પગલું માંડું હું અવકાશમાં ~ આત્મકથા (પ્રકરણ : 3) ~ ભૂતાનિવાસ નંબર 3, રૂમ નં. 46 ~ વર્ષા અડાલજા

પ્રકરણ : 3 ~ ભૂતાનિવાસ નંબર 3, રૂમ નં. 46

લાંબી લેખણે દાદા અને પિતાની જીવનકથાનાં થોડાં પૃષ્ઠો ખોલવાનો આશય એ કે આ મારો લોહીગત વારસો. માય ડી.એન.એ.

મારાં માતાપિતાએ અમ બે બહેનોનાં જન્મ પહેલાં ખૂબ કપરો જીવનસંઘર્ષ કર્યો હતો. જીવ સટોસટની બાજી પણ લગાવી. (એક સમયે પપ્પાની પાછળ તલવાર લઈને મારાઓ પડેલા. મેઘાણી ઊંટ પર તેમને શોધવા નીકળેલા.) અનેક નાનીમોટી નોકરીઓ અને રઝળપાટ. બેસવાની ડાળ મળી, ન મળી.

અમારા જન્મ પછી પણ એ કપરાં દિવસો અમારું પગેરું દબાવતાં રહ્યા. એટલે અમે પણ મેદાનમાં ઊતર્યાં હતાં. પપ્પાની જેમ અમે પણ જય અંબેનો જાપ જપતાં, ઘન અંધારી રાત્રે ઘોર જંગલમાં દોડી રહ્યાં હતાં. હિંમત અને નિર્ભયતાનું દાદાનું વરદાન તો અમનેય વારસામાં મળ્યું હતુંને! એ જ અમારું પણ રક્ષાકવચ!
* * *
કોઈ કારણે મતભેદ થતાં ‘સૌરાષ્ટ્ર’નું તંત્રીમંડળ છૂટું થયું અને ફરી પપ્પામમ્મીએ ઉચાળાં ભર્યાં. ને જાણે કેટલામી વાર! રાણપુરને છેલ્લી સલામ કરી.

ત્રીસ ચાલીસનો દાયકો મુંબઈનગરી સાજશણગાર સજી અસંખ્ય લોકોને આકર્ષી રહી હતી. રણજીત સ્ટુડિયોના ‘સરદાર’ ચંદુલાલ શાહ પપ્પાની કલમથી અત્યંત પ્રભાવિત. ફિલ્મોનો વાર્તાવિભાગ સંભાળવા પપ્પાને આગ્રહપૂર્વક મુંબઈ બોલાવ્યા.

દલપતરામે તો છેક અઢારમી સદીમાં લખેલું : ‘લંકાની લક્ષ્મી બધી છે મુંબઈ મોઝાર. જેણે મુંબઈ જોઈ નહીં તેનો એળે ગયો અવતાર.’

એવી મોહમયી મુંબઈમાં, માટુંગામાં આજના મહેશ્વરી ઉદ્યાન, ત્યાં ભૂતાનિવાસની ચાલીમાં ભાડાના મકાનમાં પપ્પા-મમ્મીએ ફરી સંસાર માંડ્યો. ત્રણ વિશાળ મકાનો વચ્ચે મોટું પટાંગણ. આજેય એ મકાનો ઊભાં છે. પંચરંગી વસ્તી માટુંગાની બાજુમાં દાદર, ત્યાં રણજીત સ્ટુડિયો. અંદાજે 1934-35નો સમય હશે.

અહીં મારી કથામાં હવે મારો પ્રવેશ.

ભૂતાનિવાસ નં. 3. રૂમ નં. 46. વિન્સેન્ટ રોડ, સાયન. મારા બર્થ સર્ટિફિકેટ પર આ સરનામું શિશીરભાઈ બિંદુબહેનનો રાણપુરમાં, ઈલા અને મારો જન્મ અહીં થયો. બર્થ સર્ટિફિકેટ પર મારી જન્મતારીખ 1940, દસ એપ્રિલ છે. નામ નોંધણી છે, પ્રતિમાબાઈ. ઈલાનો જન્મ 1938.

અમારા બર્થ સર્ટિફિકેટની પણ રસિક દાસ્તાન છે.

અમે ત્રણેય બહેનોની જન્મતારીખો અને નામમાં અવારનવાર ગોટાળો થાય. મારો જન્મ તો મુંબઈ, માટુંગામાં પણ આરંભના અમારા શૈશવકાળમાં અમે પપ્પા-મમ્મી સાથે જામનગર, રાજકોટ, એમ ઈધરઉધર ફરતાં હતાં. ઘર માંડવું, સંકેલો કરવો, ઘરવખરી અને છોકરાંછૈયાના હાલરઠુલર સાથે નવાં નવાં ગામો બદલવા એમાં મમ્મી આજના ટ્રાવેલ ઍડ્‌વાઇઝરને ટક્કર મારે એટલી હોંશિયાર થઈ ગઈ હતી.

