પગલું માંડું હું અવકાશમાં ~ આત્મકથા (પ્રકરણ:૧) ~ વર્ષા અડાલજા

(પ્રકરણ-૧)

     મુંબઈ જેવી તેજીલા તોખારની જેમ હણહણતી, પૂચ્છ ઉછાળી સતત દોડતી આ નગરીમાં મારો જન્મ અને દરિયાથી નજીક મારું ઘર.

સદ્ભાગ્ય એવું પણ કે યોગાનુયોગે દરિયાછોરુ જેવા, સાગરકથાઓના સર્જકની હું દીકરી. દરિયાની ખારી ગંધ અને મોજાંનો ઉછાળ મારા લોહીમાં ગુલામીપ્રથા સામે જંગ છેડતો. અંગ્રેજોને સામી છાતીએ દરિયાઈ યુદ્ધમાં ભીડાવતો આ કથાઓનો શૂરવીર નાયક વલસાડનો અમૂલખ દેસાઈ મારો સ્વપ્નપુરુષ. મુંબઈનગરીના કંઠનો નવલખા હીરાનો અમૂલ્ય હાર, ઝગમગતો ક્વિન્સ નૅકલેસ મારું પ્રિય સ્થળ, મરીન ડ્રાઇવ.

ઋતુએ ઋતુએ સાપની જેમ કાંચળી ઊતારી નવા કલેવર ધારણ કરતો દરિયો, દિવસની ક્ષણે ક્ષણે પણ નવું રૂપ ધારણ કરી સંમોહિત કરે. કદીક અદ્ય-પ્રસવિત શિશુ જેવો નિર્દોષ તો ક્યારેક કિશોર જેવો ચંચળ અને મસ્તીખોર. તો વળી હું અચાનક પહોંચી જાઉં નરીમાન પૉઇન્ટનાં દરિયામાં ઊતરતાં ભીનાં પગથિયાં પર. ત્યારે જોઉં તો એ છે સંત જેવો નિસ્પૃહી અને ધ્યાનસ્થ! ઓટમાં કાચબાની જેમ અંગ સંકોરી લઈ પોતાનામાં જ સમાહિત. એ ખુલ્લી છાતીઓ યોદ્ધાની જેમ સૂર્યબાણ પણ ઝીલે અને રાત્રિએ ચંદ્રની અમૃતકટોરી આકંઠ પીને નવા કલેવર ધારણ કરે. મોજાંની લહેરો પર લકીરો ખેંચતો એ સ્વયંનો ભાગ્યવિધાતા.

સંધ્યાકાળે મુંબઈની સ્કાયલાઇન ઝગમગી ઊઠે ત્યારે તો દરિયાના ચક્રવર્તી સમ્રાટ જેવા શું તેવર! દરિયાને વર્તુળાકારે મરીનડ્રાઇવની પાળ. ક્વિન્સ નૅકલેસ. એટલે તો આ લાડકું નામ. વહેલી સવારથી ભરાય તે રાત્રિવેળા સુધી. સાંકડી ખોલીઓમાં વસતું, ગિરદીમાં ભીંસાતું મુંબઈ અહીં આવીને ખુલ્લી હવામાં શ્વાસ ભરે. આકાશના બદલાતા રંગોને ધારણ કરતો એ છે જળનું મેઘધનુષ.

એવે સમયે મરીનડ્રાઇવની પાળ પર બેસી ધીમે ધીમે આથમતી સંધ્યાને મન ભરીને જોવાનું મને બહુ ગમે. તેમાંય અનરાધાર વર્ષામાં રમણે ચડેલાં મોજાં, પાળની પાછલનાં ધીંગા બૉલ્ડર્સ સાથે જખ્મી વિફરેલા જંગલી જનાવરનાં ઝનૂનથી અથડાઈ ઊંચે ઊડતી આકાશી છોળનાં મેઘધનુષી જળમિનારાઓ રચે. જાણે પાતાળલોકની રાજકુંવરીનો રંગમહેલ! આ મનોહરી દૃશ્ય જોવા કાંઠે ખાસ્સી ભીડ. પોલીસ દંડો લઈ ધસી આવે તોય લોકો તો ઠેરના ઠેર.

એ ઉન્માદી ભીડમાં કદીક હું પણ સામેલ. સોનેરી કિરણોથી ઝગમગ એ જળશિકરો મને ભીતર સુધી ભીંજવી દે છે. ત્યારે દરિયો પ્રેમી જેવો એવો વહાલો લાગે! થાય બાથ ભરી લઉં. ચૂમી લઉં મોજાંની શ્વેત ફેણને. અનંત લાગતા આ સમુદ્ધને ધીંગા બૉલ્ડર્સ અને પાળથી નાથીને હદ બાંધી છે જાણે. ધીસ ફાર ઍન્ડ નો ફર્ધર. પણ એટલે જ તો મદ ઝરતા હાથીઓનાં ટોળાંનાં ટોળાંની જેમ મજબૂત સાંકળો તોડવા મથતો, એ મેઘવર્ષામાં ચકનાચૂર ઝનૂને ચડી ધસી આવે છે નગરીને કારતો ભય પમાડતો.

કદીક મરીન ડ્રાઇવની પાળે પાળે ચાલતી હું ચોપાટી પહોંચી જાઉં છું. અહીં અરબી સમુદ્ધ છે નિર્બન્ધ. સ્વૈરવિહારી. કોઈ લક્ષ્મણરેખાએ તેને બાંધ્યો નથી. ઝીણી રેશમી વેળુના વિસ્તરેલા પટમાં બાળકો દાદાને આંગણે રમવા આવે એમ હોંશભેર દોડી આવે છે. રેતીમાં સપનાના મહેલ ચણે છે. ઉપર ખોસી છે રંગબેરંગી ફુદરડી. ઘડી બે ઘડીનો આનંદ. ભરતીનાં ધસમસતાં જળ એનો મહેલ તાણી જઈ બાળકને ક્ષણભંગુરતાના નિયતિક્રમનો પહેલો પાઠ શીખવે છે.

