ગઝલસંગ્રહ : એને નહીં ગમે [પ્ર. આ. નવેમ્બર, ૨૦૨૧] ~ શાયર : ભાવેશ ભટ્ટ ~ [સંગ્રહમાંથી ચૂંટેલા શેર]
એની સાથે એના હોવાનો પુરાવો આપજે
ભોળપણ આપે તો તું ચહેરો ય ભોળો આપજે
*
છે પરાકાષ્ઠા ઋણાનુબંધની આ
પંખીએ બાંધ્યો છે માળો બાંકડા પર
*
ભલે અપમાન કરવા પણ કોઈ મળવા તો આવે છે
ખરેખર તો મને મારાથી એ લોકો બચાવે છે
*
માબાપ, મિત્ર, પ્રેમિકા, ઈશ્વર, સ્વજન, સમય
કાયમ વહાલ કોઈ કરે, કોઈ ના કરે
*
આપ્યો છે એના હાથમાં એની જ દીકરીએ
ચોંટાડવાને ઢીંગલીનો પગ કસાઈને
*
જિંદગીથી ભાગીને શું જોઈશું, કોને ખબર!
સ્કૂલથી ભાગીને પિક્ચર મેં બહુ જોયા હતા
*
એક અંધ આદમીએ કહ્યું કાનમાં મને
ચિત્રો બધાં મિજાજ બદલતાં જ હોય છે
*
મને ક્યાં રંજ છે માથા ઉપર પડ્યાનો કૈં
હું શોક પાળું છું વીજળીના આપઘાત ઉપર
*
પોતે જ એકમેકનાં માબાપ હોય છે
જે બાળકો અનાથ, સડકછાપ હોય છે
*
મારગમાં મળ્યા આભના બિનવારસી ટુકડા
સુપરત કરી દઉં કોઈ હકદાર મળે જો
*
બે-ચાર પંખી આવી બસ ધૂણવા જ માંડ્યાં
નાડાછડી કસીને બાંધેલ ઝાડ જોઈ
*
ખાલી સાંજનો તો છે ઢગલો મારી પાસે
એને ભરવા માટે એક જણ ક્યાંથી મળશે?
*
ખાનદાનના માન, પ્રતિષ્ઠા, મોભાનો જાણે રિપોર્ટ
ખીંટી ઉપર લટકાવેલો દાદાજીનો એ કાળો કોટ
*
શું વાત છે દીકરીનો થયો આજ જન્મ ત્યાં
નાસ્તિકના ઘરે પહોંચ્યું છે શ્રદ્ધાનું કુરિયર
*
ટકશે નહીં યુગો સુધી મારું લખાણ પણ
હું જ્યાં સુધી છું ત્યાં સુધી તો ટકવું જોઈએ
~ ભાવેશ ભટ્ટ
ગઝલસંગ્રહ : એને નહીં ગમે
પ્રથમ આવૃત્તિ : નવેમ્બર, ૨૦૨૧
પ્રાપ્તિસ્થાનઃ નવભારત સાહિત્ય મંદિર
જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ – 380 001.
ફોનઃ +91 98250 32340
વેબસાઈટઃ navbharatonline. com

‘ એને નહીં ગમે ‘
બોલ ગમ્યું ને ?
હેં ને ?