શ્રદ્ધાદીપમાં તેલ કદી ખૂટતું નથી (પ્રકરણ : 4) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા

પ્રકરણ : 4 ~ શ્રદ્ધાદીપમાં તેલ કદી ખૂટતું નથી

હું શાળાનાં દિવસોથી નાટકમાં કામ કરતી હતી ત્યારે અમારા ફૅમિલી હિસ્ટોરિયન બિંદુબહેને રહસ્યસ્ફોટ કર્યો, આપણે ભૂતાનિવાસમાં બચ્ચાપાર્ટી હતા ત્યારે ત્રણેય બહેનોએ નાટકમાં ભાગ લીધો હતો. બાએ નાટક કરેલું, એમાં બા પણ હતી.

ખરેખર! લો, આ તો મારે માટે નવાઈની વાત હતી. મુંબઈ પાછા આવ્યા ત્યારે પણ એમનું સ્વાતંત્ર્ય ચળવળમાં કંઈ ને કંઈ યોગદાન તો રહેતું. પપ્પા ‘રણજીત’ની એમની ફિલ્મોમાં, લેખનમાં સ્વાતંત્ર્ય અને દેશપ્રેમની વાતો ગૂંથી લેતા. બાએ ભૂતાનિવાસમાં મહિલામંડળ શરૂ કરેલું એની નેમ કે ગૃહિણીઓ ઘરનો ઉંબર ઓળંગે અને એમની દેશપ્રેમની વાટ પણ સંકોરાતી રહે.

ભૂતાનિવાસનાં કંપાઉન્ડમાં સ્વાતંત્ર્યસંગ્રામ પરનાં કાર્યક્રમમાં બાએ નાટિકા તૈયાર કરી હતી જેમાં બા બ્રિટિશ સૉલ્જરનાં કૉસ્ચ્યુમમાં (મગનલાલ ડ્રેસવાલનાં ભાડૂતી ડ્રેસમાં જ સ્તો!) સોટી સાથે રુઆબદાર ધસમસતી એન્ટ્રી કરી કોઈની ધરપકડ કરે અને અમે ત્રિમૂર્તિ સિસ્ટર્સ એનાં પગ પકડીને રડીયે. જોરદાર ભેંકડો.

બિંદુબહેનને પણ એક દૃશ્ય યાદ, એમાં તો અમારી પર કંઈ રુઆબ છાંટે! – મારે પગ પકડવાની ઍક્ટિંગ કરવાની અને તમારે ભાગે ખાલી રડવાનું તો કોઈવાર કહેશે, ઊંડો વિચાર કરું છું, ત્યારે યાદ આવે છે, તું તો નાની ટબૂડી, તને લીધી જ નહોતી નાટકમાં. પછી એમનાં સિગ્નેચર ટ્યૂન જેવું જોરદાર હસતા.

ભલે, જે હોય તે. હું પ્રેક્ષક હતી કે ઍક્ટર પણ ભરચક્ક કંપાઉન્ડમાં હું ત્યાં હતી તો ખરીને! આઇ વોઝ અ પાર્ટ ઑફ ધ સીન. રંગમંચનો લગાવ ત્યારથી જ હશે! જાણે હું વિંગમાં ઊભી હતી અને અનેક કાર્યક્રમોનો સિલસિલો શરૂ થવામાં હતો એ તો નક્કી. બસ, તખ્તા પર એન્ટ્રી કરવાની રાહ જોવાની હતી.
* * *
ચાલી કલ્ચર એટલે રખતરખાનો સંબંધ અને સંયુક્ત કુટુંબ જેવું સમૂહજીવન.

ચળવળનાં દિવસોમાં મુંબઈમાં હિંદુ-મુસ્લિમનાં ભયાનક હુલ્લડો ફાટી નીકળે. છરાભોંક, ગોળીબારનો છુટ્ટો દોર અને બૉંબ ફૂટવાના બનાવોમાં મુંબઈ ભડકે બળી રહ્યું હતું. અમારા પાડોશીને ટ્રામનાં પાટા પર છરો ભોંકી દીધો હતો અને લાશ ત્યાં રઝળતી હતી.

હોંશથી ‘પરદેશ’ નવી જિંદગી શરૂ કરવા આવેલા લોકો બિસ્તરા પોટલા બાંધી મુંબઈ છોડી રહ્યા હતા. ઘરને તાળા માર્યા હતા. પાછું ફરાશે કે નહીં એની પણ ખબર નહોતી. બા અમને કહેતી, દાદર અને બૉમ્બે સેન્ટ્રલ સ્ટેશન પર પ્લૅટફૉર્મથી લઈ છેક ઉપરની ઊંચી સિલિંગ સુધી સામાનનાં ઢગલા હતા. ડુંગર જોઈ લો.

