લાડકવાયા વીરા (ગીત) ~ કિશોર બારોટ

લાડકવાયા વીરા

ભરઉનાળે તારા પથ પર ઝરમર ઝાકળ ઝરે
લાડકવાયા વીરા, તારા રામ રખોપા કરે.

રાખડીએ ગુંથ્યા છે હરખે, મેં મારા ઉમળકા,
સપનામાં પણ તારા હૈયે પડે નહીં ઉજરડા.
હસી ખુશીના હિલ્લોળા હો, હર પળ તારા ઘરે.
લાડકવાયા વીરા, તારા રામ રખોપા કરે.

તારા ઘરની આજુબાજુ ફરકે ના કોઈ રોગ,
તારે ભાણે ભરચક હોજો કાયમ છપ્પન ભોગ,
તારે આંગણથી ના કોઈ ઠાલું પાછું ફરે.
લાડકવાયા વીરા, તારા રામ રખોપા કરે.

પરસેવામાં ઝબકોળી તું પહેલાં કરજે શુદ્ધિ,
અભરે ભરજે તારા ઘરમાં એવી તું સમૃદ્ધિ,
તારા ઘરમાં શુભલક્ષ્મીજી સદા બેસણાં કરે
લાડકવાયા વીરા, તારા રામ રખોપા કરે.

~ કિશોર બારોટ

આપનો પ્રતિભાવ આપો..

5 Comments

  1. શ્રી કિશોર બારોટનું રાખીગીત ખૂબ સુંદર થયું છે.
    આપનું આંગણું અને કિશોરભાઈને ખૂબ ખૂબ અભિનંદન.
    હિતેનનો ખૂબ ખૂબ આભાર કે મઝાનું સાહિત્ય પીરસી રહ્યા છે.

  2. હિતેન ભાઈ, આપનો સ્નેહ એ મારા વિકાસની એક પગથી બની છે.
    હદયપૂર્વક આભાર 🙏

  3. અમારા વડોદરાના ‘ગીતદાદા’ના હુલામણા નામે ઓળખાતા મિત્ર કવિ કિશોર બારોટ્ના દરેક ગીત આવા જ સુંદર અને અંતર્ને સ્પર્શી જાય તેવા હોય છે.. ખૂબ ખૂબ અભિનંદન..!!