રાત આખી ઝરમરનાં ઝાંઝર વાગે | કાવ્યપાઠઃ હરીન્દ્ર દવે | સ્વરાંકનઃ આશિત દેસાઈ | સ્વરઃ હેમા દેસાઈ
ગુજરાતી સુગમસંગીતને રળિયાત કરનાર સંગીતયુગલ આશિત દેસાઈ – હેમા દેસાઈને તાજેતરમાં પૂ. મોરારિ બાપુના હસ્તે હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક અર્પણ કરવામાં આવ્યું. આ યુગલ પ્રત્યેનો અહોભાવ વ્યક્ત કરવા ગમે તેટલો પ્રયત્ન કરીએ, તોય આપણો આલાપ ટેલેન્ટેડ આલાપ દેસાઈના કૌશલ્ય સુધી પહોંચી નહીં શકે.
આ તબક્કે સમગ્ર દેસાઈ પરિવારને અભિનંદન આપી હરીન્દ્ર દવેની એક રચના બ્લોગના વાચકો માટે સહર્ષ પ્રસ્તુત છે. આ ગીત મીઠાં સ્વરાંકન ઉપરાંત, હરીન્દ્ર દવેના સ્વરમાં પણ કાવ્યપાઠ સ્વરૂપે ઉપલબ્ધ હોવાથી આપણો આનંદ અગણિત થાય છે.
(કાવ્યપાઠ : હરીન્દ્ર દવે)
રાત આખી ઝરમરનાં ઝાંઝર વાગે
કે માડી ગેબના મલકથી ઊતરતાં લાગે
ધીમું ધીમું રે કોઈ જંતર વાગે
ને વિના વેણ કોઈ સંભળાય ગાણું
મધરાતે મન એના સૂરમાં પરોવ્યું
એને સાંભળી રોકાઈ ગયું વ્હાણું
જરા હળવેઃ કે ચાંદનીના ફોરાં વાગે
આભથી પનોતાં કોઈ પગલાં પડે ને
પછી ધરતીનું હૈયું મ્હેક મ્હેક
ભીનાં તરણાંનું બીન સાંભળું ત્યાં
અજવાળું પાથરે છે મોરલાની ગ્હેક
હજી કળીઓ સૂતી’તી, હવે ફૂલો જાગે
~ હરીન્દ્ર દવે
સ્વરાંકનઃ આશિત દેસાઈ
સ્વરઃ હેમા દેસાઈ
આલબમ: માધવ ક્યાંય નથી મધુવનમાં
રાત આખી ઝરમરનાં ઝાંઝર વાગે |
મધુરા ગીતનો હરીન્દ્ર દવેના પોતાના અવાજમા કાવ્યપાઠઃ
અને
આશિત દેસાઈના સ્વરાંકનઃ અને હેમા દેસાઈના સ્વરમા માણી આનંદ