અમેય જવાની તૈયારી કરી ત્યાં ટાંકણે જ ભાઈ મેનેનન્જાઇટીસની ગંભીર બીમારીમાં પટકાયો. ચારપાંચનાં ધગધગતા તાવમાં એ બેભાન. નજીકની ઇરાની હોટલમાં પપ્પાની ચાની રોજની બેઠક. એણે માંડ માંડ થોડા બરફની વ્યવસ્થા કરી આપી હતી. શહેરની આવી સ્થિતિમાં ઍમબ્યુલન્સ હૉસ્પિટલની શક્યતા તો શૂન્યવત્! એકમેકને જીવ્યામર્યાના જુહાર કરી ચાલી ખાલી થઈ રહી હતી. પણ એકબે કુટુંબે બાંધેલા પોટલા છોડ્યાં, આપણાં પાડોશી આચાર્યભાઈનો શિશીર સિરિયસ છે, એમને છોડીને કેમ જવાય! જે થવાનું હશે તે થશે.

પપ્પાએ કહેલી એક વાત આજે પણ મને યાદ છે; અન્નજળ છોડી તમારી બાએ સ્નાન કરી ભીના વસ્ત્રે માતાજીના નાના મંદિરમાં દીવો કર્યો અને પ્રાર્થના કરતી રહી. રાતનાં શ્યામલ ખળખળ વહેતા જળ પર એક માએ શ્રદ્ધાથી પ્રાર્થનાદીપ તરતો મૂક્યો હતો. ઊગતી ઉષાનાં મૃદુ ઉજાસમાં એ દીપકનું તેજ ભળી ગયું. ધીમે ધીમે થર્મોમીટરનો પારો નીચે ઊતરતો ગયો. સવારે બા મને ભૂખ લાગી છે કહી શિશીર ઊભો થયો.

ડૉક્ટરને પૂછ્યું, “શિશીરને શું ખાવાનું અપાય?”

ડૉક્ટરથી બોલાઈ જવાયું, “ખાવાનું? એટલે કે… એ હજી…”

હા, શિશીર જીવે છે. પપ્પા કહેતા એ દિવસે મેં પ્રાર્થનાની શક્તિનો ચમત્કાર નજરોનજર જોયો.

પછીથી અમે ભાઈબહેનો પણ માતાપિતાનાં જીવનમાં અન્ય ચમત્કારોની સાક્ષી બન્યાં છીએ. મારા જીવનમાં પણ મને એ અનુભવ થયો. એકવાર અચાનક, મારી બંને નાની દીકરીઓને એકસાથે હાઈ ફીવર. પણ શિવાનીનો તાવ વધતો ચાલ્યો અને આખું શરીર લાલચોળ. એ બેભાન થઈ ગઈ. મુંબઈની ગિરદીમાં ડૉક્ટર જલ્દી કેમ પહોંચે! વર્ષો પહેલાં બાએ મા પાસે કરેલા અખંડ દીપનો ઉજાસ મારા મનને અજવાળતો હતો. મેં આરતથી પ્રાર્થના કરી, ત્યાં  ડૉ. નવનીતભાઈ શ્વાસભેર દાખલ થયા. એમની સાથે ભાઈ જેવો સંબંધ. એ ચંપલ પહેરવાય રોકાયા ન હતા. ત્યાં સુધીમાં શિવાનીનું શરીર લાકડા જેવું સખત અને ધીમા પડતાં શ્વાસ. ડૉક્ટરે ઇંજેક્શન આપ્યું, હું અને મહેન્દ્ર ઉપરવાળાને સાદ પાડતા રહ્યા. શિવાનીએ આંખ ખોલી અને પાણી માગ્યું. તાવ ઊતરતો ચાલ્યો.

શ્રદ્ધાદીપમાં તેલ કદી ખૂટતું નથી.
* * *
યોગાનુયોગની એક વાત બા કહેતી. જાપાન તોપનાં ગોળા લઈ મુંબઈ બંદરે આવી ઊભું હતું. લોકો લેવાય તે લઈ મુંબઈ છોડી ભાગી રહ્યા હતા. પપ્પા અને બાએ પણ ઉચાટમાં મુંબઈ છોડ્યું. સાથે કોઈ કેટલું લઈ જઈ શકે! તોય મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશને લોકોની ભીડ અને સામાનનાં હિમાલય જેવા ડુંગર.

