સાવ ડોબો (વાર્તા) ~ સુષમા શેઠ

મને મારો આખો ભૂતકાળ ચિત્રપટની માફક નજર સમક્ષ દેખાય છે. કંઈ જ ભૂલી નથી.

ગર્ભમાં હતી ત્યારથી મા સાથે કુદરતી સબંધ જોડાઈ ગયેલો અને જન્મી ત્યારેય મા એટલે મારી દુનિયા અને તે જ મારું સર્વસ્વ! મા મને છાતીએ વળગાડતી, ધવડાવતી, વહાલ કરતી, મીઠા મધુર કંઠે હાલરડાં ગાઈ સુવડાવતી અને વાર્તાઓ કહેતી.

માએ પેલી સિન્ડ્રેલાની પરીકથા કહેતી વખતે કહેલું કે સિન્ડ્રેલાની મોમ સ્ટેપ મધર હતી. “સાવકું” શબ્દનો અર્થ ત્યારથી મગજમાં ઘર કરી ગયેલો. સાવકું એટલે ઓરમાયું એટલે અણમાનીતું એટલે પ્રેમ ન કરે અને દુ:ખ આપે તેવી વ્યક્તિ એવું સજ્જડ સમજાયેલું.

મારા કમનસીબ કે મને જણનારી મારી સગી જનેતા મારી પાસેથી છીનવાઈ ગઈ. તેના આકસ્મિક અવસાન બાદ પપ્પા નવી મમ્મી લાવ્યા. પપ્પાએ મને કહ્યું તેમ હું સહુને કહેતી, ‘મારી મા દૂર દૂર આકાશમાં ઝગમગતો તારો બની ગઈ છે.’ તે સમયે હું માંડ સાડા ત્રણ વર્ષની હોઈશ.

થોડા સમય બાદ નવી મમ્મી આવી. તે મને આખો વખત ઘરમાં ગોંધી રાખી કામ કરાવ્યા કરશે તો? તેવો સિન્ડ્રેલાની વાર્તા જેવો ડર મારા મનને કોતરી ખાતો. એ સ્ટેપ મધર છે તેવું મનમાં લખાઈ ગયેલું તે ભૂંસાવાનું સ્ટોપ નહોતું થતું. સીન્ડર એટલે બળીને બનેલ રાખ અને હું પણ રાખ બની ગયેલ મારી માનો એક અંશ જાણે સિન્ડ્રેલા! 

હું નવી મમ્મીમાં પ્રેમ શોધતી. એય મને સરસ રીતે રાખતી પરંતુ… પરંતુ એકાદ વર્ષ બાદ પોતાના ઉપસેલા પેટ પર મારી હથેળી રાખી મમ્મીએ મને કહ્યું, ‘જો મીનુ, આપણા ઘરમાં તારી સાથે રમવા નાનકડો ભઈલો આવશે. મમ્મીને કામમાં મદદ કરવાની, હેરાન નહીં કરવાની હંને, તું હવે મોટી થઈ ગઈ.’

હું હોંશે હોંશે મમ્મીને બધું લાવી આપતી. તેને ચાદર ઓઢાડતી, તેનું માથું દાબી આપતી, દવા આપતી. મમ્મી પણ મને સારું સારું ખાવાનું બનાવી આપતી, મારી સાથે રમતી.

એક દિવસ પપ્પા ઓફિસેથી દોડતા આવી મમ્મીને હોસ્પિટલમાં લઈ ગયા. ‘અમે તારા નાનકડા ભઈલાને લઈને આવીશું. ડાહી થઈને ઘરમાં જ રહેજે.’ પપ્પાએ કહ્યું. તે હું કંઈ ગાંડી ઓછી હતી! હું તેમને ચૂપચાપ જોઈ રહી. નવી મમ્મીને પેટમાં ખૂબ દુ:ખતું હતું તોય મને બકી ભરીને ગઈ. હું ઘરમાં સાવ એકલી તેમના આવવાની રાહ જોતી રહી.

ત્રણ દિવસ પછી નવી મમ્મી નાનકડા ભઈલાને લઈને આવી. કેવો મીઠડો, ઢીંગલા જેવો હતો. ગોળમટોળ અને રુપાળો. મમ્મી તેને લઈને રુમમાં ચાલી ગઈ. તે આખો વખત તેની સાથે જ વિતાવતી. તેને દૂધુ પીવડાવે, રમાડે, હાલરડા ગાઈ સુવડાવે, છી કરે તો સાફ કરે.

