આપણી લોકસંસ્કૃતિમાં પશુપક્ષીઓ અને માનવસ્વભાવ (લેખ) ~ પૂર્વી મોદી મલકાણ
(વિશ્વ પ્રાણી દિવસ – ૪ ઓક્ટોબર નિમિતે પશુપક્ષીઓ અને માનવસ્વભાવને આવરતો વિશેષ લેખ)
યંત્રયુગ શરુ થયો એ પહેલા આપણે પ્રકૃતિનાં સમસ્ત તત્ત્વોની એટલાં નજીક હતાં કે, આ તમામ તત્ત્વો સાથેની જીવનશૈલીએ વિવિધ સંબંધો, માન્યતાઓ, કહેવતો ને મુહાવરા જન્મ આપ્યો. દા.ત. સંબંધોમાં જોઈએ તો, નદી, ધરતી અને ગાયને માતા કહી સંબોધવાનું ચાલું થયું, તો સાથે તેમની સહનશીલતા અને સંવેદના સાથે પણ ખુદને જોડવા લાગ્યાં.
સૂર્યને આપણે દાદા બનાવ્યાં ને નાગને બાપા બનાવી તેમને વંદન કરવાનું શરૂ થયું; કારણકે દાદા તરીકે તેઓનું પાત્ર જીવનમાં વડીલ કે મોભી તરીકેનું હતું, ચંદ્ર સ્ત્રીઓને માટે શીતળતા આપનારો ભાઈ થયો, તેથી સ્ત્રીઓએ ચાંદાવ્રત અને વીરપસલી બંને તહેવારો ચંદ્રને અર્પણ કર્યા, જ્યારે ભાણેજોને માટે ચંદ્ર આનંદ આપનારો થયો અને કલ્પનાની ઉડાનમાં લઈ જનારો થયો તેથી બાળકોએ ચંદ્રને મામા તરીકેની ઉપમા આપી.
આકાશને એક બુઢા બાબાની ઉપમા આપી, જંગલની હરિયાળીને વનદેવીની ઉપમા આપી અને કૂવા, તલાવડીમાં રહેલ પાણીને જલદેવીની ઉપમા આપી. આમ કુદરત સાથે અનેક સંબંધોનું અસ્તિત્ત્વ આપણે આણ્યું, જેમાં શરૂઆતમાં પંચતત્ત્વો હતાં અને પાછળથી તેમાં પશુપંખીઓનો ય સમાવેશ કરાયો.
શાસ્ત્રો અનુસાર ચોર્યાસી લાખ માનવેતર યોનિમાંથી પસાર થઈએ ત્યારે ફરી એક માનવ તરીકે જન્મ મળે છે તેથી આપણામાં માનવેતર ખામીખૂબીઓ હોવાની. આ ખામીખૂબીઓને આપણે પશુપંખીઓ સાથે જોડી દીધી. આ પશુપંખીઓ સાથે જોડાયાં પછી આપણી પ્રત્યેક સવાર પણ તેમની સાથે જ ખીલવા લાગી. દા.ત. વહેલી સવારે કૂકડાની બાંગને આપણે સૂરજ દેવતાનાં સારથી અરુણ સાથે જોડી, ને ચામાચીડિયાને જોડયાં ચંદ્રનાં સારથી મૃગાક્ષ સાથે.
દિવસનાં સમયનાં મહેમાન તે ચકલી, બપૈયા, કાબર, પોપટ, હોલાં ને કબૂતર ગણાય. જેઓ આંગણામાં પાથરેલ બાજરા જુવારનું ચણ ખાવા ટોળાંમાં ઉતરી આવતાં ને પોતાનાં કલબલાટથી શેરી આંગણ ગજાવી મૂકતાં. જોવાની વાત એ કે, આ પક્ષીઓ સાથે રાજસી ઠાઠ સાથે સવાર -સાંજે કવચિત ઢેલડી સંગે મોરે ય આવી જતાં ને પોતાનો ઠાઠ બતાવી, ચણ ચણીને ઘરનાં નળીયા કે મોભ ઉપર જતાં રહેતાં, ને ટેહૂં, ટેહૂં કરીને ઘરની આજુબાજુનું વાતાવરણ ગુંજવી દેતાં ત્યારે રાજાધિરાજ નળીયારૂપી સિંહાસન પર બિરાજમાન થયા હોય તેવું લાગતું.

