|

એક ગુનેગાર હોય છે (આસ્વાદ લેખ) ~ હિતેન આનંદપરા ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ ગુજરાતી મિડ-ડે

જિંદગીમાં કેટલી મોકાણ હોય છે, તોય શ્વાસોનું ગજબ રોકાણ હોય છે. પૂરું થાય કે ન થાય દરેકની આંખમાં એક સપનું હોય છે. ઘણી વખત સુખ આપણી સામે જ હોય છતાં એને ઓળખવામાં આપણે થાપ ખાઈ જઈએ. અનેક ઉતારચડાવ અને અવરોધો વચ્ચે એક એવો સંબંધ હોવો જોઈએ જે આપણને જીવવા પ્રેરે. હિમલ પંડયા તેની વાત કરે છે…
બધીયે વાતમાં બસ એટલે ફાવ્યા કરું છું હું
બરાબર લક્ષ્‍ય સાધીને પછી વીંધ્યા કરું છું હું

અધૂરી હોય ઈચ્છા ત્યાં સુધી ક્યાં દેહ છૂટે છે?
તને ઝંખ્યા કરું છું એટલે જીવ્યા કરું છું હું

બધી ઇચ્છા પૂરી નથી થતી. કેટલીયે ઇચ્છા વર્ષો સુધી વેઈટીંગ રૂમમાં બેઠી જ રહે. ટ્રેન સામેથી પસાર થઈ જાય પણ કોઈ એમને તેડીને ન લઈ જાય. રિઝર્વેશન તેમને મળતું નથી અને જનરલ ડબામાં ઘૂસતા તેમને આવડતું નથી. જિંદગીના કેટલાય તબક્કે નાના નાના તારણહારની જરૂર હોય છે. ભગવાન જાણે કયું ગણિત હોય છે  જે એક તરફ અંબાણી – અદાણી જેવું સામ્રાજય આપે તો બીજી તરફ બે ટંક ખાવાનું મળશે કે નહીં એની સમસ્યા સર્જે. કશુંક એવું તત્ત્વ છે જેના કારણે આ બધી લીલા રચાતી હશે. ચિનુ મોદી સંશયને વાચા આપે છે…
રોજ મારા નામ જોગી ચિઠ્ઠી મોકલતા તમે
રોજ આંખો તાણતો પણ કૈં જ વંચાતું નથી

છેક તળિયે હોય માની ડૂબકી ઊંડે દીધી
મન છતાં ચાલાક છે, ઇર્શાદ પકડાતું નથી
કેટલાક લોકો સરેઆમ ગુનો કર્યા પછી પણ કેમ પકડાતા નથી એનું આશ્ચર્ય છે. કિસાન શબ્દ સાથે શેતાન પ્રાસ મેળવવાની ઇચ્છા થાય એવા કૃષિ-ડકેત રાકેશ ટિકૈત જેવાઓ આખો દેશ માથે લઈને બેસે ને તોય એમનો વાળ વાંકો થતો નથી. આ દેશ ખરેખર દાદાગીરી કરનારાઓથી ચાલે છે એવું લાગે. ખેતીના નામે ખતરો વવાયો છે ને પાકની બદલે પિપાસા લણાય છે. કંઈક છૂપી આકાંક્ષાઓની હાયબળતરા, સત્તાની લાલસા, રાજકારણની રમત, અહંકારની ઐય્યાશી વગેરેનું કરતૂતી કોકટેલ આમાં સામેલ છે. સામાન્ય નાગરિક તો પોતાના ચકુમકુ ચીંથરા ઊડતા જોઈ રહ્યો છે. મનસુખવન ગોસ્વામી આવા જ વિષાદને વણી લે છે…
જેમને જોતાં કદી પણ ના ધરાયું મન
એમનું કાં થઇ ગયું પળમાં પરાયું મન?

જંગમાં છો આપણો જેવો થયો હોય જય
જગમાં આ આપણું એવું મરાયું મન

મન મારીને જીવવું પડે એવી પરિસ્થિતિ લાંબી ચાલે તો લાંબા થઈ જઈએ. દેશને પાકિસ્તાન ને ચીનથી વધારે નુકસાન દેશદ્રોહીઓ કરી રહ્યા છે. એમનો વાળ પણ વાંકો થતો નથી. ડૉ. દિલીપ મોદી કહે છે એવી સ્થિતિ પાંચ રાજ્યોની ચૂંટણીમાં વધારે ને વધારે સ્પષ્ટ થતી દેખાશે…
માણસોએ માણસોને લ્યો, બનાવ્યા
ક્યાં હસાવ્યા બહુ? વધારે છે રડાવ્યા

હોય છે બસ હદ સહન કરવાની, મિત્રો 
નીતિ ને મૂલ્યોએ ખુદ અશ્રુ વહાવ્યાં
આપણા દેશની લોકશાહી એટલી મહાન છે કે સુપ્રીમ કોર્ટના આદેશ પછી પણ આંદોલનો ચાલુ રહી શકે. બ્લેમેઈલિંગ તારું બીજું નામ કિસાન એવું કડવું વેણ બોલતા આપણને ભાણામાંની રોટલી રોકે છે. પણ શું કરીએ, દાઝેલી રોટલીની દાઝ ક્યાંક તો નીકળવાની. વાણીસ્વાતંત્ર્યનો અધિકાર માત્ર નેતાઓ, પ્રવક્તાઓને જ નથી, આમ આદમી પણ આ અધિકાર ધરાવે છે. વળી ભગવતીકુમાર શર્મા કહે છે તે બરાબર જ છે…
શત્રુ જો હોય સામે તો શંકા થઈ શકે
મિત્રોનો મામલો છે તો હું શક નહીં કરું

મોઘમમાં જીવવાની મજા હોય છે છતાં
જો વ્યક્ત થઈ શકું તો જતી તક નહીં કરું

સામાન્ય હોવું એ કંઈ ગુનો નથી. ડૉ. મહેશ રાવલ કહે છે એ શક્યતા ક્યાંક આપણી ભીતરમાં જ પડી હોય છે.
હોય કેવળ સત્યનો આધાર તો
એક જણ ઈતિહાસ બદલાવી શકે

યોગ્ય રીતે જો પ્રયોજ્યો હોય તો
શબ્દ પણ ઈતિહાસ બદલાવી શકે 

ક્યા બાત હૈ

આજે બધે જે વાતની ચકચાર હોય છે
ભાગ્યે જ કાલે કોઈને દરકાર હોય છે

નીકળે ન શબ્દ એકે પ્રશંસાનો ભૂલથી
લોકો જગતના એવા ખબરદાર હોય છે

સ્વીકારે જેની વાતને મૃત્યુ પછી જગત
એના જીવનમાં ઓછા તરફદાર હોય છે

પલટે પલકમાં પોતાનાં આંસુને સ્મિતમાં
દુનિયામાં કેટલાય કલાકાર હોય છે

પડછાયો પણ તિમિરમાં નથી સાથ આપતો
મુશ્કિલ સમયમાં કોણ વફાદાર હોય છે?

ઊભો રહું છું આયના સામે જ રોજ હું
એક ન્યાયાધીશ, એક ગુનેગાર હોય છે

~ હેમેન શાહ

આપનો પ્રતિભાવ આપો..