હવે તે મારી સામુંય નહોતી જોતી. મને ન ગમ્યું. એકલી પડું ત્યારે મને મારી મા ખૂબ યાદ આવતી. જોરથી રડવાનું મન થતું પણ હું ડાહી હતીને! હું ચુપચાપ રાત્રે આકાશમાં તારલા જોયા કરતી. તેની સાથે વાતો કરતી કે મા, તું મને મૂકીને કેમ જતી રહી? આટલા બધામાં મારી મા કઈ હશે તેવું વિચાર્યા કરતી. ખૂબ ચમકતો તારો મારી મા હશે તેવું મારા બાળમાનસે ધારી લીધેલું.
હવે મારે બધું જાતે કરવાનું હતું.

નવી મમ્મી ભઈલાને તેડીને ફરે પણ મને કહે, ‘બહાર રમવા જા, અવાજ ના કરીશ.’ પપ્પા ઘરે આવે ત્યારે સીધા ભઈલાની પાસે જાય. 

મેં મમ્મીને કહ્યું, ‘માલે પન ભૈલાને તેડવો છે, તેની સાથે લમવુ છે.’ 
તે કહે, ‘તું નાની છે, તારાથી ન તેડાય.’
‘લે હું મોટી બેન નહીં?’ પૂછી હું રીસાઈ ગઈ પરંતુ મને મનાવનાર કોઈ નહોતું.

એક દિવસ બહુ ભૂખ લાગી હતી. મેં મમ્મી પાસે ખાવાનું માંગ્યું પણ તે ભઈલાને દૂધુ પાતી’તી. મને કહે, ‘જાતે લઈ લે.’ હું રસોડામાં ગઈ. લાડુની બરણી ઉપાડવા ગઈ તે મારા હાથમાંથી છટકીને પડી. બરણી ફૂટી ગઈ અને લાડુ વેરાઈ ગયા. પપ્પા ઓફિસેથી થાકીને આવ્યા હતા. તેમણે મારા ગાલે જોરથી બે તમાચા મારી દીધા. મને ખૂબ રડવું આવ્યું. કેટલીયે વાર સુધી હું રડતી રહી પણ મમ્મી ભઈલાને છાનો રાખવા જતી રહી. હવે તે મને લાડ નહોતી કરતી. હું જેમતેમ જાતે ન્હાઈ, જાતે વાળ ઓળી તૈયાર થઈ સ્કુલે ચાલી જતી.

મારી બહેનપણીઓ કહેતી, ‘એ તારી સ્ટેપ મોમ છે નૈ?’ કોઈ દયા ખાતી તો કોઈ મને ચીડવતી પણ હું મારી અકળામણ કોને કહું અને ફરી પેલી સિન્ડ્રેલા મારા મગજમાં આવીને ભરાઈ બેઠી. હું સાવકી હતી અને ભઈલો નવી મમ્મીનો પોતાનો એટલી સમજ તો ત્યારેય મને પડતી હતી. એ મમ્મી મારી નહોતી. સિન્ડ્રેલાને તો કદરુપી બહેનો હતી જ્યારે મારે તો રુપાળો ભાઈ. ઓ મા! વધુ ખતરનાક. મને ભઈલા પર ખૂબ ગુસ્સો આવતો. તે આવ્યો માટે જ મમ્મી મારું ધ્યાન નહોતી રાખતી. પપ્પા પણ ભઈલા માટે જ નવા રમકડાં લાવતા. ઉફ્ફ! મને ભઈલો જરાય નહોતો ગમતો. તે મારા કરતા રુપાળો હતોને! તેનું નામ પણ કેવું સરસ, દીપ.