બા પાસે જે કંઈ હશે તે નાની બૅગમાં. સ્ટેશન પરની હૈયે હૈયું દળાય એવી ભીડમાં અમારી જીવાદોરી સમી એ બૅગ બાનાં હાથમાંથી અદૃશ્ય! બા- પપ્પા રઘવાયા થઈ શોધે તો ક્યાં શોધે! ઉપર સિલિંગ સુધી સામાન ભરેલી અસંખ્ય ટ્રોલીઓ, ચારેબાજુ બિસ્તરા પોટલા, બૅગો. આ જમેલામાં નાની ગ્રૅ કલરની બૅગ તો દરિયામાં કાંકરી! સાથે ચાર નાનાં બાળકો અને ગિરદીમાં છુટ્ટા પડવાનો ભય, ભાગમભાગ જેવા કપરા દેશકાળની ભયંકર સ્થિતિ. યુદ્ધનો તોળાતો ભય અને અનિશ્ચિત ભવિષ્યનો કાળજે ફડફડાટ. એમાં એક માત્ર જીવનાધાર. દરદાગીના કે જે રોકડ હશે તે તો ગઈ. હવે?

હિંમત હાર્યા વિના અમને પકડી બા ઊભી હતી. પપ્પા ચોતરફ દોડવા મથે, પણ ગિરદીની ભીંસમાં જવુંય ક્યાં! બા મનોમન સતત પ્રાર્થના કરતી રહી અને બરાબર બાની પાસેથી જ ઠેલણગાડીમાં બૅગો અને પોટલાનાં ડુંગર ખડકીને મજૂર નીકળ્યો, બાની નજર તે ક્ષણે પડી, સૌથી નીચે દબાયેલી, સાવ નાની બૅગનાં હેન્ડલ પર. બાએ તો તરત જ બૅગ ખેંચવા માંડી, આજ મારી બૅગ અને હા, એ અમારી જ. બૅગ હતી. બા કહેતી, મને આજેય સમજાતું નથી, ગીચોગીચ સામાનના ડુંગરોમાંથી મારી જ પાસેથી એ મજૂર પસાર થાય. બૅગને કેવી રીતે મેં ઓળખી અને મળી પણ ગઈ!

પછી અમે લાંબો સમય ખારાઘોડા મારા મામાને ત્યાં રહ્યા હતા અને મુંબઈ પર સતત હુલ્લડોની લટકતી તલવાર નીચે અસંખ્ય લોકોની જેમ અમે પણ મુંબઈ એની ચુંબકીય શક્તિ વડે પાછાં ફર્યાં હતાં.

અમારે મને મુંબઈ પરદેશ નહીં. એ જ અમારો ‘દેશ’.
* * *
ચાલી સિસ્ટમ તો લોકપ્રિય હતી જ પણ ત્યારે નવા અને મોટા ઘર બંધાવા લાગ્યા હતા. તમારો જ સ્વતંત્ર આવાસ. આજની ભાષામાં ફ્લૅટ. પપ્પાએ માટુંગામાં જ, ચંદાવરકર રોડ પર ચાર ઓરડાનું ઘર – થ્રી બેડરૂમ ફ્લૅટ-ભાડે લીધો. ત્યારે ઘર મળવું સહેલું હતું. ઘણાં ઘરો પર પાટિયાં ઝૂલતાં, અહીં સજ્જનોને ભાડેથી ઘર મળશે. અમે એ સરસ મોટા ઘરમાં રહેવાય ગયાં પણ બાને આ બંધ પટારા જેવું ઘર ન ગમ્યું. ચાલીમાં સહુ સાથે હળીમળીને રહેતાં હતાં એનો ઝુરાપો. ફરી એ ઘર છોડી અમે ભૂતાનિવાસ આવી ગયાં.

નાની સરખી આ વાત.

પણ આજે વિચારું છું એ કેટલી મહત્ત્વની ઘટના હતી! જો અમે એ ફ્લૅટમાં જ રહ્યા હોત અને ભૂતાનિવાસનું ઘર ખરેખર છોડી જ દીધું હોત તો શું મારા કુટુંબનું જીવન જુદું જ હોત! અમારી સાથે અસંખ્ય દુર્ઘટનાઓ ઘટી, તે કદાચ ઘટી જ ન હોત!

જો જાનકીનાથને પણ ખબર ન હોય કે કાલે શું થવાનું છે તો તો મનુષ્ય વળી તે કોણ?
* * *
પછી એક અકલ્પનીય ઘટના બની. અને આઘાતજનક પણ.

અમારું સહુનું વહાલું ઘર. બાને તો હૃદયમ્ દ્વિતીયમ્. બાએ ખૂબ લગાવથી શણગારેલું. ફિલ્મ પૂરી થાય ત્યારે પપ્પા બાને ગમતી વસ્તુઓ ખરીદી લે. એક કાચનો કબાટ આવી સુંદર વસ્તુઓથી જ સજાવેલો. લક્ષ્મીજીની એક મોટી મૂર્તિ બાને ખૂબ જ ગમતી. ચાલીનું આગવું વિશ્વ, પાડોશીઓ સાથે સ્નેહસંબંધોની રેશમગાંઠ અચાનક છૂટી ગઈ હંમેશ માટે. અમારું પ્રિય ચમકદમકભર્યું માટુંગા અને ભૂતાનિવાસ.

