યસ, આઈ લાઈક માય માર્ગારિટા ~ વિજય ભટ્ટ

શનિવારે સવારે આરામથી આઠ વાગે ઊઠીને “હેપી બર્થ ડે”ની  કિસ હનીને કરીને, હગ આપીને સુંદર દિવસ શરૂ કર્યો! જોબ પર લાગ્યા. નિયમિતતાના આદર્શ ઉદાહરણ અને દુનિયા સાથે ટચમાં રહેવા ફેસબુકની જોબ પર લોગ ઈન થઈ ગયા.

લગ્ન પહેલાંનો, પહેલી વારનો, ‘નક્કી થયા પછી’નો,  જે મોબાઈલમાં સાચવી રાખ્યો હતો, તે ફોટો જડી ગયો! સાથે સાથે હવે હની માટે વિશેષણો શોધવા માટે મિત્રોની જૂની ‘પોસ્ટ’ ખોલીને શોધવા માંડ્યું કે શું લખું? આ લ્યો પેલા કીર્તિ અને મધુની પોસ્ટ મળી ગઈ! સરસ લખ્યું છે!  એ જ લાઈનો લખું.

સામે જ બેસીને ચા સાથે ગઈકાલ રાતની વધેલી સરસ કડક ખારી ભાખરી અને અથાણું ખાતી વ્યક્તિની મોજૂદગીની હળાહળ ઉપેક્ષા કરી, તેને બીજો-પુરુષ એકવચનમાંથી  ત્રીજો-પુરુષ એકવચન કરી… ‘પૂરી દુનિયા કે સામને, અપને પ્યાર કા એકરાર કરતે હુએ’ – લખી નાખ્યું!

લોકોને થશે હાઉ સ્વીટ. કોઈને જરા વધારે પડતું લાગે તો લાગે. આઈ વોન્ટ ટુ એક્સપ્રેસ માય લવ!

ચડાવી દીધું ઊંચે! યાની, અપ-લોડ..! ફેસબુક પર સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પર પણ એજ ફોટો અને કોમેન્ટ. શેર કરી દીધી! આપણી બર્થ ડે પાર્ટી શરૂ!

ટાઈમસર એક મોટું સરસ કામ પત્યું..! ગયા વર્ષે પોસ્ટ જરા મોડી થઇ હતી.

ચા-બા પણ પીવાઈ ગઈ. હવે બાથરૂમ જવું પડશે. બે ત્રણ ડગ એ તરફ ભર્યાં ને પાછા વળ્યાં. અરે મોબાઇલ તો રહી ગયો. લઈ લીધો મોબાઇલ સાથે જ….
(લેખક ની ક્ષમા નોંધ: વાચક મિત્રો, ક્ષમા, બાથરૂમની અંદરની ગતિવિધિ લેખકના જ્યુરીશડિક્સનની બહાર છે.)

બહાર આવીને હવે બેઠક રૂમમાં:
“કેટલા આવ્યા?”
“શું લાઈક કે કૉમેન્ટ્સ?”
“બન્ને.”
“ખાસ નથી,  હજી ઇન્ડિયામાં તો સાંજે બધા ફરી ને ઘરે આવશે પછી જોશે ને!”
“પણ ત્યાં તો શનિવારની સાંજ… હવે તો ત્યાં બધ્ધું જ ખુલી ગયું છે. લોકો રખડે છે બધ્ધે, લગ્નો, ગરબા, બેસણા બધું જ ચાલુ થઈ ગયું છે ત્યાં.”
“પણ પેલા આપણા ઇસ્ટ કોસ્ટવાળા અને  લંડનવાળા  તો જુએ જ ને?”
“તારી વાત ખરી,  તારા મામા અને પેલા સરલા ફોઈ તો વહેલા ઊઠી જાય છે, ને  વોટ્સ-એપ પર તો લગભગ બધા જ ગ્રુપ ઓલરેડી એક્ટિવ થઈ ગયા લાગે છે. પણ કોઈ એ હજી ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જોયું નથી લાગતું, બધ્ધા પેલા આર્યન ખાનનું અને અનન્યાનું જાણવામાં લાગ્યા છે.”

“પણ તેં અમુક ને ટેગ તો બરોબર કર્યાં છે ને તારી પોસ્ટમાં?”
 “હા, અરે.. જો એટલી વારમાં ત્રણ લાઈક આવી ગઈ !”
“આઈ ડુ નોટ લાઈક ખાલી લાઈક જ. જરા કંઈક લખે તો સારું લાગે. મને પેલા સ્ટીકર પણ નથી ગમતા. ખોટા ખોટા ઝબકારા કર્યા કરે. મને તો કંઈક લખે તો જ એમ લાગે કે ધે રિયલી કેર ફોર મી.”
“બધા પાસે આપણા  જેટલો સમય ના હોય. મને તો રિસ્પોન્ડ કરે એટલે જ સંતોષ.”
“આપણી એનિવર્સરી વખતે પેલા રમેશે કેવું નેસ્ટી લખ્યું હતું? એના કરતાં તો ખાલી લાઈક જ કરી દે તો સારું?”
“પણ  તેં  તો  તેને થેન્ક યુ લખ્યું પણ હતું ને?”
“ના, ખાલી તેની કોમેન્ટ ને લાઈક જ કરી હતી, હસતી લાઈક, એમાં  બધું આવી ગયું.”
“એ બરાબર ના કહેવાય,  કોઈ જો થોડી લાંબી કોમેન્ટ લખે  તો રિસ્પોન્સ તો કોમેન્ટથી જ કરવો જોઈએ.”
“ના.., પછી એ લાંબું ચાલે. જો એ પાછો મારી કોમેન્ટ પર કોમેન્ટ કરે તો? એટલે મેં ટૂંકમાં પતાવ્યું’તું.”