મમ્મી, પપ્પા અને ભઈલા દીપ પરત્વે અણગમો છુપાવતા એ ઓરમાયા વર્ષો પસાર થતાં ગયાં. મોટી બેન તરીકે મારી જવાબદારીઓ વધતી રહી. હું નાઇલાજ હતી. કરુંયે શું? મમ્મીને કામમાં મદદ કરવી, ભઈલાને હાથ પકડી સ્કુલે લઈ જવો, તેને હોમવર્ક કરાવવું, તેનું ધ્યાન રાખવું એવી બધી જવાબદારી મારા નાનકડા શિરે હતી. મારા રમકડાં પણ તે લઈ લેતો અને નાસ્તાના ડબ્બામાંય ભાગ પડાવતો. ખાનામાં સંતાડી રાખેલી ચોકલેટ તે ગાયબ કરી દેતો અને મારા ચોટલા ખેંચી મને ચીડવતો. હું તેને મારવા દોડું ત્યારે ક્યાંક ભાગી જતો અને પપ્પાને ફરિયાદ કરું ત્યારે ખોટું બોલી પોતાને નિર્દોષ પુરવાર કરી દેતો. પપ્પા નોકરી અર્થે બહારગામ વધુ રહેતા અને મમ્મીને ટીબી થવાથી સદાય માંદી.

દીપને લેસન કરાવવાની જવાબદારી મારી હતી. પાઠ્યપુસ્તકમાંના સહેલા સવાલોના જવાબ તેને ન આવડે ત્યારે હું કહેતી, ‘ડોબા તને એ નહીં સમજાય.’ મારી સર્વોપરિતા કદાચ એ રીતેય હું પુરવાર કરવા માંગતી હતી. નહોતું જ બનવું મારે મોટી બહેન પરંતુ હું તો સાવકી અણગમતી હતીને! કોઈ જાતના અરમાન વગરની ઓરમાયી.

દીપને સંતાકૂકડી, પકડદાવ રમવું ખૂબ ગમતું અને તેની સૌથી પહેલી સાથી હું જ હતી. મારા મનનેય રમીને મોકળાશ મળતી. જો કે અમારા લુપાછુપીના, કીટ્ટા-બુચ્ચાના, રમકડાંથી રમવાના એ વર્ષો ઝડપથી પસાર થઈ ગયા. દીપના ચહેરા ઊપર હવે મૂછના દોરા ફૂટવા માંડ્યા હતા અને હું કોલેજમાં ભણવા જવા માંડી હતી.

ક્યારેક મને નવાઈ લાગતી. શિયાળાની ઠંડી રાત્રે કોઈ મને રજાઈ ઓઢાડી દેતું. એ ફક્ત રજાઈ નહોતી, તેમાં પ્રેમની હૂંફ પણ ગુંથાએલી હતી. ક્યારેક મારી પર્સમાં ટ્રેનનો મંથલી પાસ મૂકાઈ જતો. તે એક પાસ ઉપરાંત મારી કાળજી લેવાઈ છે તે દર્શાવતું પ્રમાણપત્ર હતું. મારી પાણીપુરીનું પાણી વધુ તીખું થઈ જતું અને મારી આંખે આવેલા પાણી પાછળ દીપનું હાસ્ય ડોકાતું. પાણીપૂરી જેવી ખટમધુરી તીખી લાગણીઓમાં ભળી જતી એ મસ્તી હતી. હું માસિકધર્મ પાળતી હોઉં ત્યારે એ કહેતો, ‘આહા! કામ ન કરવું પડે તેનું નાટક! યુ નૌટંકી ડ્રામેબાજ.’ અને ત્યારેય હું કહેતી, ‘ડોબા, એ તને નહીં સમજાય.’ 

પછી એ જ પાછો મારા કપાળે બામ ઘસવા બેસી જતો. બામ કરતાંય તેના હાથનો સ્પર્શ વધુ રાહત આપતો. મોડી રાત્રે ભણવા બેસું ત્યારે લાઈટ બંધ કરી તેનું, ‘સુઈ જાને.’ કહેવું અને સવારે મને વહેલી જગાડી કહેવું, ‘ઊઠ ચલ, ભણવા બેસ.’ જાણે એ મોટો દાદો. મને એવો તો ગુસ્સો આવતો! ત્યારે વળી ગરમા ગરમ કોફીનો મગ સામે ધરીને તે કહેતો, ‘લે, પીલે સ્ફૂર્તિ આવી જશે પણ ડોબી, એ તને નહીં સમજાય.’ 

હું પ્રેમ પામવા મથતી હતી ત્યારે દીપે બોલ્યા વગર જાણે સમજાવ્યું કે પ્રેમની અનુભૂતિ તો કોઈને પ્રેમ આપવાથી જ માણી અને જાણી શકાય.