હું પાણીમાં પગ મૂકી ઊભી રહું છું. જળનો શીતળ સ્પર્શ મને રોમાંચિત કરે છે. મરીન ડ્રાઇવ પર આ સ્પર્શસુખ ક્યાં! ટાગોર કહે છે, ‘એમ આમિ ચંચલ, આમિ સુંદુરેર પ્રવાસી’. એ તો દૂરદૂરનો નિત્યપ્રવાસી. ત્યાં એક મેલોઘેલો કિશોર આશાભર્યો દોડતો આવે છે, ‘મેમ! મેરી ચટ્ટાઇ પર બૈઠો. સીટ પ્લીઝ. ચારજ ટેન રૂપીઝ’. જવાબની રાહ જોયા વિના તરત એ ફાટેલી ચટ્ટાઈ પાથરી ઊભો રહે છે, — ભેલ મૅડમ? ફસટક્લાસ ઓકે?

હું ના પાડતા, એ ચટાઈનો વીંટો વાળે છે. સંધ્યાની શ્યામ છાયા એના ચહેરા પર જોઉં છું, દસની નોટ આપતા હસુ હસુ થતો એ દોડી જાય છે. પવન વીંઝણાની જેમ હળુ હળુ વહેતો મને સહલાવે છે. બે ત્રણ નાનાં મોજાં પગ પર રેલાઈ જાય છે. થોડે દૂર દિવસભર માછીમારી કરી શ્રમિત હોડીઓ મોજાંનાં પારણે ઝૂલી રહી છે. સૂરજમાં હજી ગુલમહોરી અગનઝાળ છે એ શીતળ જળમાં ધીમે ધીમે વિશ્રાન્તિ લઈ રહ્યો છે.

સૂર્યાસ્તના મેઝિકલ મૉમેન્ટ! આથમતા સૂરજનાં આ અંતિમ કિરણોને હું મારી મૂઠ્ઠીમાં કેદ કરી લઉં છું.

આ રમણીય સંધ્યા માત્ર મારે નામ, પ્રિયજનના પ્રેમપત્રની જેમ અંગત લખાઈ હોય એમ ચોપાટીના દૂરના નિર્જન કાંઠે ઊભી છું. આ તરફના આછા પ્રકાશમાં હિલોળા લેતા અરબી સમુદ્રને તટે કાળની ભરતી ઓટ જોઈ રહું છું. મારી ફાટફાટ થતી મૂઠ્ઠીમાં પેલાં સૂર્યકિરણો ઝગમગી રહ્યાં છે.

હવે જવું. જોઈએ પગ ઊપડતા નથી. જાણે ઓટમાં અંદર ખેંચાઈ જતાં જળ મને પણ વહાવીને લઈ જાય છે એની સાથે પૃથ્વીના વિશાળ ગોળાના વર્તુળાકારના કોઈ અપરિચિત દરિયાકાંઠે, કોઈ જૂઠા જ અક્ષાંશ-રેખાંશ પર. મારા પગ પર, રેલાતાં આ જળ કોઈ અલગ કાળખંડનાં ઘૂઘવતાં વિપુલ જળરાશિમાં એકાકાર થઈને પછી ફરી ફરી લાંબી ખેપ ખેડી ધસમસતાં ઊછળતાં મોજાં આવીને મને ભીંજવી દે છે. હું રણઝણી ઊઠું છું.

વિચારું છું મારી જીવનસફરનાં કયા કયા પડાવને સ્પર્શીને, વર્તુળાકારે લાંબી સફર ખેડીને આ જળ આવ્યાં હશે! એની જળલિપિમાં મારાં કયાં કયાં સંભારણાં આલેખાયાં હશે! હું આતુર બની ઊઠું છું એ લિપિને ઉકેલવાં. વાંચવાં.

આમાંનાં કયા જળબિંદુમાં છુપાયેલું હશે છીપમાંનું સાચુકલું મોતી!

મહિલા કૉન્સ્ટેબલ ચેતવી જાય છે, સેઇફ નહીં હૈ. આતા ચલા. ઘરી જા. એક મોજું ધસી આવે છે અને મારાં ધૂંધળા સ્મૃતિદર્પણને સ્વચ્છ કરે છે. જતાં પહેલાં દૃશ્યને મન ભરીને જોઈ લઉં છું. ધીમે ધીમે ઓલવાતો જતો સાંધ્યદીપ અને પ્રગટ થતું રાત્રિનું ઝળહળતું સૌંદર્ય.

એક જ ક્ષણમાં સર્જન વિસર્જનની લીલાનો કેવો અદ્ભુત સાક્ષાત્કાર!
* * *
હું જે આથમતા સૂર્યની રક્તિમ લાલીમાનાં સોનેરી સૂર્યકિરણો મૂઠ્ઠીમાં સાચવીને લાવી હતી એ સ્મરણમંજૂષામાં સાચવીને મૂક્યા છે. આ છે મારી આગવી મૂડી. અ પર્સનલ ટ્રૅઝર. ગોપિત. મારા હૃદયમાં.

