ઘણ રે વાગે ને ઘડતર ઘાટમાં (ગીત) ~ જસુભાઈ શાહ

(વસ્ત્રકામની પ્રક્રિયા અને સંલગ્ન ઓજારોના વિનિયોગથી જિંદગીના ચિંતનને નિરુપતું અનોખું ગીત)

શબ્દાર્થ :
(ગૂણીયો : કાટખૂણો, રેગતી : રેખા આંકતી, ચોપેણ : લોખંડ કાપવાનું ચોરસ હથિયાર, સટામર : પતરાં સમતલ કરવાનું સાધન, ઘણ : મોટો ને ભારે હથોડો; પ્રહાર, ફુલેલ : ધાર વાળવા માટેનું સાધન, રેખ : નાની ખીલી; વળ; વળિયું, ભીડ : પ્રેસ – પતરાં વાળવાનું યંત્ર, અટપૈ જાય : ગૂંચવાઈ જાય, ગ્યાસ : સ્થિતિસ્થાપક ગુણનો એક વાયુરૂપી પદાર્થ, રિવેટ : બંને છેડેથી બેસાડેલી ખીલી, છાજલી : જુદા જુદા થરની વચમાં બનાવવામાં આવેલી ઝીણી અણીદાર ધાર, ભોપલું : પડખેનું ખાનું, ડંભાર : ડામ પડે એવી વસ્તુ, હાટિયું : ભીંતમાં ઘાલેલું નાનું કબાટ, જણસ : વસ્તુ., માલ, વહોરવું : સંઘરવું; એકઠું કરવું, અતલસ : રેશમી કાપડ, ગજી : એક જાતનું ગજ પનાનું જાડા સુતરનું કાપડ, કિનખાબ : જરીબુટ્ટાના વણાટનું રેશમી વસ્ત્ર, અસબાબ : મૂડી, ઠકરાત : સત્તા; હકૂમત, મંજૂષા : નાનો પટારો; ભંડાર; સંદૂક, સાથરો : મરણ પથારી)

ગૂણિયે માપે ને છેણી રેગતી
ચોપેણ વાઢે ધારોધાર
નજરે લાધે ના એવા આંચકા
સમતલ સટામરની ચાલ
હળવો હવાનોયે ભાર
ઘણ રે વાગે ને ઘડતર ઘાટમાં!

ધાર્ય઼ું દાબે રે ફુલેલ રેખમાં
ભીડમાં ઝટ અટપૈ જાય
છૂટા રે છેડાને સાંધે ગ્યાસથી
સાંધે કોઈ વીજળીને તાર
જડે કોઈ રીવેટ્યુંની હાર – ઘણ રે 0

ચાર ચાર મેલી વચમાં છાજલી
જડિયો પાંચમે ભંડાર
પડખે બાયે ને જમણે ભોપલાં
હેઠળ ગુપત ડંભાર
જેમાં હાટિયાનો સાર – ઘણ રે 0

કઈ રે જણસ્યુંને કાજે વ્હોરશે?
મનમાં કશી રે ગડભાંજ!
ધન રે કામેલાં કોરે ભરતિયે
અતલસ, ગજી ને કિનખાબ
આણે આવેલો અસબાબ – ઘણ રે 0

મૂઠ રે મમતાથી માયા જાળવે
જતને જૂઠના ઉચાટ
રઝળે રતન, કટકા કાચના
કાજે કળના કબાટ
ભોગળ ભીડેલાં કમાડ – ઘણ રે 0

વાયુને અણસારે થર થર કંપતા
જેણે ઠઠારી ઠકરાત
મનની મંજૂષા ભરચક ઠાલવી
રાખે રામની મિરાત
તેને સાથરે નિરાંત
ઘણ રે વાગે ને ઘડતર ઘાટમાં!

~ જસુભાઈ શાહ

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. વિશ્વકર્મા દિને ઓજારોની પૂજા થાય છે. આ અનોખું
    ‘ઓજાર ભક્તિ ગીત’ વાંચતા હાથ આજે આપોઆપ
    જોડાઈ ગયા ! !