“સીમરન, શું કરે…?” – વાર્તા – જયશ્રી વિનુ મરચંટ

(“મમતા” માસિકના સૌજન્યથી, સાભાર.)

સીમરન પરસેવાથી રેબઝેબ થઈ ગઈ હતી. એણે એની બોક્સિંગ બેગને એક હિલોળો આપીને, બાજુમાં પડેલું નેપકીન લઈ, મોઢું લૂછીને સામે દીવાલ પર ટીંગાતી ઘડિયાળ પર નજર કરી. હજી તો બપોરના બાર વાગ્યા હતા. પછી બાજુની ખુરશી પર પડેલી વોટર બોટલમાંથી પાણી પીને એક લાંબો શ્વાસ લઈને, ગરાજમાં પડેલી વર્કબેન્ચ પર મૂકેલા વિડીયો મોનિટર પર  નજર કરી લીધી. ત્રણ મહિનાનો જેમ્સ એના રૂમમાં શાંતિથી સૂતો હતો. સીમરને ફરી પાછું ઘડિયાળ જોયું, અને વિચાર્યું કે હજી બે કલાક સુધી જેમ્સ ઊંઘવો જોઈએ. ડિલીવરી પછી એનું વજન ખાસ્સું ત્રીસેક પાઉન્ડ વધી ગયું હતું. છેલ્લા બે મહિનામાં સ્ટ્રીક્ટ ડાયેટ અને કસરતના રૂટીનને કારણે એણે ૧૫ પાઉન્ડ તો ઊતારી પણ નાખ્યું હતું. સીમરન વિચાર કરતી હતી કે હજુ બીજી વીસેક મિનીટ તો એ ઈલેપ્ટીકલ પર સહેલાઈથી કસરત કરી શકશે. પાણી પીને એ ઈલેપ્ટીકલ પર જતી હતી, એટલામાં એની મમ્મીનો ફોન આવ્યો.

“શું કરે છે દીકરા? જેમ્સ કેમ છે? જોન સ્કૂલેથી આજે કેટલા વાગે આવશે?”

“તું પણ શું મમ્મી, રોજ આ જ ટાઈમે આજકાલ ફોન કરીને એકના એક સવાલ પૂછે છે? તને તો ખબર છે ને કે સેમી હોસ્પિટલથી આવતી વખતે જોનને લઈને રોજ ચાર વાગે જ આવે છે! તું કોવિદની પ્રીકોશન્સ બરાબર લે છે કે નહીં એની વાત કર!”

“હા બેટા. હું ધ્યાન રાખું છું. આ દુનિયાનુંય હવે શું થવા બેઠું છે, રામ જાણે! પોણા બે વરસ થવા આવ્યા…! આ ૨૦૨૧ના ઓગસ્ટ મહિનો પણ આવી ગયો અને હજુ કોવિદ પૂરો ગયો નથી!”

“ઠીક છે, ચાલ પછી વાત કરીએ!”

“એક મિનીટ, બેટા, તું કહેતી હોય અને સેમીને પણ વાંધો ન હોય તો હું થોડા દિવસ વોશિંગ્ટન આવી જાઉં? બાલ્ટિમોરથી ડી.સી. કંઈ દૂર નથી કે હું ડ્રાઈવ કરીને ન આવી શકું! મારે છોકરાઓને પણ જોવા છે.”

“મમ્મી. સેમી અને હું, જેમ્સના જન્મ પછી હજી તો  પોતે જ એડજસ્ટ થઈ રહ્યાં છીએ. અને, મારું પોસ્ટપાર્ટમ ડિપ્રેશન પણ એની જગા પરથી ટસથી મસ નથી થતું! મને, મારા બોડીને અને મગજને, પહેલાં જેમ્સ સાથે એડજસ્ટ તો થવા દે! સેમી સાથે પણ.. ખેર, હું પાછી જોબ પર જઈશ ત્યારે તું આવજે તો અમને હેલ્પ રહેશે.”

“શું થયું સેમીને? સામેથી સીમરનની મમ્મીનો ચિંતાજનક અવાજ આવ્યો. “કશું  નથી થયું, મમ્મી! ઓકે?” સીમરન થોડીક ચિડાઈને બોલી.

એની મમ્મી એ સમજી ગઈ અને વાત બદલતાં કહ્યું, “દીકરા, તારા ભાઈઓના ફોન આવે છે ને? ફેમિલી વોટ્સએપ ગ્રુપ પર તમારાં બધાંના ફોટા કેમ નથી મૂકતી?

“ યસ, મોમ!” સીમરનને કહેવાનું મન તો થયું કે ભાઈઓ કે એમનાં ફેમિલી સાથે એને ક્યારેય કોઈ પ્રોબ્લેમ છે જ નહીં…પણ ફેમિલીના વોટસએપ ગ્રુપ પર ડેડ છે, એનો પ્રોબ્લેમ છે…! મમ્મી પાછી રડશે એટલે એણે ટૂંકમાં જ પતાવ્યું. પણ અંતે, હંમેશની જેમ, વાત જ્યાં સીમરન લઈ જવા નહોતી માગતી, ત્યાં ગઈ!

“બેટા, એક મિનીટ, તારા ડેડી સાથે વાત કર. જેમ્સના જનમ પછી તને કોંગ્રેચ્યુલેશનસ કહેવા છે.  તેઓ ફોન કરે ત્યારે તું ફોન ઉપાડતી નથી. લે, હું એમને ફોન……”

“મમ્મી! હું પછી વાત કરીશ. આમેય જેમ્સ ઊઠી જાય એ પહેલાં મારે એક્સસરસાઈઝ પતાવી લેવી છે. . પછી ફોન કરું છું.” અને સામેથી કંઈ જવાબ મળે એ પહેલાં જ સીમરને ફોન મૂકી દીધો, પછી, બે હાથ ઘૂંટણ પર મૂકી ઊંડા શ્વાસ લેવા માંડીને સ્વગત બોલી, “ઈટ્સ ઓકે, સીમરન, ઈટ્સ ઓકે. કંટ્રોલ…! ઓ ગોડ! ધીસ પોસ્ટ પાર્ટમ ડિપ્રેશન…! કોણ જાણે, જોન વખતે પણ સેમીએ ડિપ્રેશનને લીધે થતા આવા બિહેવીયરને સહન કર્યું હશે? હમણાં કંઈ યાદ નથી આવતું…! સેમીને જ પૂછવું પડશે! મને લાગે છે કે મારા મગજમાં કંઈ કેમિકલ ઈમબેલેન્સ થઈ ગયું છે!”