કંઈક વહાણાં વાયાં. આજે આયુષ્યની સંધ્યાનો એ ખજાનો ફરી જોવાની ઇચ્છા તીવ્રતર થઈ ઊઠી છે. ના. કયા ખોયા ક્યા પાયાની ગણત્રી માંડવી નથી. આમ પણ જીવનમાં કદી ગણત્રી માંડતાં આવડ્યું નથી, ગમતું પણ નથી. ઘરનો સાદો હિસાબકિતાબ પણ મને કવરાવે. પાડોશીસ્વજનો ગેહના-રોમુ મલકાનીને કહેવું પડે. આ આંકડાની ઇંદ્રજાળમાંથી મને છોડાવો. ચિત્રગુપ્તને એને ચોપડે જે લખવું હોય તે લખો. આમ પણ આપણને ક્યાં વાંચવાં મળવાનો છે! હોની હોય સો હોય.

આજે પ્રભાતમાં કોમળ મૃદુ ઉજાસમાં હું સ્મૃતિમંજૂષાની પાસે બેઠી છું. ઉત્સાહ છે. ભયભીત પણ છું. શું શું હશે આ ભેદી પટારામાં! ખોલું છું સ્મૃતિમંજૂષાને અને આશ્ચર્ય પામું છું, કાળની રજ પણ નથી પડી! એ સૂર્યકિરણો એવાં જ ઝળહળી રહ્યાં છે જેવા મેં સાચવીને મૂક્યાં હતાં. સંજીવની છાંટી હોય એમ સજીવ થઈ ઊઠે છે સ્મૃતિઓ. નિદા ફાઝલીની પંક્તિઓ યાદ આવે છે:

સદીઓ પુરાની હૈ મગર,હર દિન નયી હૈ જિંદગી.

તોય મનમાં ખટક છે! શા માટે આયુષ્યને છેવાડે આ ઉધામા! બહુત નાચ્યો ગોપાલ, હવે બસ નથી? શી જરૂર છે આ પટારાને ખોલવાની! જીવાયેલા જીવનનો વીંટો વાળી મૂકી દીધો છે પટારામાં. તો ભલે ત્યાં જ રહે. કરી દઉં બંધ અને ફરી કરું સૂર્યકિરણોને કેદ. જાત પાસે પઠાણી ઉઘરાણી કરી હિસાબ માગું છું. હું સાત સમંદરનાં ઝંઝાવતી જળમાં ઝૂકાવી તરીને પાર ઊતરી નથી, યુદ્ધો લડીને છાતીએ શૌર્યચંદ્રકો ટીંગાડ્યા નથી કે જીવ સટોસટનાં કોઈ ખેલ ખેલવાની હિંમત થઈ નથી. દુઃખનાં ડુંગરાય માથે તૂટી પડ્યા નથી. એવરેસ્ટ આરોહણ તો સપનામાંય નહીં.

તો પછી શું કામ લખવું? વ્હાય? વ્હોટ ફોર?

જવાબ શોધતા મનને લાડ કરીને મનાવી લઉં છું. કોઈ બહુ ગમી ગયેલી ફિલ્મ વર્ષો પછી ફરી જોવા કેમ તત્પર થઈ ઊઠીએ એમ પેલાં ઝગમગ સૂર્યકિરણો સંમોહિની વિદ્યાથી મને મોહી રહ્યા છે, અપ્સરા તપોભંગ કરે એમ. એ બહાને થોડી જાતતપાસ! ક્રોસ ઍક્ઝામીનેશન!

પણ વીતી ગયેલા સમયને કોણ બંદીવાન બનાવી કઠેડામાં ખડો કરી શક્યું છે! સ્વયં ઈશ્વર છે કાલોસ્મિ.

ભલે એ સાચું, પણ એ સમયમાં જીવાયેલા જીવનને અલવિદા કહેતા પહેલાં ફરીથી થોડું જીવી તો શકાયને! આ ઘૂઘવતા અફાટ ભવસાગરને પેલે પાર ચાલી ગયેલા વહાલા સ્વજનોનો સ્મૃતિમેળાપ કરવા તલપાપડ છું. વીતેલો પ્રસંગ ઊજવતા, વીતી ગયેલી જિંદગીને થોડો સમય માગી લેવી છે.

હું મને કોલ આપું છું, બસ તો હવે હું લખું આત્મવૃતાંત. અત્યાર સુધી સાચવી રાખેલા આ સૂર્યકિરણોનો પણ કસ કાઢી જોઉંને! સો ટચ હેમ છે કે પછી ઢોળ તો ચડાવેલો નથીને!

ચલો ખોલ દો નાવ,જહાં બહેતી હૈબહને દો

ટાગોર કહે છે એમ હવે શેનું લંગર અને શેનો કિનારાનો મોહ! આ છે આખરી ખેપ. લંગર ખેંચી સાતેય સઢ ખોલી વહેતી મૂકી દઉં નૌકાને અનંત જળરાશિમાં. પવન લઈ જશે નૌકાને, જહાં બહેતી હૈ બહને દો. કાંઠે એકાંકી ઊભી છું. હવે કોની પ્રતિક્ષા! જેઓ સામે કાંઠે પહોંચી ગયા છે એ તો હવે પાછા ફરવાના નથી.

આ જ તો છે સૃષ્ટિનો નિયમ. અફર. અનાદિકાળથી અફાટ જળરાશિમાં એક પછી એક નૌકા કિનારેથી છૂટતી જાય છે. ન સાથે ભાથું ન કોઈ સંગાથ. કાંઠે નાંગરેલી મારી નૌકા મોજાં પર હિલોળા લે છે. ક્યારે અદૃશ્ય હાથ લંગર ખેંચી લેશે એ કોને ખબર!

