તમસો મા જ્યોતિર્ગમય (વાર્તા) ~ નીલમ દોશી (મુંબઈ)

અષાઢની અફલાતૂન રાતનાં અંધારા અવનિપટને આવરી રહ્યાં હતાં. પળ-વિપળ સૃષ્ટિને અજવાળતી, અંધકારના આતંકને વધુ પ્રગાઢ બનાવતી વીજ આભના આંચળમાં આંખમિચોલી ખેલી રહી હતી. કોઇ અજ્ઞાત ભયથી તેનું અંતર ફફડતું હતું. એક વર્ષનાં પ્રસન્ન મધુર દાંપત્ય બાદ આજ પહેલી જ રાત તે પતિ સાહિલ વગર પસાર કરતી હતી, અને તે પણ આવી કરાલ રાત! કારણ કે સાહિલ દિલ્હી ખાતે ભરાનાર “તબીબ પરિષદ”માં ભાગ લેવા ગયો હતો.

આખો દિવસ સારિકાએ ખૂબ જ બેચેનીમાં વિતાવ્યો. રાતની આંધીએ તેના અંતરમાં ભયનો સંચાર કર્યો. તે બારીના પારદર્શક કાચમાંથી કુદરતની કરાલતા જોઈ રહી. નિબિડ અંધકાર, અંધકારને આંબવા મથતી વીજના નિષ્ફળ ઝબકારા, વરસતો ગાંડોતૂર વરસાદ… આ બધું જોઇને તે અત્યંત અસ્વસ્થ બની ગઈ.

ત્યાં અચાનક બારણા પર ટકોરા થયા. “આવી તોફાની રાતે કોણ હશે ?” તેના મનમાં પ્રશ્ન થયો. તેણે ધડકતા દિલે બારણું ઉઘાડ્યું. આગંતુક પર દૃષ્ટિ પડતાં તે મૂઢ બની ગઈ.

સારિકા! ન ઓળખ્યો મને?” આગંતુકે મિષ્ટતાથી પૂછ્યું.

સારિકાએ સ્વસ્થતા પ્રાપ્ત કરતાં કહ્યું  : “તને ન ઓળખું સમીર? તેના સ્વરમાંથી વિષાદ ટપકતો હતો. “પરંતુ આ સમયે અચાનક?”

ભયંકર વરસાદને કારણે ટ્રેન ચાર કલાક મોડી થઈ એટલે  આ વરસાદી રાતમાં સમય પસાર કરવા વંટોળની જેમ આવ્યો અને આંધીની માફક વહેલી સવારે જતો રહીશ. તું તો મને સંસારની ભુલભુલામણીમાં ભૂલી ગઈ.”

પરાણે સ્મિત કરી સારિકા બોલી , “આવ્યો તો સારું કર્યું, પરંતુ કયા કારણસર આ ગામમાં આવ્યો હતો?”

ગુજરાતના અગ્રગણ્ય  સાહિત્યકારો સાથે સ્નેહસંમેલન યોજાયું હતું, તેમાં હાજરી આપવા.”

અચાનક સમીરે પૂંછ્યું: “અરે સારિકા, તારા પતિદેવ ક્યાં છે, એ તો પૂછવાનું જ ભૂલી ગયો.“

તેઓ “તબીબી પરિષદ”માં હાજરી આપવા દિલ્હી ગયા છે.

સારિકા… તું સુખી તો છે ને?” આ સવાલ પૂછાતા સારિકા ગંભીર થઈ ગઈ. છતાં આનંદનો આંચળો ધારણ કરતાં બોલી: “મારે શું દું:ખ હોય? પૈસો છે… પ્રતિષ્ઠા છે… પ્રેમાળ પતિ છે… હું સુખી છું. ખૂબ સુખી છું.”

બહુ આનંદની વાત છે.” સમીરે પ્રસન્નતાથી કહ્યું. નિજાનંદમાંથી બહાર નીકળી તેણે જોયું હોત તો જોઈ શકત કે સારિકાની આંખોમાં ઝળઝળિયાં ભરાઈ આવ્યાં હતાં.