અમે ગામ બદલીયે એટલે શાળા બદલાય. અમે તો ત્યાંથી ચાલતા થઈએ. પાછળથી શાળા સર્ટિફિકેટ મોકલે. એમાં એમના મનપસંદ નામ લખી કાઢે. મેં અને બિન્દુબહેને અવનવાં નામો ધારણ કર્યાં છે, આખરે વ્હોટ ઇઝ ધેર ઇન અ નેઇમ! નિસ્પૃહી બની ત્યજ્યાં છે. પ્રતિમાબાઈ નામ તો મને વળગી જ રહેલું. કંટાળીને પપ્પાએ કોર્ટમાં ઍફિડેવિટ કરી મારું નામ મને પાછું આપ્યું. એટલાં વર્ષો પહેલાં અમારાં નામો નવાનક્કોર હતાં. પપ્પાએ બંગાળી સાહિત્યમાંથી પસંદ કર્યા હતા. જન્મતારીખ વિષે અમને હંમેશાં વહેમ રહેતો હતો.

બહુ વર્ષે મને અને ઈલાને સોલો ચડ્યો. ચાલ, આપણે જૂના રૅકોર્ડ્ઝનું ઉત્ખનન કરી આપણી સાચી જન્મતારીખ શોધી કાઢીએ. પછી બ્રહ્મજ્ઞાન થયું. શો ફરક પડશે! આપણે તો એના એ જ રહીશું ને!
* * *
મારી સ્મરણમંજૂષાનું ઝગમગતું સૂર્યકિરણ હું હથેળીમાં લઉં છું અને મારા સ્મૃતિપ્રદેશમાં સોનેરી ઉજાસ ફેલાય છે.

ભૂતાનિવાસના વિશાળ કંપાઉન્ડમાં અમને બાળકોને રમવાની ખૂબ મજા પડતી. કૉસ્મોપૉલિટન વાતાવરણ અને ટોળાંબંધ બાળકો અમારી ચાલીમાં બધાં જ ઘર ગુજરાતી કુટુંબોનાં. ગુજરાતનાં નાનાં મોટાં ગામમાંથી વિકસિત થતી જતી મોહમયી મુંબઈનગરીમાં કામધંધાની તલાશમાં લોકો નવી જિંદગીનું પગેરું કાઢતાં અહીં આવીને સ્થાયી થયા હતા.

મુંબઈ સહુને મન પરદેશ. એટલે ગામ જાય ત્યારે કહે, અમે દેશમાં જઈએ છીએ. અહીં આવનાર આ પહેલી પેઢી હતી એટલે પોતાનાં સગાંવહાલાં તો ક્યાંથી હોય! એટલે પાડોશીઓ જ સ્વજનો અને એ જ પરિવાર. અમે ભાઈબહેનો પણ સગાંવહાલાં વિના જ મોટાં થયાં. જેમ અમદાવાદમાં પોળ એમ મુંબઈમાં ચાલી. એ મુંબઈની આઇડેન્ટીટી. આવી ચાલીઓની લીલી ભૂરી નસો મુંબઈની કાયાને ધબકતી રાખે છે હજી પણ.

લાંબી ચાલીમાં હારબંધ ઓરડીઓ. બે રૂમ, રસોડું, બાથરૂમ અને છેવાડે સમૂહ શૌચાલય. ચાલી માત્ર ઘર નહીં પણ એક સંસ્કૃતિ. પંખીના માળા જેવા અમારાં ઘરો અને કલરવ કરતાં રહેવાસીઓ. ઇન ટ્રુ સેન્સ અમે એક ડાળનાં પંખી. મહારાષ્ટ્રનાં ઘાટમાં વસતા પુરુષો ત્યારે મુંબઈ ઘરકામ કરવા આવે. ઘાટમાંથી આવે એટલે ઘાટી. અમારે ત્યાં સખારામ વર્ષો સુધી ફૅમિલી મૅમ્બરની જેમ સાથે જ રહ્યો હતો.
* * *
ચાલીની ગૃહિણીઓમાં બા અલગ જ તરી આવતી. બા બાલ્કન-જી-બારીમાં જતી અને શિવાજી પાર્કના સ્વિમિંગ પુલમાં પણ. ભૂતાનિવાસમાં એણે મહિલામંડળ શરૂ કર્યું હતું. ચાલીવાળીઓ માટે તો બાની પ્રવૃત્તિઓ જ નહીં, બા પોતે જ એક નવીનવાઈની ઘટના હતી.

ચાલીસીના દાયકામાં હજી પપ્પા, ડૅડી, મમ્મી જેવા શબ્દો ચલણી સિક્કા નહોતા બન્યા. બા એટલે મોઢું ભરાઈ જાય એવો એકાક્ષરી અક્ષર. બા. સખારામ પપ્પાને કાકા કહેતો એટલે અમારેય મોઢે ચડ્યું કાકા.

