બારણું (ગઝલ) ~ જયશ્રી વિનુ મરચંટ “ભગ્ન”

ઝીલતું ભીના ટકોરાની અસર આ બારણું !
થઈ ગયું વરસાદ વિના તરબતર આ બારણું !

એની પાછળ ઘર અવાજોનું હતું, તૂટી ગયું
એકલું ઊભું છતાંયે બેખબર આ બારણું

બારી તો પૂછે ઘણું, ઉત્તર ન આપે બે કમાડ
જાણે મૂંગીમસ ઉદાસીના અધર આ બારણું

એ જો ખુલ્લું હોય તો ધ્યાને કદી ચડતું નથી
બંધ હો ત્યારે બને સૌની નજર આ બારણું

કાશ, ફૂટી નીકળે એને ચરણ એ આશમાં
નાખીને નિશ્વાસ જુએ છે ડગર આ બારણું

આવ-જા ચાલ્યા કરે, બસ, ત્યાં સુધી જીવંત છે
બંધ જો થઈ જાય તો લાગે કબર આ બારણું

“ભગ્ન” તોરણ જેમ યાદો બારસાખે ઝૂલતી
સાવ સૂનું થઈ ગયું એના વગર આ બારણું !

~ જયશ્રી વિનુ મરચંટ “ભગ્ન”

  

આપનો પ્રતિભાવ આપો..

4 Comments

 1. બારણાં, ટકોરા પડતાં આગંતુક ઘરઅંદર જાય એ માટે ખુલી જતા હોય છે ; આ બારણાં ઘર ખુલ્લું મૂકી આગંતુક સાથે ઘરબહાર દોડી જઈ શકે એવા ટકોરા ની જાણે રાહ જોઈ રહ્યા છે ! !

 2. લાકડાના બારણામાંથી એક કૂંપળ ફૂટી રહી છે. કૂંપળ એ વૃક્ષ જીવંત હોય છે ત્યારે જોડાયેલી હોય છે. વૃક્ષ જ્યારે બારણું બને છે ત્યારે બ્હારથી એવું લાગે છે કે મરી ગયું છે. લાકડું બની ગયું છે. પણ સર્જકને તો એમાં પણ કૂંપળ દેખાય !
  ગઝલને કાળ નથી નડતો –
  અનંત કાળ માટે ઝંખના હોય છે.કદાચ જીંદગીભરનો અનુભવ છે.
  “ભગ્ન” તોરણ જેમ યાદો બારસાખે ઝૂલતી
  સાવ સૂનું થઈ ગયું એના વગર આ બારણું !
  વિરહ વેદનાની અદભૂત અભિવ્યક્તી
  ફરી વાંચતા એક કસક સાથે આંખ નમ.
  હૃદયની અંદર પણ એક બારણું
  યાદ શાળાના દીવસો-ઉમાશંકર જોશીનુ નાટક બારણે ટકોરામા મારે નંદુનુ પાત્ર ભજવવાનુ હતુ તેનો સંવાદ હ્જુ પણ પડઘાય છે.બારણે ટકોરા પડે છે.
  એ જતા રહ્યા છેવટ મારે પાપે!
  એ જ પાઘડી, પેલો લીલો ખેસ ને બટુ, વિશંભરદાસવાળી પેલી લાકડી પણ મેં હાથમાં દેખી તો!