અમારો સંબંધ એક જ ઝાટકે ખતમ!

શું કામ અને કેવી રીતે એ બાળમાનસને કઈ રીતે સમજાય! ભાવિનાં ગર્ભમાં શું છૂપાયું છે તેની માતાપિતાને પણ ક્યાંથી ખબર હોય!

જેમ મોટા થતા ગયા એમ સત્ય ઉજાગર થતું ગયું ત્યારે ઊંડા આઘાતથી હું સ્તબ્ધ! દુનિયાદારીનો એ પહેલો જ પાઠ શીખવા મળ્યો. જે ચાલીએ અમને અઢળક વહાલ કર્યું, પોતાપણું આપ્યું હતું, એ જ ચાલીએ અમારું સર્વસ્વ ઝૂંટવી લીધું. એના ઓળા અમારા સહુનાં જીવન પર વર્ષો સુધી પથરાયેલાં રહ્યાં.

એ અમારું જ ઘર હતું અને અમારી જ પાસે રહ્યું હોત તો અનેક દુર્ઘટનાઓ નિવારી શકાઈ હોત. જીવન જુદી જ દિશામાં ફંટાઈ ગયું. એ રસ્તે ન છાંયો, ન વિશ્રામ.

હવે જીવનનાં એક નવા અધ્યાયનો આરંભ થવાનો હતો અને અમે એથી સાવ અજાણ હતા.
* * *
મારી ઝબૂક ઝબૂક થતી દૃષ્ટિમાં બદલાતું દૃશ્ય મને દેખાઈ રહ્યું છે.

મુંબઈથી હવે જામનગર.

અમે જામનગર રહેવા આવી ગયાં છીએ. મુંબઈ અને જામનગર. સાવ સામસામા છેડાનાં બંને શહેર. ઝાકઝમાળ, ચમકદમક સૃષ્ટિમાંથી એક ‘દેશી’ રજવાડામાં. 1944-45નો સમય હશે. હું ચારપાંચ વર્ષની હોઈશ.

પેલું ઝગમગતું સૂર્યકિરણ શૈશવનાં વર્ષોને અજવાળે છે. હા, સ્મૃતિ અકબંધ છે. બ્લૅક ઍન્ડ વ્હાઇટ ફિલ્મ જોતી હોઉં એમ દેખાય છે અમારું ઘર, સોલેરિયમની સામે જ. સૂરજ સાથે ફરતું, એનાં આશીર્વાદ ઝીલતું. ચોતરફ છે વિશાળ નિર્જન પટ. સોલેરિયમ સામે છે બે મકાન. બે લીમડાનાં વૃક્ષો અને લીમડા પર બેસી નિરાંતે પાક્કી પીળીચટ્ટ લિંબોડી હું ખાતી.

જામનગરમાં જામસાહેબનું રજવાડું. અહીં અમારા પ્રિય માટુંગાની કશી ઝાકઝમાળ નથી. વિશાળ ધમધમતા રસ્તાઓ, લાલપરી જેવી ટન ટન કરતી ટ્રામ, ઈરાની રેસ્ટોરન્ટ્સ, ભવ્ય થિયેટરો, દક્ષિણ ભારતીય કલાત્મક મંદિરો, ફિલ્મોમોની ગ્લેમરસ સૃષ્ટિ, ફળ, ફૂલ અને શાકભાજીની અઢળક દુકાનો, ચાલીઓમાં વસતી પંચરંગી વસ્તી, દેશીનાં નાટકો, ઘૂઘવતો દરિયાકિનારો…

જામનગરમાં પગ મૂકતાં, જાદુઈ છડી ફેરવી હોય એમ મોહમયી મુંબઈ અદૃશ્ય!

એક માળનાં બે મકાન. પહેલે માળે અમારી સામેના બ્લોકમાં કૃષ્ણમૂર્તિ રહે, તેમની પુત્રી યામિની કૃષ્ણમૂર્તિ પછીથી પ્રખ્યાત ડાન્સર બની. નાની દીકરી જ્યોતિષ્મતી, જ્યોતિ. રખડપટ્ટીમાં એ મારી ભાગીદાર. લીમડાની ડાળી અમારી બેઠક. રમવાની પ્રિય જગ્યા સોલોરિયમ. સોલાર ટ્રીટમૅન્ટની હૉસ્પિટલ. બે હાથમાં પહોળા કરી ઊભું હોય એવું મકાન. રંગીન કાચની પેનલો જડેલી. હું અને જ્યોતિ એમાં ઘૂસી જતા.

