મૌનમાં સમજાય એવું (ગઝલસંગ્રહ) ~ ભરત વિંઝુડા ~ ચૂંટેલા શેર

જઈ સંસારની હું પાર બેઠો
તો સામે આવીને સંસાર બેઠો
*
તરસ લાગ્યા કરે છે રોજ સૌને
બધે એથી પરબ ચાલ્યા કરે છે
*
સત્ય પણ આવે ઘણાં અખબારમાં
એક-બે અફવાઓ આવે કે નહીં?
*
આપણે જર્જરિત થઈ જાશું
ને છબીઓ સરસ રહી જાશે
*
તમે છો એક અને તમને એવું કહેશે કે
દશે દિશાઓમાં દોડો અને તપાસ કરો
*
સામસામે બેસી જઈએ આપણે
મૌનમાં સમજાય એવું સુખ નથી
*
તમારી સાથે મને મિત્રતા હતી કેવી
ને યોજ્યો આપણી વચ્ચે મુકાબલો કોણે?
*
કમરામાં ચાર દીવાલોની વચ્ચે
ના બોલું છું તો પણ પડઘા આવે છે
*
નવીન કંઈ નથી તો પછી શું વાત કરું
ને દોર વાતનો સંભાળવાનું આવ્યું છે
*
સમસ્ત વિશ્વને ચાહી લીધા પછી અંતે
પ્રભુનું નામ લો ને એ રીતે પ્રણય બદલો
*
જુઓ તા એકલો ગાઈ રહ્યો છું ગીત અહીં
જુઓ જો ધ્યાનથી તો સાંભળી રહ્યું છે કોઈ
*
પરીક્ષામાં પુછાયાં હોય એવાં
તમે પણ થઈ ગયાં છો કેમ અઘરાં
*
મને તું મત્સ્ય થવાનો જો શાપ આપે છે
સહેલી તારી બધી જળપરીઓ થઈ જાશે
*
ચાલવાનું, દોડવાનું, ઊડવાનું એ પછી
કંઈ ખબર પડતી નથી કે ક્યાં જવાનું એ પછી
*
જેની સાથે હોઈએ એની જ સાથે
કોઈ પણ હા-ના વગરનું જીવવાનું
*
સાથે ભણતી’તી શાળામાં
એ છોકરીઓ માડી થઈ ગઈ
*
પુસ્તકો બાપુનાં બહુ સસ્તાં મળે છે
કેમ કિંમત આંકવી કિંમત ઉપરથી
*
એમ કહેવાનો સમય રહેતો નથી
આખરે કેવું જીવન ચાલ્યું ગયું

~ ભરત વિંઝુડા

ગઝલસંગ્રહઃ મૌનમાં સમજાય એવું
પ્રથમ આવૃત્તિઃ 2021, મૂલ્યઃ રુપિયા 130/-
પ્રકાશકઃ પ્રવીણ પ્રકાશન પ્રા. લિ.
લાભ ચેમ્બર્સ, મ્યુ. કૉર્પો. સામે, ઢેબર રોડ, રાજકોટ
ફોનઃ 92650 44262

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

5 Comments

  1. ખૂબ સરસ.. શેર… 🌹 🌹