લાલ રંગ, રેડ એલર્ટ! ~ હિતેન આનંદપરા ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ ગુજરાતી મિડ-ડે

આમ તો દરેક રંગ પોતાની આગવી છટા ધરાવે છે, પણ રાજકારણ એમાં સંકળાય એટલે રંગમાં ભંગ પડવાનો. સમાજવાદી અખિલેશ યાદવની લાલ ટોપી નરેન્દ્ર મોદીની ભગવી હડફેટે આવી ગઈ. સંમત થાવ કે ન થાવ, કેટલાક વિધાનો એવા સટિક હોય કે કોઈના ભવાં ઊંચા થઈ જાય અને કોઈના હોઠે સ્મિત ફરકી ઊઠે. આપણે ભવાંને ઉન્નત કરતાં પહેલાં નિનાદ અધ્યારુના શેર પર એક નાજુક નમણી નજર નાખી લઈએ…
બાબત એ ગૌણ છે કે, એમાં લખેલ શું છે
રાખે ગુલાબ જેમાં, એ ચોપડી ગમે છે
નિનાદ લાગણીના એ કાર્ડનું કરે શું?
એને તો લાલ-લીલી કંકોતરી ગમે છે
મોદીસાહેબે રંગનું કાર્ડ ખેલ્યું. એમની સણસણતી રિમાર્ક પછી અખિલેશ યાદવે લાલ રંગની મહત્તા સમજાવવી પડી. પ્રિય નાગરિકો, એવા એવા વાહિયાત લોકો રાજકારણમાં મોટાભા બનીને ફરે છે કે ચક્કરભમ થઈ જવાય. આવડતવાળાઓ ઘરે બેઠા હોય અને અણઘડો ખુરસી માટે તાગડધિન્ના કરે એ સબળી લોકશાહીની નબળી નિશાની છે. આપણે ત્યાં પ્યૂનની નોકરી માટે ઈન્ટરવ્યુ લેવાય છે, પણ પ્રધાનોની નિમણુક માટે કોઈ ઈન્ટરવ્યુ લેવાતા નથી. ગની દહીંવાળા આપણા વિષાદનો ઉકેલ દર્શાવે છે…
અમને હસી જ કાઢજો એ છે અતિ ઉચિત
ઠલવાય લાગણી, તો નીપજ વેદના ય થાય

આદિથી એ જ આગના સંચયની લાલસા
સૂરજ ન હોય તો અહીં દિનકર ઘણા ય થાય
ખરેખર જેમની પાસે પોતીકા સૂરજનું તેજ છે એવા દિનકર જોષી જેવા પચ્ચીસેક વિદ્વાનો જો રાજકારણમાં હોય તો દેશની સિકલ ધીરે ધીરે બદલાઈ શકે. કમનસીબે આપને ત્યાં નિષ્ઠા મિસિંગ હોય એની ક્યાંય જાહેરાત નથી થતી. જે-તે ક્ષેત્રના નિષ્ણાતો જે-તે વિભાગમાં નિર્ણાયક પોસ્ટ પર હોય તો દેશને નીચાજોણું ન થાય. રેડ સિગ્નલ લાંબા સમય સુધી ચાલુ રહે તો વિકાસ અટકી પડે. લાલ ફિતાશાહીનો કડવો અનુભવ આ દેશના ઉદ્યોગો કરી ચૂક્યા છે. એનાથી ટોટલ વિપરીત કેજરીવાલ અને ચન્ની એવા મહાશયો છે જે ફ્રીની ખેરાત બાંટતા ફરે છે. ઉદયન ઠક્કરની ઈકોનોમિક્સ દૃષ્ટિ સમજવા જેવી છે…
ઊજળો ધંધો તો સોમાલાલનો
વેચે રોકડમાં ને લે ઉધારમાં
આ અમાસો તો હવે કોઠે પડી
અમને મોટો લાડવો દેખાડ મા