અમારું ઘર બૉમ્બે હૉસ્પિટલની સાવ જ બાજુમાં. પપ્પા હંમેશા કહેતા, મને ત્યાં ન મોકલતી મા સરસ્વતી. હાથમાં કલમ હોય અને તારે દરબારે આવું એમ કરજે. અને કલમ સાથે જ એમણે વિદાય લીધી. ખુશનુમા હવામાનમાં મારી હોડી વહેતી હોય અને મારાં હાથમાં કલમ હોય તો કેવી રૂડી વાત!
* * *
હું માતા વૈષ્ણોદેવીનું ઊંચું ચડાણ રાત્રે ઘોડા પર ચડી રહી હતી. નીચે ઝગમગતું શહેર પથરાયેલું. મારી આગળ પાછળ કેટલાય ભાવિકો પગપાળા, ઘોડા પર ચડી રહ્યા હતા. ભક્તિભાવથી સહુ ગાઈ રહ્યા હતા:

બોલો જય માતાજી.ચલો બુલાવા આયા હૈ, માતાને બુલાયા હૈ.

હિમાલયમાં બાલતાલનાં સાવ જ સીધાં ચઢાણથી હું ઘોડા પર અમરનાથ જઈ રહી હતી. બાલતાલથી એક જ દિવસમાં અમરનાથ ચડી ઊતરી શકાય છે. જોખમી, સાવ જ સાંકડો રસ્તો. કેડીની ધારે ધારે જ ઘોડાનો પગ પડે ત્યાંથી કેડી જરા ધસી કે જરાક જ ઘોડાનો પગ લપસ્યો તો નીચે ભયંકર વેગથી ધસમસતી ગંગાનાં જળ તમને એની ગોદમાં તત્ક્ષણ સમાવી લે. ક્યારેક ભયથી હું આંખ મીંચી દેતી ત્યારે મારો ઘોડાવાળો સલીમ મને કહેતો, દીદી, ઘબરાઓ મત. બર્ફાની બાબાને બુલાવા ભેજા હૈ આપકો. તભી તો યહાં તક આ સકી.

હા, સાચું. બુલાવો આવવો જોઈએ તો જ નિર્વિઘ્ને યાત્રાએ નીકળી પડાય છે. કોઈ એક દિવસ અચાનક કોઈ મીઠું ગણગણશે કાનમાં, ચલો બુલાવા આયા હૈ, રસ્તો વિકટ છે, પણ હાથ પકડી લે મારો. હું સાથે છું ને! મંગળ મંદિરનાં દ્વાર ખૂલી ગયા છે. મારી નૌકા ભવસાગરમાં નીકળી પડશે ત્યારે પવન ઝંઝાવતી હશે કે પ્રસન્ન એ જાણતી નથી. પણ શ્રદ્ધા છે એકાકી સફરમાં મારી નૌકાના ખૂવાં પર કોઈ અવશ્ય ઊભું હશે. ના ખુદાનો દૂરથી માત્ર અણસાર જ કળી શકીશ, પણ મારી નૌકાની દિશાદોર સાચવતું કોઈ છે એ આશ્વાસન કેવડી મોટી ધરપત છે!
* * *
તો હવે મારી વાત માંડીને જ કરું. સ્મૃતિની સરહદની પેલે પારથી, જ્યાં ‘હું’ કથામાં નથી છતાં હું કથાનો જ અંશ છું.

ડોક ઊંચી કરીને જોવું પડે, એવું ઊંચું કદાવર શરીર. પહોળો મજબૂત સીનો, સદા ખુમારીભર્યો ટટ્ટાર. વહેલી સવારથી સાંજ સુધી માત્ર ચાના એક કપ ભેર જ સડસડાટ લખે, ગોઠણ પર પેડ મૂકીને. લખાયેલું પાનું ફર્યું તે ફર્યું. એક ટંક સાંજે જમવાનું. સવારની રસોઈ ઢાંકેલી હોય તે હાથે લઈ લે. ડાઇનિંગ ટેબલનો હજી ગૃહપ્રવેશ નહોતો. એક હાથમાં પુસ્તક બીજો હાથ તપેલામાં પડે એની પણ ખબર નહીં એવા પુસ્તકમાં ખોવાયેલા. બાની હોંશ રહી ગઈ. ગરમ રસોઈ સામે બેસી, ભાણું માંડીને જમાડે. જમીને જમીન પર જ લંબાવે, કઠણ તકિયા સાથે. આમ પણ પોચટ જિંદગી કદી માફક આવી નથી.

થોડો આરામ કરી. ગુલબહારનાં ઘરેથી નીકળી મેટ્રો થિયેટર પાસે સાત રસ્તાનું ભરચક્ક ક્રૉસિંગ. પણ એ નિરાંતે વાંચતાં વાંચતાં ક્રૉસ કરે. ચાલતા, વાંચતા છેક પ્રિન્સેસ સ્ટ્રીટ આર.આર. શેઠ – ભગતભાઈને ત્યાં દુકાને ડાયરો જમાવે. લેખકો, એમના વાચકો, ફાર્માસ્યુટીકલ, ઇલેક્ટ્રિકલ હૉલસેલ બજારના વેપારીઓય આવી ચડે. દુકાનનું શટર પડી જાય પણ ત્યાંથી ઊઠે કોણ! પાછા ફરતા વાંચતા કોઈ વાર સ્ટ્રીટ લૅમ્પને નીચે જ ઊભા રહી જાય. જાણે આજુબાજુનું ભાનસાન ભૂલી માત્ર દરિયાલાલ પર મીટ માંડી, વહાણનાં મોશની પૂતળી પર અદબ વાળી ટટ્ટાર ઊભેલો નાખુદા.

એવા અલગારી. ફકીર. ગમે તેટલી ભીડમાંય નોખા તરી આવે એવા.