ફરી પાણીનો ઘૂંટ લેતાં ફરી એના મગજમાં ‘ડેડી’ નામના એના દુશ્મનની ફિલ્મ ચાલુ થઈ…! ”ધેટ મેન….! એના લીધે જ, હું શું હતી અને શું બની ગઈ છું? પણ જે પણ બની ગઈ છું, એનો એક ફાયદો તો છે જ કે સેમી અને હું મળ્યાં! બે બે વાર બોયફ્રેન્ડસ સાથેની તૂટેલી રિલેશનશિપ પછી સેમીનું આમ મળવું અને લાઈફ પાર્ટનર બનવું એ કોઈ ચમત્કારથી ઓછી બીના છે?. આમ જુઓ તો એ માટે મારે ડેડનો આભાર માનવો પડે! ઘણાં વર્ષો પહેલાનું ભૂલી જઈને, એમની જોડે વાત પણ કરું, જો એમને સેમી કબૂલ હોય તો…! સેમી નહીં, તો હું પણ નહીં, જોન અને જેમ્સ પણ નહીં..!”

એ ફરી ડેડીના વિચારે ચડી. “હવે એમને મારી જોડે વાત કરવી છે…! શા માટે? મારી જિંદગીને વમળો ભર્યા દરિયામાં એમણે હાઈસ્કૂલનાં વર્ષોમાં જ ધકેલી દીધી હતી! એ અંધાધૂન પ્રવાહોમાં વહેતી વહેતી હું, ક્યાંથી ક્યાં નીકળી ગઈ.. અને શું થી શું બની ગઈ…! ત્યારે યાદ નહોતું કે હું એમની દીકરી છું? મમ્મીનેય હજારવાર કહ્યું છે કે એ માણસનું નામ ન લે! મારો આખો દિવસ પછી ખરાબ જાય છે! જ્યારે હોય ત્યારે, ‘તારા ડેડી સાથે વાત કર…!’ નથી કરવી મારે વાત!”

પછી, ખુરશી પર બેસીને માથું પકડીને એ રડવા માંડી. જેમ્સના જન્મ પછી એનું પોસ્ટપાર્ટમ ડિપ્રેશન બિલાડીના ટોપની જેમ ઊગી નીકળ્યું હતું! કદાચ, એના કારણે એની અને સેમી વચ્ચે ઘર્ષણ પણ વધતું જતું હતું, બિલકુલ બિલાડીના ટોપ જેમ જ સ્તો! પાંચેક મિનીટ રડીને, સ્વસ્થ થઈને નક્કી કર્યું કે આ ડિપ્રેશન એને લઈને સદંતર ડૂબી જાય એ પહેલાં, થેરાપિસ્ટની એપોઈન્ટમેન્ટ લેશે.

આ નક્કી કરતાં જ,  સીમરન રિલીવ થઈ. “મારા આ નિર્ણયથી સેમી પણ ખુશ થશે જ! ચાલો, આ એક વાત પર તો બેઉ ઘણાં વખતે સંમત થઈશું અને ખુશ પણ!” અને એ અનાયસે મલકી પડી. હજુ સાડા બાર વાગ્યા હતા. એ ફરી એક્સરસાઈઝ કરવા લાગી.

સીમરન અને સેમી બંને અંડરગ્રેજ્યુએટથી સાથે ભણતાં હતાં. પ્રી-મેડના કોર્સ પણ સાથે લીધાં. એટલું જ નહીં, એક જ મેડીકલ કોલેજમાં ગયા અને રેડિયોલોજીની રેસિડેન્સી પણ બેઉએ જોન હોપકીન્સ યુનિવર્સીટીની હોસ્પિટલમાં સાથે જ કરી હતી.

જેમ્સના જન્મના છ એક મહિના પહેલાંથી જ, સીમરન અને સેમીના નાનીનાની વાતોમાં મતભેદો થતાં ને ક્યારેક તો એ મોટાં ઝઘડામાં પરિવર્તિત થઈ જતાં. એમાં પાછો ૨૦૨૦માં કોરોનાનો પેન્ડેમિક આવ્યો. આ દરમિયાન આર્ટિફિશ્યલ ઈનસેમીનેશનની સીમરનની ટ્રીટમેન્ટ ચાલતી હતી, એના કારણે કોવિદના કાળમાં જ એ પ્રેગનન્ટ થઈ. સીમરન જનરલ રેડિયોલોજીસ્ટ હતી એટલે રીમોટલી કામ કરી શકતી હતી. સેમીએ રેડિયોલોજીકલ પ્રોસીજરમાં સ્પેશ્યલાઈઝેશન કર્યું હતું. આથી એને હોસ્પિટલમાં જવું પડતું હતું અને કેટલીયે વાર, ડૉક્ટરોની અછત હોવાથી, બીજી ડ્યુટી કરવા હોસ્પિટલમાં રહેવું પણ પડતું હતું.

આ કારણથી સીમરનની પ્રેગનન્સીમાં બેઉનાં બેડરૂમ જુદા થયા હતા. કોવિદને કારણે પાંચ વરસનો જોન પણ ઘેરથી જ વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં ભણતો હતો. આ બધાં સંજોગોમાં બેઉ વચ્ચે સાંયોગિક રીતે, ધીરેધીરે અંતર વધતું રહ્યું. બેઉના ઝઘડા હવે રોજની વાત હતી, જ્યારે પણ એ બેઉ વચ્ચે દલીલો થતી ત્યારે પાંચ વરસનો જોન તો ડરીને એના રૂમમાં ભરાઈ જતો.

સીમરન ડિલીવરી પછી જેમ્સને લઈને ઘેર આવ્યાને હજી માંડ સાતેક દિવસ થયા હશે. એમાં કોઈ સાવ નાની વાત પરથી સેમી અને એ, જીવનમરણની લડાઈ થઈ હોય એમ લડી રહ્યાં હતાં. વાતમાં આમ જુઓ તો કોઈ એવો મુદ્દો હતો જ નહીં.
તે દિવસે સાંજના છ વાગ્યા ત્યારે સીમરને ડિનર પછી સેમીને કહ્યું કે, “આપણે જેમ્સ અને જોનને લઈને મોલમાં ચાલવા જઈએ. આજે દિવસ થોડો સારો છે. છોકરાઓને પણ આઉટિંગ થશે. મને પણ સહેજ બહાર નીકળીશ તો સારું લાગશે.”