ઘોડાગાડીમાં લોકો ટ્રીટમૅન્ટ માટે આવે ત્યારે સ્તબ્ધ નીરવતામાં ઘોડાનાં ટપટપ ડાબલાં ગાજતાં. સૂરજ નમે એ પહેલાં દર્દીઓ ઘોડાગાડીમાં પાછા ફરતાં. સાંજ પછી ઘેરો સન્નાટો. ગામ બહારનાં એ બે જ મકાનો. ન વસ્તી. ન વાહનવ્યવહાર.

ચાર ફ્લૅટનું એક મકાન. બાજુના મકાનમાં આયુર્વેદ કૉલેજના વિદ્યાર્થીઓની હૉસ્ટેલ. આજની પ્રખ્યાત આયુર્વેદ યુનિ.ની એ પહેલાં જ વર્ષની હૉસ્ટેલ. ભાઈને અહીં મિત્રો મળી ગયા.
* * *
વર્ષો પસાર થતાં ધીમે ધીમે અમે મુંબઈથી જામનગર કેમ આવ્યાં એ રહસ્યનો ઉઘાડ થતો ગયો.

જામનગરનાં રાજા જામસાહેબે રાજ્યનું પ્રેસ ‘આયુર્વેદિક મુદ્રણાલય’માં ‘ચરકસંહિતા’નાં દળદાર ગ્રંથો પ્રગટ કરવાનું કામ પપ્પાને સોંપેલું. પછી પપ્પાએ પોતાનું પ્રેસ પણ મમ્મીનાં નામથી શરૂ કરેલું ‘નીલા પ્રિન્ટરી’.

બંને પ્રેસ સરસ ચાલતા હશે કારણ કે મને યાદ છે ઘરમાં છલોછલ સમૃદ્ધિ. જામનગરમાં સુખી ઘરનાં લોકોને બંગલે ઘોડાગાડીનાં ઘોડા હણહણતા હોય. અમારે ત્યાં ઘેરા લીલા રંગની ઓપલ કાર. પપ્પા-ભાઈ બંને ડ્રાઇવિંગ કરે પણ ઇબ્રાહીમ અમારો ડ્રાઇવર. અમે કારમાંથી ઊતરીએ એટલે દરવાજો ખોલી સલામ કરે. અમે બહેનો તો શું હરખાઈએ! એ સમયે કાર હોય તો જાણે હાથી આંગણે ઝૂલે છે એવી તે શી વાત!

મુંબઈ, માટુંગામાં તો અમારું ચાલીનું સૌથી સરસ શણગારેલું ઘર હતું જ. બાનો કાચનો કબાટ નાનું સરખું મ્યુઝિયમ. અને હવે અહીં જામનગરમાં પણ ચાર રૂમ(આજનો ફોર બેડરૂમ)નો બ્લોક. સાગસિસમનો મોટો ઢોલિયો હતો. અસ્સલ રજવાડી ઠાઠમાઠનો. ચારેબાજુ (મચ્છરદાની માટે) ઊંચા ચાર મિનારા જેવા સ્તંભ. ઉપર ચડવા માટે પગથિયા હતા. મારો મનગમતો. એમાં નિંદર આવે ત્યારે રાજકુંવરીની ફિલિંગ આવે.

હવે અમારા બબ્બે ભર્યાભાદર્યા ઘર. માટુંગાનાં ઘરની ચાવી પાડોશમાં રહેતી. પરીક્ષા વખતે કે પ્રસંગ હોય ત્યારે ઘર વાપરે. પપ્પાને મુંબઈ કામ હોય ત્યારે ત્યાં રહે. બધાં વર્ષો જૂનાં સગાંથીયે અધિક પાડોશીઓ. સહુ પર અઢળક વિશ્વાસ. એટલે ઘરનું શું થશે એનો લગીરેય ઉચાટ નહીં.

અમારા મકાનનાં ભોંયતળિયે ધોળકિયાસાહેબ સપરિવાર રહે, એ પણ રાજ્યસેવામાં. તેમના બે દીકરા ઉપેન્દ્ર, શરદ અને બાજુમાં હૉસ્ટેલના વિદ્યાર્થીઓ. અમારો આ નવો પરિવાર.

ધીરે ધીરે આ નાનું નગર અને અમે એકમેકને કોઠે પડવા લાગ્યાં.
* * *
બા જ્યાં જાય ત્યાં પ્રવૃત્તિ તો ગાંઠે જ બાંધેલી. અહીં બાલકન જી બારી, શિવાજી પાર્ક જેવો સ્વિમિંગ પુલ ન હતો. ન ચીનાઓ ચીનાઈ રેશમની સાડીઓનાં પોટલા લઈને વેચવા આવતા. ચાલીમાં સાથે મળી સાડીને લેસ પટ્ટા મૂકવાના કે મોતીનાં તોરણ બનાવવા, સેરસપાટા કરતું, ગૃહિણીઓનું ગ્રુપ ન હતું. દેશી નાટક સમાજનાં વન્સમોરની ગુંજ તો હોય જ ક્યાંથી!