બપોર પડે આ સર્વે પક્ષીઓનો ડેરો નદીએ રહેતો ત્યારે ગામમાં સોંપો પડી જતો. તે સમયે પિતૃઓનાં વાહક અને આવનાર મહેમાનોના આગમનનાં સૂર ફૂંકવા કાગદેવતાઓ પધારતાં અને કકાઉ કાઉ કરી આંગણું ગજાવતાં. એમાં યે બપોરે જમણ પછીની મીઠી નીંદરમાં દેકારો કરતાં આ કાગડાઓમાંથી એકાદ બે ને જ આવકારો રહેતો કારણકે વધુ પડતાં કાગડાઓનું આગમન અશુભ ગણાતું તેથી તેમને ઉડાડી દેવામાં આવતાં. હા જ્યારે દેવ પામેલા સંબંધી માટે ખીર બનાવવામાં આવતી ત્યારે ખીર ખાવા પ્રથમ આમંત્રણ કાગડાઓને અપાતું.
દેવ થયેલાં સંબંધીઓની વાત કરવામાં આવે તો તેમાં હંસલાને પણ માન આપવામાં આવે છે. સામાન્ય રીતે નદીમાં રહેતાં હંસલાની જોડને પ્રેમીપંખીડા તરીકે ઓળખવામાં આવે છે, પણ કોઈનું મૃત્યુ થાય ત્યારે તેનો જીવ ઊડી ગયો તેમ બોલવાને બદલે “હંસલો ઊડી ગયો” તેવી ઉક્તિ ઉચ્ચારવામાં આવે છે. હંસલાંની આ ઉક્તિને સમજાવી મીરાંબાઈએ ગાયું કે, ‘મારો હંસલો નાનો ને દેવળ તો જૂનું થયું’, ’હંસલો ચાલ્યો જવાનો એકલો રે, ત્યાં નથી કોઇ સાથી કે સંગાથી…કે હંસલો.’
જીવ અને જીવાત્માને જોડતાં આ કાગડા અને હંસલાને બાદ કરતાં બાજ, સમડી, ઘુવડ, ચામાચીડિયા, ચીબરી જેવાં અન્ય પક્ષીઓનું ઘરનાં આંગણે આવવું કે, ઘરનાં નળિયા પર બેસીને બોલવું એ અશુભ અને અપશુકન ગણાતું આથી તેમની માનવ સમાજમાં કોઈ જ ગણના ન કરાતી.
આપણે વાત કરી તે હતાં અપશુકનિયાળ પંખીઓની. પણ આ પંખીઓ સાથે અમુક માનવસ્વભાવ સાથે જોડતાં પક્ષીઓને કેમ ભૂલાય? દા.ત. પહેલું નામ લઈએ બગલાભાઈનું. બગલાભાઈ એટ્લે બગભગત – ઠગ ભગત. નદી નાળામાં માછલી પકડવા માટે એક પગે ઊભા રહેતાંને જોઈ ધર્મશાસ્ત્રોની વાર્તાઓમાં રહેતાં અસૂરોની યાદ આવી જાય છે. આ અસૂરોય બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ પાસેથી વરદાન મેળવવા માટે એક પગે તપ તો કરતાં, વરદાન મળ્યાં પછી તેનો દુરપયોગ પણ કરતાં. આ બગલાઓને લોકસાહિત્યોએ અસૂરો જેવાં જ ઢોંગી કહ્યાં છે. સમય સાથે જ્યારે પરિવર્તન આવવાં લાગ્યું ત્યારે મંદિરનાં આંગણમાં, ગામનાં ચોકે કે નદી – કૂવા નજીક ચબૂતરાઓ બંધાવા લાગ્યાં અને કબૂતર, હોલા, ચકલી જેવા સર્વે પક્ષીઓનો બસેરો ત્યાં થવાં લાગ્યો, જોકે આમાંથી યે કાગડાઓ તો બાકાત જ રહ્યાં.
બગલાઓની જેમ મોર આમ તો સુંદર પક્ષી ને પાછું ભગવાન કૃષ્ણનું પ્રિય, પણ તોયે હંમેશા બનીઠની દેખાડો કરતાં રહેતાં અને ફરતાં રહેતાં યુવાન-યુવતીઓને મોરની ઉપમા આપવામાં આવે છે. જ્યારે સદૈવ મીઠું મીઠું બોલતાં ફરતાં લોકોને આપણે પોપટ તરીકે ઓળખ્યાં છે, તો જેનો અવાજ સારો ન હોય અને શિયાળ જેવી લુચ્ચી આંખો હોય તેવા લોકોને ચામાચીડિયા સાથે સરખાવ્યાં છે.