બપોરે:
શનિવારના દોઢ વાગ્યા. અડધો દિવસ લાઈક અને કોમેન્ટ ગણવા, રાહ જોવા, અને જવાબ આપવામાં  જ પૂરો ગયો. લંચમાં તો કંઈક પણ થોડું ચાલશે. સાંજે તો મેક્સિકન રેસ્ટોરન્ટમાં  સ્પેશિયલ વેજી એન્ચીલાડા અને  માર્ગારિટા ડ્રિન્કથી સેલિબ્રશન !  

છ વાગ્યે:
“જો મારા મોબાઈલની બેટરી ઉતરી ગઈ.”
“તો ઉતરી જ જાય ને.. કેટલી વાર ચેક કર્યા કરે છે.. ફેસબુક ને ઇન્સ્ટાગ્રામને?”
“અરે.. જો મને ખબર જ નહીં કે પેલા નેહલ-શશીની એનિવર્સરી આજે છે. આ જો લાંબું લાંબું લખ્યું છે શશીએ.”
“એ જરા વાયડાશ કરે છે ફેસબુક પર..આપણે તો જાણીએ જ છીએ અંદરની વાત.”
“પણ બહાર સરસ લાગે કે લવિંગ કપલ.”
“લે વોટ્સએપ ગ્રુપ્સ પર પણ એમણે મૂકી દીધું, હવે કતાર ચાલુ.. કોમેન્ટની.”
“એમાં તારું શું ગયું?”
“તું સોશિયલ મીડિયા નહીં સમજે, હવે લોકોનું ધ્યાન ડાયવર્ટ થઈ જાય, આજે તો તારો દિવસ!”
“ફેસબુક કૈં આપણા એકલાનું છે?”

“સાડા છનું ટેબલ રિઝર્વેશન કરાવ્યું છે પપ્પુએ, ચાલો”
“સાડી પહેરું કે ડ્રેસ?”
“અરે સાડી કરતાં તું ડ્રેસમાં યંગ લાગે છે. બ્લેક ડ્રેસ પહેરજે, પાતળી લાગીશ, ફોટા સારા આવશે.”

રેસ્ટોરન્ટમાં:
સરસ થીજેલું સ્ટ્રોબરી માર્ગારિટા ડ્રિન્ક ટેબલ પર આવી ગયું!
ગરમાગરમ એન્ચીલાડા પણ ટેબલ પર!
પેલી વેઈટ્રેસને બોલાવી બધાના સાથે ફોટા પાડ્યા.
“બીજા ફોટા હવે કેક આવે પછી… ફરીથી પડાવીશું”

“જો પેલી પૂજા અને તેના કાકા પેલા ખૂણાના ટેબલ પર બેઠા છે.”
“તેણે તો લાઈક કરી દીધું હતું. સવારે જ.  મેં પોસ્ટ મૂકી કે  ત..ર .ત..જ.”
“જો તે ત્યાંથી દૂરથી હાથ હલાવીને હલો કહે છે.”

એટલામાં પૂજા તેના ટેબલ પરથી ઊઠીને પાસે આવી. “અરે વાહ. આજે કેમ બધા સાથે… અને મેક્સિકનમાં?”
“આજે એનો સ્પેશિયલ ડે છે ને! એટલે!”
“ઓહ! રિયલી… ગ્રેટ… શું છે સ્પેશિયલ આજે?”
“એની બર્થ ડે!”
“આજે? વેલ! વેરી હેપી બર્થ ડે!”
“થેન્ક યુ!”
“ચાલો તો એન્જોય યોર ડે એન્ડ મેક્સિકન ડિનર વિથ ફેમિલી!”

પૂજા પાછી ગઈ તેના ટેબલ પર.

“જો ને.. આજે સવારે તો તેણે લાઈક કરી મારી પોસ્ટને.અને અત્યારે પૂછે છે કે શું સ્પેશિયલ છે આજે? લોકો પણ કેવા છે! મારો આખો મૂડ બગાડી નાખ્યો, કેટલા ઉત્સાહથી મૂકી હતી મેં પોસ્ટ!”
“હશે હવે. છોડને. તેમાં શું મોટી વાત!”
“શું છોડ? મેં.. અરે.. આટલી સરસ પોસ્ટ મૂકી અને તેણે લાઈક પણ કરી છે. અને હવે ભૂલી ગઈ?”

“જો અત્યારે આપણે બધા, સૌથી અંગત અને અગત્યના, સાથે છીએ!  
છોડ… પૂજાને અને તારી પોસ્ટને. તને આ માર્ગારિટા ડ્રિન્ક ગમે છે ને? તો મજા કરીએ સાથે! “

“યસ આઈ  ‘લાઈક’ માય માર્ગારિટા !”

ઘરે પહોંચ્યા:
પછી બધાએ સાથે નેટફ્લિક્સ પર મુવી જોયું. મજા આવી!

સાડા બાર થયા. હવે સૂઈ જઈએ. થયું. જરાક ચેક કરી લઉં. કેવો રિસ્પોન્સ છે પોસ્ટનો! પણ પેલી પૂજા. જતી નથી હજી મનમાંથી… પાસા ફરતાં એ જ વિચારો કે .. શું બીજા બધા જ  લાઈક અને કોમેન્ટનું એવું જ હશે ને..?

બીજે દિવસે સવારે ઊઠીને મોટેથી બૂમ પાડી, “યસ! આઈ ‘લાઇક’ માય માર્ગારિટા!”

~ વિજય ભટ્ટ 

આપનો પ્રતિભાવ આપો..