જો કે આ સિન્ડ્રેલાને એવું સમજાતું હતું કે મહામૂલી કાચની મોજડીની જોડ ખોવાઈ ન જાય કે તૂટી ન જાય તેમ સાચવી રાખવાની છે. કાચની મોજડી એટલે જ પ્રેમ? એક વગર બીજી અધૂરી. બંધબેસતી બે પગની જોડ જાણે બે વ્યક્તિ વચ્ચેના પ્રેમની સાક્ષી છે. 

ઘડિયાળમાં બારના ટકોરા પડે તે પહેલા મારે ઘરે પરત આવી જવું પડતું. મને બહારથી આવતાં સહેજ મોડું થાય ત્યારે દીપ મારી લેફ્ટ રાઈટ લઈ લેતો.

‘ક્યાં ગઈ’તી? કેમ મોડી આવી? કોની સાથે ગઈ’તી?’ વણથંભ્યા પ્રશ્નોના સંતોષકારક જવાબ ન મળે ત્યાં સુધી એનું પૂછવાનું ચાલુ જ રહેતું. હું અકળાઈ જઊં તો કહે, ‘ડોબી, એ તને નહીં સમજાય.’

પછી તો નવરાત્રી વખતે હું ગરબે ઘુમવા જઉં ત્યારે જાણે મારી પર ચોકીપહેરો ગોઠવ્યો હોય તેમ તેની આંખો સતત મારી પર નજર રાખતી. મને ગરબા-ગ્રાઉન્ડ પરથી લાવવા લઈ જવાની જવાબદારી તે સ્વેચ્છાએ નિભાવતો.

‘હું કંઈ નાની કીકલી નથી. તારા કરતા મોટી છું સમજ્યો? આમ મારી પાછળ પાછળ આવવાની જરુર નથી.’ મેં છણકો કરતા કહેલું. ગુસ્સામાં મને બોલવાનું ભાન નહોતું રહ્યું. મારા હૈયાને કોરી ખાતી વાત હોઠે આવી જ ગઈ, ‘સાવકી છું ને?’

ત્યારે મારા હોઠ આડે તેની મજબૂત હથેળી મૂકી દઈ મારી આંખોમાં પોતાની આંખો પરોવી તે બોલેલો, ‘ડોબી, તને નહીં સમજાય.’ તેની એ પ્રેમ નીતરતી આંખોએ મને અવાક્ કરી દીધી. જાદુ કરતો લાગણીભર્યો પંજો મારા માથે હળવાશથી ફર્યો.

ખરેખર હું નહોતી સમજતી, નિર્દોષ પ્રેમ એટલે શું. હું અલ્લડ યુવાનીમાં પ્રવેશી ચૂકી હતી અને તે સભાન સમજદારીમાં. 
‘હું નાનો હતોને ત્યારે તારી આંગળી ઝાલી લેતો. દીદી, તું જ મને રસ્તો ક્રોસ કરાવતીને?’ કહી દીપ હસી પડતો. એ હાસ્યમાં કેટલો ભરપૂર સ્નેહ છલકાતો હતો!

દીપને રક્ષાબંધને હું રાખડી બાંધું ત્યારે મને ચીડવવામાં કંઈ બાકી ન રાખ્યું હોય. ખાલી ખિસ્સા બતાવી કહે, ‘આ કડકા ડોબા પાસે કંઈ નથી. આવતા વરસ ખાતે તારી પસલી ઉધાર.’ અને રુમમાં જઈને જોઊં તો પલંગ પર નવો નક્કોર પેક કરેલો મોબાઈલ ફોન મારી રાહ જોતો હોય. 

એને પૂછું, ‘દીપુડા, તારે નવી સાઈકલ લેવાની છેને?’ તો ઉડાઉ જવાબ મળે, ‘હું જઈ જઈને ક્યાં જવાનો? આ બંદાના પગ સાબૂત છે પણ ડોબી, એ તને નહીં સમજાય. આ ફોન મને જાણ કરવા માટે વાપરજે કે તું ક્યાં ગઈ છે અને ક્યારે પાછી આવશે સમજી.’ મને નહોતું જ સમજાતું. મારી ભીતર ધુંધવાએલી સિન્ડ્રેલા બેઠી હતીને.