પણ બા એટલે બા. જાસૂસની જેમ મહિલામંડળનું પગેરું એણે અહીં પણ શોધી કાઢ્યું અને થોડા વખતમાં તો મંડળની ઉપપ્રમુખ પણ બની ગઈ. ભૂતાનિવાસની જેમ અહીં પણ નાની નાટિકાઓ, ગીત-સંગીત, ગરબા-નૃત્યનાં કાર્યક્રમો કરાવે. અમે જ અમારા કોરિયોગ્રાફર, ડ્રેસ ડિઝાઇનર – ઓલ ઇન વન. બા પાસે રૅકોર્ડ્‌‌ઝનો ભરપૂર ખજાનો તો હતો જ. હું બાની સ્ટાર ડાન્સર. એ સમયની પ્રચલિત ફિલ્મની રૅકોર્ડ બા મૂકે. હું આમતેમ હાથ વાળું, પગનાં ઠુમકાં મારું કે નૃત્ય કર્યાનો હૈયે હરખ કાંઈ ઊભરાય! શાસ્ત્રીય નૃત્ય કરતી નૃત્યાંગના જેવા ચામડે મઢેલા પિત્તળના ઘૂઘરા પણ બાએ ખરીદેલા જે મેં વર્ષો સુધી સાચવેલા.

આજુબાજુનાં ગામોમાં પણ મંડળ કાર્યક્રમો કરવા જતું યાદ છે. એક વાર બસ કરી ગોંડલ ગયેલાં. ત્યારે કોઈ બહેને પહેલી જ વાર જામનગર બહાર પગ મૂકેલો અને એ રડી પડેલાં.

એક પ્રસંગ મને બરાબર યાદ છે. જામસાહેબ પરદેશ ગયા હતા અને બીજુંય કોઈ કારણ હશે, એમનો ભવ્ય અભિવાદન સમારંભ હતો. વિશાળ અલંકૃત મંડપ, દરબારીઓ, રાજાઓ, શહેરનાં નામાંકિત સજ્જનોથી ખીચોખીચ. મારે સ્વાગતનૃત્ય કરવાનું હતું. બાએ મને શણગારી હતી. ગીત-નૃત્ય તો યાદ નથી, પણ પૂરું થતાં તો હું છમ્મક છમ્મક ચાલી કે કોઈએ આવી મને રાજા સન્મુખ સવળી ઊભી કરી, હાથમાં રૂપિયાની નોટો મૂકી અને મને પાછે પગે લઈ જવાઈ. રાજાને પીઠ ન બતાવાય એની નાની બાલિકાને શી ખબર!
* * *
સ્મૃતિ અકબંધ છે. વર્ષ-તારીખની ખરાઈ કરવા ગુગલની મદદ લઉં છું, 1946ની 1લી જુલાઈએ આયુર્વેદનાં અભ્યાસ માટે આ કૉલેજનો આરંભ ‘ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય’. વિદ્યાર્થીઓની પ્રથમ જ બૅચ અમારી બાજુનાં મકાનની હૉસ્ટેલમાં.

ગુલાબકુંવરબા

આજે વિચારું છું ચાલીસીના દાયકામાં મહારાણી સ્ત્રીશિક્ષણનાં કેવાં હિમાયતી હશે કે મહિલાઓ માટે પણ આયુર્વેદનાં શિક્ષણની સુવિધા અને હૉસ્ટેલ! એ સમયે અવશ્ય ક્રાંતિકારી પગલું હશે.

ગુલાબકુંવરબાએ એમનાં મહેલમાં જ કન્યાશાળા શરૂ કરી હતી. એમાં ભણતાં અમારો શો રાજવી ઠાઠ! ઝરૂખાઓ, કોતરેલી કમાનો, ગુંબજો અને મિનારાઓ, વિશાળ પટાંગણમાં સ્પોર્ટ્સ. રીસેસમાં એ મહેલમાં રમવાની એટલી મજા પડતી!

આયુર્વેદ કૉલેજનાં કૉમ્પ્લેક્સમાં ઑડિટોરિયમનો શાનદાર ઉદ્ઘાટન સમારંભ હતો. રાજવી પરિવાર, જામસાહેબ, ગુલાબકુંવરબા, હર્ષદકુંવરબા, દિગ્વિજયસિંહજી તો હશે જ, સાથે અન્ય દરબારીઓ અને રાજાઓ પણ પ્રેક્ષકો હશે.

પ્રાર્થના અને ત્રણ ચાર નૃત્ય આઈટમોનો હવાલો બાને સોંપાયો હતો. પડદો ઊપડતાં અમારી પ્રાર્થના, અમે ત્રણ બહેનો, ઉપેન્દ્ર, શરદ, યામિની, જ્યોતિ. સાથે બીજા પણ હશે. પ્રાર્થનાની એક લીટી આજેય યાદ છે.