મારા પિતા. ગુણવંતરાય આચાર્ય.

સંસારસાગરના ભલભલા દરિયાઈ તોફાનો અને હાડહાડ થથરાવી મૂકે એવા ગાજુસમાંય (ગાજુસ = દરિયાઈ તોફાન) એમણે જીવનનૌકાને જવાંમંર્દીથી સાગરખેડૂની જેમ વહેતી રાખી. એમાં બેઠેલા છડિયા (મુસાફરો)નેય સાચવીને પાર ઉતાર્યા. જેમને માથે પોચટ પ્રજાનું આળ મુકાય છે એવી ગુજરાતી પ્રજાને એમની મર્દાનગી અને તાકાતનું ભાન થાય એવી તવારીખની તિરાડોમાં છૂપાયેલી સાગરકથાઓ અને ઇતિહાસની કથાઓને મરેલાંની કથારૂપે નહીં, પણ પ્રજાના ધગધગતા લોહી અને હૈયાનાં ધબકાર સંભળાતા હોય એ રીતે ગુજરાત સમક્ષ મૂકી ગુજરાતી પ્રજાને તેમના અમૂલ્ય વારસા પ્રત્યે જાગૃત કર્યા.

યુરોપનાં દેશો હજી દરિયાઈ માર્ગો શોધી રહ્યા હતા ત્યારે ગુજરાતે સમુદ્ધમંથનની જેમ દરિયો ડહોળી નાંખ્યો હતો એવી સાગરકથાઓ વડે દરિયાઈખેડને એમણે જીવંત કરી. ભારતીય ભાષાઓમાંથી એક માત્ર ગુજરાતી ભાષામાં જ અનેક સાગરકથાઓ, સાગરનવલિકાઓ એમણે આપી.

અફસોસ એ વાતનો છે કે ગુજરાતનાં વારસાનો ગર્વ લઈ આ કથાઓનો અંગ્રેજી અનુવાદ જો અંગ્રેજી પ્રકાશનગૃહે પ્રગટ કર્યો હોત તો આજે વિશ્વના નક્શામાં ગુજરાત સોનેરી અક્ષરે ઝળહળતું હોત.

હા, આ છે મારી સર્જકતાની ગંગોત્રી. મારા જીવનની પણ પવિત્ર ગંગોત્રી. એમાંથી એક નાનુંશું મધમીઠા જળનું ઝરણું મારી તરફ સદા વહેતું રહ્યું છે. એનાં કલકલ નિનાદે રોજ મારું પ્રભાત ઊગે છે.
* * *
પિતાનું વતન જામનગર. 09/09/1900માં વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં જેતલસર કૅમ્પમાં જન્મ. નાગરબ્રાહ્મણ જ્ઞાતિ નાગરગૃહસ્થ જ્ઞાતિનાં ગોર. મારા દાદા પોપટભાઈ, દાદી જમનાબેન. આ મારી જ્ઞાતિનો વ્યવસાય ગોરપદું એટલે પૂજાપાઠ, મરણપરણ, રુદ્રી અભિષેક તે છેક મૃત્યુશૈયાનું દાન, સીધાસામાન પર જ્ઞાતિજનોનો ઘરસંસાર નભે. સાથે સાથે નાગર યુવાનોની પૉસ્ટઑફિસ અને રેલ્વેમાં ક્લાર્કગીરીમાં મોનોપોલી.

નાગરજ્ઞાતિ સ્વભાવે અને આર્થિક રીતે રાંક. સેતાવાડની શેરી નાગરબ્રાહ્મણોનું હૅડક્વાટર્સ. પુરુષો માસ્ટરસેફ જેવા અત્યંત કુશળ રસોઇયા. નાગર મહિલાઓને રૂપ અને મધુર કંઠ વરેલો. એ સમયમાં પણ નાગરોમાં સ્ત્રી દાક્ષિણ્યની ભાવના અદ્ભુત. લગ્નમાં લેવડદેવડનો કોઈ જ રિવાજ નહીં. માત્ર કંકુને ચાંદલે કન્યા વરાવી શકાય.

આ પરંપરાગત માહોલમાં જ્ઞાતિના દાયરાની બહાર મારા દાદા અને એમના પૂર્વજોએ ગોરપદુંને બદલે જાનમગરથી મુંબઈ સુધી વેપાર કર્યો. જ્ઞાતિ બહાર પગ મૂકી વેપાર કરનાર આચાર્ય કુટુંબ પ્રથમ. ઘણું કમાયા. જ્ઞાતિનું સૌથી મોભાદાર અને સમૃદ્ધ કુટુંબ. પણ એ સમયે રાજરજવાડાંઓનું ઘણું જોર. એની સખળડખળ અને કાવાદાવામાં ભારે ખોટ પણ ખાધી અને દાદાને સૌરાષ્ટ્ર અને મુંબઈમાં નાની નોકરીઓ કરવાનો સમય આવ્યો.
* * *
પપ્પા ગઢવીની અદાથી ડાયરો જમાવી મલાવીને રસભરપૂર વાતો માંડતા. લેખનની જેમ કહેણીની કળા પણ એમને વાણીવગી હતી. દાદાનાં જીવનનો એક મઝેદાર પ્રસંગ અમને કહેતા. પપ્પા અસ્સલ કાઠિયાવાડી રંગમાં વાત માંડે ત્યારે મજાલ છે કોઈને કે રોકી શકે!

તો વાત આમ છે, ટૂંકમાં.