સવારે પપ્પાને સ્ટૂડિયો, અમને બધાને સ્કૂલ. એ ધમાલમાં સખારામ બાની જોડાજોડ. બાની જેમ જ અમારાં ત્રણેય બહેનોનાં લાંબા ઘટાદાર વાળ. સખારામે અમારા ચોટલાય ગૂંથ્યા છે અને કોળિયા ભરાવી જમાડ્યાય છે.

એ સમયે ટ્રામ મુંબઈની જીવાદોરી. ભૂતાનિવાસનાં આલિશાન ત્રિમૂર્તિ મકાનો મુખ્ય રસ્તા પર જ અને ત્યાંથી જ ટનનન કરતી લાલચટ્ટક ટ્રામ પસાર થાય. દાદરથી માટુંગા પપ્પા ટ્રામમાં આવે. ભૂતાનિવાસ સ્ટોપ. છૂ… અવાજ કરતી ઊભી રહે કે અમે દોડીએ. પપ્પાના હાથમાં રૂમાલની પોટલી હોય. અમે તાંદુલની પોટલી લઈને જે દોડીએ!

એ સમયે ગુજરાતીઓમાં દેશી નાટક સમાજની ખૂબ બોલબાલા. એનું કાયમી નિમંત્રણ પપ્પાને. અમે તો ટેણિયા ત્યારે અમારો નંબર ક્યાંથી લાગે!

બા

બા નાટકમાં જવા તૈયાર થાય એ મન ભરીને જોવાનું બહુ ગમે. ઓહો બાનું શું રૂપ! ઊઘડતો વાન, હસમુખી નમણી મોંકળા. ભરાવદાર વાળનાં અંબોડામાં ચાંદીનાં ઘૂઘરીવાળા ચીપિયા, સોનાની પીન અને મઘમઘતી વેણી. કાનમાં લાંબા લટકણિયા ઝૂલે. બંગાળી ફિલ્મની હીરોઇન જેવું ફુગ્ગાવાળી પફ બાંયનું બ્લાઉઝ. પારસી ઢબે લાંબા પાલવની રેશમી સાડી. રાજરાણીનો ઠસ્સો.

પપ્પા સાથે બા બહાર નીકળે ત્યારે ઘણાં ઘરમાંથી ગૃહિણીઓ ડોકાય, આજે નીલાબહેન કેવા લાગે છે! એ સમયે મેઇકઅપમાં પ્રચલિત માત્ર અફઘાન સ્નો. ચાલીમાં એની પહેલી એન્ટ્રી અમારે ત્યાં. આજેય એ બાટલી યાદ છે, બ્લ્યુ રંગની કાચની બૉટલ. તેની પર બરફનાં શ્વેત પહાડનું ચિત્ર.

એ સમયે મળવો દુર્લભ યાર્ડલી પાવડર બા માટે પપ્પા લાવતા. બા ફૂલ જેવી સુંદર અને સુગંધિત પણ. બાને વહાલથી અમે વળગી પડતા.

અમે થોડાં મોટાં થયાં પછી બિંદુબહેન મારી અને ઈલા પર રોફ છાંટતા, હું પ્રેન્સિલથી દીવાલ પર લખતી બા સ્નો જેવી રૂપાળી. તમે બે બાઘા. તમને ક્યાં લખતા આવડ્યું હતું!

બિંદુબહેન પાસે ખજાનામાં બે અલભ્ય વસ્તુઓ હતી. જે અમને બે બહેનોને દૂરથી જ જોવા મળતી. ફિલ્મોમાં હીરોઇનોનાં લાલચટ્ટક ઘેરા હોઠ જોઈ એમણે પપ્પા પાસે સ્ટુડિયોમાંથી લિપસ્ટિક મંગાવેલી અને લાંબી હીરાની બુટ્ટી (ખોટી સ્તો!). આ વસ્તુઓ એમની અંગત માલિકીની. લિપસ્ટિક જોતાં જ અમે તો છક્ક! જરાક ફેરવો કે લાલ લાકડી નીકળે. એ જાદુ નહીં તો બીજું શું! ચાલીમાં કોઈ પાસે નહીં એનોય બિંદુબહેનને ગર્વ. ત્યારે લિપસ્ટિક માત્ર ફિલ્મ અને નાટકનાં સ્ત્રીપાત્રોનાં હોઠ પર.

પછીથી બા મહિલામંડળનાં જ્યાં જ્યાં કાર્યક્રમો કરે ત્યારે મારી પાસે ડાન્સ કરાવતી (ફિલ્મની રૅકોર્ડ્‌ઝ પર) ત્યારે બિંદુબહેન ઉદારતાથી લિપસ્ટિક આપતા. બા મારા હોઠ રંગે ત્યારે હું આકાશે વિહરતી. ઓહો! મારા હોઠ સુરૈયા જેવા!
* * *
ચાલીનાં બધાં ઘરોનાં બારણાં અને મન સદાય ખુલ્લાં.

