કૉફી ફોર ઑલ ~ નંદિતા ઠાકોર ~ કટાર: ફિલ્ટર કૉફી

થોડા વખત પહેલાં સોશિયલ મિડિયા પર એક પોસ્ટ વારંવાર વાંચવા મળતી. જેનો ભાવાર્થ એ હતો કે જયારે મન થાય ત્યારે કે જયારે જરૂર લાગે ત્યારે મારાં બારણાં ખટખટાવજો. કૉફી મશીનમાં કૉફી તૈયાર જ હશે . મારું મન અને ધ્યાન તમારી વાતોમાં જ હશે અને તમારી વ્યથા હળવી થઈ શકે એ માટે મારો ખભો તૈયાર જ હશે.

કહેવાનું તાત્પર્ય એ હતું કે કંઈ કેટલીય પીડાઓ, મૂંઝવણો દરેકની અંદર ભરેલી હોય છે. ક્યારેક એને વ્યક્ત પણ કરવી પડે, વહેંચવી પડે જેથી એનો ઉપાય મળે. ઉપાય ન મળે તો ય વ્યક્ત થઈને હળવા તો થઈ જ શકાય. કોઈ આપણી વાતને, પીડાને, તકલીફને સમજી શકે છે, સહ્રદયતાથી સાંભળે છે એ પણ બહુ મોટી વાત છે.    

ડિપ્રેશન કે એની આજુબાજુની નાની મોટી માનસિક વ્યાધિઓ મોટેભાગે આધુનિક યુગની દેન છે. જે પ્રકારની જીવનશૈલી આપણે અપનાવી છે અથવા તો અપનાવવી પડે છે એમાં અનેક જાતની તાણ અને ત્રાસ વત્તેઓછે અંશે બધાને ભાગે લખાયા છે જ. દરેક જણ એને પોતાની રીતે વેઠે છે અને પોતાની રીતે એના રસ્તા શોધે છે. પણ વારંવાર એ સમજાય છે કે વ્યક્ત થવું સહેલું નથી. ખાસ કરીને અંગત જીવનની સમસ્યાઓ કે વિટંબણાઓ વિષે ખુલીને વાત કરવી સહેલી નથી.

આપણી કશી નબળાઈ કે અસફળતા ઉઘાડી પડી જવાનો ડર, નબળાઈ ન હોય તો ય નબળાઈમાં ખપી જાય એવો ડર , સામેની વ્યક્તિ એ સાચા અર્થમાં ન સમજે તો એવો ડર અને બીજા અનેક પ્રકારના બંધનો વ્યક્તિને બાંધી દે છે અને મનનો મૂંઝારો મનમાં ને મનમાં ઘૂમરાતો જ રહે છે.  માનસિક રોગ તજ્ઞની મદદ લેવા માટેની જાગૃતિ હજી પણ થોડી ઓછી છે. લોકો સંકોચાય છે. એના પરિણામે નાની લાગતી વાત ક્યારેક બહુ મોટું અને આકરું સ્વરૂપ લઈ બેસે એમ પણ બને જ છે. 

વડીલો બાળકો સાથે ખુલી શકતા નથી, બાળકો વડીલો સામે ખુલી શકતા નથી. પતિ પત્ની સાથે જીવે છે તો ય જીવનની જુદી જુદી લડાઈઓ લડે છે. દરેકના  મનનાં ગોરંભા વધુ ને વધુ ગાઢા થતા જાય છે.  આ બધાનાં કારણો ય જુદાં હોય અને નિવારણો પણ. પરંતુ કોઈક એક બે વ્યક્તિઓ કે એક બે ઘર એવાં હોય જ્યાં પોતાનો બધો ભાર ઢોળી શકાય, હળવા થઈ શકાય, મુશ્કેલીનો હલ ન મળે તો પણ મન પરથી સહેજ ભાર ઉતારી શકાય. કોઈ પણ મનગમતાં કાર્યો કે સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરીને પણ જે ભાર હળવો ના થતો હોય તે ભાર આવા એક કૉફીના પ્યાલામાં કે ચાની ચુસકીમાં ઓગાળી શકાતો હોય છે. 

છેલ્લાં દોઢ બે વર્ષથી ઘરમાં ને ઘરમાં રહીને, કે ડર સાથે બહાર જઈને  પોતાની સ્વાભાવિક જિંદગીની સહજતા ગુમાવીને બેઠેલાં અસંખ્ય લોકો જાણે અજાણે પણ નરી આંખે ન દેખાય અને શબ્દશઃ સમજાવી ન શકાય એવી વિચિત્ર પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. કોઈકે પ્રિયજનો ગુમાવ્યાં છે, કોઈકે ધંધા રોજગાર. કોઈકના પ્રિયજનો ખૂબ દૂર વસે છે અને કોઈક કશી ઘટના વગરની સીધા સપાટ રસ્તે ચાલી જતી  બોરિંગ  જિંદગીથી થાકી ગયા છે. ખબર પણ ન પડે એ રીતે કંટાળાનો, અસહાયતાનો, અનિર્ણયાત્મકતાનો એક બોજ મન પર સતત રહ્યા કરે છે, સ્વાભાવિક જીવવાનું જાણે ભૂલી જવાતું હોય એવું લાગે છે.    

