બે ગીત ~ મુકેશ જોષી ~ જન્મદિનઃ ૨ ઑક્ટોબર
૧.

બધું હરિ પર નિર્ભર
કાં વરસાવે મેઘ અષાઢી કાં વરસાવે ઝરમર!
મારી પાસે દેવા માટે કેવળ આંસુમૂડી
સોપારી પણ એની છે ને એની પાસે સૂડી
કાં તો સઘળું ઉધાર રાખે કાં તો કરશે સરભર
દિવસે દિલથી ક્હેણ મોકલું સ્વપ્ને જાઉં રાતે
કાં તો કોઈ દૂત અને કાં સ્વયં આવશે જાતે
મારી પાસે ફૂલ માગશે કાં તો એનું અત્તર
કદી વ્હાલથી સામે જુએ કદી ઉદાસી ભાવે
મુઠ્ઠી મુઠ્ઠી અક્ષર મારી ઝોળીમાં પધરાવે
એને મારાં ગીત ગમે કે ગઝલ કે ખાલી અક્ષર
૨.

કમાલ છે ઈશ્વરની કેવું સ્તર રાખ્યું છે
બે પંક્તિની વચ્ચે એણે ઘર રાખ્યું છે
બે શબ્દોની વચ્ચે એના ઘરની બારી ખૂલે
લયનો હિંડોળો બાંધી એ ધીમે ધીમે ઝૂલે
શીર્ષકના તોરણમાં પણ અત્તર રાખ્યું છે
અક્ષરના ઓશીકે પોઢી હસ્યા કરે એ મંદ
એ ચાલે ને એની સાથે ચાલે સઘળા છંદ
રસમાં લથબથ થાવાને સરવર રાખ્યું છે
અર્થભરેલી ચાર દીવાલો એ પણ રંગબેરંગી
અલંકારના ઝુમ્મર જોઈ હરખે ખૂબ ત્રિભંગી
નેમપ્લૅટમાં નામ છતાં કવિવર રાખ્યું છે
~ મુકેશ જોષી
જન્મદિનઃ ૨ ઑક્ટોબર
કાવ્યસંગ્રહ: બે પંક્તિના ઘરમાં
પ્રકાશક: ઈમેજ પબ્લિકેશન્સ
વાહ વાહ
સ રસ ગીતો
જન્મદિન મુબારક
વાહ.. લયમાં લયાન્વિત કરી જાય એવા સરસ ગીત.. અભિનંદન મુકેશભાઈ
ઈશ્કેમીજાજમાં ઇશ્કેહકીકી ગીતો !
હરિ ઈશ્વર પણ કહેશે :
‘ દુબારા દુબારા – એક ગીત માટે એક જન્મદિન માટે ! ! ‘
બંને રચના ગમી.
મને અતિ પ્રિય કવિના બે ગીતથી સાચા અર્થમાં મોર્નિંગ ગુડ થઈ ગયું
બંને રચના મનભાવન. આજની સવારનો પ્રારંભ શુભ ઘડીમાં થયો કે હું આ ગીતો સુધી પહોંચી. ધન્યવાદ કવિશ્રી🙏