એ ઘરો, એ ચહેરા આજે પણ આંખ બંધ કરું છું અને મને દેખાય છે. ચાલીનું છેલ્લું ઘર છેલભાઈ સોની અને દિવાળીબહેનનું. નિઃસંતાન પ્રેમાળ દંપતિ. બાળકોની બેરોકટોક આવનજાવન. છેલભાઈ પગનું વાજું સરસ વગાડતા. અમે એમાંથી નીકળતાં મીઠા સૂરો સાંભળી રહેતાં અને ઉપરથી પીપરમીટનું નજરાણું. ચાલીની ગૃહિણીઓ એમની બહેન. ઘણીવાર સામેથી દાગીનો આપે, બહેન પૈસાની ચિંતા ન કરતા. થોડા થોડા આપજો. મમ્મીએ ત્રણેય બહેનો માટે મીનાકારી બુટ્ટી બનાવડાવેલ, પેલા રીંછની બાળવાર્તાની જેમ મોટી જરા નાની અને એથીયે મારા માટે નાની. કમળની ડિઝાઇનનાં સોનાના પાટલા અને ચાંદીનાં લચ્છાદાર ખનકતા ઝાંઝર. વારવહેવારે બા આ બધું પહેરાવી અમને શણગારતી. અમે તો ફૂલીને શું ફાળકો!

આ લખી રહી છું ત્યારે વિચાર આવે છે, ચાલીસીના દાયકામાં ગોલ્ડ રેટ શું હશે! ગુગલ ગુરુ છે. સોનાનો ભાવ 38 રૂપિયા. વિશ્વયુદ્ધ વખતે ભાવ ચડઊતર થતાં 40 રૂપિયા થયો ત્યારે અધધ થઈ ગયેલું!

ચાલી છોડ્યા પછીનાં વર્ષોમાં પણ બા બેત્રણ વાર સહુને મળવા ગઈ હતી ત્યારે અમે પણ સાથે હતાં.

1958માં મારી નાટ્યસંસ્થા ‘રંગભૂમિ’ તરફથી આંતરરાજ્ય હરીફાઈમાં ર. વ. દેસાઈની ‘પૂર્ણિમા’ પરથી વિષ્ણુભાઈ વ્યાસે નાટક તૈયાર કર્યું હતું.

પૂર્ણિમા’ નાટકમાં

મારી મુખ્ય ભૂમિકા તવાયફ રાજેશ્વરીની. મુંબઈ-ગુજરાતનાં બધા જ નાટકોમાંથી મને શ્રેષ્ઠ અભિનય માટે ચંદ્રક અને પૂરા સો રૂપિયાની નોટ મળેલી.

ઑપન ઍર થિયેટરની ચિક્કાર ગિરદી વચ્ચે, 18 વર્ષની ઉંમરે મેં ઇનામ સ્વીકાર્યું ત્યારે એક નાનકડા કાગળનું ભારેખમ વજન પછીથી જિંદગીમાં એટલું કદી લાગ્યું નથી. હું રડી પડેલી.

બા સાથે છેલભાઈ પાસે જઈ નોટ ધરી, મને લાંબી લટકતી સોનાની બુટ્ટી આપો. એમણે સુંદર બુટ્ટી આપી કહ્યું, આ પહેરે ત્યારે મને યાદ કરજે. આ બુટ્ટીનો હિસાબ નહીં, બેટા.

એ બુટ્ટી તે કાંઈ મારી મોંઘી મિરાત! કેટલીયે વાર પહેરી, છેલભાઈને ખૂબ યાદ કર્યા. કહેવાતી નિર્જીવ વસ્તુઓ દમયંતીના હસ્તસ્પર્શથી જીવંત થતી માછલીની જેમ કેવી સજીવ થઈ ઊઠે છે! એમની સ્પર્શ, ગંધની પણ અજબ દુનિયા છે.
* * *

પતિ મહેન્દ્ર સાથે

મહેન્દ્રએ વિદાય લીધી, વય પણ થઈ, ભારે દાગીના પહેરવાનું મેં છોડી દીધું. (પણ સાડીનો શોખ અકબંધ!) બૅન્ક લોકરની ચાવી અબ બેટીઓં કે હવાલે. એમને આજના ટ્રેન્ડ મુજબ હીરાના દાગીના વધુ ગમે. મારી સૂચના, દાગીનાનું જે કરવું હોય તે કરજો. પેલી બુટ્ટીને હાથ ન લગાડશો. વર્ષોથી લોકરનાં ખૂણામાં એ જ બૉક્સમાં પેલી મલપતી બુટ્ટી છે. કદીક સ્પર્શ કરી લઉં ત્યારે વર્ષોનાં અડાબીડ વન વીંધી મને સંભળાય છે. પગપેટીનાં મીઠા સૂર અને મોંમાં ચગળું છું પીપરનો સ્વાદ. જાણે જાદુઈ છડી ફેરવી હોય એમ એ સમયનો માહોલ. એક સરળ નિરાડંબરી સમૂહજીવન સજીવ થઈ મારા ચેતાતંત્રને રણઝણતું કરી દે છે.