સેમી કહ્યું, “નહીં હની. મને જોબ પરથી આવ્યે માંડ અડધો કલાક થયો છે. આઈ હેડ અ ફુલ ડે ઓફ પ્રોસીજર્સ. બહુ થાક લાગ્યો છે. બિસાઈડ્સ, પહેલાં તો બેઉ ભૂલકાંઓને કોવિદની પ્રીકોશન્સ લઈને તૈયાર કરવાનાં, પછી બેઉના સ્ટ્રોલર્સ, કારમાં મૂકવાના, પછી કાઢવાના, અને પાછાં ઘેર આવીને બેઉને સૂવા માટે તૈયાર કરવાનાં….! ટુ મચ વર્ક…! જોન વખતે પણ આ બધું હેવી કામ તું જ કરતી હતી, રાઈટ? મારાથી આટલું બધું હેવી કામ નહીં થાય…! તું સહેજ સારી થઈ જાય પછી વાત!” સેમી ઊભી થઈને એનાં રૂમમાં જવા ગઈ.

નારાજ થઈને સીમરન બોલી, “એનો અર્થ એ થયો કે હું બધું ભારે કામ હમણાં નથી કરી શકતી એટલે તારે નથી આવવું, રાઈટ?”

સેમી કહે, “ક્યાંની વાત તું ક્યાં લઈ જાય છે? આપણે રૂમમેટ્સ હતાં ત્યારથી જ કાયમ, ગ્રોસરીથી માંડીને બીજું બધું લેવા-મૂકવાનું, ફર્નીચર લાવવાનું, ખસેડવાનું વગેરે હેવી-વર્ક તું જ કરતી આવી છે! તને ખબર છે કે ઘરમાં મારાથી કિચન અને લોન્ડ્રી સિવાય બીજું કશું નથી થઈ શકતું!”

સીમરન બોલી, “છેલ્લા કેટલા બધા મહિનાઓથી હું જોઉં છું કે તને હવે મારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવામાં કે સાથે કંઈ પણ કરવામાં કોઈ રસ નથી. બસ, કામ પરથી આવીને, ડિનર પછી છોકરાઓ સાથે થોડુંક રમીને સીધી તારી રૂમમાં જતી રહે છે! સાથે ટીવી જોવાનું કહું તોયે બહાનાં બનાવીને જોનને સૂવડાવીને, સીધી પોતાના રૂમમાં ઘૂસી જાય છે! જોનના જનમ પછી આપણે બેઉએ જોનને કેટલાં જતનથી સાથે મોટો કર્યો છે! આઈ એમ નોટ સ્ટુપિડ! હું જોઈ શકું છું કે તને જેમ્સમાં તો જરાયે રસ નથી! ડુ નોટ ફરગેટ, એ તારો પણ દીકરો છે!”

સેમીથીયે રહેવાયું નહીં, “આર યુ ક્રેઝી? ડુ યુ મીન કે હું જવાબદાર પેરન્ટ નથી? તું એવું આળ મારા માથે મૂકી જ કેમ શકે?” બસ, વાત વધી ગઈ. બેઉ જણાં જીવ પર આવીને લડતાં હતાં.

જોન અચાનક ત્યાં આવી જતાં બેઉએ લડવાનું બંધ કર્યું.

સીમરનનું ઈલેપ્ટીકલ પર વર્કઆઉટ કરવાનું પણ ચાલુ હતું તો બીજી બાજુ જાતજાતનાં પ્રસંગોની પૂણી કંતાતી રહી. એની સાથે જ, ભૂતકાળની ભૂતાવળની ફિલ્મનાં રીલ મનના ઈન્સ્ટાગ્રામ પર એક પછી એક આડેધડ પોસ્ટિંગ કરી રહ્યાં હતાં, જેમાં નહોતો કોઈ પણ જાતનો ક્રમાંક, કે ધડ, કે માથું કે પગ..!

ઈલેપ્ટીકલના દાંડા આગળપાછળ થતાં રહ્યાં અને સીમરનના મનમાં એ ઈન્સ્ટાગ્રામનાં રીલ્સની વાતોનો તંત ક્યાંથી ક્યાં જઈ રહ્યો હતો ..! “હાઈસ્કૂલમાં મારા બાસ્કેટબોલના બ્લેક અમેરિકન કોચ સાથે હું ફ્રેન્ક્લી વાત કેમ કરું છું, એનોય ડેડીને વાંધો! મારા હાઈસ્કૂલના છોકરાઓ સાથે મને કદી બહાર આઈસક્રીમ ખાવા કે મોલમાં કે મુવીમાં નથી જવા દીધી..! અમારી સ્કૂલના બાસ્કેટબોલ ટીમની હું “સ્ટાર પ્લેયર”, પણ મને કદી આઉટ ઓફ ટાઉનની બાસ્કેટબોલની મેચ રમવા નહોતી દીધી…! મારો કોચ એકવાર એમને સમજાવવા ઘેર આવ્યો ત્યારે મને એની સાથે હસતી જોઈને, એના ગયા પછી કંઈ પણ પૂછ્યા-કર્યા વિના, સીધો એક તમાચો ચોડી દીધો! ભાઈઓ સહિત મમ્મીને વોર્નિંગ કે મને સ્કૂલથી ઘર અને ઘરથી સ્કૂલ સિવાય જો કશે જવા દીધી તો એમના જેવું ખરાબ કોઈ નહીં હોય…! એમને તો મને કૉલેજમાં ભણાવવા પૈસા પણ નહોતા ખર્ચવા.. બસ, હાઈસ્કૂલ પાસ કર્યું, બહુ થયું! પંજાબ જઈને સારો છોકરો જોઈને ડી.ડી.એલ.જે.ની સીમરનની જેમ, મારા લગ્ન કરાવવા હતા! થેંક ગોડ, કે કોલેજમાં મને પહેલા વરસથી જ ફુલ સ્કોલરશીપ મળી ગઈ! પછી, આગળનું મેડિકલ સ્કૂલનું ભણવાનું સ્ટુડન્ટલોન લઈ પતાવ્યું!”