દાદા સંસારનું ગાડું રોડવે એટલું તો ભણેલા. એક નાગરગૃહસ્થને ઘરે રસોઈ કરે. નાગરજ્ઞાતિને કલમ, કડછી અને બરછીનું વરદાન. એ સમયે કાઠિયાવાડનાં રજવાડાંઓ પર નજર રાખતા પૉલિટિકલ ઍજન્ટ હતા મૅજર ફ્રેઝર. પૂરા 6 હાથની લંબાઈનો પડછંદ દેહ. કડક, બટકી જાય એવો તીખો લશ્કરી મિજાજ. ધારશીભાઈ સંપટને રજવાડાને કામે ફ્રેઝર પાસે જવું પડતું. એ પોતે બેઠી દડીના. માથે મસમોટી પાઘડી તોય ફેજરને વાત કરતાં નીચું જોવું પડતું. ધારશીભાઈ માથે હાથ રાખી ઊંચું જુએ, નહીં તો પાઘડી પદભ્રષ્ટ!

એક દિવસ અંગ્રેજ બચ્ચાંનો મિજાજ બરખોલારૂ. “યુ કાઠિયાવાડીઝ! નો હાઇટ, છોટા આદમી. ટુમ મેં દમ નહીં હીય.”

ધારશીભાઈ ઘા ખાઈ ગયા. સમો પારખી બહાર નીકળી ગયા. કુદરતનું કરવું, દિગ્દર્શકે ક્યુ આપી હોય એમ એ જ વખતે દાદા ત્યાંથી નીકળ્યા. ચતુર ધારશીભાઈએ રોક્યા.

“પોપટભાઈ, – ફ્રેઝરસાહેબ બોલાવે છે. કોઠીએ ચાલો.”

દાદા ગભરાયા. એના જેવા ગરીબ બ્રાહ્મણને વળી હાકેમ કાં બોલાવે! ધારશીભાઈએ એમનો હાથ પકડ્યો અને અંદર ગયા. ફ્રેઝર હજી પોચમાં આંટા મારતો હતો. છત પર ફાનસનું ઝુમ્મર લટકે. ધારશીભાઈએ દાદાને બરાબર ઝુમ્મર નીચેથી જ કાઢ્યા અને ધડામ્ કરતું ઝુમ્મર ભોયે. ફ્રેઝરે ચમકીને પાછળ જોયું તો સામે પડછંદ, ટટ્ટાર કાયાનો જણ! ફ્રેઝર અવાક્.

ધારશીભાઈએ એ ક્ષણ પકડી.

“સર, હમારા ગામકા પુઅર બ્રાહ્મીન. આપકા દર્શન કરવા આવ્યો છે.”

ગભરાયેલા તોય પ્રકૃતિવશ ટટ્ટાર, ખુમારીથી ઊભેલા દાદાને જોવા ફ્રેઝરે ફરી ડોક ઊંચી કરી.

“હીયર ઇઝ ધ રીયલ મેન. નામ ક્યાં… હાં… પોપટભાઈ! ટુમ કામ ક્યા કરતા?”

“હી કૂક સર.”

“વ્હોટ! કૂક! યુ મીન કીચન મેં કામ કરતા? સચ અ ફાઇન મૅન! નો નો યે પોપટભાઈ હમકો પુલિસ મેં મંગતા. એનીવન ધેર? જાઓ રાયબહાદૂર કો બુલાઓ. નાઉ.”

પોપટ વેલજી રાયબહાદૂર. દ્વારકાના વાઘેરોનાં અંગ્રેજો સામેના વિદ્રોહમાં મૂળુ માણેક અને સાત સાથીઓને જેણે ખતમ કર્યા હતા એ. એ સમયે દેશી લોકો માટે ભાગ્યે મળતું માન એવી ઇંગ્લીશ ટીની ટ્રૅ દાદા માટે આવી. રાયબહાદુર આવતાં તાતાતીરે હૂકમ છૂટ્યો.

“પુલિસ ડિપાર્ટમેન્ટ મેં વીચ પૉઝીશન વેકન્ટ હાય? વ્હેર?”

“સર, મોરબી પોલિસ સુપ્રિન્ટેન્ડન્ટ પોસ્ટ ઇઝ વેકન્ટ.”

“ગૂડ. યે આચારિયા મૅન ઉધર ચાર્જ રીઝ્યૂમ કરેગા. નો ટાઇમ વૅસ્ટ. અન્ડરસ્ટૂડ?”

હા. દાદા સમજ્યા. આચાર્ય કુટુંબનું ભાગ્ય પલટી નાંખતી આ નાનકડી ઘટના.

કોઠી બંગલામાં ઘડી પહેલાં દાખલ થયેલો એક બ્રાહ્મણ રસોઇયો બહાર નીકળ્યો ત્યારે રાજ્યનો એક મોભાદાર પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ હતો. પછી તો ઘણું બધું બન્યું. દાદા પલોટલ્યા. ભણ્યા અને વકીલ પણ બન્યા. જાબાંઝ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે આ નાગરબ્રાહ્મણે અનેક ડાકુ, ચોર લુંટારાનો પીછો કર્યો. અવ્વલ નિશાનેબાજ. અનેક ધિંગાણા ખેલ્યા. ફરજપરસ્તી અને હિંમત માટે અપાર લોકચાહના મળી.

પહેલાં વેપારી પછી રસોઇયો, ક્લાર્ક, શિરસ્તેદાર, પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ, અ શાર્પ શૂટર અને છેલ્લે વકીલ. વ્હોટ અ ફેનટેસ્ટીક જર્ની ઑફ લાઇફ!
* * *
પપ્પાએ આત્મકથા, સ્મરણો એમ નામ પાડીને તો કશું લખ્યું નથી. એવો સમય પણ ન હતો, સંજોગ પણ નહીં. અણધારી રીતે જ એમણે લખેલો આ પ્રસંગ મળ્યો.

