બે ગઝલ ~ હિમલ પંડ્યા ~ ગઝલસંગ્રહઃ …ત્યારે જિવાય છે

૧.
આંખમાં એકાદ સપનું આજ સદ્ધર વાવીએ
કાલને અજવાળવી છે, કૈંક નક્કર વાવીએ

‘હું’ મટીને, ‘તું’ મટીને, થઈ શકીશું ‘આપણે’
શક્યતાઓ પૂરતી છે, એક અવસર વાવીએ

એમ ઘરડાઘર તણો વિસ્તાર પણ અટકી શકે!
બસ, ઉછરતી પેઢીઓમાં ક્યાંક આદર વાવીએ

એક સાચા સ્મિતથી દુનિયા જિવાતી હોય છે
બોલ, શાને આંસુઓ, પીડા કે કળતર વાવીએ?

પાક લણવો છે હવે કરુણાતણો, સમજણતણો
માનવીના મૂળમાં પહોંચીને ઈશ્વર વાવીએ

વારસામાં જો, કવિતા કેટલી સદ્ધર મળી!
નવકવિનો શબ્દ થઈ જઈએ ને નવતર વાવીએ

ક્યાં વધારે પામવાની કોઈ ઈચ્છા રાખીએ?
એકમાંથી બસ અઢી થઈ જાય, અક્ષર વાવીએ

૨.
કોક દી એવું ય થાતું હોય છે
આંસુને પણ પી જવાતું હોય છે

હાથમાં જે આવતું હોતું નથી
હાથમાંથી એય જાતું હોય છે

પીંજરે પૂરાઈ છે જેની વ્યથા
એય ક્યાં મરજીથી ગાતું હોય છે?

એક સપનું છે હજી સિક-લીવ પર
રાતભર એથી જગાતું હોય છે

હાથ બે જોડી તમે માંગો અહીં
ત્યાં સુધી ક્યાં સભળાતું હોય છે?

આંખ એની વાંચતા જો આવડે!
મૌન પણ એનું કળાતું હોય છે

આ ક્ષણો જે સાથમાં એના વીતે
એ ક્ષણોમાં બસ જિવાતું હોય છે

~ હિમલ પંડ્યા
ગઝલસંગ્રહઃ …ત્યારે જિવાય છે
પ્રકાશકઃ કવિતાકક્ષ, ભાવનગર
વિક્રેતાઃ અરિહંત પુસ્તક, ભાવનગર મોઃ +91 8734982324

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. ભૂત, વર્તમાન, ભવિષ્યને વણી લેતી વાંગમય ગઝલો ! !