મુંબઈમાં ગરબાનો ‘લેન્ડફોલ’ ક્યાં થયો? ક્યારે થયો? ~ દીપક મહેતા ~ કટાર: ચલ મન મુંબઈ નગરી ~ ગુજરાતી મિડ-ડે

‘ગરબે રમવાને ગોરી નીસર્યાં રે લોલ.’ ગામડાની ગોરી ગરબો ગાતી, ગરબે ઘૂમતી, ગરબા મહાલતી. ગરબો મહોર્યો ગુજરાતનાં ગામડાંની ધરતીમાં. ત્યારે સીધા-સાદા ગ્રામજનો જેવો જ હતો ગરબો. હૈયેથી હોઠે આવતો અને હોઠેથી મોરની કેકાની જેમ આસપાસ પથરાઈ જતો. એ ગરબો મુંબઈ આવ્યો. આજે વાવાઝોડા અંગે વપરાતો શબ્દ વાપરીને પૂછીએ: ‘પણ મુંબઈમાં ગરબાનો ‘લેન્ડફોલ’ ક્યાં થયો? ક્યારે થયો?’ ગરબો ગુજરાતથી મુંબઈ આવ્યો ૧૯મી સદીમાં. અને એનો લેન્ડફોલ થયો મુંબઈની ચાલીઓના ચોકમાં. મુંબઈમાં મિલ-કારખાનાં આવ્યાં, વેપાર-વણજ વધ્યાં. એમાં કામ કરવા માણસો જોઈએ. એ આવ્યા અંતરિયાળ મહારાષ્ટ્રમાંથી, ગુજરાતમાંથી, દેશના બીજા ભાગોમાંથી. આ ‘બહારના’ને રહેવા માટે બંધાઈ ચાલો. ‘દેશ’ છોડીને આવેલા લોકોએ પોતાની ભૂમિ સાથેનો નાતો કોઈને કોઈ રીતે થોડોઘણો પણ જળવાઈ રહે એ માટે જાતભાતના નુસખા કર્યા. રોજિંદા જીવનમાં તો શહેરી રહેણીકરણી અપનાવ્યા સિવાય છૂટકો નહોતો. પણ વારતહેવારે? ‘દેશ’માં જઈ શકાય તો સૌથી સારું. નહિતર ‘દેશ’ને અહીં લઈ આવવાનો!

ચાલની ચોકનો ગરબો

મુંબઈની ચાલનો ચોક  – જ્યાંથી મુંબઈના ગરબાની ગાથા શરૂ થઈ

ઘણીખરી ચાલમાં વચ્ચે મોટો ચોક હોય. રોજ સાંજે ચાલનાં ‘બૈરાં’ (એ વખતે વપરાતો શબ્દ) ચોકમાં બેસીને સુખદુઃખની વાતો કરે. ગલઢેરાઓ ભૂતકાળ વાગોળે, છોકરાઓ ‘બેટબોલ’ રમે. એ જ ચોકમાં નવરાત્રીમાં ચાલનાં બૈરાં રાત્રે ભેગાં થઈને ગરબા ‘રમે.’ ગામડાની ગોરીની જેમ જ. એમાં આયોજન ઓછામાં ઓછું. આવડત ઓછી-વધતી, પણ ઉત્સાહ-આનંદ અઢળક. એ વખતે નહોતી ખાસ વેશભૂષા, નહોતાં સાચાં-ખોટાં ઘરેણાં. નહોતી પ્રકાશ-યોજના, નહોતી સાઉન્ડ સિસ્ટમ. બહુ બહુ તો એકાદ ખોખલો ઢોલ. પણ નવ નવ રાત ચાલના ચોકમાં ગરબો છવાઈ જતો. 

બુટ સાથે ગરબા થયેલા
બ્રિટિશ સામ્રાજ્યના શહેનશાહ પાંચમા જ્યોર્જ સજોડે ૧૯૧૧ના ડિસેમ્બરની બીજી તારીખે મુંબઈ પધાર્યા ત્યારે બોમ્બે જિમખાના પાસેના મોટા મેદાનમાં શાહી મહેમાનોનું સ્વાગત કરતો ગુજરાતી ગરબો મુંબઈની નિશાળોમાં ભણતી ૨૩૦ છોકરીઓએ રજૂ કરેલો તે શાહી મહેમાનોએ રસપૂર્વક માણ્યો હતો. બધી છોકરીઓએ ગુજરાતનો પરંપરાગત પોશાક પહેર્યો હતો, પણ સાથોસાથ પગમાં બૂટ પહેર્યા હતા. કેમ? કારણ બ્રિટનમાં રાજા-રાણી સામે ઉઘાડા પગે હાજર થવું એ અપમાનજનક ગણાય છે. 