કોઈ વાત પાછળ પણ વાત હોય છે.

અલગારી રખડપટ્ટીથી લોકપ્રિય થયેલા રસિક ઝવેરીની પુત્રી ભાનુ. મુંબઈની કલ્ચરલ ઍક્ટિવિટિઝમાં હું અને ઈલા એને અવારનવાર મળતા. 1958માં એણે ‘ગ્રંથાગાર’ નામનું નાનું સાહિત્યિક સામયિક શરૂ કર્યું હતું એને હોંશ એવી કે સર્જકોની જાણીઅજાણી વાતો એમની જ કલમે લખાવવી. થોડા અંક પ્રગટ પણ કર્યા પછી એ લગ્ન કરી કેનેડા ગઈ. જતાં પહેલાં એણે કહ્યું, આચાર્યભાઈએ ‘ગ્રંથાગાર’માં લખવાની શરૂઆત કરી હતી હું તો હવે જાઉં છું પણ એ થોડા અંકોનું પોટલું ભવનની લાઇબ્રેરીને સોંપ્યું છે.

વર્ષા અને ઈલા

વર્ષો પછી અમે બે બહેનો લખતી થઈ ત્યારે અચાનક ઈલાને આ વાત યાદ આવી. અમે બે ભવનની લાઇબ્રેરીમાં ગયા. નસીબ વાંકુ, લાઇબ્રેરીમાં રીપેરીંગ ચાલતું હતું. ચારે બાજુ ધૂળ અને પુસ્તકોનાં ઢગલા. આમાં ચારપાંચ અંકનું બિચ્ચારું નાનું પોટલું! ક્યાંથી હાથ ચડે! કદાચ હોય જ નહીં! તોય અમે બે મચી પડ્યાં ત્યાં. વાંકુ નસીબ સીધું થઈ ગયું અને પોટલું જડ્યું. કળયુગમાં ચમત્કાર! ગાંઠ ખોલી તો ખજાનો!

1958નાં જૂન મહિનાનાં અંકમાં અમે જેને પપ્પાનાં ડાયરાની રમૂજી બાપુશાહી વાત સમજતા હતા તે પ્રસંગ એમણે જ નામઠામ, વિગતો સાથે લખેલો હતો. ભાનુબેન કેનેડા ન ગયાં હોત તો આ ખજાનામાં અન્ય કેવા અલભ્ય હીરામોતી મળત!

હવે તો જે મળ્યું તે સોનુંરૂપુ. એમાં બીજા પ્રસંગો પણ છે જે લખવાની લાલચ રોકી નથી શકતી.
(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

26 Comments

 1. વાહ વષર્ાબેન વાહ. ભાષાનો વૈભવ માણવા મળ્યો . ભાસ્કર દેસાઈ.

 2. વર્ષાબેન ખૂબ સુંદર શરૂઆત! જિંદગીનું આટલું સુંદર નિરીક્ષણ ભાગ્યેજ જોવા મળે છે. શ્રી ગુણવંતભાઈ આચાર્યના ઘણા પુસ્તકો જવાનીમાં વાંચ્યા છે. હવે તમારા પુસ્તકો વાંચીશ! બીજા પ્રકરણની રાહમાં સપના!

 3. અદ્ભૂત મંડાણ અવકાશ માં વર્ષા બેન. મુંબઈ નો દરિયો અને કવીન્સ નેકલેસ નું રસપ્રદ વર્ણન. પ્રકરણ સમાપ્ત થઈ ગયું પણ મન ની તરસ શેષ છે.બીજા પ્રકરણ ની પ્રતીક્ષા માં…

 4. શરૂઆત જ એટલી સરસ થઈ છે કે હવે આગળના હપ્તાનો ઇંતજાર કરવાની ધીરજ રાખવાનું કામ અઘરું થઈ પડશે તેવું લાગે છે પણ સરવાળે ધીરજનાં ફળ તો મીઠાં જ હોય છે ને!!

 5. બહુ જ સરસ! આ રીતે પણ આત્મવૃતાંત લખી શકાય તેની સમજણ મળી• મા સરસ્વતીનો વરદ હસ્ત વર્ષાબહેન પર છે • આગળ આગળ વાંચવાની અધીરાઇ રહેશે જરૂર!

 6. ભવભૂતિ ના ઉત્તરરામ ચરિતમાં ચિત્ર દર્શન નો પ્રસંગ વનવાસ ના ચિત્રો સીતા ને રામ બતાવતા તા તેવીજ સુંદર વાતો “સ્મરણોની વિથીકાઓ માં થી તમે વર્ણવી તે ખૂબ રસપૂર્ણ રહી.સ્વાભાવિક આવનારા હપ્તા વાંચવાની આતુરતા પૂર્વક રાહ સહુ કોઈ જોશે..માટે Buck up…well begun is half done

 7. રસપ્રદ આલેખન. વાંચવાની મોજ પડી. આગલા પ્રકરણની રાહ જોઊં છું. સ્મૃતિમંજૂષા ઊઘડી તેનો લાભ લઈએ. આભાર, આપણું આંગણું બ્લોગ, હિતેનભાઈ.

 8. હું ચંદ્રકાંત સંઘવી પહેલું પ્રકરણ આપની આત્મકથાનું વાંચીને પોતાને પોતાપણુ સાવ ભુલી ગયો છું અભિભૂત થવાની આવી પરાકાષ્ઠા માટે આપ જીમ્મેદાર છો…હું પોતે આત્મકથા લખતો હતો પણ હવે મારે આપની સરખામણીમાં એક ટકો થવા પણ બહુ મહેનત અને સજાગતા કેળવવી પડશે..દિલથી અભિનંદન આભાર

 9. “આ કથાઓનો શૂરવીર નાયક વલસાડનો અમૂલખ દેસાઈ મારો સ્વપ્નપુરુષ”
  આપની જેમ અમારો પણ…….