કોઈ વાર વસ્તુની કિંમત કરતાં તેનું મૂલ્ય કેટલું વિશેષ હોય છે!
* * *
બાનો અવાજ મીઠો અને હલકભર્યો. હરતાફરતા બા ગરબા, લોકગીતો ગાતી હોય. પપ્પાએ બા માટે ગ્રામોફોન આણેલું. ચાવીવાળું થાળીવાજું. આ રિયલ લક્ઝરી ચાલીમાં માત્ર અમારે જ ત્યાં. લાકડાનાં બોક્સ ભરી ભરીને બા પાસે રૅકોર્ડ્‌ઝનો કિંમતી ખજાનો. જ્યુથિકા રે, પંકજ મલિક, જગમોહન, કે. સી. ડે – એ સહુ બાના રોજના સાથી. બીજા બૉક્સમાં એ સમયની ફિલ્મોનાં લોકપ્રિય ગીતો. તો વળી એક બૉક્સમાં અવિનાશ વ્યાસનાં ગરબા, જૂની રંગભૂમિનાં સંવાદો, ગુજરાતી નાટિકાઓ, મેઘાણીનાં ગીતો… મેઘાણીનું હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ ત્યારે સમજાય તો શાનું! પણ સાંભળવું ખૂબ ગમતું.

રામરાજ્ય’ ફિલ્મનું દ્રશ્ય

‘રામરાજ્ય’ ફિલ્મે એ સમયે ધૂમ મચાવેલી. શોભના સમર્થ સીતા તરીકે ઘરે ઘરે પૂજાય. એ ફિલ્મનું એક ગીત અત્યંત લોકપ્રિય.
ભારતકી એક સન્નારીકીહમ કથા સુનાતે હૈ.
લવકુશ શ્રીરામનાં દરબારમાં ગાય છે. બાનું ખૂબ ફેવરીટ. બા બપોરે રૅકોર્ડ મૂકે ત્યારે ચાલીમાંથી કોઈ તો અચૂક આવે જ. સમજાય ન સમજાય આ ગીતો અમારા પણ ફેવરીટ થઈ ગયાં હતાં. શબ્દ અને અર્થનીયે પેલે પારનું કોઈ અપાર્થિવ તત્ત્વ હશે? ભાઈને સાયગલ અતિ અતિ પ્રિય. ના, એનો ભક્ત જ. એટલે કુંદનલાલ સાયગલ પણ અમારી પ્રાઇવેટ મ્યુઝિક ક્લબનાં લાઇફ ટાઇમ મેમ્બર બની ગયા હતા (હજી પણ છે.).

બિંદુબહેન લગ્ન પછી રાજકોટ સેટલ થયા ત્યારે ગ્રામોફોન સાથે લઈ ગયેલા. કૉલેજ વૅકેશનમાં હું બહેન પાસે જતી ત્યારે આ રૅકોર્ડ્‌‌ઝ મને શૈશવનાં લીલાછમ્મ વનમાં લઈ જતી. બિંદુબહેન સ્ટૅન્ટઅપ કૉમેડિયનને હરાવે એવા મિમિક્રી અને ગજબનાં જોક્સમાસ્ટર. રૅકોર્ડ્‌ઝના જૂની રંગભૂમિનાં સંવાદોની મિમિક્રી કરતા. અમે આઇસક્રીમની મિજબાની સાથે બેઠક જમાવતા. ગ્રામોફોન અમારો હમસફર. સાચો દોસ્ત બની રહ્યું. હસાવ્યા રડાવ્યા, દેશપ્રેમની શીખ આપી સરસ ગીતોની મોહિની લગાડી.

હવે મારા નાનકડા આઇફોનમાંથી સૂરોનો નાયગરા ધોધ પડે છે. સવારે અખબાર સાથે હાથમાં ચાનો મસાલેદાર ગરમ કપ અને હું મારી સાથે બાનાં, અમારાં ફેવરીટ ગીતો સાંભળતાં ટાઇમ કેપ્સ્યુલમાં પહોંચી જાઉં છું બાળપણના પ્રદેશમાં.