સુરશ્રુત નામનાં વિદ્વાને માનવવિચારોને પોતાનાં ગ્રંથ “ખગપાંખ્ય”માં પક્ષીઓ સાથે સરખાવતાં કહ્યું છે કે; માણસોનાં વિચારો “કાગ” પક્ષી જેવા હોય છે, જે શાંતિ હોય ત્યારે દોડી આવે છે. માનવોનાં વિચારો “કોયલ” જેવા હોય છે જે પ્રત્યેક ૪૫ પળમાં (સેકન્ડમાં ) પોતાનો રાગ બદલે છે, માનવવિચારો “મોર” જેવા રંગબેરંગી હોય છે અને “ચકલી”ની જેમ સતત બોલનારા પણ હોય છે. માનવવિચારોને જો યોગ્ય દિશા મળે તો તે “સારસ” પક્ષી જેવા બની જાય છે, ને જો વિચારોમાં સ્થિરતા ન હોય તો તે “હોલા ને કબૂતરા” જેવા હોય છે, અને દિશાવિહીન હોય તો “શાહમૃગ” સમાન હોય છે જે કેવળ મગજ ઉપર ભાર વધારે છે. જો બહુ સમજદારીથી અને યોગ્યતા પારખીને કામ કરવાનું હોય તો વિચારો એ “સમડી”નું રૂપ ધારણ કરે છે, જો આ જ વિચારો કેવળ નકારાત્મકતા ફેલાવતાં હોય તો તે “ગીધ” સમાન હોય છે, જો વિચારો રાત્રિનાં સમયે જ પ્રગટ થતાં હોય તો તે “ઘુવડ” જેવા હોય છે, ને તમારા સાચા ખોટા વિચારોથી કોઈને ટક ટક લાગતી હોય તો તે “લક્કડખોદ” સમાન હોય છે, જો આપણાં સિવાય બીજા કોઈના વિચારોને કે કાર્યોને મહત્ત્વ નથી આપતાં તો તે વિચારો “કૂકડાં” જેવા બની જાય છે. આમ સુરશ્રુતજીએ પક્ષી અને વિચારોને બહુ સુંદર રીતે સાંકળ્યાં છે.
પક્ષીઓ વિષે જોયાં પછી હવે પશુઓ તરફ જઈએ. જેની સાથે આખું જીવન કાઢ્યું તે તમામ નજીકનાં સંબંધીઓએ હિમાળામાં મહારાજ યુધિષ્ઠિરનો સાથ છોડી દીધો ત્યારે કૂતરાને મહારાજ યુધિષ્ઠિરે તેને પોતાનો અંતિમ સંગાથી ગણ્યો છે કારણકે ધર્મલોક સુધી સાથ આપનાર તે એક જ હતો. કૂતરાને જેટલો માનવોનો વફાદાર સાથી ને મિત્ર તો ગણ્યો છે તો સાથે તેને યમરાજાનો ય સંદેશવાહક ગણ્યો છે. આથી રડતાં કૂતરાઓને શેરીઓમાં ઊભા રહેવાં દેવામાં નથી આવતાં.
સવારનાં બનતાં ગરમ રોટલાની પહેલી ચાનકી પર અને બપોરની પહેલી રોટલી પર અને ગૌગ્રાસનાં થાળ ઉપર પહેલો અધિકાર કામધેનુ માતા ગાયનો ગણાયો છે અને રાતની છેલ્લી ત્રણ રોટલીઓ પર કૂતરાનો અધિકાર ગણાયો છે. તેથી એમ કહેવત આવી કે, ગરવાની પહેલી રોટલી ખાય તો ગાય જેવા થઈએ ને છેલ્લી ખાઈએ તો કૂતરા જેવા થઈએ… ને બધી જગ્યાએ ભાઉ ભાઉ કરતાં થઈએ માટે આ બંને સીમાની રોટલીઓ ખાવી નહીં.