નિશાળમાં – કૉલેજમાં ગરબા
આનો અર્થ એ થયો કે ૧૯૧૧ સુધીમાં મુંબઈની ગુજરાતી નિશાળોમાં ગરબા શીખવાતા હતા. એટલે કે ચાલીના ચોકમાંથી ગરબો ગયો નિશાળોમાં. છોડીઓની ઈસ્કોલોમાં ગરબો થોડો ડાહ્યોડમરો, વ્યવસ્થિત થયો. સારું ગાનારા ગાય. સાથે હાર્મોનિયમ અને તબલાંનો સાથ મળ્યો. માસ્તર કે માસ્તરાણી નવા નવા ગરબા શોધી લાવે. ક્યારેક પોતે પણ જોડી કાઢે. બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી સ્કૂલોમાં યુનિફોર્મની બોલબાલા. એટલે ગરબા વખતે એક સરખા રંગ-ભાત-જાતના પહેરવેશ આવ્યા. સૌ સાથે મળીને ગરબે રમે એમ નહિ, પણ ઘૂમનારા અને જોનારા એવા બે વર્ગ પડી ગયા. 

નિશાળ પછી ગરબો ગયો કોલેજમાં. ૧૮૫૭માં યુનિવર્સિટી ઓફ બોમ્બેની સ્થાપના થઈ ત્યારથી જ અંગ્રેજી ઉપરાંત ગુજરાતી, મરાઠી જેવી ‘દેશી’ ભાષાઓ બી.એ. સુધી શીખવવાની વ્યવસ્થા કરી હતી. ઘણાં વરસ સુધી એલ્ફિન્સ્ટન, ઝેવિયર્સ, અને વિલ્સન એ ત્રણ મુખ્ય કોલેજ. પાઠ્ય પુસ્તકોના અભ્યાસ ઉપરાંત વિદ્યાર્થીઓ જે-તે ભાષા સાહિત્યમાં વધુ અને સાચો રસ લે તે માટે આ કોલેજોમાં – અને પછી બીજી કોલેજોમાં પણ – જુદી જુદી ભાષાનાં ‘સાહિત્ય મંડળ’ શરૂ થયાં. જ્યાં ગુજરાતી સાહિત્ય મંડળ ન હોય એવી એ વખતે ભાગ્યે જ કોઈ કોલેજ. આ મંડળો બીજી પ્રવૃત્તિઓ ઉપરાંત એક વાર્ષિક કાર્યક્રમ – રસોત્સવનું આયોજન કરતાં. એ કાર્યક્રમનું એક મુખ્ય અંગ તે રાસ-ગરબા. ચાલનો અને નિશાળનો ગરબો કોલેજમાં  વધુ વ્યવસ્થિત, ઠરીઠામ બન્યો. સંગીત, કોરિયોગ્રાફી, વેશભૂષા વગેરે માટે જાણકાર વ્યવસાયીઓની મદદ લેવાવા લાગી.

આ લખનારને કોલેજના અભ્યાસ વખતનો એક પ્રસંગ બરાબર યાદ છે. સેન્ટ ઝેવિયર્સ કોલેજના ગુજરાતી વિભાગના વડા પ્રા. મનસુખભાઈ ઝવેરી, પણ ગુજરાતી સાહિત્ય મંડળના પ્રમુખ પ્રા. ગૌરીપ્રસાદ ઝાલાસાહેબ. એક વખત સાહિત્ય મંડળના રસોત્સવમાં રજૂ કરવા માટે ગરબા-રાસ તૈયાર કરાવવા માટે એક ૨૫-૨૬ વરસના યુવાનને રોકવામાં આવ્યો. ઉંમર ઉપરાંત ઊંચાઈ પણ ઓછી. મોઢા પર દેખાય ભોળપણ. પણ ભોળો નહિ. તેણે પાંચ-સાત ગરબા સૂચવ્યા. તેમાંથી ઝાલાસાહેબે એક લોકગીત પસંદ કર્યું: ‘ગામ લીમડીના બજારે વા’લો મારો ઝૂમે છે.’ એની રજૂઆત અંગે થોડી ચર્ચા થઈ. ઝાલાસાહેબ: ‘ગરબામાં ભાગ લેનારી છોકરીઓનો પહેરવેશ લીમડી ગામની બહેનોના પહેરવેશ જેવો જ હોવો જોઈએ હોં.’ હાજરજવાબી યુવાન કહે: ‘સાહેબ, તમે ચિંતા ન કરો. હું ગયે મહિને જ લીમડી ગયેલો એટલે એમનો પહેરવેશ મને બરાબર યાદ છે.’ અલબત્ત, એ ઠંડા પહોરનું ગપ્પું જ હતું. એ યુવાન આજે ગુજરાતી સુગમ સંગીતના ક્ષેત્રે સૂરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાયના નામે ઓળખાય છે. 