ઈલેપ્ટીકલની સ્પીડ વધારતાં અચાનક એને થયું, “કોણ જાણે ડેડી જેવા બેકવર્ડ વિચારોવાળા અમેરિકા આવે છે જ કેમ? અજાણતાં જ એની આંખો ભરાઈ આવી. અને, એને યાદ આવ્યો, સેમીનો આકર્ષક ચહેરો, એણે સીમરનને આપેલો સધિયારો અને ઉત્કટ પ્રેમ! સીમરનના સમસ્ત અસ્તિત્વના ફલક પર, શીતળ ચાંદની બનીને તેરતેર વર્ષોથી તન, મન અને દિલ પર સતત વરસતા સેમીના પ્રેમે એનું ‘ડેડી’ નામનું દુઃખ વિસારે પાડીને જિંદગીને આગળ વધારવામાં મદદ કરી હતી!

અને, એ સાથે સીમરન પોઝિટિવીટીમાં આવરાતી ગઈ. “તો શું થઈ ગયું કે કોવિદના પેન્ડેમિકમાં બે બે બાળકોની જવાબદારી નિભાવવાનાં સ્ટ્રેસને કારણે સેમી અને એની વચ્ચે છેલ્લાં કેટલાયે વખતથી દૂરી થવા માંડી છે! એમાંયે મારી પ્રેગન્સીને કારણે સેમી પર જોન અને ઘરના કામનો પણ બોજો વધુ પડી રહ્યો હતો. સેમી પહેલેથી જ નાજુક છે. કોવિદને કારણે ઘરકામમાં હેલ્પ કરવા મેઈડને અને બેબીસીટરને પણ બોલાવાતાં નથી…! હું કેમ ભૂલી શકું કે બે-બે  બ્રોકન રિલેશનશિપ પછી, સેમીને કારણે જ હું મારી સાચી પરખ પામીને, પોતાને જેવી છું એવી સ્વીકારી શકી!! દરેક રિલેશનશિપમાં ઉપર-નીચે તો થાય જ. શીટ યાર, આઈ લવ હર ટુ ડેથ!” આ વિચાર આવતાં જ અભિસારિકા બનેલી સીમરન મનોમન શરમાઈને મલકી પડી..!

આમ, સીમરન એની અસંયમિત લાગણીઓની ભરતી-ઓટ પર ઝૂલતી હતી.  ત્યાં જ મોબાઈલની રિંગ વાગી. સેમીનો ફોન હતો. ઈલેપ્ટીકલ અટકાવીને એણે ફોન લીધો.

“શું કરે છે ડીયર?” સામેથી અવાજ આવ્યો.

“અરે વાહ, આજે અચાનક મિડલ ઓફ ધ ડે ફોન કર્યો? તું કહે, તું શું કરે છે? બિઝી છે? પેશન્ટ્સનો લોડ કેવો છે?” સીમરને જવાબ આપતાં કહ્યું.

“રૂટિન છે બધું. પણ લીસન, ઘણાં વખતથી મારે તને ઘણું બધું કહેવું છે, પણ એ બન્યું નથી. સોરી, સીમી! આપણે ડિનર માટે બહાર જઈ શકત અને નિરાંતે વાત કરત, જો આ સ્ટુપીડ કોવિદ ન હોત તો..!”

“અરે, તું ચિંતા નહીં કર. હું ઘરમાં જ સરસ ડિનર બનાવી લઈશ. હું ખુશ છું કે આપણે આમ સાથે ડિનર લેવાની વાત કરીએ છીએ! ઑફિસથી ક્યારે નીકળે છે?”

“બસ, રોજની જેમ, જોનને સ્કૂલેથી પીક અપ કરીને આવું છું. થેંક ગોડ કે કોવિદની પ્રીકોશન્સ સાથે એટલિસ્ટ ૨૦૨૧ જાન્યુઆરીથી સ્કૂલો ચાલુ થઈ ગઈ છે! બિચારો જોન, ઘેર કેટલો એકલો પડી જતો હતો! તો સી યુ સુન!” ને સેમીએ ફોન મૂકી દીધો.

“લવ યુ હની. સી યુ સુન!” સીમરને ફોન મૂકતાં કહ્યું. પણ એને થયું, “હું બોલી એ સેમીએ સાંભળ્યું નહીં ને ફોન મૂકી દીધો! કદાચ, ઓફિસમાં કોઈ આવી ગયું હશે!” અને, ઈલેપ્ટીકલ બંધ કરીને ઘરમાં આવી.

ઘણાં વખતે સેમીને રિલેક્સ મૂડમાં સાંભળીને એને હાશકારો થયો હતો. હજુ સવા વાગ્યા હતા. એને થયું “જેમ્સ હજી બે કલાક સૂઈ રહેશે. ત્યાં સુધી ડિનરની તૈયારી કરી લઉં.”

સીમરને પાસ્તા બનાવ્યાં, ગાર્લિકબ્રેડ અવનમાં મૂકીને, પાંચ વાગ્યાનું ટાઈમર મૂક્યું, જેથી સાડા પાંચ વાગ્યા સુધી બની જાય. ઓરિયેન્ટલ સલાડ બનાવ્યું અને ડિઝર્ટમાં, સેમીને ભાવતું કસ્ટર્ડ બનાવ્યું. બે વાગ્યા હતા. એ આદમ લવિનનું “સુગર” ગીત ગણગણતી, બેબીમોનિટર સાથે લઈને નહાવા ગઈ. નહાઈને તૈયાર થતાં એને થયું, “આવતા બે મહિનામાં આ પ્રેગનન્સીનું વજન સાવ ઉતારવું રહ્યું! જૂનાં એકેય ડ્રેસ ફિટ નથી થતાં અને હજુ મેટરનીટી ડ્રેસ પહેરવા પડે છે!”
પછી એણે રેડ કલરનો પીળાં ઝીણાં ફૂલની ડિઝાઈનવાળો ડ્રેસ, જે સેમી સીમરનની પ્રેગનન્સીની શરૂઆતમાં એના માટે લઈ આવી હતી, એ પહેર્યો. પછી મેકઅપ કરતાં થયું, “મને આમ તૈયાર થયેલી જોઈને સેમીને થશે કે નકી મને કોઈ ભૂત વળગ્યું છે!’ સીમરન હવે ફુલ ફોર્મમાં આવી ગઈ હતી. “કાશ, મારું પોસ્ટ પાર્ટમ ડિપ્રેશન જતું રહે અને આવા જ “હાઈ”માં બાકીની આખી જિંદગી સેમી, જોન અને જેમ્સ સાથે આમ જ વીતી જાય!”