સારિકા! બની શકે તો સવારે પાંચ વાગે મારે નીકળી જવાનું છે. ઊઠી તો જઈશ પણ મુસાફરીનો થાક છે, માટે ઊઠી નહીં શકું એટલે હવે હું સૂઈ જાઉં.” સમીરના આગમને સારિકાના અંતરના અગોચરમાં ભંડારેલી મૂર્છિત સ્મૃતિ પુન: જાગ્રત બની. સળવળી ઊઠેલાં સંસ્મરણોને તેના નયનપટ પર ભૂતકાળને તાદૃશ્ય કર્યો. સારિકા નાનપણથી જ સમીરને ઓળખતી હતી. બન્નેનાં કુટુંબ વચ્ચે પણ સારો સંબંધ હતો. 

સારિકા સમીર તરફ મુગ્ધ અવસ્થામાં જ આકર્ષાઈ ચૂકી હતી. યૌવનના પૂર્ણ વિકાસ સાથે સારિકાનું સમીર પ્રત્યેનું આકર્ષણ ચરમ સીમાએ પહોંચ્યું. સમીર પણ સારિકાની ભાવના-લાગણીઓને ન સમજી શકે એટલો નાદાન નહોતો. પરંતુ સુખસમૃદ્વિમાં ઊછરેલ અને નાતજાતમાં માનનારા તેના પિતા લગ્ન માટે રજા નહીં આપે, તેની પ્રતીતિ થવાથી તેણે કદી પણ સારિકાની લાગણીને પ્રોત્સાહન આપ્યું નહોતું.

પિતાએ પસંદ કરેલ તબીબ સાહિલ સાથે સારિકાનાં લગ્ન થતાં તે પતિગૃહે આવી. બંગલો… નોકર….. ચાકર… અને પતિનો ગૂંગળાવી નાખનાર પ્રેમ…. છતાંયે તેનું મન ન્યૂનતા અનુભવતું હતું. સમીરની યાદ આવતા તે ઉદાસ બની જતી. શારીરિક રીતે વફાદાર રહેવા છતાં માનસિક રીતે તો પોતે પતિદ્રોહ કરી રહી હતી. આ શલ્ય તેને સતત ખટકતું. કાળના વીતવા સાથે સમીરને ભૂલી ગૃહસંસારમાં ચિત્ત પરોવવામાં તે થોડી સફળ થઈ હતી. ત્યાં જ તે નજર સામે આવી ગયો.

ઊંઘમાં સમીરને જોઈ તેનો સંયમ તૂટવા લાગ્યો. પરાણે કચડી રાખેલી લાગણીઓ બમણા જોરથી ભભૂકી ઊઠી. તેનું હૃદય જોરથી ધડકવા લગતાં તે સમીર પાસે આવી તેને ચુંબન કરવા તેની તરફ ઝૂકી. ત્યાં તો વીજકડાકો થયો અને વીજના પ્રકાશમાં તેની નજર દીવાલ પર ઝૂલતી સાહિલની સસ્મિત તસ્વીર પર પડી. કેટલી સ્નિગ્ધતા અને શ્રદ્ધા ટપકતાં હતાં એ તસવીરમાં! તેમાં અંતરમાં પશ્ચાત્તાપનો દાવાનળ પ્રજળી ઊઠ્યો. તેની આંખમાંથી અશ્રુઓ વિશુદ્ધિનાં વારિ બની વહેવાં લાગ્યાં હતાં. તોફાની કરાલ રાત પૂરી થઈ.

વહેલી સવારે સમીરે રજા લીધી. ત્યારે પ્રત્યુષનું સ્મિત ધરતીને અજવાળતું હતું અને નજીકના મંદિરમાંથી પૂજારીની પ્રાર્થનાનો બુલંદ મધુર સ્વર વાતાવરણમાં ગુંજતો હતો.

~ નીલમ દોશી (મુંબઈ)
nilamdoshi54@gmail.com | +91 9820291777
(પ્રકાશન સૌજન્ય: ગુજરાત મેઈલ) 

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. સુ શ્રી નીલમ દોશી ની તમસો મા જ્યોતિર્ગમય સ રસ વાર્તા