સ્વાભાવિકપણે જ લોકો એમ કહે કે તમને ગમતું કંઈ કરો , નવું શીખો, જૂનાને જીવંત કરો, વાંચો, લખો, ગાવ…. કેટલાં બધાં ઑપશન્સ છે! પણ ખરેખર એમ થઇ શકતું નથી. ગમતી વસ્તુ કરવી પણ ગમતી નથી. એક જાતની નિર્બળતા મન અને શરીરનો ભરડો લઈ બેઠી છે. કોઈ કારણ વગર પણ મનને કશું ગમતું નથી. મનની અસર શરીર સુધી પણ જાય છે. નાની તકલીફો મોટી થઈ જાય છે અથવા મોટી લાગે છે. નવી તકલીફો સર્જાય છે.

આવે વખતે શું થઈ શકે? સુફિયાણી મોટી મોટી વાતો કામ લાગતી નથી. કોઈક ઉપદેશો આપતા હોય એમ એમના જ્ઞાનનો પરાણે લાભ આપે તે ફાવતું નથી. વગર માંગી સલાહો તો જરાય સહન થતી નથી. મનગમતું કામ કરવામાં પણ મનને ધક્કો મારવો પડે છે કે પછી એનો ય થાક લાગે છે.

આ પરિસ્થિતિમાં મૂકાયેલા અનેક લોકોને જોઉં છું ત્યારે એમ થાય કે એમને માટે હું શું કરું? શું કરી શકું? અંદરથી એક જ જવાબ મળે છે. તારું કૉફી મશીન સતત ચાલુ રાખ. તારો  ખોળો  કે ખભો વધુ સક્ષમ બનાવ. તારા હોઠ બંધ અને કાન ખુલ્લાં રાખ અને હૈયું નર્યા સ્નેહથી ભરી રાખ. પછી જેને જયારે જ્યાં એકાદ વસ્તુની પણ જરૂર છે એમ લાગે ત્યારે ત્યાં સહજતાથી આપતી રહે. આપ્યાની સભાનતા વગર. એની જાહેરાત કર્યા વગર. 

દરેક વ્યક્તિ જુદી હશે, એની તકલીફો અને જરૂરત પણ જુદાં હશે પણ એ સૌને કામ લાગશે આ જ ખભો, ખોળો કે હૈયું. અને આટલે જ અટકવાની પણ શી જરૂર? અમસ્તું જ કોઈને માટે કંઈક પણ કરી જ શકાય, એના મુખ પર સ્મિત મૂકી શકાય, એનો દિવસ હૂંફાળો બનાવી જ શકાય. મુશ્કેલી કે તકલીફની વાત હોય કે ના હોય, કોઈક આપણો  વિચાર કરે છે એ વિચાર જ કેવો સરસ લાગે?      

ક્યારેક નાની લાગતી કે અર્થ વગરની લાગતી ફરિયાદો પણ કરવી પડે છે, કરવી જોઈએ. એ બધું કંઈક મોટું સ્વરૂપ લઈને વધુ નડતરરૂપ ન બને એ માટે.

હું થેરાપિસ્ટ નથી, હું માનવમનને જાણવાનો કે તાગવાનો કોઈ દાવો કરતી નથી, પણ હું એટલું જાણું છું કે મારો ખભો મજબૂત છે, હૈયું સ્નેહથી ભરેલું છે અને મારું કૉફી મશીન હંમેશાં ચાલુ હોય છે. મારો આવકાર માત્ર હોઠ પર નહીં આંખોમાં અને અસ્તિત્વમાંથી પ્રગટે છે. એટલે જ ક્યાંક કશેક પણ આંગળીથી સ્પર્શીને કોઈકનો દિવસ કે દિવસની થોડી પળો અજવાસથી ભરી દેવાનું છોડી દઉં એવી હું નથી. તમે છો? 

~ નંદિતા ઠાકોર 

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. ‘મારો ખભો મજબૂત છે, હૈયું સ્નેહથી ભરેલું છે’વાહ સ રસ વિચાર

    મજબૂત હોય એનેજ ખભો કહેવાય
    મનનો ખભો મજબૂત હશે તો ભાર લાગે નહીં

    પ્રેરણાદાયી વાત

  2. ના, એમ તો કેમ કોઈને અંધકારમાં એકલાં છોડી શકાય!? માનવ માનવને કામ નહીં લાગે તો તે માનવ કેવી રીતે કહી શકાય!