ભગિની સમાજના ગરબા
કોલેજમાંથી ગરબો પહોંચ્યો જાહેર રંગમંચ પર. વીસમી સદીના પહેલા બે દાયકામાં મુંબઈમાં એક પછી એક સ્ત્રી-સંસ્થાઓ શરૂ થઈ. આવી સંસ્થાઓનો મુખ્ય ઉદ્દેશ જૂદી જૂદી પ્રવૃત્તિઓ માટે સ્ત્રીઓને પ્લેટફોર્મ પૂરું પાડવાનો. ખેતવાડી વિસ્તારમાં ૧૯૧૬માં ભગિની સમાજ સંસ્થાની શરૂઆત થઈ. કોટ વિસ્તારમાં ‘કોટ હિંદુ સ્ત્રી મંડળ’ શરૂ થયું. તો સાંતા ક્રુઝ, જે તે વખતે ‘દૂરનું પરુ’ ગણાતું ત્યાં ૧૯૨૦માં સ્ત્રી મંડળ, સાંતા ક્રુઝની સ્થાપના થઈ. બીજી પણ આવી સંસ્થાઓ અસ્તિત્વમાં આવી. પણ તેમાં ગરબાને જેટલાં લાડ ભગિની સમાજે લડાવ્યાં એટલાં કદાચ બીજી કોઈ સંસ્થાએ નહિ. આનું એક કારણ એ કે એ પ્રવૃત્તિનું સંચાલન કેટલીક સુશિક્ષિત, સુશીલ, સુરુચિપૂર્ણ બહેનોના હાથમાં ઘણાં વરસો સુધી રહ્યું.

જિતુભાઈ મહેતા, કનુ દેસાઈ, અવિનાશ વ્યાસ 

સાક્ષરવર્ય આનંદશંકર ધ્રુવનાં પુત્રવધુ પ્રતિમાબહેન અને લલ્લુભાઈ શામળદાસનાં પુત્રવધુ મધુરિકાબહેન (વસુબહેન) મહેતા ભગિની સમાજની ગરબા-પ્રવૃત્તિના પાયામાં. ૧૯૪૯થી તેની સાથે સંકળાયેલાં કલ્લોલિની હઝરતે ‘મારો ગરબો ઘૂમ્યો’ સંપાદનની વિસ્તૃત પ્રસ્તાવનામાં જણાવ્યું છે તેમ પહેલો આગ્રહ કવિત્વના ગુણોવાળી કૃતિઓની જ ગરબા માટે પસંદગી કરવાનો. જૂનાં-જાણીતાં ગીતો ઉપરાંત દર વરસે લેખક-પત્રકાર અને સંગીતના ધરખમ જાણકાર જિતુભાઈ મહેતા અને અવિનાશ વ્યાસ પાસે ખાસ નવા ગરબા લખાવવાના જ. એનું સંગીત તૈયાર કરે અવિનાશભાઈ અને બીજા જાણીતા સંગીતકારો. બે મુખ્ય ગાયિકાઓ, સુષમા દિવેટિયા અને વીણા મહેતા. સુષમાબહેનનો કંઠ રૂપાની ઘંટડીના રણકાર જેવો, તો વીણાબહેનનો ઘંટારવ જેવો. પછી તેમની સાથે આવી મળ્યાં અંજની મહેતા અને ઉષા ધ્રુવ અને બીજાં બહેનો. ન્યૂ ઈરા સ્કૂલનાં શિક્ષિકા સૂર્યાબહેન દાણી અને ધ્રુમનબહેન ઠાકોર ગરબાની ગૂંથણી (કોરિયોગ્રાફિ) કરે. પ્લે-બેક કે રેકોર્ડિંગનું નામ નહિ. મુખ્ય ગવડાવનાર પણ બીજી બધી બહેનો સાથે ગરબે ઘૂમતી જાય અને ગવડાવતી જાય. 