મંગલ અને અમંગલ પ્રસંગે સામે મળતી ગાયને અત્યંત શુભ માનવામાં આવી છે. ગાયની પૂછડી પણ વૈતરણી પાર કરાવતી હોવાની માન્યતા હિન્દુ શાસ્ત્રોમાં બહુ પ્રબળ છે તેથી મૃત્યુ પછીની ક્રિયાઓમાં ગાયની મૂર્તિ આપવાનો રિવાજ પણ આવ્યો. આ તો થઈ ઘર આંગણાની વાત, પણ માનવસ્વભાવને અને ઘણી વ્યક્તિઓને ય આપણે પ્રાણીઓ સાથે સરખાવી છે. દા.ત. બિલાડી ભલે ઘરઆંગણનું પ્રાણી ગણાતું હોય પણ જેની આંખ માંજરી હોય, જે બહુ ચતુરાઈપૂર્વક કામ કરે છે, અથવા છાના પગલે પોતાનું કામ કઢાવતું હોય તેવી વ્યક્તિઓને માંજર એટલે કે બિલાડો કે બિલાડી સાથે સરખાવવામાં આવે છે.
બિલાડીની જેમ ગાય ભેંસનું પણ છે. જેમનો સ્વભાવ અત્યંત સરળ અને ભોળો હોય છે તેમને આપણે ગાય જેવા માણસ કહીયે છીએ તો જે હંમેશા લડવા માટે તૈયાર જ હોય તેમને ભેંસ અને આખલાની જેમ શીંગડા ઉછાળતા લોકો તરીકે ઓળખીએ છીએ, જે લોકો આખો દિવસ રખડ્યાં કરતાં હોય તેમને ય બળદા જેવા કહી ઓળખ્યાં છે તો મૂર્ખ કે વિચાર્યા વગર કામ કરતાં લોકોને ગધેડા જેવા પણ કહ્યાં છે.
બિલાડી, ભેંસ કે આખલા તો ઠીક પણ જંગલ કેટ તરીકે ઓળખાતાં વનરાજા સિંહ કે વાઘમામાને કેમ ભૂલાય? ઘણાં એવા લોકો જેની નજર તીખી અને કરડી હોય છે તેને માટે આપણે કહીએ છીએ કે, ભાઈ એ તો સિંહ જેવો તીખો છે અને ઘણાં લોકો ખૂબ જબરા હોય છે તેમને આપણે વાઘ સાથે સરખાવીએ છીએ અને કહીએ છીએ કે, આવા માણસો સાથે ચેતીને ચાલવું જોઈએ. જેની જીભ હંમેશા હથોડો મારવા તૈયાર બેઠી છે તેવા વ્યક્તિઓને વરુ સાથે સરખાવ્યાં છે તો શિયાળ જેવા ચતુર માણસોને કેમ પાછળ છૂટી જાય? જંગલી પ્રાણીઓની જેમ સરિસૃપ પ્રાણીઓ અને કીટક જંતુઓ ય આપણી માન્યતાઓમાં શામિલ છે. દા.ત. કેટલાક અદેખા લોકોને સર્પ જેવા કહેલાં છે, તો ખાઈ-પીને આળસુની જેમ પડ્યાં રહેતાં લોકોને અજગરની સાથે સરખાવવામાં આવ્યાં છે.
આ તો એકલદોકલ માણસોની વાત થઈ, પણ ભીડમાં રહેલ માણસોને અળસિયાની જેમ રેંગતા લોકો તરીકે ઓળખ્યાં છે, કે કીડીયામણની જેમ લોક ભેગું થયેલ છે એમ કહેવાય છે. આમ પશુ-પંખીઓ, જીવજંતુઓ અને સરિસૃપોનાં સ્વભાવ અને કાર્યની દેનનો મોટો પ્રભાવ માનવજીવન પણ પડેલો છે. અલબત્ત આ લિસ્ટ તો મોટું છે, પણ આજે આટલાં જ અટકીએ.
© પૂર્વી મોદી મલકાણ (યુ.એસ.એ)
purvimalkan@yahoo.com
** આ લેખમાં ઉપયોગ કરેલી અમુક સામગ્રી લેખિકા શ્રી વિમલાબેન હીરપરા પાસેથી લેવામાં આવી છે. તેમનો ખૂબ ખૂબ આભાર.
–
વિશ્વ પ્રાણી દિવસને દિને સુ શ્રી પૂર્વી મોદી મલકાણનો
આપણી લોકસંસ્કૃતિમાં પશુપક્ષીઓ અને માનવસ્વભાવ
–
સ રસ લેખ