એટલી વારમાં જેમ્સ ઊઠી ગયો. એણે પંપ કરીને મૂકેલી, દૂધની બોટલ ફ્રિજમાંથી કાઢી, વર્મરમાં ગરમ કરી. પછી   રોકિંગચેર પર બેસીને, દૂધ પીવડાવતાં, જેમ્સ જોડે વાતો કરતી ગઈ, “શું જુએ છે? હા, તારી મમ્મી છું..! મને આમ સરસ રેડી થયેલી જોઈને તુંયે કન્ફ્યુઝ થઈ ગયોને? સેમી પણ થવાની છે…!” જેમ્સનું દૂધ પીવાઈ ગયું, પછી ચેન્જિંગ ટેબલ પર એનું ડાઈપર બદલીને, એને ઊંચકીને નીચે આવી. જેમ્સને મેટ પર નીચે મૂકીને, મેટના અર્ધચંદ્રાકાર હેન્ડલ પર રમકડાં લટકાવ્યાં. જેમ્સ હાથપગ ઉછાળીને રમતો હતો.

કિચનમાં જતાંજતાં સીમરને ઓટોમેટેડ મ્યુઝિક સિસ્ટમ માટે ‘અલેક્સા’ને કમાન્ડ આપતાં કહ્યું,- “Alexa, please start Grover Washington Jr.’s Soft Jazz Song, “Just the Two of us.”” – “અલેક્સા, પ્લીઝ, ૧૯૮૧નું ગ્રોવર વોશિંગ્ટન જુનિયરે ગાયેલું સોફ્ટ જાઝ ગીત, “જસ્ટ ધ ટુ ઓફ અસ” વગાડ.” અને પછી એને હમિંગ કરતાં એણે કેન્ડલ લાઈટ ડિનર માટે ડાયનિંગ ટેબલને પોતાનાં ડ્રેસ સાથે મેચ કરતા ટેબલક્લોથ, નેપકિન્સ, વગેરેથી શણગાર્યું. નવો ડિનરસેટ, નવા સિલ્વરવેર સાથે સેમીની મનપસંદ, લવન્ડર કેન્ડલ્સ પણ સિલ્વરનાં કેન્ડલહોલ્ડર્સ પર મૂકી.

“સેમી તો સાચે જ આ બધું જોઈને બેભાન જ થવાની છે! આવું બધું હું તો ક્યારેય કરતી નથી…! સેમીની ઘર શણગારવાની અને એક્ઝોટીક ડિનર પેશ કરવાની કુનેહને હું ક્યારે પહોંચવાની?” પછી ચારેક ફૂટ દૂર જઈને આખો સેટઅપ જોઈને, પોતાને જ શાબાશી આપી, ‘નોટ અ બેડ જોબ…!”

આજે સમયનો કાંટો જાણે વર્તમાનકાળમાં થીજી ગયો હતો! “હજી તો ઓન્લી પોણાં ચાર થયાં છે…! શીટ યાર…! અરે હા, શેમ્પેઈન તો ભૂલી જ ગઈ..!” એણે બારના રેફ્રિજરેટરમાંથી મોંઘામાં મોંઘી, ‘ડોમ પૅરિગ્નૉન લેડી ગાગા એડિશન બ્રુટ”ની $૩૫૦વાળી બોટલ તૈયાર રાખીને, શેમ્પેઈનના ગ્લાસ પણ સાફ કરીને મૂક્યાં.

એટલામાં જેમ્સે રડવાનું ચાલુ કર્યું. એટલે એને ઊંચક્યો ને ફરી ટાઈમ જોયો. ચારમાં પાંચ મિનીટ હજુ બાકી હતી. જેમ્સને ઊંચકીને ઘરમાં આંટા મારતાં સીમરને વાતો કરવા માંડી, “મારો ડાહ્યો દીકરો..! આજે હું અને સેમીમોમ, તારી ને જોન સાથે ખૂબ મસ્તી કરીશું.. ખરું ને?” જેમ્સ મીઠું હસ્યો. સીમરને એને છાતી સરસો ચાંપીને ચુંબનોથી નવડાવી દીધો. અને પછી, એની સામે જોઈને કહે, “તુ બિલકુલ મારી સેમી લાગે છે! માય લિટલ સેમી…!” અને સેમીને ચુંબનો કરતી હોય એમ જેમ્સને ચુમતી રહી.

એટલી વારમાં જ સેમી અને જોનની આગમનની છડી પોકારતો, ગરાજડોર ખુલવાનો, સમંદરના મોજાં જેવો અવાજ આવ્યો. એ છાલકમાં સીમરન આખેઆખી ભીંજાઈ ગઈ. “માય સેમી, માય જોનીબોય આર હીયર..!”

એટલીવારમાં સાઈડડોર ખૂલ્યો અને જોન અંદર આવતાં જ સીમરન પાસે દોડી ગયો, “મમ્મી…!” સીમરને જોનને ફ્લાઈંગ કિસ આપતાં કહ્યું, “મમ્મી તને ઊંચકશે પણ પહેલાં તુ સેમીમોમ સાથે ઉપર જા. નહાઈને બેઉ તૈયાર થઈને આવો. રિમેમ્બર, કોવિદ છે તે…! ગો માય બેબી!”

પછી સીમરને એક ફ્લાઈંગ કીસ આપતાં બે હાથ ખોલીને સેમીને કહ્યું, “વર્ચ્યુઅલ હગ ટુ યુ, માય બેબી!”

સેમી સહેજ ચમકી. આ સીમરન તો લગભગ એકાદ વરસથી ગાયબ જ હતી… ! આજે જ એ ક્યાંથી જાગી ગઈ!

સેમીએ હાથ ઊંચા કરીને વર્ચ્યુઅલ હગ આપવાનું જેસ્ચર કરતાં, સહેજ હસીને કહ્યું, “આર યુ ઓકે?”

