“કાવ્યોની પંચવટી” ~ નંદિતા ઠાકોર

૧.        “હશે કોઈ કારણ…..!”

નદીને વહન છે હશે કોઈ કારણ
આ શ્રધ્ધા સઘન છે હશે કોઈ કારણ

ખીલે છે, ખરે છે,સતત વિસ્તરે છે
આ લીલા ગહન છે હશે કોઈ કારણ

અહીં રામ રાવણ છે સાથે છતાંયે
આ લંકાદહન છે,હશે કોઈ કારણ

સતત ઠોકરાતી પીડાઓ ચરણમાં
આ શાનો જશન છે? હશે કોઈ કારણ

અકારણ બધું ચાહવું યે ગમે છે
આ કેવું વ્યસન છે! હશે કોઈ કારણ
             –     નંદિતા ઠાકોર

૨.        “…મારી બઇ…!”

કે ઓલ્યા આંબાની મંજરીઓ સાંભરે ને
કંઠમાં ટહૂકા ફૂટે રે મારી બઇ
નરી મ્હેક મ્હેક ભીતરમાં પાથરે ને
અંતરમાં સાથિયા ઘૂંટે રે મારી બઇ

કે ઓલ્યા દરિયાની છોળ સ્હેજ ભીંજવે
ને ભીતર આ ભીનુંછમ થાય મારી બઇ
કોક પડખેથી અમથુંક તે ખીજવે
ને મંન મારું લીલુંછમ થાય મારી બઇ

કે ઓલ્યા સાંજના તે સૂરજની લાલી
કંઇ આંખ મહીં આંજે ઉજાસ મારી બઇ
હું તો સહિયરની સંગ કેવી મ્હાલી
ને આદર્યો કંઇ નવલો પ્રવાસ મારી બઇ

કે હું તો પોતાને પામીને જીવી
ને હૈડું આ અભરે ભરાણું મારી બઇ
મેં તો વ્હાલપને દોર મને સીવી
ને ઠેઠ લગી મનડું ધરાણું મારી બઇ….
           –     નંદિતા ઠાકોર

૩.       “……ટહુકા ટાંગ્યા છે…!”

મારા ઘરના દરવાજે મેં
તોરણ નહીં ટહુકા ટાંગ્યા છે..

વાદળવીંટી કો’ક સવારે ઓસરીએ
હું ભીનો સૂરજ ઝૂલતો રાખું
તમતમતમતી તેજ બપોરે ખૂણે ખૂણે
હું નાનો અમથો છાંયો રાખું
અધ ઉઘડેલા દરવાજાને હડસેલી કોઈ ઘરમાં આવે
એવા કંઈ સપનાં જાગ્યા છે…

ખડકી ખોલું પાછી વાસું વળી ઘડીમાં
દોડું ડહેલે ઘેલસાગરી
ઉંબર બહાર ઉભેલો મારગ તાકી તાકી
તાકી જૂએ આંખ બ્હાવરી
શબરી થઈ બેઠેલા ઘરની જનમ જનમની ફળે પ્રતીક્ષા
એવાં કંઈ પગલાં માંગ્યા છે…
           –     નંદિતા ઠાકોર

૪.        “……બોલો એનું શું કરવાનું?…”

અતરંગી ઈચ્છાઓ પહેરી હજુ આયખું સપનાં જોતું
બોલો એનું શું કરવાનું?
રેશમદોરે ,સરતી ક્ષણનાં હજુ ય મબલક મોતી પ્રોતું
બોલો એનું શું કરવાનું?

જંગલ ગાઢું હોય ને વચ્ચે નાનાં નાનાં તરણાં ફૂટે
ચાંદો સુરજ શ્વાસ શબનમી વારાફરતી એમાં ઘૂંટે
લીલું તરણું ભીતર પહોંચે આખેઆખું મૂળિયાં સોતું
બોલો એનું શું કરવાનું?

આ પાથી એ નર્યું મુલાયમ આકાશી ઓઢણ લંબાવે
ઓલીપાથી સોનલવર્ણી ક્ષિતિજ તણાં રંગે લલચાવે
એક અદીઠા કાયમ સૂરે મનડું સઘળું ભાન જ ખોતું
બોલો એનું શું કરવાનું?

ઈચ્છાઓની વેલ નહીં, વેલાઓ ચોગરદમ ઊગે ત્યાં
વિસ્તરતા વન જેવી આ ઝંખાઓ અટકે કેમ કરી ક્યાં
સાંજ ઢળ્યાની પડખે પડખે પોતાનો પડછાયો લ્હોતું
બોલો એનું શું કરવાનું?
             –   નંદિતા ઠાકોર

૫.       “….તો કહેજે…..!

હું મારી આંખોમાં મોરપીંછ રોપીને
ટહુકા ઉછેરું તો કહેજે
અમથુંક સપનામાં તને જોઈ મારા આંગણમાં
સાથિયાઓ પૂરું તો કહેજે..

કેટલાંય જન્મોની માંડી હો વારતા
ને વારતામાં આમ કશું નહીં
એટલું જ બસ-તને કોરા કાગળ જેવું
જીવતર સોંપીને કીધી સહી
તારાથી થઈને રળિયાત હવે પગલાંમાં
નર્તન જો પહેરું તો કહેજે..

એવું તે ક્યાંય કદી ભાળ્યું કે કોઈનામાં
ઓળઘોળ થઇને કોઈ જીવે!
ઉજળે જો મારગ તો ઠીક, વળી
ગામ આખું ઉજળે કંઈ પાદરના દીવે?
આંસુને મરકલડું ઓઢાડી સ્હેજ પછી
છાતીફાટ ઝૂરું તો કહેજે…
        –        નંદિતા ઠાકોર

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.