તાદૃશ્ય થઈ જાય છે રૅકોર્ડ્‌ઝનો રીચ્યુઅલ. બા રૅકોર્ડ્‌ઝની કેટલી કાળજી રાખતી! રાઈનાં દાણા જેટલો એમાં ખાડો પડે તો પીન ફસાય અને એ જ શબ્દ ઘૂંટાયા કરે. ગ્રામોફોનમાં નાનકડું ખાનું. એમાં પીનની ડબ્બી. પીન અવારનવાર બદલવાની, રૅકોર્ડ્‌ઝ મલમલનાં કપડાંથી લૂછી ડબ્બામાં ગોઠવવાની. ગ્રામોફોન પર ભરત ભરેલો રૂમાલ પાથરવાનો. જાણે સંગીતદેવની એક પવિત્ર વિધિ. એ ઇન્દ્રિયગત સ્પર્શનો કેવો મધુર રોમાંચ!

આજની યૂઝ ઍન્ડ થ્રો ટૅક્નૉલૉજીમાં આ રોમાન્સ ક્યાં!

થોડા વખત પહેલાં ભારતીય વિદ્યાભવનના સંગીતનાં કાર્યક્રમોમાં બે ગાયકોએ ફૂલ ઑરક્રેસ્ટ્રા સાથે મારું ફૅવરીટ ગીત: ભારતકી એક સન્નારીકી હમ કથા સુનાતે હૈ. ‘રામરાજ્ય’ ફિલ્મ જેવું અદ્દલ ગાયું કે મારી આંખે આંસુની ધારા. શા માટે આંખ છલકાઈ ગઈ હતી! કશુંક ખોયું હતું કે કશુંક પામી હતી!

સરળ પ્રશ્નોનાં ઉત્તરો ક્યારેય સહેલા હોતા નથી.
* * *
બા મોતીનાં સુંદર તોરણ બનાવતી. એ સમયે ઘણાં ગુજરાતીઓને બારણે હાથે બનાવેલા મોતીનાં તોરણ સુસ્વાગતમ્ કરતાં ટોડલે શોભતા હતા.

બપોરે ચાલીની લાંબી પરસાળ ગૃહિણીઓની આર્ટ વર્કશૉપ બની જતી. એ દૃશ્ય આછું યાદ છે, કોઈ સાડીમાં વેલબુટ્ટા  ભરે, લેસ પટ્ટા મૂકે. બાને તોરણ બહુ ગમતા. જુદી જુદી થાળીઓમાં રંગબેરંગી મોતી અને કાચની ભૂંગળીઓ હોય. છિદ્રોવાળી લાંબી લાકડાની પટ્ટીમાં, ચોપડીની ડિઝાઈન પ્રમાણે મીણિયા દોરીમાં મોતી અને ભૂંગળી પરોવતા જઈને પટ્ટીમાં લટકતા બાંધી દેવાના.

બાની સામે પલાંઠી મારી મોર અને પોપટ, લીલીછમ્મ અને રંગબેરંગી વેલ ફૂલો મરક મરક થતાં સજીવ થઈ ઊઠતાં. એ જોવાનું ખૂબ ગમતું.

નવા આવિષ્કારો, ફેશન એનો આરંભ જોવાનું સદ્‌નસીબ અમને સાંપડ્યું હતું. એ વિસ્મય યુગ હતો. એવી અજાયબ વસ્તુ હતી પર્સ. ફિલ્મોમાં હીરોઇનોના હાથમાં ઝૂલતી પર્સ અમે અહોભાવથી જોતા. એ સમયે તો બૉર્ડરવાળી સાડી જરીપુરાણી થાય એટલે બૉર્ડર સીવી લઈ, અસ્તર નાંખી, થેલી સિવાતી. ગૃહિણીઓને આમ તો શાક લેવા જ જોઈતી હોય ને!

પણ બા જેનું નામ. ક્યાંથી ડિઝાઇન મેળવી રામ જાણે પણ બાએ તોરણનાં મોતીથી પર્સ ગૂંથી, દરજી સાથે માથાકૂટ કરી લાલ સાટીનનાં અસ્તરથી સીવડાવી બનાવી મસ્ત મસ્ત પર્સ. ઈલા પાસે આજેય સચવાયેલી છે.

અત્યારે તો દુનિયાભરમાં બ્રાન્ડેડ પર્સનાં મોહિનીસ્વરૂપ જેવા કામણ. લાખોનાં દામ. એની ફર્સ્ટ કોપી અને ફેઇકનો ધંધો પણ અજબોનો. પર્સ તો છે હવે સ્ટેટસ સિમ્બોલ.

પણ બા નામની બ્રાન્ડેડ પર્સ તો વેરી એક્સક્લુસીવ. એમાં કેટલી અમૂલ્ય સ્મૃતિઓની સુવર્ણમુદ્દાઓ સચવાયેલી છે! અને યસ, લિમિટેડ ઍડિશન. રાણી રુક્મિણીની નથની સામેના પલ્લામાં આપણે કેટલા ઘરેણાં મૂકવાની હામ ભીડીશું!
* * *
કંપાઉન્ડમાં રમતાં રમતાં અમારું ધ્યાન રસ્તા પર હોય. ક્યૂં? અમને વહાલી ટ્રામની સવારી બાઅદબ બામુલાયજા હોંશિયાર કરતી પધારે. ભૂતાનિવાસ સ્ટોપ પર ઊભી રહે. એટલું લોભામણું દૃશ્ય!