પંજાબમાં તો લાડવાના લટુડા અને ગાજરના લટકણિયા ક્યારના શરૂ થઈ ગયા. કરોડોની મિલકત હોય એવા માલેતુજાર કિસાનોને પણ વીજળી ફ્રી જ જોઈએ છે. દસ-વીસ હજાર કમાતો મધ્યમવર્ગનો માણસ બિચારો કોની પાસે ફ્રી માગે? માગે તોય એની પીપૂડી સાંભળવાનું કોણ? અહીંયા તો જે જોર દર્શાવે એના બોર વેચાય. આક્રોશને કારણે તમારું લોહી જો ઉકળી ઊઠે તો રઈશ મનીઆરની આ મનોચિકિત્સક પંક્તિઓ વાંચી ટાઢી કરજો…
લોહીનો રંગ લાલ નહીં, કાળો હોય છે
એવી પ્રતીતિ થઈ અને કાગળ સુધી ગયો
આખા જીવનમાં દુઃખની મળી એક પળ રઈશ
એનો જ પ્રત્યાઘાત પળેપળ સુધી ગયો
શાંત જળમાં કાંકરી નાખીએ તો એના તરંગો દૂર દૂર સુધી પ્રસરી જાય. એમાં ઉમંગ છે કે ઉદાસી, એના આધારે એનું મૂલ્યાંકન થાય. જિંદગી નટબજાણિયાની જેમ આપણને નચાવે અને અવનવી કોરિયોગ્રાફી કરતી જાય. એમાંથી કયું સ્ટેપ કામનું છે એ શોધતાં આપણે શીખી લેવું પડે. રાકેશ હાંસલિયા વ્યાપક થવાની વાત કરે છે…
જિંદગીના તાર છોને તંગ થાતા
થાય તો એના વડે સિતાર કરજે
જેમનું પણ લાલ છે રાકેશ લોહી
એ ગમે તે હોય પણ સ્વીકાર કરજે
સ્વીકાર એક એવી વેક્સિન છે જે સદાય અક્સીર રહી છે. દીવાલો પર મુઠ્ઠી પછાડવાથી કંઈ ન વળે તો એનાં પર ચિત્રકામ કરતાં શીખી જવું પડે. દીવાલો બદલાવાની નથી, પણ તમારા હાથ તો બદલાઈ શકે છે. સમજણની અવગણના કાયમ ભારે પડવાની. વર્ષો વેડફાઈ જાય અને હાથમાં માત્ર રેતી રહી જાય. પ્રવીણ શાહ અધ્યાત્મનો મિજાજ પકડે છે…
જિંદગી ત્યારે અધૂરી લાગી છે
એક પણ ઘટના ઉમેરી ના શક્યા
લાલ-લીલા રંગ બદલાતા રહ્યા
વસ્ત્ર બે ભગવા પહેરી ના શક્યા

ક્યા બાત હૈ

છેક છેલ્લે સુધી લડેલો છું
માંડ ત્યારે જ હું બચેલો છું

કોઇ સ્પર્ધા નથી સિતારાથી
જાત બળતાં હું ઝગમગેલો છું

હોઠનાં સ્પર્શ હું ય પામ્યો છું
હું ય પ્યાલો છું પણ ફૂટેલો છું

સાવ થડિયું નથી પ્રથમથી હું
ડાળખી જેમ પણ ઝૂકેલો છું

સેંકડો ભોંયરા છે મારામાં
આમ પર્વત બની ઊભેલો છું

વાટ તેથી જુએ છે સૌ આતુર
હું ટપાલીનો એક થેલો છું

~ બાબુલાલ ચાવડા આતુર

આપનો પ્રતિભાવ આપો..

5 Comments

  1. વાહ!
    સુંદર લેખ
    રાજકારણના અખાડામાં બહુરૂપીઓની જમાતે લોકોને બેવકૂફ બનાવવાની હવે હદ વટાવી દીધી છે, ત્યારે તેમની જ ભાષામાં પ્રહાર કરવા જોઇએ!
    અહીં એ જ થયું છે.
    હું ટપાલીનો એક થેલો છું.
    સુંદર!


  2. લાલ-લીલા રંગ બદલાતા રહ્યા
    વસ્ત્ર બે ભગવા પહેરી ના શક્યા

    ક્યા બાત હૈ