અમે પુરુષનાં આંસુ… (ગીત) ~ રેણુકા દવે ~ આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ (૧૯ નવેમ્બર) નિમિત્તે

કવયિત્રી : રેણુકા દવે
સ્વરાંકન – સ્વરઃ હર્ષિત ત્રિવેદી

અમે પુરુષનાં આંસુ…
અમે થઈ ઘનઘોર આભ, ના વરસે એ ચોમાસું

અમે હળાહળ લાગણીઓના દરિયામાં આથડિયે
નકારની નૌકાના સઢમાં મધદરિયે  ફડફડિયે
આંખ બચાવી કહો,
ક્યાં સુધી ખારા જળમાં ન્હાશું?
અમે પુરુષનાં આંસુ

પર્વત ભીતર અનેક નિર્મલ કલકલ ઝરણાં વહેતાં
વહેવા ઉપર બંધ, આંખને અંધ કરીને સહેતા
અમે તમારા અભિપ્રયાથી
ક્યારે છૂટા થાશું?
અમે પુરુષનાં આંસુ

અમે અમારા મહેલ મહીંયે સાવ અજાણ્યા ફરતા
રાતની કાળી ચાદર ઓઢી ઉજાગરનો વરતા
ઝરમર ઝીલે એ હાથોનું
સપનું લઈને જાશું
અમે પુરુષનાં આંસુ

~ રેણુકા દવે
સાભારઃ કવિલોક

સ્વરાંકન – સ્વરઃ હર્ષિત ત્રિવેદી

આપનો પ્રતિભાવ આપો..

4 Comments

  1. બહુ જ સરસ રચના! પુરૂષના હ્રદયગહ્લરમાં પ્રવેશ કરી તેના મનોભાવોને આટલા સુંદર ,ઉચિત શબ્દોમાં રેણુકાબહેને પ્રસ્તુત કર્યા તેથી ખરેખર તેઓ ધન્યવાદને પાત્ર છે• સૂર, સ્વર અને સંગીતના ત્રિવેણી સંગમે રચનાને વિશેષ મનભાવન બનાવી દીધી•

  2. કવયિત્રી : રેણુકા દવેનુ સ રસ ગીત
    હર્ષિત ત્રિવેદીના મધુરા સ્વર ગાન
    સ્ત્રી હસતી સારી નથી લાગતી ને પુરુષ રડતો સારો નથી લાગતો. આમાં સત્ય ઓછું છે. સમજીને હસતું કોઈ પણ સારું લાગે ને બેફામ રડતું કોઈ પણ સારું ન લાગે એવું વ્યવહારમાં ઘણે ઠેકાણે જોવા મળે છે. પુરુષ રડતો સારો ન લાગે એટલે તેણે કદી રડવું જ નહીં, એ વાત બરાબર નથી. રડ્યા ન કરવું, તે બરાબર, પણ રડવું જ નહીં તે બરાબર નથી.ખરેખર તો હાસ્ય, રુદન એ અભિવ્યક્તિનું માધ્યમ છે. એ દ્વારા કોઈનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન પણ થતો હોય છે.