બિંદુબહેન અમારા ગેંગ લીડર. ટ્રામ જુએ કે અમારો હાથ પકડી, રસ્તો ક્રૉસ કરી પાટા પાસે ઊભા રહે. એ સમયે કંડક્ટરો કેટલા ભલા હશે! ત્રિકન્યકાઓને ટ્રામમાં ચડાવી દે. અમે તો ખુદાબક્ષ મુસાફરો. દાદર સુધી ફી રાઇડ. કંડક્ટર અમને દાદર ઉતારી દે. વળતી ટ્રામ ભૂતાનિવાસ ફરી ઊતારી દે.

અમને બે બહેનોને સ્મૃતિ નથી પણ સમજણા થયા પછી એવરેસ્ટ આરોહણ જેવી આ દિલધડક સાહસિક સફરની વાત બિંદુબહેન મલાવીને અસ્સલ પપ્પાના ડાયરાની રીતે માંડીને કરે. સમાપન કરતાં એમનાં મશ્કરા સ્વભાવે કહે, ટ્રામ ઊભી રહે ત્યારે મોટેથી છૂં… સ… જેવો અવાજ થાય ત્યારે હું કહેતી એ ને ટ્રામે પણ વાયુ છોડ્યો?

અમે ખડખડાટ હસી પડતા. એ ચીડવે પણ ખરા. હું તમારાથી મોટી એટલે ભાઈ મને જ અરોરા સિનેમામાં ચાર્લી ચેપ્લીનની ફિલ્મ જોવા લઈ જતો, બે આનાના ત્રણ સમોસા અમે લહેરથી ખાતા. તમને ડિંગો. બાળપણની વાત તોય હું મોટી થઈ ત્યારે રૂસણાં લેતી. પછી મને મનાવે અને કાફર્ડ માર્કેટ પાસે ‘બાદશાહ’નો ફાલુદા ખાવા લઈ જાય.

એ ફુલગુલાબી દિવસો!
* * *
અમારી બહેનોનો એ ત્રિવેણીસંગમ! એને ઘાટે બેસી બિંદુબહેન અને ભાઈની વિદાય પછી તીર્થસ્થાને પંડાઓ ચોપડા ખોલે હું એમ અમારો ચોપડો ખોલું છું. ઓહો! અમારા કેટકેટલા પરાક્રમો અને મસ્તીતોફાન અમારે ખાતે નોંધાયેલા છે!

પણ ભાઈનો અમારા તોફાનથી અલગ જ ચોકો. ભાઈ ચશ્મિષ્ટ બુદ્ધિમાન. વયમાં મોટો અને પાછો ભણેશરી. બા કહેતી, અડધી રાત્રે ઊંઘમાંથી ઊઠી, દફ્તર લઈ એ ચાલવા માંડતો, બા, હુ નિશાળે જાઉં છું. સ્કૂલમાં હંમેશાં પહેલો નંબર. એ સમયનાં કડક પરિણામોમાં પણ મેટ્રિકમાં રેન્ક મળેલો. બા રાત્રે બારણાને ઘણીવાર તાળું મારતી.

અમે સગાંવહાલાંને કદી મળેલા નહીં. ઓળખતા પણ નહીં. અમે ચાર ભાઈબહેનો જ ગાઢ મિત્રો. પપ્પા-મમ્મી પણ અમારા જીગરી દોસ્ત. આ મીઠો સંબંધ આજીવન અમને એક તંતુએ બાંધી રહ્યો. હું અને ઈલા મુંબઈ, બિંદુબહેન રાજકોટ, ભાઈ અમદાવાદ. ફોન તો હતા નહીં, લાંબા લાંબા ઇમોશનલ પત્રો લખતા. (ઉડ ઉડ પત્ર ઉતાવળો, જા મુજ બેની પાસ કવર પર હું લખતી.) મળીએ ત્યારે જલસા.

પપ્પાની વિદાય પછી એમનાં પુસ્તકો, આર્થિક વ્યવહાર હું સંભાળું. બધો જ નિર્ણય મારી એકલીનો. એ સહુને માન્ય. બિંદુબહેને મારું નામ પાડેલુંને સર્વિસ! (એની પરથી ગીત રચીને મને ચીડવે.) અમારે નાગરમાં નાનો એવી પ્રચલિત ઉક્તિ. ભાઈબહેનો એ ઉક્તિનું ચૂસ્ત પાલન કરી મારી પાસે જાતજાતનાં કામ કરાવે. પપ્પાનો ડાયરો જામ્યો હોય, રસનાં ઘૂંટડા ઘટક ઘટક પીતાં હોઈએ ત્યાં મને કોઈ ઑર્ડર છોડે, ઊઠ વસુ, ચા મૂક. ચાનાં સહુ રસિયા અને હું ‘બોલ મેરે આક્કાની’ જેમ બધા હુકમ માથે ચડાવું હોંશેથી, વર્ષોથી.