દેનારા આરોગ્યદાનપછી?

ઉપેન્દ્ર અમદાવાદ રહે છે. એણે આખી પ્રાર્થના મોકલી આપી.

દેનારા આરોગ્યદાન, દેવ જય દયા નિધાનધન્ય શ્રી ધન્વંતરી

રાજકવિ કેશવલાલે પ્રાર્થના લખેલી.

એ વખતે અઘરી જ લાગી હશે પણ અમે જે જોરજોરથી રાગડા તાણી સભાખંડ ગજાવી મૂકલો તે યાદ છે.

અમે 1949-50ની આસપાસ જામનગર કાયમ માટે છોડ્યું અને 2000 પછીનાં કોઈ વર્ષમાં ઉપેન્દ્ર અચાનક જ અમદાવાદના મારા કોઈ પ્રૉગ્રામમાં મને શોધતો આવ્યો. હવે વૉટ્સઍપ ફ્રૅન્ડ. એણે પ્રાર્થના તો મોકલી પણ અમે ટેણિયા પ્રાર્થના ગાઈયે છીએ તે ફોટો પણ!

1946નો ફોટો

નસીબ જ સ્તો! 1946નો ફોટો 2020માં મારા મોબાઇલમાં! એ જ રીતે જામસાહેબ ગુલાબકુંવરબા સાથે એમનાં મહેલમાં ઠાઠમાઠથી પડાવેલો ફોટો પણ હોત તો!

એક વખત પપ્પા અમને મહેલમાં લઈ ગયા હતા. પ્રસંગ તો ખબર નથી, પણ મહેલ જોઈ અવાક્! અહો મહારાણીનું શું રૂપ! સાવ સામે જ અમે બેઠાં હતાં અને ટગર ટગર જોઈ રહેલી.

ઉદ્ઘાટન સમારંભની બીજી વિગતો તો યાદ નથી. અમને શું રસ પડે અને સમજની પહોંચ પણ કેટલી! પણ હા, અમારા ત્રણેય બહેનોનાં નૃત્યની બધી વિગતો, ગીતો અને કૉસ્ચ્યુમ સુધ્ધાં યાદ છે.

કાર્યક્રમમાં એક છબરડો થયેલો તે તો બરાબર યાદ છે. ઇટ વોઝ સિમ્પલી હિલેરિયસ.
* * *
સભાખંડ ભરચક્ક હશે. ભાષણો થયા હશે. હવે અમારો કાર્યક્રમ. મેઇક અપ મૅન, કૉસ્ચ્યુમ ડિઝાઇનર, કોરિયોગ્રાફર – ઓલ ઇન વન બા. એનું મ્યુઝિક ગ્રૂપ. એટલે ગ્રામોફોન અને રૅકોર્ડ્‌‌ઝ. અમારા નૃત્યનાં ડ્રેસનાં હારબંધ પોટલા. પહેલું નૃત્ય બિંદુબહેન અને મેડિકલ સ્ટુડન્ટ પદ્માબહેનનું.

રસભંગ થવાના ભય સાથે એક મજેદાર આડવાત.

1948માં બિંદુબહેન-પદ્માબહેનનું નૃત્ય.

1998માં રોમી સૌદાગર, એક પંજાબી પ્રોડ્યુસર મારું ઘર શોધતા આવી ચડ્યા. એક દેવી હૈ ઉસ પર આપ રિલીજિયસ ફિલ્મ લીખ દો. અરે ભાઈ, તને ઓળખુંપાળખું નહીં, ના… ના.. વર્ષાજી સુનિયે, એક દેવીભક્ત આયુર્વેદાચાર્ય ફાઇનાન્શિયર હૈ. ગુજરાત સે આયે હૈ. અહીં જૂહુ પર કીસીકે ઘર મહેમાન હૈ. કૃપા કરો, આપ મિલને ચલો. મેં બહુ ના પાડી પણ મને જૂહુ કોઈને બંગલે એ ભાઈ લઈ જ ગયા.

હું ગુણવંતરાય આચાર્યની દીકરી છું એ જાણીને એ ભાઈ ખૂબ રાજી થયા. ચાનાસ્તો કરી અમે વાતવાતમાં કુટુંબની વાતોએ ચડી ગયા. એમણે કહ્યું, તમારા પિતાનું વતન તો જામનગરને! ત્યાં મારી બહેન આયુર્વેદ કૉલેજમાં ભણતી હતી.

મારા હાથમાં ચાનો કપ અધ્ધર.

“કઈ સાલમાં?”

“સાલ તો… જુઓને નવી નવી કૉલેજ ખૂલેલી. એ ડાયવોર્સી હતી, સહુની નજરથી દૂર અમે ત્યાં ભણવા મૂકેલી. ઑડિટોરિયમનાં ઉદ્ઘાટનમાં એણે ડાન્સ પણ કરેલો.”