એ સાથે સેમીએ જોન સાથે દાદરો ચડતાં નોટિસ કર્યું કે સીમરન આટલી સરસ ડ્રેસ્ડઅપ છે. એ ફરી ચમકી ગઈ અને કહ્યું, “માય, માય, સમવન લુક્સ હૉટ ટુડે! ન્યુ ડ્રેસ, મેકઅપ …વાઉ..!”

સીમરન મલકી. “તને ગમ્યું ને? તું લઈ આવી હતી એ જ ડ્રેસ છે. થેંક્સ. ચાલો, જલદી નહાઈને, સરસ તૈયાર થઈને આવો. ડિનર પણ રેડી છે.”

સેમી ઉપર જતાં જરાક થોભી ગઈ અને કહે, “સરસ…. એટલે? તેં પહેર્યા છે, એવાં સરસ કપડાં પહેરું? પણ કેમ? શું કશું સ્પેશ્યલ છે?”

સીમરન હસીને આંખ મીંચકારતાં કહે, “હા, આજે તું સ્પેશ્યલ છે. ઓકે?” અને ફરી ફ્લાઈંગ કિસ આપીને કિચનમાં જતાં કહે, “સાંભળ, મેકઅપ પણ કરજે હં….! આઈ વોન્ટ ટુ સી હૉટ સેમી!” સીમરન કોઈ અલગ ખુમારમાં હતી.

સેમીએ આગળ દલીલો કરવાનું માંડી વાળ્યું. અડધા કલાકમાં તો જોન અને સેમી નીચે આવી પણ ગયા. સાડા પાંચ વાગવા આવ્યા હતાં. જોને ફુલ સ્લીવનું વ્હાઈટ શર્ટ અને જીન્સ પહેયા હતા. સેમીએ બ્રાન્ડ ન્યુ, બ્લ્યુ કલરનો ઝીણી સફેદ પ્રિન્ટવાળો ડ્રેસ પહેર્યો હતો, પણ, લાઈટ મેકઅપ કર્યો હતો.

સીમરન બેઉને હગ અને કિસ કરતાં બોલી, “હવે લાગે છે કે આપણે ખુશખુશાલ ફેમિલી છીએ! રાઈટ જોન?”

“યસ, મોમ.” જોન ખૂબ ખુશ હતો.

સેમીએ ખુરશી પર બેસતાં, ડાયનિંગ ટેબલનો શણગાર જોઈને કહ્યું, “અરે, વાહ..! આઈ એમ શોક્ડ કે તેં આટલી બધી સજાવટ કરી છે! પણ આ બધું શેને માટે? વોટ ઈઝ ગોઈંગ ઓન?”

“કેટલાં બધાં મહિનાઓ પછી, આટલા પ્રેમથી આજે આપણે ડિનર માટે સાથે છીએ! લવ યુ ડીયર!” સીમરને આઈસ-બકેટમાંથી શેમ્પેઈનની બોટલ કાઢીને ખોલી અને બે ગ્લાસ ભર્યા. પછી ઊભી થઈને સેમીના ગળામાં હાથ નાંખીને કહે, “ચિયર્સ ટુ અસ એન્ડ અવર હેપી ફેમિલી!” અને સેમી એને કિસ કરે એ માટે પોતાના હોઠ આગળ ધર્યાં.

સેમીએ હસીને, સીમરનના ગાલ પર ટપલી મારી અને ગાલ પર જ હળવી કિસ કરીને શેમ્પેઈનનો ઘૂંટ લીધો. પણ પોતાની મસ્તીમાં મસ્ત સીમરન વધુ કંઈ નોટિસ ન કર્યું.

એ ઊભી થઈ અને જોનની પ્લેટ બનાવીને જમવા બેસાડી દીધો. જોન જમતો હતો, ત્યારે બેઉ ડ્રિન્ક માણતાં હતાં.

સીમરન એક ઘૂંટ લેતાં બોલી, “હની, તારે બાય ધ વે, એવી કઈ વાત કરવી હતી?”

સેમી કહે, “અરે, જોનને જમી લેવા દે. આઈ કેન નોટ બિલીવ કે તેં આટલી બધી મહેનત કરી છે! આપણે જમ્યા પછી, સૂવા જતાં પહેલાં આરામથી વાત કરીશું,”

સીમરન આજે એનું પોસ્ટ પાર્ટમ ડિપ્રેશન ભૂલીને કોઈ કસુંબલ રંગના હોજમાં ડુબેલી હતી. “સૂવા પહેલાં..? એટલે?”

સેમીએ કંઈ પણ કહ્યાં વિના હસીને ડોકું ધૂણાવ્યું. સીમરન તો એની ધૂનકીમાં હતી. એણે પોતાનો શેમ્પેઈનનો ગ્લાસ નીચે મૂક્યો અને સેમીના હાથમાંથી એનો ગ્લાસ નીચે મૂકીને, સેમીને કિસ કરીને કહ્યું “સેમી, તને યાદ છે જ્યારે આપણે જોન વખતે મારા ફેમિલીને કહેવા ગયાં હતાં કે આપણે ડોનર સ્પર્મ લઈને, મારા એગ અને તારું યુટરસ વાપરીશું? મમ્મી અને બ્રધર્સ તો ઠીક હતાં પણ મારા ડેડનું રિએક્શન…! આઈ એમ સોરી, સેમી કે એમણે મારો ગુસ્સો તારા પર કાઢીને તને ભલુંબૂરૂં કહ્યું…! જેમ્સ વખતે આમેય કોવિદ શરૂ થઈ ગયો હતો, આથી મમ્મીને ફોન પર જ કહી દીધું કે આ ટાઈમ પર એ જ ડોનર, પણ સેમીના એગસ અને મારું યુટરસ છે. સેમી, સાચે જ, આપણે કેટલાં લકી છીએ..!”

સેમી મ્લાન હસીને કહે, “કહેવા માટે હો ભલે, પણ, તારું ફેમિલી તો છે! મારા ફેમિલીમાં મારા ડેડ જ રહ્યાં છે. મોમ તો હું તેર વરસની હતી ત્યારે જ ગુજરી ગઈ હતી. ડેડને પણ છેલ્લાં દસેક વરસથી અલ્ઝાઈમર છે..! તું લકી છે કે તારા ભાઈઓ અને મોમ તો તારી સાથે છે..!”