 10. “યુરોપનાં દેશો હજી દરિયાઈ માર્ગો શોધી રહ્યા હતા ત્યારે ગુજરાતે સમુદ્ધમંથનની જેમ દરિયો ડહોળી નાંખ્યો હતો એવી સાગરકથાઓ વડે દરિયાઈખેડને એમણે જીવંત કરી. ભારતીય ભાષાઓમાંથી એક માત્ર ગુજરાતી ભાષામાં જ અનેક સાગરકથાઓ, સાગરનવલિકાઓ એમણે આપી.”

  આચાર્યજીને કોટી કોટી નમન ..

 11. જાતતપાસરુપે થનારું આ લખાણ અમારે માટે મોટો ખજાના જેવું છે…તમે અમારાં ગમતાં લેખક અને વ્યક્તિ છો…..પોટલામાંની બીજી વાતોની ઉત્કંઠા છે…

 12. =
  સુ શ્રી વર્ષા બહેનની ખૂબ સ રસ અનુભૂતિ અને અભિવ્યક્તિ

  આગાઝ ઇતના અચ્છા હૈ..
  અંજામ અચ્છા હી હોગા !

 13. વાંચવાની મજા પડી ગઈ.વર્ષ બહેનની અનુભૂતિ અને અભિવ્યક્તિ માટે શું કહેવાનું હોય? બીજા ભાગની આતુરતાપૂર્વક પ્રતીક્ષા..ખૂબ ખૂબ આભાર..આ અહીં વહેંચવા બદલ. હિતેનભાઈનો પણ ખૂબ આભાર.

 14. ક્વીન સ નેકલેસ નું વર્ણન અદભુત છે વર્ષા બેન…
  કોઈ વાનગી ની સોડમ થી ખાવા માટે મન લલચાય તેમ પ્રથમ પ્રકરણ વાંચી ને આગળ વાંચવા મન લલચાયું છે….

 15. વર્ષાબહેન, તમારી સ્મૃતિમંજૂષાના ભેદી પટારાનું પહેલું જ રત્ન કેટલું અદ્ભુત! મંત્રમુગ્ધ કરી દે એવું પહેલું પ્રકરણ. બીજું પ્રકરણ વાંચવાની ઉત્સુકતા વધી ગઈ છે. એક હપ્તા સુધી ધીરજ રહેશે?

 16. હું વર્ષાબહેનથી બે વર્ષ જ મોટો અને જેતપુરનો ( જેતપુરથી જેતલસર એટલે અત્યારના હિસાબે બોમ્બે સેન્ટ્રલથી લોઅર પરેલ) , નાનપણમાં દશા સોરઠીયા વણિક પુસ્તકાલયમાંથી (સગીર હોવાથી મોટાભાઇના નામે) જે બે લેખકોના પુસ્તકો વાંચવા ઘેર લઇ આવતો તે મેઘાણી અને ગુણવંતરાય આચાર્યના. ભીની ભૂમિ પર પડી ગયેલી પગલાંની છાપ જેમ ભૂમિ સુકાઇ જાય પછી પણ ટકી રહે એમ આજે પણ આ બે સાહિત્યકારોની છાપ મારી મનોભૂમિ પર અકબંધ છે, 1997 માંં એક જીવનકથાના આલેખન માટે આફ્રિકામા મલાવી દેશ ગયો ત્યારે ટાંઝાનીયાના વાચક અશ્વિન ગણાત્રાના આમંંત્રણથી ટાંઝાનીયા પણ ગયો ત્યારે મનમાં ગુણવંતરાયનું ઝાંંઝીબાર સંઘરીને ગયો અને યજમાન પાસે પહેલી માગણી મને માત્ર આ જ મનોદશાને કારણે મને ઝાંઝીબાર બતાવવાની કરી. એ અને અને એમના એક મિત્રે મારી એ મનોકામના પૂરી કરી, અને ઝાંઝીબારના ઇંચે ઇંચમાં, ગુલામીના અવશેષ જેવી લોખંડની રાક્ષસી સાંકળોમા , ત્યાંના બે સદી પહેલાના ગુજરાતીઓના અવાસો પરની કમાનોમાં બે-ત્રણ પેઢી પહેલાંંના વડવાઓના દેશી નામો વાંચીને, ઝાંખીબારના દરીયાકિનારે ફુંકાતા પવન વચ્ચે પણ રોમાંચ સાથે આચાર્યને મારા મનમાં તાદ્ર્શ્ય કર્યા. // આજે તેઓ હોત અને સોશ્યલ મીડીયા હાથવગું હોત તો એ આખા વિશ્વમાં વ્યાપી ગયા હોત. બહેન વર્ષાબહેને અને ઇલાબહેને પણ પિતાનો શબ્દ વારસો માત્ર સાચવ્યો જ નહિં, ઉજાળ્યો જ નહિં,કેવળ દિપાવ્યો જ નહિં. પણ પોતાનામાં અનુસંધાનિત પણ કરી બતાવ્યો છે. ત્યારે આપણા સાહિત્યને કરાનારા આ અણમોલ પ્રદાનને હું દિલથી વધાવું છું.

  1. આપે આકાશમાં પગલું માંડવા પગ ઉપાડ્યો એ બહુ જ શાનદાર છે… સુંદર લેખનશૈલી હોવાથી અમેય આ ઘટનાઓ માણી..