ ઠગ્ગાબાજી હું માનું છું
  ભલા થાજો બધું કરજો પરંતુ આવું ના કરજો
  પ્રણયમાં જો કોઇને પત્ર લખવાનો પ્રસંગ આવે
  તો કોઇ સુંદર વિશેષણ થી ને રૂપકથી શરૂ કરજો
  અને છે તમને માર સમ કે એવું ના વચન દેજો
  કે જેના આશરે એક જિંદગી બરબાદ થઇ જાયે
  ભલાં થાજો –બધું કરજો પરંતુ આવું ના કરજો
  સૈફ જી