સીમરને જોયું કે સેમી થોડી ઉદાસ થઈ ગઈ છે તો ફરી એને પોતા તરફ ખેંચીને કહે, “ફરગેટ એવરીવન. આપણે સાથે છીએ, બસ! બીજું શું જોઈએ!”

જોન જમી રહ્યો હતો. હાથ ધોઈને, પ્લેટ સિંકમાં મૂકતા એ કહે, “મોમ, હું ટીવી પર ‘પો પેટ્રોલ’ જોઉં?”

“ધેટ ઇઝ ફાઈન. ગો. ઓન્લી ૩૦ મિનીટસ, ઓકે?”

સેમી જોનને ઘડિયાળ બતાવીને કહે, ‘જોન, સાડા છ થયા છે. અડધો કલાક પછી રૂમમાં જઈને નાઈટસુટ પહેરીને સૂઈ જવાનું છે ઓકે?”

“ઓકે, સેમીમોમ.”

એટલીવારમાં જેમ્સ પણ હવે રમીને થાક્યો હતો. સીમરને જેમ્સને સ્પંચબાથ આપીને, દૂધની બોટલ આપી અને નીચેના સ્વીંગમાં સૂવાડ્યો.

સેમી કહે, “ચાલ, આપણે પણ જમી લઈએ. શેમ્પેઈન પીવાની ખૂબ મજા આવી.” સીમરને બધી વાનગીઓ ટેબલ પર મૂકી.

“અરે, તારે વાત કરવી હતી તે? તું તો ચૂપચાપ ખાઈ રહી છે!”

સેમી બોલી, “સીમી, બધી વાનગીઓ ખૂબ જ સરસ થઈ છે.” અને પછી સેમીએ હોસ્પિટલમાં કેટલા કોવિદના પેશન્ટ્સ આવ્યા, વગેરે અહીં ત્યાંની જનરલ વાતો કરવા માંડી. સીમરન સેમીની વાતમાં રસ લઈને સાંભળતી રહી.

બેઉ જમી રહ્યાં પછી સેમી, જોનને લઈને એનાં બેડરૂમમાં સૂવાડવા જતી હતી ત્યારે સીમરન કહે, “હું પણ જેમ્સને એના રૂમમાં સૂવડાવવી દઉં છું. આપણે પછી નીચે આવીને કિચન સાફ કરીએ, રાઈટ, બેબી?”

સેમીએ ચૂપચાપ ડોકું ધૂણાવ્યું.

સેમી જોનને સૂવડાવીને, પોતાના રૂમમાં ગઈ અને બેડ ઉપર ઊંધે મોઢે પડીને, તકિયામાં માથું નાખીને ડૂસકાં ભરી રહી હતી અને મનોમન સંવાદ પણ….. “આજના આ ડિનર પછી મારામાં હિંમત નથી કે હું એને કહી શકું કે આઈ સ્ટીલ લવ હર બટ નોટ ઈન લવ વિથ હર! કઈ રીતે કહું કે હું કોઈ બીજા સાથે પ્રેમમાં છું, અને એ પણ એક પુરુષના? કોવિદની પહેલી વેવમાં, હોસ્પિટલમાં આટલો બધો સમય સાથે કામ કરતાંકરતાં ક્યારે એની જોડે બેડમાં સૂવાયું…ને સૂવાતું જ ગયું! અને, બધું, ઓરગેનિક રીતે થતું રહ્યું… ! સીમી પ્રેગનન્ટ થવા માટેની હોરમોન ટ્રીટમેન્ટ લેતી હતી અને મૂડસ્વિંગ મેનેજ કરતી હતી. આ બાજુ હું બિલકુલ એકલી પડતી ગઈ. ત્યારે ડૉ. ઍજેયની કેર અને Chivalary- સ્ત્રી-દાક્ષિણ્ય મને ઈમ્પ્રેસ કરીને એના બેડ સુધી  જશે અને અવશપણે, હું પણ ખેંચાતી રહીશ એવી મેં કલ્પના જ નહોતી કરી! ઓ ગોડ.. આ મેં શું કર્યું..? હું પણ આ નવા સંબંધની લીલભરી ભૂમિ પર બસ, લપસતી ગઈ…! મને ક્યારેક એવું થતું પણ હતું કે, આ માત્ર “Lust”- કામેચ્છા છે, જે  જતી રહેશે! અને હું મને જ રોજ ધોખો આપતી રહી! સો મચ સો, કે મને હવે પુરુષ સાથે રહેવાનું, સૂવાનું ગમવા માંડ્યું છે અને સ્ત્રી સાથેનો સંબંધ ગમાડવાનું હવે મારા વશમાં રહ્યું પણ નથી…! ઓ મા, શું કરું? સીમી સાથે આટલાં વર્ષોનો સહવાસ.. એને ધોખો આપીને પૂરો કરું છું! મને માફ કર સીમી! પણ શું કરું, તારો સ્પર્શ મને હવે એ રીતે નથી ગમતો તો તારી સાથે રહેવું એ પણ એક રીતે તો દગો જ છે ને?

ડૉ. એજેય સાથે કેટલાયે વખતથી આ વિષે વાતો થયા કરે છે. આજે તો એમણે મને અલ્ટિમેટમ આપ્યું છે કે તેઓ એની પત્નીને ડિવોર્સ પેપર્સ આજે આપવાનાં છે અને મારે પણ સીમીને સત્ય હવે કહી દેવું જોઈએ. પણ સીમી? આ જંકશન પર એને આમ છોડી જતાં પહેલાં, ભગવાન, મીરેકલથી મારો જીવ જતો રહે તો કેવું સારું…! ઓ મા…!” પાંચેક મિનીટ આમ જ રડતી રહી…!

પછી સેમી ઊભી થઈ, આંસુ લૂછ્યાં અને સ્વગત કહે, “હવે સત્ય સ્વીકારીને, પરિણામ જે પણ આવે, મારે એને કહેવું જ પડશે.” પછી એણે મોઢું ધોઈને મેકઅપ કાઢી નાખ્યો અને નાઈટસુટ પહેરીને નીચે આવી.

