બની ગયું છે (ગઝલ) ~ હિમાદ્રી આચાર્ય દવે ~ ગઝલ-શિબિરના ભાગરૂપે લખાયેલી ગઝલ

(બ્લોગ આયોજિત ગઝલ-શિબિરમાં ભાગ લેનાર શિબિરાર્થી દ્વારા મહાવરાના ભાગ રૂપે લખાયેલી અને શિબિરના પ્રશિક્ષક રઈશ મનીઆર દ્વારા પસંદ કરાયેલી એક ગઝલ)

એ જીવવાનું મોટું કારણ બની ગયું છે
તારું છે, એ જ મારું આંગણ બની ગયું છે

દુનિયાના રણમાં દોડ્યા હરણાંની પ્યાસ લઈને
ફળિયું તમારું મારું, શ્રાવણ બની ગયું છે

કરવી શું સાવ અમથી ફરિયાદ દર્દની આ
આ દર્દ, દર્દનું બસ મારણ બની ગયું છે

જોયા તમે છે અમને હા કંઈક એવી રીતે
નટખટ અમારું કાજળ, કંકણ બની ગયું છે

લાગે છે રોશનીમાં નાહી રહી છે દુનિયા
ઝળહળ તમારે કારણ કણ-કણ બની ગયું છે

શોધ્યું ઘણું અમે ને એ ક્યાંય પણ જડ્યું નૈ
આ દિલ તમારા દ્વારે તોરણ બની ગયું છે

અંગે ધરે છે એને હા આદિ દેવ મારા
સોહાગી રાખનું આ રજકણ બની ગયું છે

સમજાવશો તો સમજીશ હું કારણો તમારા
એ ઊર્મીઓનું ઉપવન, કાં રણ બની ગયું છે?

આથમતી રોજ સાંજે ધુમિલ શું એ ઉમટે
ગોરજ સમું સ્મરણનું આ ધણ બની ગયું છે

પથ્થર જરા ઘસાયાં પેદા થયો ‘તો અગ્નિ
કેવી મજાની ઘટના, ઘર્ષણ બની ગયું છે

~ હિમાદ્રી આચાર્ય દવે

આપનો પ્રતિભાવ આપો..

One Comment