|

કેટલાક ઓછા જાણીતા શેર ~ રાજેન્દ્ર શુક્લ ~ જન્મદિન: ૧૨.૧૦.૨૦૨૧ ~ ૮૦માં વર્ષમાં પ્રવેશ

૧.
જરા જાળવીને તરત ઝીલી લેજો
અચાનક સકળ હું ઉછાળીને આપું
૨.
ઊભો સમય થિર આંખમાં થંભી ગઈ સહુ પરકમા
હું ઊઘડું ઉંબર ઉપર, સામે ચરાચર ઊઘડે
૩.
મ્હેક, માટી, પવન, ઝરમર, કોણ તેડાં મોકલે
રાવટી રળિયાત, સોહે છેલ, છોગાં, છાવણી
૪.
ફફડી જવાય એવી અકળ ચોટ હોય છે
ના પ્રક્રિયા કશી ય, એ વિસ્ફોટ હોય છે
૫.
ઊગ્યો આંગણામાં અકળ શબ્દ તેથી-
હું ઈશ્વરને આરાધું શ્રોતા સ્વરૂપે
૬.
ચપટી મીઠું, સૂકો રોટલો ચાલશે
આપજે નિતનવા પ્રાસ પરમેસરા
૭.
થતું કે બધાંને લઈ જાઉં સાથે
ઘણે દૂર જઈ હું પાછો વળું છું
૮.
આંગણે ઊભા રહ્યા, ઉચ્ચર્યા અહાલિકા
એક ઘૂંટ ને બધી પી ગયા પ્રણાલિકા
૯.
તારતમ્યોથી ન લાધે તત્ત્વ કંઈયે
તર્કથી પર છે મથામણ મૂળગામી
૧૦.
સ્થાનનો ફરક અમથો, મૂળમાં તો અજવાળું
તારકો શિખર સોહે, આગિયા તરાઈમાં
૧૧.
દેખવાનો અર્થ હોવું એટલો બાકી રહ્યો
સૃષ્ટિ સઘળી લાગતી તારકમયી કે તૃણમયી
૧૨.
તારી રહેમત તણો શું કરિશ્મો કહું
કંટકો પણ મળે તો મળે મખમલી
૧૩.
કૈં ખૂંચે ના, કૈં ન ખટકે, કોઈને ન વાગે કૈં
ખેરવી દઈ સૌ ખૂણા આ ગોળગોળ ગોળાવું
૧૪.
તું હી તરન્નુમ, તું હી તગઝ્ઝુલ
તું હી તખય્યુલ, તું હી તસવ્વુફ
તું હી જ તેવર, તરજ સરાપા
પ્રિયે ગઝલ, આ મિજાજ શું છે?
૧૫.
આપ તો આંખોથી બોલાવો સદા
નામને, અભિધાનને હું શું કરું?
૧૬.
એક જ વેશ ધર્યો તો ભગવો
એ પણ એને દ્વાર ઉતાર્યો

~ રાજેન્દ્ર શુક્લ

આપનો પ્રતિભાવ આપો..

6 Comments

 1. જન્મદિનની હાર્દિક શુભકામનાઓ…
  .તું હી તરન્નુમ, તું હી તગઝ્ઝુલ
  તું હી તખય્યુલ, તું હી તસવ્વુફ
  તું હી જ તેવર, તરજ સરાપા
  પ્રિયે ગઝલ, આ મિજાજ શું છે?
  મનની વાંકીચૂકી ગલીઓને ગૌરવભરી ભાષામાં પરોવીને રજૂ કરતા આ કવિની રચનાઓ હૃદય અને મન બંનેને શાતા આપે એવી છે. મનના તાગ કોણ તાગી શક્યું છે? આપણા ભાવો મનના છાલિયામાં કઈ રીતે ઊભરાય છે તે આપણે પોતે પણ સમજતા નથી હોતા.

 2. ખૂબ સુંદર… આનંદ થયો… સાદર વંદન સરને… જન્મદિનની હાર્દિક શુભકામનાઓ…. 💐💐💐

 3. સાચે જ કવિશ્રીરીના સાવ અજાણ્યા પણ ઉત્કૃષ્ટ શેર માણવાની મોજ પડી…

 4. જેના કંટકો હો મખમલી
  એ ગુલાબી ગઝલનું શું કહેવું……..

 5. ખૂબ સુંદર… આનંદ થયો… સાદર વંદન સરને… જન્મદિનની હાર્દિક શુભકામનાઓ…💐💐