કેલેન્ડરના પાના બદલાતા ગયા અને કેલેન્ડર પણ. મને જોવા એક યુવાન મુરતિયો આવવાનો હતો. કદાચ મમ્મી-પપ્પાને હશે કે જવાબદારીમાંથી મુક્ત થઈએ. ત્યારે મેં નછૂટકે દીપને મારા મનની વાત કરી. તે મરક મરક હસ્યો. જાણે આંખોથી મને આશ્વાસન આપતો હોય તેમ ડોકું હલાવ્યું.

મને મારી સાથે ભણતો સમીર પસંદ હતો. પેલો યુવક તેના માવતર સાથે મને જોવા આવ્યો. બધી વાતચીત થઈ. લગભગ નક્કી જ હતું. હું મૂંઝાતી હતી કે પપ્પાને શી રીતે વાત કરવી અને સામેથી તે લોકોની ‘ના’ આવી ત્યારે દીપે આંખ મીંચકારી મને કહ્યું, ‘ડોબી, કંઈ સમજી?’ અને હું બધું સમજી ગઈ. ‘નૌટંકી’ તે બોલ્યો અને અમે હસી પડ્યા. મને થયું આ સિન્ડ્રેલાને હવે સપનાનો રાજકુમાર મળશે.

દીપ ફક્ત ભાઈ નહોતો તેથી વિશેષ કંઈક હતો. કદાચ પેલી પરીકથાની પરી જેવો, પ્રેમાળ ફિરસ્તો. જેની પર માથું ઢાળી શકું તેવો એક ખભો. કરમાયેલા છોડને સ્નેહજળ સીંચાય તો એ ખીલી ઊઠે; હું તો છેવટે એક સ્ત્રી. પણ અમારી આવી હસી-મજાક અને નિસ્વાર્થ પ્રેમની કદાચ કુદરતને ઈર્ષા આવી હશે. હું અને સમીર અવારનવાર મળતા. મમ્મી-પપ્પાથી બધું ખાનગી હતું પરંતુ દીપ તે જાણતો હતો. ઘર નજીકનું નાનકડું ઉદ્યાન એ અમારું નિયત મળવાનું સ્થળ હતું. ઘર પાછળની ગલી વટાવી થોડા અંતરે ચાલીને હું ત્યાં પહોંચી જતી. 

તે રાત્રે બનીઠનીને હું સમીરને મળવા નીકળી. ઘર પાછળની સુમસામ અંધારી ગલીમાં કેટલાક ગુંડા મવાલી છોકરા મારી પાછળ પડ્યા અને એલફેલ બોલવા માંડ્યા. મેં ચાલવાની ઝડપ વધારી. એક છોકરો મારી સામે આવી ઊભો રહી ગયો. 
‘બચાવો…’ મેં ચીસ પાડી પરંતુ બીજા બે મને ઘેરી વળ્યા. 

‘એય છમ્મકછલ્લો કહાં ચલી? હમ ભી ખડે હૈ તેરી રાહમેં હૈ.’ સાંભળી હું ધ્રૂજી ગઈ. મારા આખા શરીરે પરસેવો વળી ગયો. કંઈ સમજાય તે પહેલા એકે મારો હાથ પકડી લીધો અને હસવા માંડ્યો. ચોવીસ વર્ષની મારી નાજુક કાયા દોડવા ગઈ પણ છટકી ન શકી. 

‘બચાવો…’ મેં ફરી જોશથી બૂમ પાડી. દીપને ફોન જોડ્યો. કંઈ બોલું તે પહેલાં મારો સાદ દીપ સુધી કઈ રીતે પહોંચ્યો તે ભગવાન જાણે પરંતુ એ ક્યાંકથી ધસી આવ્યો. શું અમારી વચ્ચે કોઈ ઈન્ટરનેટ કનેક્શન હતું કે ઈન્ટ્યુશન? હાથમાં ઝાલેલી લાકડીથી તેણે પેલા ગુંડા મવાલીઓને ઝૂડવા માંડ્યા. 

‘ભાગ દીદી.’ દીપે રાડ પાડી, ‘તેં મને બાંધેલ રાખડીના સમ દીદી, તું અહીંથી જતી રહે. સમજ ડોબી, જા…’ તેણે જોરથી ત્રાડ પાડી.

