સ્ત્રીના અસ્તિત્વની સચ્ચાઈ કઈ? ~ નંદિતા ઠાકોર ~ કટાર: ફિલ્ટર કૉફી
એક તરફ અફઘાનિસ્તાનથી ચિંતાજનક સમાચારો મળે છે. એમાંય સ્ત્રીઓની પરિસ્થિતિ કે સંભવિત પરિસ્થિતિની વાતો લોહી થીજાવી દે છે. બીજી તરફ મારી આંખો સામે રહી રહીને હમણાં જ જોયેલું એક સુંદર સ્થાન દેખાયા કરે છે. જેનું નામ છે women’s park.
ફ્લોરિડાના માયામી શહેરના એક વિસ્તારમાં રસ્તા પરથી આ સુંદર ઉદ્યાન દેખાય છે. નામ વાંચીને કૂતુહલ થાય છે. આ શું માત્ર સ્ત્રીઓ માટે જ બનાવવામાં આવ્યો હશે? અને એમ કરવાનો કોઈ ખાસ હેતુ હશે? એનો સીધો અને સરળ જવાબ મળે છે: આ દેશનો કદાચ આ સૌ પ્રથમ પાર્ક છે જે સ્ત્રીઓના સન્માનરૂપે બનાવવામાં આવ્યો છે. ખાસ કરીને આ વિસ્તારના વિકાસ અને પ્રગતિ માટે સ્ત્રીઓએ જે ફાળો આપ્યો છે તેને સન્માનવા માટેનું આ એક પગલું છે.
એક તરફ સ્ત્રીઓની પ્રગતિ અને સમાજના દરેક ક્ષેત્રમાં એના નોંધપાત્ર પ્રદાનથી કોઈ અજાણ નથી. અને બીજી તરફ સ્ત્રીઓની પોતાની સામાજિક,આર્થિક પરિસ્થિતિ કે એમના તરફ થતો વ્યવહાર વિચારતા કરી મૂકે છે. કઈ સદીમાં જીવી રહ્યા છીએ આપણે?
આમ તો આ પાર્ક અહીં સ્થપાયો એ જ બતાવે છે કે આપણી સભ્યતા હજુ મારી પરવારી નથી. અમેરિકા જેવા દેશમાં પણ સ્ત્રીઓએ જે સહન કર્યું છે અને જે રીતે પોતાને સાબિત કરવા લડતો આપી છે તે ભૂલી શકાય એમ નથી. પણ એ જ દેશમાં રૉકસી બોલ્ટન જેવી નારીવાદી અને આર્ષદ્રષ્ટા સ્ત્રીએ અન્ય સ્ત્રીઓના સ્થાન અને સમાજ માટેના પ્રદાનની નોંધ લેવાય એવો આ પાર્ક તૈયાર કરવાનો જે વિચાર મૂક્યો, તે આ વિસ્તારના અને આ દેશના ઈતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે.
સ્ત્રીઓના અધિકારોને માન્ય રાખવાની શરૂઆત થયા પછી એમના પ્રદાનની સ્મૃતિ સજાગ રાખવા આ પાર્કમાં એક ટાઈમ કેપ્સ્યુલ પણ મુકવામાં આવી છે. છતાં ક્યારેક એમ થાય છે કે આ વિશ્વમાં હજુ એવી ‘સભ્યતાઓ’ અસ્તિત્વમાં છે જે આજે પણ ટાઈમ કેપ્સ્યુલમાં બંધ થઈને જીવે છે. એ કેપ્સ્યુલ ખૂલે તો એમની સદીઓ જૂની દકિયાનૂસી માન્યતાઓ આપણા પર બમણા જોરથી હુમલો કરી બેસે.
એકવીસમી સદીમાં પણ હજુ સ્ત્રી એના અસ્તિત્વને કોઈ આકાર જ નથી આપી શકતી એમ પણ અનુભવાય છે અને એક તરફ હવે તો આખું આસમાન પોતાની આંખમાં ને પાંખમાં હોવાની તાકાત લઈને સ્ત્રીઓ ચોતરફ પોતાની ઓળખનાં અજવાળાં પાથરી રહી છે. આ બેમાં સાચું શું? કોઈ ચીજ વસ્તુ કે માલસામાનની જેમ એમની ગણતરી કરવામાં આવે છે એ સચ્ચાઈ છે કે હું આ લખી શકું એ સ્વતંત્રતા મારી પાસે છે એ સચ્ચાઈ છે?
નારીવાદી કવિતાઓ કે લેખો લખવાથી ક્રાંતિ નથી આવતી છતાં હંમેશા શબ્દોએ ધારદાર કામ કર્યું જ છે. એટલે તો નાદિયા અંજુમન જેવી કવયિત્રી જાનથી હાથ ધોઈ બેસે છે.
આ સદીમાં પણ! માયા એન્જેલુ જેવી કવયિત્રી પોતાનું સ્થાન બનાવી શકે ત્યાં સુધીમાં શારીરિક, માનસિક, આર્થિક સામાજિક એમ બધી રીતે વેદનાના, પીડાના, અન્યાયોના વમળમાંથી પસાર થાય છે. હજુ મીરાંઓ ઝેરના પ્યાલા પીએ છે અને હજુ મલાલાઓ ઉપર એસિડ ફેંકાય છે.
અસ્તિત્વની સુંદરતા અને શક્તિ એ માત્ર પરીકથા કે કવિતાની રમત નથી એવું જતાવતા women’s park વધતા જાય એ જ ઈચ્છનીય. સ્ત્રીઓની અંદર રાધા, મીરાં, દુર્ગા અને મલાલા એકસાથે જીવી શકે એવો સમાજ ઊભો કરવામાં મારી પણ કશીક ફરજ અને જવાબદારી છે એ વીસરી જનારાઓમાંની હું નથી જ. તમે છો?
~ નંદિતા ઠાકોર
VARSHO THI STREE NA ASTTAV ANE MULYA ANE SACHHAI MATE LADAI CHALE CHE GANDHI BAPU, KASTUR BA E STREE NE PARTHMIKTA HONOR APVANU KAHETA HATA STREE ABLA NATHI. NICE LEKH. AJE BHRAT NI STREE PAN AKASH MA JAY CHE AIR PLAIN PAN PILOT BANI UDADE CHE MILITARY DESH NU RAKASHN KARVA JODAY CHE. MANAV STREE NE ABLA NA SAMJATO. PAN TARA JEVI BALVAN- ATI SMART BUDDHI VALI SAMJSHE.
વાહ ખૂબ સરસ સ્ત્રીને સન્માન મળવું જ જોઈએ એ નિર્ભયા હોય કે અંજુમ કે મલાલા અને ના મળે તો લડવું જોઈએ જીવવા માટે સર્વને સમાન હક છે
‘અસ્તિત્વની સુંદરતા અને શક્તિ એ માત્ર પરીકથા કે કવિતાની રમત નથી એવું જતાવતા women’s park વધતા જાય એ જ ઈચ્છનીય’ સટિક વાત
ધન્યવાદ
વાહ! ખૂબ સરસ! પ્રેરક વાત કહી! ✅✅👌👌💎💎👏👏🙏🙏