ત્યાં સુધીમાં સીમરન પણ કિચનમાં આવી ગઈ હતી. એણે સેમીના ફુટસ્ટેપ સાંભળીને અલેક્સાને કમાન્ડ આપ્યો કે ફરી ”જસ્ટ ધ ટુ ઓફ અસ” માત્ર કિચનમાં જ સંભળાઈ એ રીતે વગાડે.

ત્યાં સુધી સેમી કિચનમાં આવી ગઈ હતી. “જસ્ટ ધ ટુ ઓફ અસ” વાગી રહ્યું હતું. સીમરન સાથે હમિંગ કરતી હતી ત્યારે સેમી અંદર આવી.

“સેમી, અવર સોંગ…! કેટલા વખતે નિરાંતે આજે આ ગીત સાંભળી રહ્યાં છીએ?”

સીમરને હજુ કપડાં બદલ્યાં નહોતાં પણ સેમી કપડાં બદલીને નાઈટસુટમાં, વિના મેકઅપ આવી હતી,

એ જોઈને સીમરન એની પાસે જઈને એને કિસ કરતાં કહે, “ડ્રેસ કેમ બદલ્યો? અને મેકઅપ પણ કાઢી નાખ્યો? તું બહુ જ સુંદર લાગતી હતી. રાતના આપણે સાથે બદલતને? કેટલા બધાં વખતથી આપણે એક રૂમમાં નથી સૂતાં? ચાલ, હવે કિચન સાફ કરીને સૂવા માટે જઈએ?” અને સીમરને સેમીને બાથમાં લીધી. સેમી કોઈ વિરોધ વિના ઊભી રહી.

સીમરનને હવે એ ધ્યાનમાં આવ્યું. એ બોલી, “શું થયું બેબી? બહુ થાકી ગઈ છે? કંઈ નહીં, સૂવા પહેલાં સરસ મસાજ કરી આપીશ. લેટ અસ ક્લીન-અપ એન્ડ ગો ટુ બેડરૂમ.” અને, સીમરને શેમ્પેઈનની બોટલ મૂકવા ફ્રિજનો દરવાજો ખોલ્યો.

અંતે, હિંમત કરીને સેમીએ સીમરનનો હાથ પકડીને, પોતા તરફ ખેંચીને એક શ્વાસે બોલવા માંડ્યું, “લિસન, મારે તને એ કહેવું છે કે છેલ્લાં  કેટલાય મહિનાથી આઈ એમ સ્લીપિંગ વીથ ડો. એજેય, માય કલીગ એટ વર્ક! એ પણ એની વાઈફને કાલે ડિવોર્સના પેપર્સ આપવાનો છે. તો મારે તને આજે તો કહી જ દેવું જોઈએ! મારે તને પહેલાં જ કહી દેવું જોઈતું હતું.. પણ હું હિંમત ન કરી શકી! આઈ એમ સોરી સીમી, મેં તને દગો આપ્યો છે. પણ હું શું કરું? એની જોડે હું મને પૂર્ણ થયેલી મળું છું. મને ખબર પણ ન પડી કે ક્યારે હું એના તરફ ખેંચાતી ગઈ! આઈ એમ સોરી, બિલીવ મી, મારે તને દુઃખી પણ નથી કરવી અને અધવચ્ચે છોડી પણ નથી દેવી. આઈ સ્ટીલ લવ યુ બટ મારાથી તારી સાથે એક બેડમાં….આઈ એમ વેરી વેરી સોરી! હું બેઉ બચ્ચામાંથી એકની જવાબદારી લઈ લઈશ…..!” સેમી જાણે લવારો કરતી હોય એમ બોલતી રહી.

અચાનક, સીમરને સેમીને બોલતી રોકવા એક હાથ ઊંચો કરીને, એની સામે એ રીતે જોયું કે સીમરનના મોઢા પર ગુસ્સો, હતાશા, વિશ્વાસઘાત, પ્રેમની નિષ્ફળતા- શેના ભાવ હતા એ જજ કરવું સેમી માટે મુશ્કેલ થઈ ગયું અને સેમી ડરી પણ ગઈ. સીમરનના હાથમાંથી મોંઘીદાટ શેમ્પેઈનની બોટલ છટકી ગઈ હતી….! બોટલ તો તૂટી ગઈ પણ આખા કિચનમાં શરાબ ઢોળાઈ ગઈ…! શેમ્પેઈનમાં ભીંજાયેલા ડ્રેસ સાથે સીમરન એમની એમ પૂતળું બનીને થીજી ગઈ હતી!

સેમી સીમરનનો હવે હાથ પકડીને રડવા માંડી અને કહે, “આઈ એમ સોરી, વોટ એલ્સ કેન આઈ સે? સીમી, મને ખરેખર ખબર નહોતી કે મને એજેય સાથે, એક પુરુષ સાથે આમ આટલો પ્રેમ થઈ જશે, કે હું તારી સાથે ફરી….!” સેમી ડૂસકાં ભરીભરીને સીમરનનો હાથ પકડીને રડતી રહી.

સીમરન નામનું પૂતળું, કોઈ પણ હાવભાવ વિના, સ્તબ્ધ શૂન્યતાના આવરણ હેઠળ ઊભું હતું!

સેમી રડતાંરડતાં, સીમરનના પગ પાસે ઢોળાયેલા શેમ્પેઈનમાં બેસીને બોલતી રહી, “સીમી, કંઈક તો બોલ, કંઈક તો કર! મને માર, મને ગાળો આપ, ઘરમાંથી કાઢી મૂક પણ આમ મૂઢ થઈને ઊભી ન રહે! હું તારી ગુનેગાર છું. મેં તારો ભરોસો તોડ્યો છે…!  પ્લીઝ, કંઈક તો બોલ! કંઈક તો કર! સીમી, સીમી….!”

સીમરનની આંખો અને ચહેરા પરની શૂન્યતા વાતાવરણને અને સેમીને નાગ બનીને ડસી રહી હતી.

આ જોઈને, ડરી ગયેલી અને ઢોળાયેલી શરાબમાં નીતરતી સેમી ઊભી થઈ. પછી સીમરનને એનાં ખભેથી પકડીને હલબલાવતી રહી…! “પ્લીઝ, સીમી, મને ડર લાગે છે.. સીમી.. કંઈક તો બોલ! કંઈક તો કર! સીમી, સીમી….!” સેમી બોલતી રહી…!

સીમરન શું કરે?

અસ્તુ..!   

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.