ગભરાટમાં મેં ઘર ભણી દોટ મૂકી. ખાસ અંતર નહોતું. ઘરે જઈ મેં મમ્મી-પપ્પાને બધું જણાવ્યું. ‘જ… જલ્દી ચ ચ ચાલો.’ બોલતાં મારો સ્વર કંપી રહ્યો હતો. 

અમે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે દીપ મૂર્છિત અવસ્થામાં ત્યાં ઢળી પડ્યો હતો. તેના માથામાંથી પુષ્કળ લોહી વહી જતું હતું. અમે તેને તાત્કાલિક હોસ્પિટલે લઈ ગયા. ડોક્ટરે પ્રાથમિક તપાસ કરી, ઈલાજ શરુ કરતા જણાવ્યું, ‘પેશન્ટના શરીરમાંથી ઘણું લોહી વહી ગયું છે, માથામાં ટાંકા લઈ તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. લોહી જોઈશે તેની વ્યવસ્થા કરો.’ 

પપ્પાએ દોડધામ કરી અને લો! છેવટે મારું જ રક્ત તેના રક્તકણો સાથે મેચ થયું. મેં ત્રણ બોટલ લોહી આપ્યું. એ ચડાવાતા ગરમ લોહીમાં બીજુંય કંઈક ભળેલું હતું. કદાચ પ્રેમની ઉષ્માને લીધે જ લોહી ગરમ રહેતું હશે. મેં મારી જાતને કહ્યું, ‘ડોબી, તને એ નહીં સમજાય.’ 

દીપ સાજો તો થઈ ગયો પરંતુ મેડિકલ ભાષામાં કહીએ તો સેમી-કોમામાં સરકી ગયો. સારવાર ચાલતી રહી. મનમાં એક ખાલીપો અને અજંપો લઈને મારા મહિનાઓ, દિવસો, કલાકો પસાર થતા ગયાં. પથારીવશ દીપ બોલી નહોતો શકતો. મર્યાદિત હલનચલન કરતો અને મનની લાગણીઓ વ્યક્ત કરવા આંખને ઈશારે થોડોઘણો પ્રયત્ન કરતો.

‘કામ ન કરવું પડે માટે નૌટંકી? એય, ડ્રામેબાજ ચાલ ઊઠ દીપુડા, ઉભો થા’ હું કહેતી ત્યારે તેની આંખના ખૂણેથી આંસુ રેલાઈ જતા અને હોઠ મલકાતા.

‘એય દીપુડા ઓશીકું ન બગાડ.’ હું તેને કહેતી પરંતુ મારુંય ઓશીકું ક્યાં કોરું રહેતું? કંઈક વિચિત્ર પ્રકારની એ અનુભૂતિ હતી.
તે દરમ્યાન મારું સગપણ સમીર સાથે નક્કી થયું. કંકોત્રી લઈ હું તેના પલંગ પાસે ધસી ગઈ.

‘ભઈલા તારા વગર મારા લગ્ન નહીં થાય. તારે ઊભા થવાનું જ છે. મને ડોબી કોણ કહેશે? કંઈ સમજાય છે?’ હું કંઈ કેટલુંય બોલી ગઈ ખબર નહીં. 

‘મને વિદાય આપવા આવશે ને?’ સાંભળી તેની સ્નેહ નીતરતી આંખોએ મને અંદરથી આખેઆખી ભીંજવી દીધી. હું રડવું ન ખાળી શકી. છૂપી લાગણીઓનો ધોધ બંને તરફ વહી રહ્યો હતો.

‘ડ… ડો… બ…બી…ઈ…’ તેના હોઠ ફફડ્યા. તેણે હાથ ઊંચો કર્યો. પગની પાની હલાવી. ચમત્કાર જોઈ રહી હોઊં તેમ મારી આંખો પહોળી થઈ ગઈ. હું દોડી. તુરંત ડોક્ટરને બોલાવ્યા. 

‘મને ડોબીને કંઈ નથી જ સમજાતું.’ કહેતા મારી એક આંખ રડતી હતી અને બીજી હસતી હતી.ધીરે ધીરે દીપની હાલતમાં સુધારો થતો ગયો.