“એનું નામ?”

“પદ્મા.”

“અને જેની સાથે ડાન્સ કર્યો તે મારી બહેન બિંદુબહેન.”

અમે ચકિત એમમેકને જોઈ રહ્યા પછી ખડખડાટ હસી પડ્યાં. પછી તો એ ફિલ્મ બની નહીં. (થયું હાશ, હું એ ફિલ્મ લખવામાંથી બચી ગઈ.) પણ દર વર્ષે એ ભાઈ મને કેલેન્ડર અચૂક મોકલે છે.

હતી તો એ નાની સરખી વાત પણ એનાં ઝીણાં કોમળ તંતુ પાંખ પસારી, જાદુઈ શેતરંજીએ એવી ઉડાન ભરી કે હું સીધી પહોંચી એ રાજદરબાર સમા ઑડિટોરિયમમાં જ્યાં નાની બાલિકાઓ હોંશભેર ઘૂઘરા બાંધી છમાછમ નૃત્ય કરી રહી છે, રૅકોર્ડ વાગી રહી છે,

સુનો સજનવા જાઓ બજરીયા
લાઓ ચુનરીયા ખાદી કી
જય બોલો મહાત્મા ગાંધી કી

પછી જે ગોટાળો થયો, આજેય એ વાત યાદ કરતાં અમે બહેનો ખુશમિજાજમાં હસી પડીએ છીએ.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

8 Comments

 1. વર્ષાબેન..તમારી સ્મૃતિઓની ગલીમાં જાણે અમે પણ સાથે છીએ એટલું બધું તાદ્દશ વર્ણન….જાણે વાંચતા જ રહીએ..ખૂબ સુંદર

 2. ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય એટલેકે ધન્વંતરી મંદિર ના પ્રાંગણ માં લેખકે વાવેલ બોરસલી ની કથા રસપ્રદ છે. મગનલાલ ગઢિયા 942694700

 3. શ્રધ્ધાથી તરબોળ દિલ દ્વારા કરેલી પ્રાર્થનાનો ચમત્કાર આપણને આનંદ અને હકારાત્મકતાથી ભરી દે છે. તેનું વર્ણન અમને પણ અમારા જીવનમાં ઘટેલી આવી ઘટનાઓની યાદ અપાવી ગયું. રસપૂર્વક વાંચ્યાં જ કરીએ તેવી વાતો! વધુ વાતોની રાહમાં!

 4. વર્ષાબેન, દરેકેદરેક પ્રકરણ કાવ્યત્વથી છલોછલ તો ખરું જ પણ, સાથે કોઈ પરીકથાના વિસ્મય જગતનો ઉઘાડ કરતું જાય! હું ભૂતનિવાસ અને ત્યાંનાં પાડોશીઓ સહિત તમારા બા, શિશીરભાઈ, બિંદુબહેન તથા પદ્માબહેનને જાણે તાદ્રશ્ય જોતી હોઉં, એવો રોમાંચિત અનુભવ! આપની કલમની ચાહક તો છું જ પણ એની તાકાતની પૂજક બની ગઈ છું. આવતા અંકની આતુરતાથી રાહ!

 5. પ્રાર્થનાથી પોતાની ચિંતા કે જવાબદારી પ્રભુને સોંપ્યાનો અનુભવ થાય , નિરાશા, હતાશા, ક્રોધ જેવા હાનિકારક ભાવો દૂર કરે , હાનિકારક ભાવોની અસરથી ઉદ્ભવતા શારીરિક કે માનસિક રોગો દૂર કરે નો આવો અનુભવ આંખ નમ કરે.
  વર્ષાબેનની યાદ રોમાંચક લાગે છે.
  રાહ વધુ મજાની યાદોની

 6. સંપુણ્ર્ર કાવ્ય મય લખાણ, ભુતકાળ આંખે આવીને વળગે છે.
  હજી વધુ વિગત વાર લખો તો હજી વધુ અમે સ્વપ્નિ સકીયે

 7. વર્ષાબેનની આ સ્મૃતિકથા નવલકથાઓ કરતાં પણ વધુ રોમાંચક લાગે તેવા પ્રકરણો આવતાં જાય છે. ઇશ્વરી કૃપા અને શ્રદ્ધાપૂર્વક કરેલ પ્રાર્થનાઓના બળના પ્રસંગો હ્રદયસ્પર્શી રીતે આલેખાયા છે.

 8. હવે પેલા છબરડાની રાહ ! ખાસ્સું કુતૂહલ જાગે છે . વર્ષાબહેન , યાદોની કુંજગલીમાં તમારી સાથે પાકી લિંબોળી ચાખવાની મજા તો પડે જ .