ઉપર: મધુરિકા મહેતા, વીણા મહેતા
નીચે: કલ્લોલિની હઝરત,, સુષમા દિવેટિયા

૧૯૬૬થી ભગિની સમાજના ગરબાની બધી જવાબદારી ઉષા હઝરત, સુષમા પટેલ (દિવેટિયા) અને કલ્લોલિની હઝરતે ઉપાડી લીધી. ગરબાનાં ગીતો, તેનું સંગીત, ગરબાની રજૂઆત અંગેના કેટલાક આગ્રહો વધુ દૃઢ બન્યા. ગરબાના ભાવ કે વિષયને અનુરૂપ, અને બધા માટે સમાન વેશભૂષાનો આગ્રહ રખાયો. અને કોસ્ચ્યુમ ભાડે લાવવાનાં નહિ. બહેનોનું ગૌરવ પૂરેપૂરું જળવાય એવાં કપડાં ખાસ દરજી પાસે તૈયાર કરાવવાનાં. કનુ દેસાઈ જેવા ખ્યાતનામ ચિત્રકાર પાસે રંગમંચનું સુશોભન કરાવવાનું. દર વરસે કશુંક નવું-નોખું રજૂ કરવાનું. જેમ કે મંજીરાના ગરબાને બદલે ઘંટનો ગરબો! એવી જ રીતે હિંડોળો, વીંઝણો, અરીસો, નગારું, વગેરેના ગરબા પણ રજૂ કરેલા. એકંદરે રજૂઆત એવી રહેતી કે પરંપરાનું માન જળવાઈ રહે અને સાથોસાથ કશુંક નવું કરવાની લાગણી-માગણી પણ સંતોષાય. એક વરસે ભગિની સમાજના ગરબા જોયા પછી ઉમાશંકર જોશીએ કહેલું: “ઘણા વખતથી ખોવાયેલો ગરબો મને આજે અહીં જડ્યો છે.” 

અને હા, એ વખતે ગરબા, નાટક કે બીજા કોઈ પણ કાર્યક્રમની ટિકિટો ઘરે ઘરે જઈને વેચવી પડતી. આ લખનારને બરાબર યાદ છે કે ટિકિટ વેચવા કોઈ ક્યારે આવે એની ઘરમાં રીતસર રાહ જોવાતી. ગરબાની સાંજે ૬ કે ૭ નંબરની ટ્રામમાં બેસીને ઘરનાં બધાં ઊતરે હરકિસનદાસ હોસ્પિટલના સ્ટોપ પર. ત્યાંથી ભગિની સમાજના હોલ સુધી ચાલવાનું. પછી એ હોલ નાનો પડવા લાગ્યો એટલે ગરબા સુંદરાબાઈ હોલમાં થાય. ત્યાં ટ્રામ તો જાય નહિ એટલે ભાડાની વિક્ટોરિયા. ગરબા જોયા પછી બે-ત્રણ દિવસ ઘરમાં તેની વાત-ચર્ચા ચાલે. ગુજરાતનાં ગામડાંથી આવેલો ગરબો ભગિની સમાજમાં એક કરતાં વધુ અર્થમાં ‘નાગર’ બન્યો.

ગરબા-રાસની સ્પર્ધાઓ
ભગિની સમાજ અને તેના જેવી બીજી સંસ્થાઓના ગરબા ‘ક્લાસ’ માટે હતા. તેને ‘માસ’ સુધી લઈ જવાનું કામ કર્યું ઇન્ડિયન નેશનલ થિયેટરે. ૧૯૫૦થી ૧૯૬૦ સુધી દર વરસે આ સંસ્થા ગરબા-રાસ સ્પર્ધા યોજતી. એની શરૂઆત થયેલી ખેત વાડી વિસ્તારમાંની વિલ્સન સ્કૂલના કંપાઉંડથી. મુંબઈની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના હરતા-ફરતા એનસાઈકલોપીડિયા જેવા નિરંજન મહેતા કહે છે કે પછી પ્રેક્ષકો એટલા વધી ગયા કે આઝાદ મેદાનમાં વચ્ચોવચ ચોરસ સ્ટેજ બાંધીને ચારે બાજુ પ્રેક્ષકોને બેસવાની વ્યવસ્થા કરવી પડતી. આ હરિફાઈમાં મુંબઈની સ્કૂલ, કોલેજ, જાહેર સંસ્થાઓ તો મોટી સંખ્યામાં ભાગ લેતી જ, પણ ગુજરાત, કાઠિયાવાડ અને કચ્છથી પણ સંસ્થાઓ ભાગ લેવા આવતી. તેમાં પાછા ગરબા, ગરબી, મિશ્ર રાસ વગેરેના અલગ અલગ વિભાગ. નામાંકિત જાણકારો નિર્ણાયકો. કેટલીક સંસ્થાઓની રજૂઆત તદ્દન અલગ, અને લગભગ દર વરસે ઈનામ જીતી જાય. જેમ કે ચંદન વાડીની ‘દરિયા છોરુ,’ તાડ વાડી મિત્ર મંડળ, ભાવનગરનું ઘોઘા સર્કલ મિત્ર મંડળ, વગેરે. મુંબઈના ગરબાની ગાથા અંગેની વધુ વાતો હવે પછી. ત્યાં સુધી ગણગણતાં રહીએ:
ગરબે રમવાને ગોરી નીસર્યાં રે લોલ.’

~ દીપક મહેતા
deepakbmehta@gmail.com 

કનુ દેસાઈની કલ્પનાનો ગામડાનો ગરબો 

આપનો પ્રતિભાવ આપો..

One Comment