‘તેં મને જીવતો રાખ્યો અને બેઠો કર્યો ડોબી, તારા લોહીમાં પ્રેમનું અમૃત પણ ભળેલું હતુંને પણ જવા દે એ તને નહીં સમજાય.’ તે બોલ્યા કરતો.
***
દીપ સંપૂર્ણપણે સાજો થઈ ગયો છે. આજે સમીર સાથે મારાં લગ્ન છે. ડોલીમાં મને ઊંચકીને બેસાડી દઈ, મારા મેંદી રચેલ હાથમાં મોબાઈલ પકડાવતો તે કહે છે, ‘ડોબી, જરુર પડે ત્યારે ફોન કરજે પણ હું ઈચ્છુ છું કે તેવી જરુર જ ન પડે. જવા દે તને નહીં સમજાય.’

ખરેખર નથી સમજાતું શું આને જ પ્રેમ કહેવાય?જવા દો મારે સમજવુંય નથી. લગ્ન મંડપની ચોરીમાં સમીર સાથેના ફેરા ફરવાની વેળા આવી પહોંચી. રંગેચંગે લગ્ન પત્યા અને વિદાયની વેળ પણ આવી ગઈ. અરે! પણ મારો ડોબો ભઈલો દીપુડો ક્યાં? હજુય સાવ ડોબો જ રહ્યો. સમજાતું નથી શું કરું. વિચારું છું કે તે વખતે અણીના સમયે દીપ ના હોત તો ભગવાન જાણે મારુ શું થાત. અત્યારે પણ આવી જ જશે, મને વિશ્વાસ છે, અમારી વચ્ચે ઈન્ટરનેટ કનેક્શન છેને! ઈન્ટ્યુશનનું.

મારી આંખો દીપને શોધે છે પરંતુ મને ડોબીને એ ન સમજાયું કે મારી વિદાયનું દર્દ હું તેની આંખોમાં જોઈ ન જાઉં માટે એક ખૂણામાં ઊંધો ફરી જઈ તે આંસુ સારી રહ્યો છે; અમારી વચ્ચેનો પ્રેમ વિદાય-સ્થળે આવતા તેને રોકી રહ્યો છે. ઘડીભર પહેલા જે ફૂલો હસતા હતા તે અત્યારે મૂક બનીને અમને જોઈ રહ્યા છે.

મમ્મીએ કહ્યું, ‘વિદાય થઈ ગયા બાદ પાછળ ફરીને નહીં જોવાનું.’ 

મને મારી માએ કહેલી સિન્ડ્રેલાની વાર્તા યાદ આવી ગઈ. સિન્ડ્રેલાના પગમાં બીજી કાચની મોજડી બરાબર ફીટ થઈ ગઈ અને તેની જિંદગી બદલાઈ ગઈ. 

હવે હું આકાશના તારલામાં મારી માને નથી શોધતી. મારી પાસે મારો અખંડ દીપ છે. સમીર તેને બુઝાવી નહીં શકે.

~ સુષમા શેઠ

આપનો પ્રતિભાવ આપો..

20 Comments

  1. સગા ભાઈ બેનનો પ્રેમ પણ ઝાંખો પડી જાય તેવા સાવકા સંબંધના ઉંડા પ્રેમની વાર્તાની ખૂબ સહજ અને સુંદર માવજત, દિલને ખુશ કરી ગઈ. દિલથી અભિનંદન બેના.

  2. “ડોબી, તને નહીં સમજાય” એ વાક્યે આંખ છલકાવી દીધી. ખૂબ જ પ્રવાહી શૈલી અને લાગણીભરી માવજતથી લખાયેલી સાંગોપાંગ સુંદર વાર્ત્તા

  3. સાચે જ બધા ભાઈઓ દીપ જેવા જ હોય છે… વાર્તા ખૂબ જ ગમી

  4. રક્ષાબંધન પર્વ પર આ ભાઇ-બહેનના પ્રેમની સુંદર વાર્તા વાંચવા મળી તેથી ખૂબ ખૂબ આનંદ.આભાર,સુષમાબેન.તમારી હાસ્યરસિક વાર્તાઓ તો ગમે જ છે.આ સંવેદનશીલ વાર્તા પણ ખૂબ ગમી.

  5. ‘ડોબી, એ તને નહીં સમજાય.’ આ એક જ વાક્ય રડાવી ગયું . ને એ વાક્ય વાર્તા કરતાં કંઈક વધુ અનુભુતિ કરાવી ગયું. આભાર, બેન.