નાની હતી ત્યારે બિંદુબહેન મને દબડાવે, ઊઠ નહીં તો વશરામ ભૂવા સાથે પરણાવી દઈશ. હું ડરી જતી. વશરામ સાથે પરણાવી દેશે તો મારે બેચાર રીંગણા લેવા જવું પડશે! હું રડું રડું થઈ જતી. મહેન્દ્રએ પણ નાગરમાં નાનોનો નિયમ સાચવ્યો. વર્ષો સુધી દર વૅકેશનમાં કેરીઓ ખાવા બિંદુબહેનનાં મારે ત્યાં મુંબઈ સપરિવાર ધામા. મારા બાને પણ એણે બહુ સાચવ્યા.

હું ત્રિવેણીસંગમનાં ઘાટ પર બેસી રહું છું. કાળની નદી ખળખળ મંજુલ સ્વરે વહી રહી છે. આથમતી સંધ્યામાં હું નદીનાં વહેણમાં સ્મૃતિદીપ તરતો મૂકી દઉં છું. નિર્જન ઘાટ પર ક્યાંક દૂરથી ગોરખનાથનાં ભજનનો સૂર વહી આવે છે, મેલ માથા, મેલ મમતા, મેલ ડારો દોય રે, પણ માથાને પરહરી દેવી, મમતાને મૂકી દેવી શું સહેલી છે! જીવનનું એ જ ચાલકબળ. અલબત્ત, મારે માટે તો ખરું.

(ક્રમશ:) 

આપનો પ્રતિભાવ આપો..

14 Comments

 1. અતિ સુંદર શૈલી વર્ષા બેન..આબેહુબ વર્ણન..અતીતના આયનામાં અમને તમે લઈ ગયા.

 2. અતીતનના મીઠાં સ્મરણોનો ખજાનો..
  ખૂલ જા સિમસીમ કરતો ખૂલ્યો અને મોજ કરાવી ગયો.
  એ સ્મૃતિઓનો સળવળાટ કેટકેટલી સફર કરાવી ગયો.
  વર્ષા બહેનને સાદર વંદન..

 3. ખૂબ સરસ. જૂની સ્મૃતિઓ વર્ષાબેન સાથે અમારી પણ તાજી થઈ છે.

 4. વર્ષાબહેન! તમારા પરિવારના શૈશવના સંભારણાં સાંભળી એક ઉત્કૃષ્ટ લેખિકાના પણ દર્શન થયા!

 5. Varshaben
  We are reliving that time of mid 50’s of Bombay through your wonderful writing. I can not wait for the next chapter. Many thanks for sharing such rich and inspiring experience through this blog.

 6. રોમાંચિત કરતો એ અતીતનો રોમાન્સ. નાનકડા પ્રસંગોથી છલકાતી તમારી સ્મરણમંજુષા ખરેખર અમૂલખ છે. Needless to say loving every word.of it. ❤️❤️❤️

  1. વર્ષાબેન, આપના શબ્દે શબ્દે આપની સાથે અમે પણ સફર કરી, પછી ભલે તે ભૂતાનિવાસની ચાલી હોય કે, લાલચટ્ટક ટ્રામની મફત મુસાફરી. ભાઈની ભણવાની વાતો હોય કે, બિંદુબેનની લિપસ્ટિકની!

 7. આદરણીય વર્ષાબહેન,
  તમારી સ્મરણમંજૂષાનું ઝગમગતું સૂર્યકિરણ હું મારી હથેળીમાં લઉં છું અને મારા સ્મૃતિપ્રદેશમાં પણ સોનેરી ઉજાસ ફેલાય છે.
  અમારું નાનકડું કુટુંબ પણ ગીરગામ ખેતવાડીના એક માળામાં આ રીતે જ વસ્યું હતું. આપનો લેખ વાંચીને એ સમયના કંઈક સ્મરણ આજે પણ આંખ સામે તરવરી રહ્યા છે. અદભૂત શૈશવ કાળ હતો એ.
  ~ ભરત નગીનદાસ સંઘવી નાં જય શ્રીકૃષ્ણ

 8. હાલરઠુલર શબ્દ પહેલી વખત જાણ્યો . યાર્ડલીની સુગંધ તો મારી પાસે પણ સચવાયેલી છે . વર્ષાબહેન , દરેક પ્રકરણ નવી પીમળ લઈને આવે
  છે . 👌

 9. વર્ષાબેનની સ્મૃતિ-મંજૂષા એટલી બધી સમૃદ્ધ છે કે એ વૈભવ જોઈએ ત્યારે ચકિત થઈ જવાય છે.